ટોરોન્ટો

કેનેડા, ટોરોન્ટો

ટોરોન્ટોમાં ઈમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શનનું ચેકિંગ બહુ જ સહેલું છે. જો કે, ત્યાં પહોંચતા જ મારા ધ્યાનમાં આવ્યું કે, આ એરપોર્ટ પર કોઈ પાસેથી કોઈ માહિતી જોઈતી હોય તો કોઈને ખાસ કંઈ ખબર નથી અને પડી પણ નથી. જો ઓસ્ટ્રેલિયા ‘laid back’ કહેવાય તો ટોરોન્ટો તો – It takes ‘laid back’ to another level કક્ષાની જગ્યા છે. ત્યાં જતાંનાં બે-ત્રણ કલાકમાં જ મને સમજાઈ ગયું કે, ઓસ્ટ્રેલિયન્સને કેનેડા આટલું કેમ ગમે છે અને અહીં ઘણાં બધાં ઓસ્ટ્રેલિયન્સ વર્કિંગ-હોલીડે વિઝા લઈને કેમ આવે છે. ઈમિગ્રેશન ફોર્માલિટી પતાવીને ધડકતા હૃદયે હું ‘અરાઈવલ લાઉન્જ’ પહોંચી. લેન્ડ થઈને તરત જ મેં સૌરભને ફોન કર્યો હતો એટલે એ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની સાથે તેનો કોઈ મિત્ર આવ્યો હતો.

તેણે “કાં દી!” કહીને હાથ મિલાવવા માટે લંબાવ્યો એટલે જવાબમાં હું બંને હાથ લંબાવીને તેને ભેટી પડી. પછી અમે પાર્કિંગ તરફ ચાલ્યાં ત્યારે તેણે મારી બેગ ઉપાડવાની ઓફર કરી તો મેં જવાબમાં હસીને “I am a strong, independent modern woman” એવી વાઈડાઈ ઓફર કરી. એટલે તેણે સામે હસીને કહ્યું “તો ઉપાડ” દસેક સેકન્ડમાં તેનાં મિત્રે તેને મારી બેગ લેવાનું સૂચન કર્યું. પણ, તેણે હસીને તેને કહ્યું કે, “ના, જરૂર નથી. એ સ્ટ્રોંગ .. પછી શું હતું, દી?” પછી અમે હસવા લાગ્યાં. મને થયું ચાલો, એટલી તો ખબર પડી કે બીજા જે કંઈ ફર્ક પડયા હોય તે. પણ, તેની સેન્સ ઓફ હ્યુમર હજુ બરકરાર છે.

એરપોર્ટથી શહેર તરફ જતાં અમે તેનાં ડ્રાઈવર્સ લાઈસન્સ વિશે વાત કરી રહ્યાં હતાં. મને એવો ખ્યાલ હતો કે, તેની પાસે ત્યાં કાર હતી. પણ, નહોતી. તેની પાસે ત્યાંનાં લાઈસન્સની લર્નર્સ પરમિટ હતી પણ લાઈસન્સ નહોતું. તો મેં તેને કહ્યું કે, આપણે કાર હાયર કરી શકીએ. એ ડ્રાઈવ ન કરી શકે પણ હું તો ડ્રાઈવ કરી શકું એક ટૂરિસ્ટ તરીકે મારાં ઓસ્ટ્રેલિયન લાઈસન્સ પર. પછીની દસેક મિનિટ અમે શું કરવું, કેવી રીતે કરવું તેનાં પ્લાન બનાવતાં રહ્યાં. પછી પાંચેક સેકન્ડનો એક પોઝ લઈને મેં કહ્યું “shit!” પછી હું આગળ કંઈ બોલું એ પહેલાં એ જ હસતાં હસતાં બોલી ગયો “શું થ્યુ? લાઈસન્સ લઇ આવતાં જ ભૂલી ગઈ છો ને?” એટલે મેં હસીને હા કહી. પછી તેણે નિરાશામાં માથું હલાવીને હસતાં હસતાં કહ્યું “ખબર જ હતી. આવા ને આવા!” પછી એ, હું અને તેનો મિત્ર અમે ત્રણે હસતાં રહ્યાં.

રાત્રે લગભગ અગિયાર વાગ્યા હતાં અને જેક એસ્ટર નામની એક જગ્યાએ અમે જમવા માટે રોકાયા. ત્યાં દરેક ટેબલ પર એક લાંબો ખાખી કાગળ પાથરેલો હતો અને દરેક ટેબલ પર ક્રેયોન્સ હતાં. એ જોઇને મને બહુ આશ્ચર્ય થયું હતું અને બહુ મજા પણ આવી હતી. એ લોકો બધાંને ટેબલ પર લખવા કે ડૂડલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં અને એવું મેં પહેલી વાર ક્યાંય જોયું હતું.અમે બેઠાં હતાં ત્યાંથી લગભગ છએક મીટર દૂર કાગળનો એક લાંબો મોટો રોલ પણ મારી નજરે ચડ્યો હતો. એ કાગળ પછી તમને ઘરે લઇ જવા દે. હું તો સ્કૂલનાં બાળકની જેમ ઉત્સાહિત થઇ ગઈ. પણ, એટલી રાત્રે પાંચ કલાકની ફ્લાઈટ પછી શું દોરવું એ સૂજતું નહોતું એટલે મેં મારું અને સૌરભનું નામ લખી નાંખ્યું.

વેઈટર આવ્યો અને અમે જમવાનું ઓર્ડર કર્યું ત્યારે તેણે મને પૂછ્યું, “કાં દી તું તો કહેતી ‘તી ને કે, બિયર પીશ આવીને? નથી પીવી?” ત્યારે મેં કોકટેઈલ ઓર્ડર કર્યું.ભારત હતા ત્યારે ખૂબ સાથે બેસીને એક થાળીમાં જમ્યા છીએ. એ દિવસે અમે પહેલી વખત સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. એ કોકટેઈલનો ગ્લાસ બહુ જ સુંદર હતો અને કોકટેઈલ બહુ જ ખરાબ હતું – એકદમ ગળ્યું ગળ્યું. મારાંથી પી શકાયું એટલું પીધું અને પછી છોડી દીધું. બહાર નીકળતી વખતે મેં ત્યાં લગાવેલાં પેઇન્ટિન્ગ્સ અને વોલ-પોસ્ટર્સ જોયાં. એ બધાં પણ એટલાં જ કલાત્મક અને યુનીક હતાં.

મને ટોરોન્ટો પહેલી રાતથી જ ગમવા માંડ્યું હતું. ત્યાંથી ઘર તરફ પ્રયાણ કર્યું ત્યારે કારમાં સૌરભે મને યોન્ગ સ્ટ્રીટ દેખાડી અને તેનાં વિશે માહિતી આપતાં કહ્યું કે, એ દુનિયાની લાંબામાં લાંબી સ્ટ્રીટ માનવામાં આવે છે.સૌરભનો મિત્ર અમને ઘરે છોડી ગયો પછી સૌથી પહેલું ધ્યાન મારું ક્રિસમસ ડેકોરેશન પર ગયું હતું. તેનાં અપાર્ટમેન્ટ બિલ્ડિંગનાં પ્રવેશદ્વાર પાસે ક્રિસમસની મસ્ત સજાવટ કરેલી હતી. નાનાં રેઇન્ડીયર, ક્રિસમસ ટ્રી અને સ્નો-ફ્લેકની રોશનીથી એલીવેશન બહુ જ સુંદર લાગતું હતું.

તેનું ઘર લગભગ નવમાં કે દસમાં માળ પર હતું એટલે ત્યાંથી બહારનો નજારો ખૂબ સુંદર દેખાતો. મને એ જગ્યા અનહદ ગમી હતી. બે પુરુષો જ રહેતાં હોય તેનાં માટે એ ઘર ખૂબ સુંદર રીતે સજાવેલું અને સાચવેલું હતું. તેનો હાઉઝમેટ – ડેવિડ એ ઘરનો માલિક પણ હતો અને તે ઈરાની હતો. તેણે ખૂબ જ સુંદર ઘર-સજાવટની વસ્તુઓ પસંદ કરી હતી અને ઘરનાં દરેક ખૂણે થોડો ઈરાની ટચ આંખે ઊડીને વળગતો હતો.સૌરભનાં રૂમમાં સામાન ગોઠવીને અમે બિયરનાં કેન્સ ખોલ્યાં અને નિરાંતે વાતો કરવા લાગ્યાં. દોઢ-બે વર્ષનો ડોઝ ચાર દિવસમાં પૂરો કરવાનો હતો ને!

લગભગ બે વાગ્યા આસપાસ ડેવિડ કામ પરથી ઘરે આવ્યો. પછી એ પણ અમારી સાથે જોડાયો. તેનું ઇંગ્લિશ ભાંગેલું-તૂટેલું હતું એટલે થોડું સમજવામાં શરૂઆતમાં મને મુશ્કેલી પડી હતી પણ પછી ધીરે ધીરે એ પણ ગોઠવાઈ ગયું. એ રાત્રે અમે ત્રણે સાડા ત્રણ – ચાર સુધી જાગ્યા હતાં અને ખૂબ ગપાટા માર્યા હતાં. પછીનાં દિવસે સવારે મારાં ડાહ્યા શેફ ભાઈએ મારાં માટે ગરમ નાશ્તો બનાવ્યો હતો. તેમાં ડેવિડે પણ થોડો ઈરાની ટચ ઉમેર્યો હતો અને એ મેં ખૂબ માણ્યો હતો. નાશ્તો કહો કે લન્ચ, બધું એક જ હતું. અમે અઢી વાગ્યા આસપાસ માંડ ઘરેથી બહાર નીકળ્યા. તેનાં બિલ્ડિંગની આસપાસ બિલકુલ પહાડોમાં લાગે તેવી શાંતિ લાગતી.

વળી, એ સમય પાનખરનાં અંતનો હતો એટલે બધાં જ વૃક્ષો પરથી પાન બિલકુલ ખરી ગયાં હતાં અને ફક્ત કોરાં ઠૂઠા નજરે પડતાં હોય તેવું લાગતું હતું.

સાંભળ્યું હતું કે, ઋતુઓ સામાન્ય સ્થળોમાં ફક્ત અનુભવાય, પણ પહાડોમાં ઋતુઓ દેખાય. એ વાત ટોરોન્ટો માટે પણ એકદમ સાચી હોતી હશે તેવું લાગ્યું હતું. એ નીરવ શાંતિમાંથી બસમાં બેસીને અમે ટોરોન્ટો સિટી-સેન્ટર તરફ પ્રયાણ કર્યું.

સાન ડીએગો અને ફેલો-ટ્રાવેલર્સ

અમેરિકા, સાન ડીએગો

સાન ડીએગો બીચ પર પ્રવૃત્તિઓની કોઈ કમી નહોતી. ત્યાં માર્કેટ્સ, બાળકો માટે રાઈડ્સ, કેન્ડી શોપ્સ વગેરેની ભરમાર હતી. ઓસ્ટ્રેલિયામાં અમે સુંદર બીચ તો ઘણાં જોયાં છે. પણ, બીચ પર આટલી બધી પ્રવૃત્તિઓ સામાન્ય રીતે નથી જોઈ. એટલે સ્વાભાવિક રીતે જ અમારાં મોટાં ભાગનાં ગ્રૂપે દરિયાને અવગણીને બીચ-માર્કેટ્સ તરફ જ પહેલું પ્રયાણ કર્યું. હું શરૂઆતમાં એઇમી સાથે ફરી. પણ, પછી તેને પાણી દરિયા તરફ જવું હતું અને મારે કિનારા આસપાસ ફરવું હતું એટલે અમે છૂટા પડ્યાં. પાંચેક મિનિટમાં એક કાફેમાં હું પાણી લેવા ગઈ ત્યાં મેં રોઝી, જેક (ફર્ગ્યુસન – બીજો જેક. લન્ચવાળો જેક હોબ્સ નહીં) અને ચાનને જોયાં અને ત્યાં તેમની સાથે હું પણ થોડી વાર બેઠી. આગલી રાત્રે લિટલ મેક્સિકો ડિનર વખતે એ મારી બાજુની સીટમાં બેઠો હતો એટલે ત્યારે તેની સાથે ઘણી વાત થઇ હતી અને સારી એવી દોસ્તી પણ. તેનું લન્ચ પત્યાં પછી અમે સાથે ફરવા લાગ્યાં. અડધી કલાક જેવાં સમય પછી અમે ત્યાંનાં સુંદર બીચ-હાઉઝીઝ પાસે ફૂટ-પાથ પર ચાલી રહ્યાં હતાં તેવામાં એક ઓળખીતાં ચહેરા પર મારું ધ્યાન પડ્યું. એ છોકરી એલ.એમાં એક રાત અને બે દિવસ મારાં જ ડોર્મમાં હતી. તે અને તેની મિત્ર મને બરાબર યાદ હતાં પણ તેમનાં નામ મને ભૂલાઈ ગયાં હતાં. ત્યારે તો જો કે, એ એકલી જ હતી અને અમે એકબીજાને જોઈને ખૂબ ખુશ થઇ ગયાં. તેનું નામ હતું એન્જેલીક. એ પણ અમારી સાથે ચાલવા લાગી અને અમે ત્રણ – જેક,એન્જેલીક અને હું બીજી અડધી કલાક જેટલું સાથે ચાલ્યા હોઈશું.

જેક, એન્જેલીક અને અમારી ટૂરની બીજી એક છોકરી કેઇટલિન તેમની ટ્રાવેલ-સ્ટોરી લાજવાબ છે. મારાં માટે એ ત્રણેની જૂદી-જૂદી કહાનીઓનો એક કોમન સાર હતો ‘how to make it happen’. એ ત્રણેની વાત મારાં ટ્રાવેલિંગ પ્રત્યેનાં ખ્યાલો અને અભિગમમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની રહી. એ ત્રણે મારી જેમ સોલો-ટ્રાવેલર હતાં. જેક ફક્ત ઓગણીસ વર્ષનો હતો અને તે છ મહિના માટે યુ.એસ.એ ફરી રહ્યો હતો અને એ પણ અનુભવોની એક મોટી રેઇન્જ સાથે. હાઈ-સ્કૂલ પતાવ્યાં પછી તરત તેને આ ટ્રિપ કરવી હતી. આ કન્સેપ્ટ પ્રથમ વિશ્વનાં ઘણાં યુવાનોમાં ધીમે ધીમે પોપ્યુલર થઇ રહ્યો છે – તેનું નામ ‘ગેપ યર’. હાઈ-સ્કૂલ અને યુનીવર્સીટી વચ્ચે લેવાતું એક ડ્રોપ-યર જેનાં ઘણાં વિવિધ ઉપયોગ હોઈ શકે જેમ કે ટ્રાવેલિંગ અને એક્સપીરીયન્સ, જોબ અને યુનીવર્સીટી ફીઝ માટે પૈસા ભેગાં કરવા, જીવનમાં આગળ શું કરવું છે તેની સ્પષ્ટતા મેળવવા માટે વિવિધ કામ કરવાં અને હુન્નર શીખવા વગેરે. મારાં મતે આ કન્સેપ્ટ આપણા યુવાનોમાં પણ પોપ્યુલર બનવો જોઈએ અને યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં જીવનમાં શું કરવું છે એ વિચારવા માટે અને શું-શું થઇ શકે તેનાં પ્રયોગો કરવા માટે રૂમ મળવો જોઈએ.

એની વે, જેકની વાત પર પાછાં ફરીએ. તેણે હાઈ-સ્કૂલની છેલ્લી બે ઉનાળાની રજાઓમાં તનતોડ કામ કર્યું અને લગભગ પંદર હજાર ડોલર જેટલું સેવિંગ કર્યું. થેન્કફૂલી ઓસ્ટ્રેલિયામાં ઓછાંમાં ઓછો કેટલો પગાર મળવો જોઈએ એ વિશેનાં કાયદા – મિનિમમ વેઇજ એટલાં સારાં છે કે, મેકડોનલ્ડસ કે કોઈ શોપિંગ સેન્ટરમાં કામ કરતાં ટીન-એજર્સ પણ જો પેરેન્ટ્સ સાથે રહેતાં હોય તો એટલું તો સેવિંગ કરી જ શકે જે એ ટ્રાવેલિંગ માટે વાપરી શકે. શરૂઆતનાં ત્રણ મહિના અમેરિકામાં તેણે વાય.એમ.સી.એનાં એક સમર-કેમ્પમાં લાઈફ-ગાર્ડ તરીકે કામ કર્યું જેનાં માટે તેણે ઓસ્ટ્રેલિયાથી જ ઘણી સારી સારી ટ્રેઇનિંગ લીધી હતી. આ માટે તેને પૈસા ન મળે પણ વાય.એમ.સિ.એ તેને રહેવાની જગ્યા અને જમવાનું ત્રણ મહિના માટે ફ્રી આપે અને તેનું કામ પાર્ટ-ટાઈમ જેવું હતું. આમ, કામ કરતાં કરતાં વીક-એન્ડ્સ અને બીજી બને તેટલી રજાઓનો ઉપયોગ કરીને તે નજીકની જગ્યાઓમાં ફર્યો. ત્યાર પછી એ થોડો સમય પોતાની રીતે ફર્યો અને ઈસ્ટ-કોસ્ટમાં લાગુ પડતી કન્ટીકીમાં ફર્યો. ત્યાર પછી આ વેસ્ટ-કોસ્ટની કન્ટીકી અને એ પતે પછી એ પોતાની રીતે સિએટલ, કેનેડા વગેરે ફરવાનો હતો.

કેઇટલિન એક વર્ષ માટે ટ્રાવેલ કરી રહી હતી અને તેનો આ અગિયારમો મહિનો હતો ટ્રાવેલ કરતાં. યુ.એસ.એ અને કેનેડા પહેલાં તે યુરોપમાં હતી. ત્યાં તેણે બને તેટલી જગ્યાઓએ અને બને તેટલી કાફે-જોબ્સ કરી હતી. યુરોપિયન દેશો એકબીજાથી ખૂબ નજીક હોવાનો આ રીતે તેણે ફાયદો ઊઠાવ્યો હતો – જ્યાં જોબ મળે ત્યાં રહેવાનું અને આસપાસની જગ્યાઓમાં ફરવાનું. બને તેટલાં શહેરોમાં એ બની શકે તો મિત્રો/મિત્રોનાં મિત્રો/નજીક-દૂરનાં સગાં સાથે પણ રહી કે, જેથી એ રહેવાનો તેટલો ખર્ચ બચાવી શકે. આ જ રીતે યુરોપનાં એક શહેરમાં એ તેનાં એક મિત્રનાં મિત્રને પણ મળી હતી. એ બંને પ્રેમમાં પડ્યાં અને કેઇટલિન ટ્રાવેલ કરે ત્યાં સુધી એ લોન્ગ-ડીસ્ટન્સ રિલેશનશિપ નિભાવી રહ્યાં હતાં. યુરોપ પછી એ યુ.એસ.એ. અને કેનેડા આવી હતી અને અમારી દસ દિવસની ટ્રિપમાં તેની હાઈ-સ્કૂલની મિત્રો લોરા અને કલેર પણ જોડાયાં હતાં. લોરા માટે ટ્રાવેલિંગ ક્યારેય બહુ મહત્ત્વનું નહોતું. તેને નહોતું લાગતું એ ક્યારેય આટલી દૂર ફરવા જશે. થોડાં જ મહિના પહેલાં તેની આઠ વર્ષની રિલેશનશિપનો અંત આવ્યો હતો. કેઇટલિન ઓલરેડી ટ્રાવેલ કરી રહી હતી અને લોરાને પણ થયું ‘શું કામ નહીં’ અને આમ તેણે કલેર સાથે મળીને કેઇટલિન સાથે જોડાવાનું નક્કી કર્યું. એ ત્રણ આ ટ્રિપ પછી શિકાગો અને ન્યુ-યોર્ક જવાનાં હતાં અને એ સાથે કેઇટલિનનાં એક વર્ષનાં એડવેન્ચરનો અંત આવવાનો હતો.

એન્જેલીક યુરોપિયન હતી. તેણે કયો દેશ કહ્યો હતો એ હવે મને યાદ નથી. કદાચ સ્પેઇન. એ પણ મહિનાઓથી યુ.એસ.એ. ફરી રહી હતી. ઘણી બધી હોસ્ટેલ્સમાં તમે અમુક સમયથી વધુ રહો તો ત્યાં હાઉઝકિપીંગનું કોઈ કામ કરી શકો જે પાર્ટ-ટાઈમ જેવું હોય. જેકનાં કેમ્પની જેમ જ તમને કોઈ પૈસા ન મળે પણ તમારું ત્યાં રહેવાનું ફ્રી. એ જૂદી-જૂદી જગ્યાઓએ આ રીતે કામ કરતાં કરતાં ટ્રાવેલ કરી રહી હતી. એલ.એ.માં એ મને મળી ત્યારે તેની સાથે તેની બ્રઝિલિયન મિત્ર ટાઇસ પણ એ જ રીતે ફરી રહી હતી. એન્જેલીક એલ.એ.થી સાન ડીએગો આવવાની હતી અને ટાઇસ સાન-ફ્રાન્સિસ્કો. એન્જેલીક પછીથી ટાઈસને ત્યાં મળવાની હતી. આ ત્રણે સાથેની વાત-ચીતે મને એક વાત બહુ સ્પષ્ટપણે સમજાવી દીધી. ટ્રાવેલિંગ માટે સૌથી અગત્યની વસ્તુ ઘણાં બધાં પૈસા નથી, ઘણું મોટું જીગર છે. It’s not so much about money as it’s about balls. જો ખરેખર જ કરવા ઈચ્છતા હો તો ટ્રાવેલ થોડાં પૈસા, થોડાં વધુ વ્યવસ્થિત પ્લાનિંગ અને ઘણી બધી હિંમત સાથે થઇ શકે છે. તેનું વળતર છે, જીવનભર યાદ રહે અને જીવનને એક સુંદર આકાર આપી શકે તેવાં અને તેટલાં અનુભવો.

ત્યારે એ રીતે એન્જેલીકને મળીને પણ એલ.એ.માં નાઈજલને મળ્યાં જેવી જ લાગણી થઇ હતી. દુનિયા કેટલી નાની અને કેટલી મોટી છે તેનો અહેસાસ! અને દુનિયામાં સમાંતર ટ્રાવેલર્સ એક કમ્યુનિટી છે. અજાણી જગ્યાઓમાં પણ અજાણપણે જાણીતાં લોકો આ રીતે મળે છે. જે રીતે મને એન્જેલીક મળી હતી એ જ રીતે અમારી ટ્રિપમાં પણ ઘણાં લોકો હતાં. કેલી, એન્ગસ અને કેઇટલિન ન્યુ-યોર્ક કન્ટીકીમાં અમુક અઠવાડિયા પહેલાં સાથે હતાં અને ફરી આ ટ્રિપમાં મળ્યાં. જેક હોબ્સ અને જેક ફર્ગ્યુસન પણ ઈસ્ટ કોસ્ટ પર કન્ટીકી ટૂરમાં સાથે હતાં અને ફરી આ ટ્રિપમાં મળ્યાં. સાન ફ્રાન્સિસ્કોમાં મને ટાઈસ ફરીથી મળી અને એ ઉપરાંત પણ બે અનુભવો એવાં થયાં જેની હું સાન-ફ્રાન્સિસ્કોની પોસ્ટ્સમાં વાત કરીશ.

એન્જેલીક, જેક અને હું ક્યાંય સુધી ચાલતાં રહ્યાં અને સાન-ડીએગો, અમારી પ્રવૃત્તિઓ, કામ વગેરે વિષે ઘણી બધી વાતો કરતાં રહ્યાં. અમે જ્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી એ માર્કેટ સુધી પહોંચતાં એન્જેલીકને કોઈ કામ માટે જવાનું હતું અને અમારે પણ સમયસર બસ સુધી પહોંચવાનું હતું એટલે અમે છૂટા પડ્યાં. માર્કેટનાં એન્ટ્રન્સ પાસે કપડાંની એક દુકાનમાં સેલનું પાટિયું હતું. બસ બરાબર સામે ઊભી હતી અને અમારી પાસે પંદરેક મિનિટનો સમય હતો એટલે મારે અંદર જવું હતું. જેક પણ મારી સાથે ગયો. ત્યાં અંદર તો મને કંઈ ન ગમ્યું પણ બરાબર અમે બહાર નીકળતાં હતાં ત્યારે મારું ધ્યાન એક ડ્રેસ પર ગયું. ટર્કોઇઝ કલરનો બીચ ડ્રેસ હતો અને મોંઘો પણ નહોતો. પાંચ જ મિનિટ બાકી હતી અને લેવો-ન લેવોમાં હું કન્ફયુઝ થતી હતી. જેકે મને કહ્યું “Just get it! you’ll regret it later” મેં ડ્રેસ લઇ લીધો અને અમે બસ તરફ પાછાં ફર્યાં.

ત્યાંથી બસ હોટેલ પાછી ફરી. ત્યાં અમારી પાસે અડધી કલાકનો સમય હતો અને પછી રાયન બધાંને ‘ક્રિસ્ટીઝ’ પબ/રેસ્ટોરાં ડિનર માટે લઈ જવાનો હતો. હોટેલથી ત્યાં ચાલીને જઈ શકાય તેમ હતું. આગળની પોસ્ટમાં કહ્યું તેમ ક્રિસ્ટી એક મોટો નમૂનો હતી. એ કોરિયન હતી અને વર્ષોથી એ સ્પોર્ટ્સ બાર ચલાવતી હતી. એ ત્યાં ઓછામાં ઓછી સાતથી આઠ ઇંચની જાડી પ્લેટફોર્મ હીલનાં, ભડકીલા પિંક કલરનાં, ચમકીલા લેધર પર ઉપર પિંક જરીવાળા, ગોઠણ સુધીનાં બૂટ્સ પહેરીને ફરતી. તેનાં હાથમાં એક બેટ રહેતું. તેનાં પબમાં જે કોઈ આવે તેને પૂછીને એ બેટ વડે એ તેમની પૂંઠ પર સ્પેન્ક કરતી. પહેલાં ધીરેથી મારે. પછી જો પેલાં જોરથી મારવાનું કહે તો જોરથી મારે. અમારાં ગ્રૂપનાં ઘણાં છોકરાઓએ ક્રિસ્ટીનાં સ્પેન્કિંગનો લ્હાવો માણ્યો હતો :D. ડિનર પછી ત્યાં કેરિઓકી નાઈટ હતી. પણ, મારે ત્યાં નહોતું રહેવું અને પીવું નહોતું એટલે જેક સાથે નવો પ્લાન કર્યો. જેક આગળ જણાવ્યાં મુજબ અન્ડર-એઇજ હતો એટલે એ આમ પણ ડ્રિંક કરી શકે તેમ નહોતો. તેની સાથે જૂદા પ્લાન બનાવવા બહુ સરળ રહેતાં. આમ અમે રાયન પાસેથી ટિપ લઈને  ‘ગેસલેમ્પ’ વિસ્તારમાં ‘શીશા લાઉન્જ’માં જવાનું નક્કી કર્યું. બીજાં બે મિત્રો પેટ અને લોકી (લોકલન) પણ સાથે જોડાયા. એ ત્રણમાંથી કોઈએ પહેલાં હુક્કો/શીશા ટ્રાય નહોતો કર્યો એટલે ફ્લેવર મારે પસંદ કરવાની હતી. અમે બે કલાક જેવું ત્યાં રહ્યાં અને ત્યાંનાં મળતાવડા બાઉન્સર સાથે અને એકબીજા સાથે ખૂબ વાતો કરી. એ ત્રણેને શીશાનાં એ પહેલાં અનુભવમાં ખૂબ મજા આવી અને બારેક વાગ્યે અમે હોટેલ પાછાં ફર્યાં.

પછીનાં દિવસે સવારે આઠ વાગ્યે અમે સાન ડીએગોથી નીકળવાનાં હતાં અને ફીનિકસ-એરિઝોના તરફ પ્રયાણ કરવાનાં હતાં…