ગ્રાન્ડ કેન્યન

અમેરિકા, ધ ગ્રાન્ડ કેન્યન

ગ્રાન્ડ કેન્યનની હેલીકોપ્ટર રાઈડ એ મારી આખી ટ્રિપનો સૌથી યાદગાર અનુભવ છે. હેલીકોપ્ટર જેવું ઘાસનાં મેદાનો પરથી થઈને કેન્યનમાં પ્રવેશે એ ક્ષણ અદ્ભુત છે! અચાનક તમે હો તેનાં કરતાંયે વધુ ઉપર ઊડતા હો તેવું ફીલ થાય. આંખ જાણે ઘાસનાં મેદાન પરથી ઊંડે ખીણમાં જાણે કૂદકો મારી દે. કેન્યનમાં વધુ દૂર જતાં ગયાં તેમ પેલું ઘાસનું મેદાન બિલકુલ દેખાતું બંધ થઇ ગયું. દરેક વ્યૂ – દરેક ફ્રેમ પિક્ચર-પરફેક્ટ! અને છતાંયે ગમે તેટલાં ફોટો લો તોયે તમે જે આંખે જુઓ અને અનુભવો તેનાં બે ટકા પણ કેપ્ચર ન કરી શકો. કેન્યનમાંથી પસાર થતી કોલોરાડો નદીની પટ્ટીનો નજારો તો સૌથી અદ્ભુત. અવર્ણનીય છે એ જગ્યા. અને તેની વચ્ચે તમે અનંત, અગાઢ, અખૂટ ફીલ કરો. અમારી રાઈડ એક કલાક જેવાં સમય માટે હતી અને પછી અમે ગ્રાઉન્ડ પર પાછા ફર્યાં.

આ બાદ અમુક લોકો કેન્યનની સાઈકલ-રાઈડ માટે જવાનાં હતાં પણ મોટાં ભાગનાં અમે નહોતાં જવાનાં. એટલે જે નહોતાં જવાનાં તેમાંથી મેં, જેક (ફર્ગ્યુસન), એલીની અને એલને બપોરે ત્રણ વાગ્યા આસપાસ કપડાં ધોવા જવા માટે ભેગા થવાનું નક્કી કર્યું. ત્યાં સુધી એલીની અને એલન, હું અને જેક એમ અમે વહેચાઈ ગયાં હતાં અને સાથે ફરતાં હતાં. જેક અને મેં લન્ચ માટે સૌથી પહેલાં જવાનું નક્કી કર્યું કારણ કે, અમે કોઈએ સવારે બ્રેકફસ્ટ નહોતો કર્યો અને ખૂબ ભૂખ્યા હતાં. ત્યાર પછી નજીકમાં એક ટ્રેલ પર જવાનું નક્કી કર્યું અને નકશામાં જોઇને આમ-તેમ ભટકતાં રહ્યાં – એક્સ્પ્લોર કર્યું. મારી પાસે એક પણ સ્પોર્ટ શૂઝ નહોતાં. ફક્ત મોજડી અને એક જોડી સ્લિપર મને હાઇક કરવામાં થોડી તકલીફ પડતી હતી પણ જેક સપોર્ટિવ હતો અને મને ચાલતાં સમય લાગે તો બિલકુલ અકળાતો નહોતો. અમને નીચે ખીણમાં બે-ત્રણ ઘર/હોટેલ દેખાયાં હતાં અને અમે બંને વિચારી રહ્યાં કે, આ કેન્યન નીચેથી જોતાં કેવી દેખાતી હશે. નીચેથી ફોટોઝ લઈએ તો ઊંડાણનું પરિમાણ વધુ સારું આવતું હશે કે, ઉપરથી નીચે વધુ સારું આવે છે. જાત-જાતનાં તુક્કા લડાવતાં રહ્યાં. એક જગ્યાએ હું લાસારતા બચી ગઈ. અમે પોણી કલાક જેવું નીચે તરફ ચાલ્યાં અને પછી પાછાં ફરવાનું નક્કી કર્યું કારણ કે, ઉપર જતાં વધુ સમય લાગવાનો હતો અને અમારે બીજી જગ્યાઓ પણ જોવી હતી.

ત્યાંથી ઉપર આવીને થોડે દૂર ગયા તેવામાં એક આર્ટ ગેલેરી અને શોપ આવ્યાં. સ્વાભાવિક રીતે જ અમે અંદર એકાદ કલાક જેવો સમય કાઢ્યો કારણ કે, અમારો બંનેનો રસનો વિષય હતો. ત્યાં મને મારાં પોતાનાં આર્ટ માટે પણ એક પ્રોજેક્ટનો વિચાર આવ્યો. એ વિચાર પર આવતાં અમુક મહિનાઓમાં અમલ કરવામાં આવશે. ફિન્ગર્સ ક્રોસ્ડ! ત્યાર પછી અમે ચાલીને અમારાં લોજ તરફ જવાનું નક્કી કર્યું કારણ કે, જેક એ રસ્તે એ દિવસે સવારે આવી ચૂક્યો હતો અને તેને પાછાં ફરવાનો રસ્તો ખબર હતો. એક ટ્રેઈલ પર ચાલતાં અમે એક અદ્ભુત વસ્તુ જોઈ. પત્થરો પર મીથોલોજીક્લ પાત્રોનાં નામ લખેલાં હતાં. તેનાં પર હિન્દુ ભાગવાનોનાં નામ પણ હતાં. અમુક અમુક પત્થરો પાસે એક તકતીમાં તેમની ઉમર લખેલી હતી. અમુક પત્થરો કરોડો વર્ષ જૂના હતાં. We thought it was really cool! થોડી વારમાં અમે લોજ પાછાં ફર્યાં અને કપડાં ધોવા માટે કેમ્પ-ગ્રાઉન્ડમાં વોશિંગ મશીન તરફ ગયાં. ત્યાં પહોંચતાં ચાર વાગી ગયાં હતાં અને અમે સાડા પાંચે સૂર્યાસ્ત જોવા માટે અમારી બસ પાસે ભેગાં થઇ શકીએ કે કેમ એ સવાલ હતો. વળી, બસ ક્યાં જવાની હતી એ પણ કોઈને ખબર નહોતી. કપડાં ધોઈને, ડ્રાય કરીને નવરા પડયા ત્યાં સુધીમાં  પાંચ થયાં એટલે મેં, જેક અને એલીનીએ બસ તરફ જવા પ્રયાણ કર્યું. પણ, એક સાંધો ત્યાં તેર તૂટેનાં મતે બસ ફક્ત એક જ દિશામાં જતી હતી કે, અમે ઊંધી તરફ જતી બસ પકડી હતી એ બેમાંથી એક થયું અને અમે કોઈ કાળે સૂર્યાસ્ત સુધીમાં લોજ પહોંચી શકીએ તેમ નહોતાં. એટલે સાડા પાંચ આસપાસ અમે નજીકની એક ટ્રેઈલ તરફ જવાનું નક્કી કર્હ્યું અને એક જગ્યાએ ઊતરી ગયાં. અમે સૂર્યાસ્ત માટે બરાબર સમયસર પહોંચ્યાં હતાં અને એ નજારો કરોડોમાં એક હતો!

સૂર્ય બિલકુલ ડૂબી ગયા પછી આકાશમાં રંગોની લડી શરુ થઇ હતી. શરૂઆતમાં કેસરી અને ગુલાબી થતું જતું આકાશ પંદરેક મિનિટમાં ગાઢું કેસરી, ગુલાબી અને જાંબલી રંગોથી છવાઈ ગયું હતું. ચાલતાં ચાલતાં જેક,એલીની અને હું છૂટ્ટા પડી ગયાં અને ફરી બસ-સ્ટોપ પાસે મળ્યાં. ત્યાંથી લોજ તરફ જતાં બસમાં અમને અમારાં બીજા પણ અમુક સાથીદારો મળી ગયાં અને અમે અમારાં સનસેટનાં ફોટોઝ એકબીજા સાથે શેર કરવા લાગ્યાં. હેલીકોપ્ટર રાઈડનાં ફોટોઝની જેમ જ આ સૂર્યાસ્તનાં પણ ગમે તેટલાં ફોટો લો તો પણ જે આંખેથી જોયું છે તેનાં પચાસ ટકા પણ ન લાગે. એ નજારો અને the way it felt to be there, right then, in those very moments, with those very sounds around us and the way it makes you feel like a tiny little negligible part of an incredibly large scheme is not something you can capture in a still-image.

એ જગ્યા રાત્રે કોઈ રોમેંન્ટિક-હોરર ફિલ્મનાં સેટ જેવી થઈ જતી. લાઈટ-પલ્યુશન નહિવત હોવાને કારણે આકાશમાં ઘણાં બધાં તારા નરી આંખે દેખતાં. વળી, પાનખરનો સમય એટલે બંને રાત આકાશ એકદમ ખુલ્લું – વાદળો વિનાનું હતું. I could sit there forever and just stare up above! રાત્રે ફરીથી ડીનર વખતે ડાઈનિંગ-હોલમાં બધાં ભેગા થયાં અને એ અમારું કદાચ સૌથી એન્ટી-સોશિયલ ડીનર હતું. માંડ માંડ બધાંને ઇન્ટરનેટ મળ્યું હતું એટલે બધાં જમીને ફોનમાં લાગ્યા હતાં. ઇન્ટરનેટનું કામ-કાજ પતી ગયા પછી અમે – હું અને કેલી અમારાં પાડોશી રૂમમાં ગયાં.  સ્કિપ, ડેઇવ, બ્રેન્ડન અને સાઈમન ‘કાર્ડ્સ અગેઈન્સ્ટ હ્યુમાનીટી’ રમતાં હતાં અને અમે પણ જોડાયા. કોઈને વધુ કંઈ કરવાની ઈચ્છા નહોતી અને બીજા દિવસે વેગસ તરફ પ્રયાણ કરવાનું હતું એટલે શક્તિ વેગસની પાર્ટી માટે બચાવીને રાખવાની હતી. એ રાત્રે પણ જો કે, પર્થ-બોય્ઝ અને બીજા અમુક લોજ નજીક એક પબમાં ગયાં હતાં અને પછીનાં દિવસે બસમાં એકદમ હંગ-ઓવર હતાં.

સવારે આઠ વાગ્યે અમારે નીકળવાનું હતું. પણ, એ દિવસે મારે સૂર્યોદયનો નજારો જોવો હતો એટલે અમે છ વાગ્યે સૂર્યોદય જોવા માટે પ્રયાણ કર્યું. હું, રેબેકા, જો-એલેન અને શોન અમે ચાર સાથે ચાલ્યાં હતાં. કડકડતી ઠંડીમાં વહેલું ઊઠવું પડ્યું હતું. પણ, boy! that was worth it. સૂર્ય ક્ષિતિજ પર ઊગ્યો ત્યારે કેન્યનનાં પત્થરો ગુલાબી-લાલ રંગનાં દેખતાં અને સૂર્યનાં કિરણો જેમ જેમ તેમની સાથે વધુ અથડાતાં જાય એમ વધુ ને વધુ ભાગ ગુલાબી-લાલ થતો જાય. સાત વાગ્યાની આસપાસ અમે ત્યાંથી નીકળ્યા. સૂર્ય ઊગી ચૂક્યો હતો અને અમારે નહાવનું અને બ્રેક-ફસ્ટ બધું કરીને ૪૫ મિનિટમાં તૈયાર થવાનું હતું.

મેલ્બર્ન – છેલ્લા બે (સૌથી હેપનિંગ) દિવસો

ઓસ્ટ્રેલિયા, મેલ્બર્ન

ગ્રેટ ઓશિયન રોડ ટ્રિપ પછી અમારી પાસે કુલ ૩ દિવસો અને ૨ રાત બચ્યા હતાં, જેમાંથી એક રાત ઓલરેડી ન્યુ યર્ઝ ઈવ પાર્ટી માટે નિર્ધારિત હતી. પહેલા દિવસે અમે ડેન્ડેનોન્ગ નામનાં એક દૂરનાં સબર્બમાં ગયાં. ત્યાં સુઝાનાનાં રસની કોઈ સર્બિયન શોપ હતી અને ત્યાંથી તેને પોતાનાં પરિવાર માટે કશુંક લેવું હતું. વળી, મારી જે મિત્રએ અમને ગ્રાફિટી લેન દેખાડી હતી તે ત્યાંથી લગભગ ૨ સ્ટોપ દૂર રહેતી હતી એવી મને ખબર પડી. એટલે, થોડો સમય સુઝાના સાથે રહીને પછી હું મારી મિત્રને મળવા ગઈ. તેની સાથે ફરતાં મેં ન્યુ યરની પાર્ટી માટેનો મારો ડ્રેસ અને શૂઝ ખરીદ્યા અને સાંજ સુધીમાં સિટી સેન્ટરમાં પાછી ફરી. રાબેતા મુજબ સુઝાના લાઈબ્રેરી બહાર ઘાસ પર પોતાની મિત્ર અને તેનાં અમુક ૩-૪ હિપ્પી મિત્રો સાથે બેઠી હતી. હું પણ તેમને મળી અને ડીનર કરીને ઘરભેગા (હોટેલ-ભેગા).

પછીનાં દિવસે સવારથી જ અમારી આઈટેનરી જુદી હતી. મારે ગ્રાફિટી લેન ફરીથી જવું હતું અને શાંતિથી બધું જોવું હતું. એકમી (ઓસ્ટ્રેલીયન સેન્ટર ઓફ મુવિંગ ઈમેજિસ) પણ ફરીથી જઈને અધૂરું જોયેલું પ્રદર્શન પૂરું જોવું હતું. અને સૌથી મહત્ત્વપૂર્ણ – નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા! સુઝાનાને આમાંથી એકપણમાં રસ નહોતો એટલે એ દિવસે તેની સાથે ફરવાનો મેં સાદર બહિષ્કાર કર્યો હતો. ન કર્યો હોત તો કૈલાશ જઈને શિવજીનાં દર્શન ન કર્યા જેવું થાત. સૌપ્રથમ તો હું અને કેમેરા ગ્રાફિટી લેન પહોંચ્યા. ભીડ ઓછી હોવાથી શાંતિથી બધું જોવાની પણ મજા આવી અને ફોટા પાડવાની પણ. એકમીનાં પ્રદર્શનમાં જૂનામાં જૂના ઉપકરણથી માંડીને નવામાં નવી ફ્યુચારીસ્ટિક ટેકનોલોજી સાથે રમવાની ખૂબ મજા પડી અને અંતે હું પહોંચી નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા! અંદર દાખલ થતાં જ એક નાની ચાલ જેવી જગ્યામાં એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. કલાકારે ક્રીમ અને સિરામિક જેવી વસ્તુઓ વાપરીને મિક્સ-મીડિયા વર્ક કર્યું હતું. એક સુંદર ઘરમાં આફટર-નૂન ટી પછી ડાઈનિંગ રૂમનું કલાત્મક નિરૂપણ. અમુક પ્રતિકૃતિઓ તો એટલી સમાન લાગતી કે, તેમાં સાચું શું છે અને કલાકારે બનાવેલું શું છે એ જોવા માટે બહુ ધ્યાનથી નજર ફેરવવી પડે. આ પહેલી કૃતિ જોતાંની સાથે જ મારી આસપાસનાં લોકોનું અવલોકન કરતાં મને સમજાઈ ગયું કે, અહીં ફોટા પાડવાની છૂટ લાગે છે. છતાંયે મારે કશું અનુમાન નહોતું કરવું એટલે મેં ત્યાં સિક્યોરિટી ગાર્ડને પૂછી લીધું અને મારાં ધાર્યા પ્રમાણે ફોટો લેવાની છૂટ હતી. પણ, ફક્ત ફ્લેશ વિના!

એ આખા રૂમમાં એ જ કલાકારનું પ્રદર્શન હતું. ઘરનાં જૂદા જૂદા ભાગોનું કલાત્મક નિરૂપણ એ તેમનો સબ્જેક્ટ હતો અને ખૂબસૂરતીથી તેમણે કંડાર્યો હતો. પાછળનાં ભાગમાં ‘શો અસ યોર વર્લ્ડ’ નામનું એક પ્રદર્શન હતું. ગેલેરીએ મુલાકાતીઓ માટે એ જગ્યા રાખી હતી અને લગભગ દસેક લોકો બેસી શકે તેવી બેન્ચની ગોઠવણ કરીને ત્યાં કાગળ, પેન્સિલ, પેન, સ્કેચપેન જેવાં સાધનો મૂક્યા હતાં. તેની મદદથી મુલાકાતીઓ ગમે તો દોરી શકે અને તેને ગેલેરીમાં ડિસ્પ્લે પર મૂકી શકે અથવા તો પોતાની સાથે ઘેર લઇ જઈ શકે. મેં પણ મારો અમૂલ્ય ફાળો નોંધાવ્યો અને એ ચિત્ર ગેલેરીને આપ્યું. મારું રેગ્યુલર આર્ટ-વર્ક તો કોણ જાણે મ્યુઝિયમ, ગેલેરી જોવા પામે કે નહીં પણ આ નાની ફૂલની પાંદડી તો ત્યાંની દિવાલ પર જવા પામી! બહુ સુંદર ૨૦-૨૫ મિનિટ હતી એ. :)

ગ્રાઉન્ડ ફ્લોર પર ફક્ત એટલું જ હતું. પછી હું સીડી ચડીને ઉપર ગઈ. એકથી એક ચડીયાતા પેઇન્ટિંગ. અમુક તો ૨૦૦-૨૫૦ વર્ષ જૂના – ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ સેટલમેન્ટ હજુ શરુ જ થયું હતું તે સમયનાં. એ ગેલેરીનું પર્મેનન્ટ ડિસપ્લે સેક્શન હતું. ત્યાં વિક્ટોરિયન સમયનું કોઈ સ્ત્રીનું અફલાતૂન ગાઉન પણ ડિસ્પ્લે પર હતું. એક પછી એક ઓરડા જાણે જાદૂઈ રીતે આવતાં જ જતાં હતાં. હું મારી દિશાસૂઝ તો સાવ ખોઈ જ બેઠી! ગ્રાઉન્ડ ફ્લોર પરથી અંદર આવતાં ગેલેરીની જગ્યાનો જે અંદાજ મેં કાઢ્યો હતો તેનાં કરતાં આ ગેલેરી ઓછામાં ઓછી  ૩ગણી મોટી નીકળી. મારે ન્યુ યર્ઝ પાર્ટીમાં સમયસર પહોંચવા માટે હોટેલ પર ૪ સુધીમાં પહોંચવું પડે તેમ હતું એટલે ગેલેરીમાંથી સાડા ત્રણે નીકળવું પડે. પાર્ટીનાં રોમાંચ કરતાં અહીંથી જવાનો અફસોસ વધી પડ્યો. પછીનાં દિવસે પાછી આવું તો પણ મને ફક્ત સવાર જ મળવાની હતી અહીં આવવા માટે. બપોરે તો અમારી ફ્લાઈટ હતી. આ જગ્યાએ હું પહેલાં કેમ ન આવી! અંતે તો ગણ્યું જે પ્યારું પ્યારાએ તેને અતિ પ્યારું ગણીને અમે પાર્ટીમાં જવા તૈયાર થયાં. ત્યાં પણ જો કે, બહુ ખાસ કંઈ હતું નહીં. પાર્ટી જેવી પાર્ટી હતી. અને કાં તો પછી મારાં મગજમાં પૂરતું દારૂ નહોતું પહોંચ્યું એટલે મને ખાસ ન લાગી. I was clearly not drunk enough. ન્યુ યરની આતિશબાજી જોવાની મજા આવી અને દોઢ વાગ્યાની આસપાસ તો અમે ત્યાંથી નીકળીને સધર્ન ક્રોસ રેલવે સ્ટેશન પહોંચી પણ ગયા હતાં અને ત્યાં નાચોઝ ઝાપટતા હતાં.

પછીનાં દિવસે સવારે ફરી અમારી અઈટેનારી અલગ હતી. એ દર વખતની જેમ લાઈબ્રેરી ગઈ અને હું ફરી નેશનલ ગેલેરી ઓફ વિક્ટોરિયા. પહેલા માળે જ્યાંથી જોવાનું અધૂરું હતું એ શરુ કર્યું. થોડા સમય પછી એ માળ પર લગભગ બધું જ જોઇને હું સૌથી ઉપરનાં માળે પહોંચી. એ માળ આખો મોડર્ન/કન્ટેમ્પરરી આર્ટનો હતો. ત્યાં ‘મેલબર્ન નાઉ’ નામનું એક એગ્ઝીબિશન ચાલુ હતું. કન્ટેમ્પરરી આર્ટ વિશેની મારી જાણકારી ઘણી ઓછી અને જીજ્ઞાસા ઘણી વધુ છે. વળી, અહીં મૂકવામાં આવેલી દરેક કૃતિઓ એકથી એક ચડે એવી હતી. એ શું છે એ સમજવા માટે હું લગભગ સતત બાજુમાં રાખેલાં ઇન્ફર્મેશન-બોર્ડ વાંચતી જતી હતી અને એક પછી એક વિશ્વ મારી સામે ખૂલતા જતા હતાં. અમુક અમુક તો અફલાતૂન હતાં જેમ કે, ગ્રાફિટી બીલોન્ગ્સ ઇન મ્યુંઝીયમ્સની થીમ પર એક કલાકારે કામ કર્યું હતું. આખરે મ્યુઝિયમમાં શું જાય છે અને શું નહીં એ અંતે તો પસંદગીની વાત જ છે ને! તો શા માટે ગ્રાફિટી નહીં? કોઈ કલાકારે પોતાનાં પ્રવાસ દરમિયાન લગભગ ૬ ચાર્ટ પેપર ગોઠવીને ૨x૩ની બને તેટલી જગ્યામાં શબ્દો અને ચિત્રોનું એક ગજબ મેશ-અપ સર્જ્યું હતું. તેનાં પર કૉફી મગની ૨ પ્રિન્ટ પણ હતી અમુક ડાઘ વગેરેને પણ તેણે રહેવા દીધાં હતાં. થઇ ગયું હોય અને રહેવા દીધું હોય કે પછી જાણી-જોઇને કર્યું હોય, એ ડાઘ તેનાં સ્થાને ફિટ લાગતાં હતાં અને ધારી અસર ઉપજાવતા હતાં. મેલ્બર્નમાં (અને દુનિયામાં પણ) ઘણાં કલાકારો અત્યારે ધ્વનિ અને ચિત્રોનાં વિષય પર ઘણું જ અગત્યનું અને ઉપયોગી પ્રાયોગિક કામ કરી રહ્યાં છે. આ ગેલેરીમાં મને તેનાં ઓછામાં ઓછા ૪ નમૂના જોવા મળ્યા અને દરેકની પોતાની એક ખુશ્બૂ હતી. સ્વાદ હતો. કેરેક્ટર હતું. અંતે મારો જવાનો સમય થઇ ગયો અને એ માળ પણ હું આખો ન જોઈ શકી. હજુ સેન્ટ કિલ્ડા રોડ પર તેમનું ઇન્ટરનેશનલ સેક્શન તો આખું જોવાનું જ બાકી છે. કંઈ વાંધો નહીં. ફરી ક્યારેયક!

મારું પેકિંગ બધું જ આગલી રાત્રે/બપોરે જ થઇ ગયું હતું. વળી, ત્યાં બપોરે ૪ વાગ્યા સુધી રહેવાનું એક્સ્ટેન્શન અમેં આગલા દિવસે જ લઇ લીધું હતું અને તેનો લાગતો-વળગતો ચાર્જ ભરી ચૂક્યા હતાં. આમ, ચાર વાગતાં આર્ટ ગેલેરીથી આવીને ફક્ત એક છેલ્લું ચેક કરીને તરત જ અમે નીચે ઊતર્યા.  મેલ્બર્નનું વાતાવરણ એ આખું અઠવાડિયું અમારા પર મહેરબાન રહ્યું હતું અને બસ અમારા જવાનાં દિવસે જ બરાબર વરસાદની શરૂઆત થઇ હતી. એ જોઇને હું અને સુઝાના બંને મનોમન ખુશ થતાં હતાં કે, આપણા નસીબ સારા છે કે, આપણે ફરતા હતાં એ બધાં જ દિવસો ઉઘાડ રહ્યો. અંતે સફરનો અંત આવ્યો અને ૭ વાગ્યે અમારી ફ્લાઈટ એનાઉન્સ થઇ અને અમે પર્થનાં ઉનાળામાં પાછા ફર્યા. આમ, નવું વર્ષ ખૂબ સુંદર રીતે શરુ થયું. વર્ષનાં પહેલાં જ દિવસે મારી બે ફેવરિટ પ્રવૃત્તિઓ આર્ટ અને ટ્રાવેલ બંને થયાં!

જિજ્ઞાસુઓ માટે: http://www.ngv.vic.gov.au/