ઓસ્ટિન ફોટોઝ – ૧

અમેરિકા, ઓસ્ટિન, ફોટોઝ

ઓસ્ટિનનાં ફોટોઝ બે ભાગમાં વહેંચાયા છે. આ પહેલા ભાગમાં સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટથી મારી ફ્લાઈટ બોર્ડ કરવાથી માંડીને ઓસ્ટિન સ્ટેટ કેપિટોલ, બાર્ટન સ્પ્રિંગ્સ, કોન્ગ્રેસ બ્રિજ, હોસ્ટેલની આસપાસનાં અમુક ફોટોઝ વગેરે છે. એટલે કે, પહેલી સાંજ અને પહેલા દિવસનાં બધાં ફોટોઝ.

જ્યારે બીજા ભાગમાં બીજા આખા દિવસ અને પછીની સવારનાં એરપોર્ટના ફોટોઝ તો છે જ પણ એ આલ્બમ અનાયાસે જ આખો કળાનો આલ્બમ બની ગયો છે. તેમાં લગભગ બધાં જ ફોટોઝ મ્યુરલ્સ, કળાત્મક અથવા હાસ્યસ્પદ ચીજો અને પેઇન્ટિંગ્સનાં જ છે.

પહેલા આલ્બમ માટે રાબેતા મુજબ નીચે ક્લિક કરો.

IMG_20150904_184237-COLLAGE

ઓસ્ટિન – પહેલો દિવસ

અમેરિકા, ઓસ્ટિન

સવારે દસ વાગ્યા આસપાસ હું ઊઠી અને ત્યારે રૂમમાં મારાં અને બીજી એક છોકરી સિવાય કોઈનો સામાન નહોતો પડ્યો. ફટાફટ નાહીને હું તૈયાર થઇ ગઈ. આગળની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે દર બે ડોર્મ વચ્ચે એક બાથરૂમ હતું એટલે જયારે જાઓ ત્યારે બે બારણાં બંધ કરવાનું અને બહાર આવો ત્યારે બંને બારણાં ખોલવાનું યાદ રાખવું પડતું. બહાર જતાં પહેલાં મેં ઇયનને મેસેજ કર્યો જો તેને મારી સાથે બહાર આવવું હોય તો એ પૂછવા માટે. પણ, તેનો કોઈ જવાબ ન આવ્યો એટલે પછી હું એકલી જ ઓસ્ટિન જોવા નીકળી પડી. અગિયાર વાગ્યા આસપાસ હું બહાર નીકળી ત્યારે ત્યાં વરસાદ પાડવાનો હજુ બંધ જ થયો હતો અને આકાશ વાદળછાયું હતું. તરત જ મારાં ચશ્મા પર ભેજ લાગી ગયો. ત્યાંની હવામાં ખૂબ ભેજ હતો અને ગરમી પણ પુષ્કળ. જાણે ઓસ્ટ્રેલિયાની ગરમી અને એશિયાનો ભેજ. હોસ્ટેલથી ફક્ત એક-દોઢ મિનિટ દૂર એક બસ સ્ટોપ હતું ત્યાંથી મેં ટેક્સસ-કેપિટોલ તરફ જવા માટે બસ પકડી, જે પંદરેક મિનિટમાં કેપિટોલ સુધી પહોંચાડતી હતી. બસમાંથી નીચે ઉતારી તેવો તરત ફરી ચશ્મા પર ભેજ લાગી ગયો.

કેપિટોલની આસપાસ ખૂબ હરિયાળી છે અને સુંદર બગીચો છે. તેનો ફોટો પાડવા મેં મારો SLR કાઢ્યો. પણ, નકામું. કેમેરા પર પણ ભેજ લાગેલો હતો અને હું ગમે તેટલો કાચ સાફ કરવાનો પ્રયત્ન કરું એ જતો જ ન હતો. અંતે મેં ફોનનો કેમેરા જ વાપરવાનું વ્યાજબી સમજ્યું અને આગળ વધી. કેપિટોલ જોવા માટે લાંબી લાઈન હતી જે અપેક્ષિત હતું કારણ કે, લોન્ગ-વીકેન્ડ. એ ગરમી અને તડકામાં દસ મિનિટ ઊભું રહેવું પણ દસ કલાક જેવું લાગતું હતું. પંદરેક મિનિટ પછી હું છાયા સુધી પહોંચી અને પછી બે-એક મિનિટમાં અંદર જવા મળ્યું. ત્યારે કેપિટોલ જેવું હોય તેવું પણ સૌથી પહેલી ખુશી તો એર-કંડીશનમાં આવ્યાની થઇ. નસીબજોગે બરાબર હું પહોંચી ત્યારે જ એક સરકારી ટૂર ગાઈડ કેપિટોલની ટૂર શરુ કરી રહ્યો હતો જેમાં હું જોડાઈ ગઈ. તેની પાસેથી કેપિટોલનાં જૂદા-જૂદા ભાગો જોતાં ત્યાંનાં સ્થાનિક ઈતિહાસ વિશે અને અમેરિકાનાં ઈતિહાસમાં ટેક્સસનાં ભાગ વિશે ઘણી રસપ્રદ માહિતી મળી.

એ ઈમારત વિશે હું અહીં બહુ કહી તો નહીં શકું પણ એટલું જરૂર કહીશ કે, કેપિટોલ ખરેખર ખૂબ સુંદર અને ઓછામાં ઓછી એક વખત મુલાકાત લેવા જેવી જગ્યા છે. ત્યાંની ટૂર પૂરી કરીને મેં નજીકની એક આર્ટ-ગેલેરી જોવા જવાનું નક્કી કર્યું અને એવા તડકામાં દસેક મિનિટ જેવું ચાલવાનો નિર્ણય કર્યો કારણ કે, ગેલેરી બહુ દૂર નહોતી. પણ, ત્યાં જઈને જોયું તો ગેલેરી બંધ. પછી ત્યાં આસપાસ ખાવાનું કંઈ શોધવાનું શરુ કર્યું. મારે પિત્ઝા અને નાચોઝ સિવાયનું કંઈ પણ ખાવું હતું પણ એ સિવાય ખાસ કંઈ ત્યાં દેખાતું નહોતું એટલે યેલ્પની મદદ લઈને એક ટર્કીશ જગ્યાએ જવાનું નક્કી કર્યું. જગ્યા થોડી દૂર હતી એટલે ‘લિફ્ટ’ની મદદ લીધી ત્યાં પહોંચવા માટે. એ જગ્યા શહેરનાં મધ્યથી થોડી બહાર હતી એટલે ઓસ્ટિનનું સબર્બ જોવાનો પણ મોકો મળી ગયો. ત્યાંની આસપાસની હરિયાળી અને ઘરોનાં બાંધકામે મને મેન્ગલોરની યાદ અપાવી દીધી. એ ટર્કીશ જગ્યાએ મેં ફલાફલ રોલ ખાવાનું પસંદ કર્યું અને યેલ્પનાં કહેવા મુજબ એ જગ્યા ખરેખર સારી હતી. જો કે, એ દુકાન હતી ખૂબ નાની. ત્યાં બેસવા માટે ફક્ત પાંચ વ્યક્તિઓ બેસી શકે તેવાં બે ટેબલ જ હતાં.

ખાવાનું લઈને હું બેઠી કે, તરત ત્યાં પાંચ લોકોનો એક પરિવાર આવ્યો. જગ્યા ખૂબ નાની હતી એટલે કોઈ કંઈ પણ બોલે એ બધું જ સંભળાતું. એ લોકો ગુજરાતી હતાં અને તેમની બોલી અને નામ સાંભળીને અનુમાન લગાવ્યું કે, એ અમદાવાદ કે વડોદરાનાં ખોજા અથવા મુસ્લિમ હતાં. એ બોલી સાંભળ્યાને ઘણો લાંબો સમય થઇ ગયો હતો. તેમણે મને રાજકોટનાં મારાં અમુક જૂના મિત્રોની યાદ અપાવી દીધી. એ મિત્રોમાંની એક છોકરી ઘણાં બધાં વર્ષો પહેલાં અમેરિકા આવી ગઈ હતી તેનાં પરિવાર સાથે અને પછી સંપર્કમાં નહોતી રહી. મનમાં એવો વિચાર આવ્યો હતો કે, એ છોકરી જો તેનાં પરિવાર સાથે ક્યાંય મળી જાય તો તેનો પરિવાર કદાચ આવો જ લાગતો હોય – માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ. જમવાનું પતાવીને હું ફરી લિફ્ટમાં હોસ્ટેલ તરફ રવાના થઈ. ત્યાં પહોંચતાં સુધીમાં બપોરે સાડા ત્રણ જેવો સમય થયો હતો. મેં થોડો સમય આરામ કરીને ફરી બહાર જવાનું નક્કી કર્યું.

એકાદ કલાકની ઊંઘ કરીને હું ફરી બહાર જવા રવાના થઇ. હવેનો મુકામ હતો બાર્ટન સ્પ્રિંગ્સ અને ત્યાંથી સાત વાગ્યા આસપાસ કોન્ગ્રેસ બ્રિજ. બાર્ટન સ્પ્રિંગ્સ સુધી મેં બસમાં જવાનું નક્કી કર્યું. પણ, બસ-સ્ટોપથી એ સ્થળ સુધી પહોંચવા માટે ખાસ્સું ચાલવું પડ્યું એ તડકામાં જેનો મને અંદાજો નહોતો. પણ, એ યથાર્થ સાબિત થયું. રસ્તામાં મેં ઘણાં બધાં ફૂડ-ટ્રક જોયાં અને ખાસ તો એક બ્રિજ પરથી ચાલતાં જોયેલો નજારો. એ પુલ નીચેથી સુંદર કોલોરાડો નદી પસાર થતી હતી અને આસપાસ ઘણી બધી હરિયાળી હતી. નદીમાં લોકો આરામથી કાયાકિંગ કરી રહ્યાં હતાં અને ત્યાંની સુંદરતા માણી રહ્યાં હતાં. અંતે સવા પાંચ આસપાસ હું બાર્ટન સ્પ્રિન્ગ્સ પહોંચી. એ જગ્યા જાણે કુદરતે બનાવેલો સ્વિમિંગ-પુલ છે. ત્યાં નદી એકદમ છીછરી છે એટલે પાણી ફક્ત ગોઠણ ડૂબે તેટલું છે. ત્યાં હજારો લોકો નહાઈ રહ્યાં હતાં અથવા તો નદીમાં પગ ડૂબાડીને કે કિનારા પર બેઠાં હતાં. એ દિવસે ખૂબ ગરમી હતી એટલે કુદરતનાં એર-કંડીશનરથી સારું બીજું તો શું હોય! નદીમાં નહાવા માટે એ આદર્શ દિવસ હતો. ત્યાં નદીનાં કિનારે ઉપરથી એક નાની ટ્રેન-રાઈડ પણ હતી એટલે મેં એ રાઈડનો પણ લહાવો માણ્યો અને નદીને અને એ જગ્યાને એક નવાં દ્રષ્ટિકોણથી જોઈ. ત્યાંથી છ વાગ્યા આસપાસ હું નીકળી અને કોંગ્રેસ બ્રિજ તરફ જવા માટે બસ પકડવાનું નક્કી કર્યું. પણ, બસ-સ્ટોપ સુધી ચાલીને ખબર પડી કે, બસ આવવાને તો અડધી કલાક જેટલી વાર હતી.

સ્ટોપ પર એટલો સમય રાહ જોવાને બદલે મેં કંઈક જ્યૂસ જેવું લેવાનું વિચાર્યું એટલે ત્યાંથી ચાલીને પાંચેક મિનિટનાં અંતરે ફૂડ-ટ્રક હતાં ત્યાં ગઈ અને જ્યૂસ મંગાવીને ફરી લિફ્ટ જ ઓર્ડર કરી અને એ નિર્ણય બિલકુલ સાચો પુરવાર થયો. હું કોંગ્રેસ બ્રિજ સમયસર પહોંચી ગઈ અને એક સુંદર વ્યૂવાળી જગ્યા પર જઈને ઊભી રહી. દરરોજ સૂર્યાસ્ત પછી એ બ્રિજ નીચેથી હજારો ચામાચિડિયા નીકળતાં અને શિકાર કરવા માટે જતાં. એ નજારો જોવા માટે હજારો પ્રવાસીઓ ત્યાં આવીને ઊભાં રહેતાં એટલે ત્યાં મોડાં પહોંચો તો ઊભા રહેવાની જગ્યા મળવી મુશ્કેલ થઇ પડે. હું ત્યાં પહોંચી ત્યારે સૂર્યાસ્ત થવામાં જ હતો એટલે પહેલી વીસેક મિનિટ તો મેં ફક્ત સૂર્યાસ્તનો નજારો માણવામાં વિતાવી. પછી આકાશનાં સુંદર રંગો જોવા મળ્યાં. એ દરમિયાન નીચેથી જાત-જાતની હોડીઓ અને કાયાક પસાર થઇ રહ્યાં હતાં. એક જોડી એ નદીમાં એક બોટ પર લગ્ન કરી રહી હતી. અમુક લોકો કાયાકમાં પોતાનાં કૂતરાને લઈને આવ્યા હતાં. તો, ક્યાંક બતક આકારની બોટમાં લોકો નદીમાં ટહેલી રહ્યાં હતાં. ત્યાં લગભગ સવા કલાક જેવો સમય રહ્યાં પછી અંતે ચામાચીડિયા બહાર આવવાનાં શરુ થયાં. મને એમ હતું કે, દસેક મિનિટમાં તો બધાં જ બહાર આવી ગયાં હશે. પણ, એવું નહોતું. પહેલી દસ મિનિટમાં તો ફક્ત મોટાંમાં મોટાં ઝૂંડ બહાર આવ્યા હતાં અને પછીની પંદર મિનિટ પણ ટોળાનાં ટોળા નીકળતાં રહ્યાં હતાં. પચ્ચીસ મિનિટ પછી તેમની ગતિ થોડી ઠંડી પડી અને લોકો બ્રિજ પરથી જવા લાગ્યાં. ત્યાંથી બસ-સ્ટોપ નજીક હતું એટલે મેં હોસ્ટેલ તરફ બસ પકડી.