ઓસાકા – 3

ઓસાકા, જાપાન

ફ્રેન્ચ-અમેરિકન કાફૅમાં પણ સ્ટાફ ને ઇંગ્લિશ નહોતું આવડતું. તેમને મેં ‘વેજિટેરિયન’ પૂછ્યું તો તેમને સમજાયું નહીં. મેં ફરી એક વાર કોશિશ કરી પણ કઇં મેળ ન પડ્યો. એ સમયે મારા સિવાય કાફેમાં એક બીજી છોકરી બેઠી હતી તેને સમજાઈ ગયું એટલે તેણે મારી મદદ કરી અને વેઈટરને સમજાવ્યું. અંતે હું એક ઑમલૅટ અને સૅલડ પામી. એ મદદગાર સાથે પણ મારી થોડી વાત થઇ. તે પણ ત્યાં ફરવા આવી હતી. જતાં જતાં તેણે મને એક ચોકલેટ ક્યૂબ આપ્યો અને મેં ત્યાંથી ઓસાકા કાસલ તરફ પ્રયાણ કર્યું. શ્રીએ મને તેનાં વિશે માહિતી આપી હતી અને મને આમ પણ તેવાં સ્થળો જોવામાં રસ હતો. ટ્રેન સ્ટેશન પાછળ જ હતું અને ચાલી શકાય તેમ હતું. કાસલ સુધી JR લાઈન જતી હતી અને મારી પાસે પાસ હતો એટલે ટિકિટ ખરીદવાની જરૂર નહોતી.

ટ્રેનની મુસાફરી દરમિયાન ટ્રેન જ્યારે ઓવર-ગ્રાઉન્ડ બ્રિજ પરથી પસાર થવા લાગી ત્યારે આસપાસ પહેલી વાર મને ત્યાંનાં ઘર જોવા મળ્યાં. જાપાનનું અર્બન લૅન્ડસ્કેપ હું દિવસનાં સમયે પહેલી વાર જોઈ રહી હતી. ત્યાંનો રેસિડેન્શિયલ વિસ્તાર એકદમ ભારતની યાદ દેવડાવતો હતો. કપડાં બાલ્કનીમાં દોરીઓ પાર સુકાતાં હતાં. ગલીઓમાં સાઇકલ અને સ્કૂટર દેખાતાં હતાં અને આપણી જેમ ઠેર ઠેર દુકાનોનાં પાટિયાં મારેલાં હતાં અને તેમાં ઍડ્વર્ટાઇઝમેન્ટની પ્રિન્ટ હતી. જો ભાષા આપણી હોય તો એમ જ લાગે કે, ભારતનાં કોઈ મોટાં ચોખ્ખા શહેરમાં આવી ગયાં.

હું Osakajokoen સ્ટેશન ઉતરી અને ત્યાં બધે ઓસાકા કાસલ તરફનો રસ્તો દેખાડતી સાઇન લગાવેલી હતી. એ સાઈન ફોલો કરતી હું સ્ટેશનની બહાર નીકળી અને બરાબર સામે ઓસાકા કાસલનો પ્રવેશદ્વાર હતો. મારે એક મોટો રોડ ઓળંગવાનો હતો એટલે જ્યાં સુધી પેડેસ્ટ્રીયન ક્રોસવોકની સાઈન લાલ હતી તેટલો સમય હું પસાર થતી ગાડીઓ જોતી હતી. બધી ગાડીઓ, કુરિઅર ટ્રક સહિત બધાં જ વાહનો એકદમ નાના હતાં. એમ લાગે કે જાણે રમકડાંનાં વાહન હોય. લાંબી મોટી ગાડી તો ભાગ્યે એક કે બે જોવા મળે. પહેલાં તો વિચાર આવે કે આમાં લોકો મુસાફરી કઈ રીતે કરતાં હશે?! હેરાન નહીં થતાં હોય? પછી યાદ આવે કે, ત્યાં લોકોનાં કદ પણ પ્રમાણમાં નાના છે અને તેમને લાંબી મુસાફરી માટે ગાડીઓની જરૂર હોતી નથી. ટ્રેન પ્રમાણમાં વહેલાં પહોંચાડતી હોય છે એટલે શહેરમાં ને શહેરમાં ફરવા માટે એ વાહન ચાલે.

પ્રવેશદ્વારથી કિલ્લા સુધીનો રસ્તો ખૂબ લાંબો છે અને એક બગીચામાંથી પસાર થાય છે. એ વિસ્તાર આખો ખૂબ હરિયાળો હતો. પાનખર ઋતુનાં કારણે ઘણાં વૃક્ષો પર પાંદડાંનાં રંગ બદલાયેલાં હતાં એટલે એમ પણ ખૂબ સુંદર લાગતો હતો.

હું લગભગ અડધો – પોણો કલાક ફક્ત એ બગીચામાં ફરી. કિલ્લાની નજીક પહોંચતાં જ જોયું કે, કિલ્લા ફરતે તળાવ બાંધેલું છે અને એ નજારો પણ ખૂબ સુંદર છે. કિલ્લાનાં મુખ્ય દ્વારની બરાબર સામે એક શિન્તો શ્રાઈન બાંધેલી છે. (શિન્તો વિષે વધારે વાત ‘ટોક્યો’ પહોંચીને કરીશું.) આ શ્રાઈન મેં જોયેલી પહેલી વહેલી હતી એટલે ત્યારે મને બહુ સુંદર લાગી હતી. પણ, એ પછીનાં દિવસોમાં તેનાંથી હજારગણી સુંદર શ્રાઈન્સ જોઈ. ત્યાં ફટાફટ આંટો મારીને હું કિલ્લા તરફ જવા લાગી.

કિલ્લાનો મુખ્ય પ્રવેશદ્વાર જાણી જોઈને થોડો અટપટો રાખવામાં આવ્યો હતો, જેથી યુદ્ધ સમયે કિલ્લાનું રક્ષણ કરી શકાય. ત્યાં ખૂબ મોટી શિલાઓ પણ રાખવામાં આવી હતી. કિલ્લાની મુખ્ય ઇમારત ખૂબ સુંદર હતી. કિલ્લામાં અંદર જવા માટે 600 યેન જેવી કૈંક ટિકિટ ફી હતી અને એ ફક્ત કૅશથી જ ખરીદી શકાતી હતી. કાર્ડ નહોતું ચાલતું. મારી પાસે બિલકુલ કેશ નહોતું. અને ત્યાં કાઉન્ટર પર એક સ્ત્રીએ મને કિલ્લા પાસેનાં એક શૉપિંગ સેન્ટર જેવાં બિલ્ડિંગમાંથી પૈસા મળી શકશે તેમ જણાવ્યું. એ બહુ વિચિત્ર સીન હતો. આટલાં સુંદર ઐતિહાસિક કિલ્લાનાં પરિસરમાં, મુખ્ય ઇમારતથી લગભગ પાંચ જ મિનિટનાં ચાલી શકાય તેટલાં અંતરે એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલું હતું અને તેમાં એક રૂફટોપ રેસ્ટ્રોં પણ હતું!

મને શંકા હતી કે, મારું સાધારણ અમેરિકન બેન્ક કાર્ડ ત્યાં ચાલશે કે કેમ. જાપાનની કોઈ પણ બેન્ક, અમેરિકન બેન્ક્સનાં ગ્લોબલ કનેક્શનમાં નથી. મારાં મિત્રોએ કહ્યું હતું કે, ત્યાંનાં કોઈ પણ 7-11 (જી હા, 7-11 કોર્નર સ્ટોર) બેન્કમાંથી હું મારાં અમેરિકન બેન્ક કાર્ડ વડે પૈસા ઉપાડી શકીશ અને એમ પણ કહ્યું હતું કે ત્યાં બધે જ 7-11 આસાનીથી મળી રહેશે. પણ, આ ઐતિહાસિક કિલ્લાનાં રેન્ડમ શોપિંગ સેન્ટરમાં મને 7-11 બૅન્કનું ATM મળવાની શક્યતા નહોતી લાગતી. પણ, ત્યાં એ હતું. સરકારોની ટૂરિસ્ટો પાસેથી ટિકિટરૂપે પૈસા કમાવાની વૃત્તિને ક્યારેય અંડરએસ્ટીમેટ ન કરવી!

એ કિલ્લો ખૂબ નાનો છે. તમે કુંભલગઢ વગેરે ગયાં હો તો તેની સામે તો આ એકદમ બચોલિયું લાગે. તેની અંદર જોવાની વસ્તુઓ ઓછી હતી, અને લેખિત માહિતી વધુ હતી જેમ કે, કવિતાઓ, ત્યાંનો ઇતિહાસ વગેરે બધી જ માહિતી જાપાનીઝમાં હતી. તેમાં તો આપણને કઈં ટપ્પા પડે તેમ હતાં નહીં એટલે મારી મુલાકાત ટૂંકી રહી.

પાછાં નીચે જતી વખતે પણ મેં એ બગીચાનો આનંદ લીધો અને મારાં next destination દોતોન્બોરી તરફ કઈ રીતે જવું એ વિશે માહિતી શોધી.

મૅપ્સ કહેતાં હતાં કે, ઓસાકા કાસલથી દોતોન્બોરી અંત સુધી JR લાઈન નહોતી જતી. તેનાં માટે મારે Osakajokoenથી ત્સુરૂહાશી સુધી JR ટ્રેન અને ત્યાંથી બદલીને ઓસાકા-નામ્બા સ્ટેશન સુધ લોકલ ટ્રેઈન પકડવી પડે તેમ. ત્સુરૂહાશી તો હું આરામથી પહોંચી ગઈ. પણ, ત્યાંથી બદલીને લોકલ ટ્રેનની ટિકિટ કઈ રીતે ખરીદવી અને નામ્બા તરફની ટ્રેન ક્યાંથી પકડવી એ સમજાયું નહીં. ત્યાં સાઇન લગાવેલી હતી તેમાં પણ બહુ માહિતી નહોતી એટલે મેં સ્ટેશન પર એક કર્મચારીને પૂછ્યું. પણ, તેને ઇંગ્લિશ નહોતું આવડતું. ત્યાં હાઈસ્કૂલ/કૉલેજમાં ભણતી છોકરીઓનું એક ગ્રુપ હતું. યુવાન લોકોને કદાચ ઇન્ટરનેટનાં કારણે ઇંગ્લિશ આવડતું હોય એ તર્કે મેં તેમને પૂછ્યું. તેમાંની એક છોકરીએ લગભગ દસેક મિનિટ સુધી મને ભાંગી તૂટી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં સુધી એ બધી છોકરીઓ શાંતિથી ઊભી રહી અથવા પેલીને સમજાવીને મને જવાબ આપવાનો પ્રયત્ન કરતી રહી. અંતે સ્ટેશનનાં કર્મચારી અને પેલી છોકરી, બંનેની ઇન્સ્ટ્રક્શનનાં થોડાં થોડાં ભાગ જોડીને મને સમજાયું કે હું ઊભી હતી ત્યાં ડાબી બાજુ મશીનમાંથી ટિકિટ લેવાની હતી અને જમણી બાજુથી લોકલ ટ્રેન પ્લૅટફૉર્મ સુધી અંદર જવાનો રસ્તો હતો. નામ્બા સ્ટેશનથી દોતોન્બોરી ચાલીને જવાનું સહેલું હતું.

દોતોન્બોરી ઓસાકાનાં તમામ ટૂરિસ્ટ અટ્રૅકશનમાં પહેલાં નંબર પર છે. એ આખો વિશાળકાય માર્કેટનો વિસ્તાર છે. ત્યાં દુનિયાની તમામ ચીજોની દુકાનો, ઘણી પ્રકારનાં સ્ટ્રીટફૂડ (મુખ્યત્ત્વે સીફુડ), રેસ્ટ્રોં, બાર વગેરે આવેલાં છે અને માર્કેટની બરાબર વચ્ચેથી દોતોન્બોરી નદી વહે છે જેમાં બોટિંગ કરી શકાય છે. નદીનાં બંને તરફનાં ઘાટ પાર માર્કેટ્સ આવેલી છે અને ત્યાં કોઈ ને કોઈ ઇવેન્ટ્સ અને પરફોર્મન્સ ચાલતાં રહેતાં હોય છે.

અહીં પહોંચીને મેં પહેલું કામ H&Mમાંથી કોઈ સસ્તા શૂઝ લેવાનું કર્યું. જાપાન આવતાં પહેલાં જ મેં શૂઝની એક પૅર લીધી હતી. દુકાનમાં પહેર્યાં ત્યારે એ બરાબર લાગતાં હતાં. પણ, અડધો દિવસ પહેરીને ચાલ્યા પછી મને એ ખૂબ ટાઈટ લાગતાં હતાં અને તેમાં મારાં પગનાં અંગૂઠાં ખૂબ દબાતાં હતાં. એ પહેરીને આખી ટ્રિપ નીકળે એ તો શક્ય જ નહોતું. નવાં શૂઝ પહેરતાંની સાથે જ મને ખૂબ રાહત થઇ અને મેં આગળ ચાલવાનું શરુ રાખ્યું.

થોડાં સમય પછી ભૂખ લાગી અને ત્યાં માર્કેટની બરાબર વચ્ચે મને ગૂગલ મેપ પર Atl કાફૅ નામનું એક વેગન રેસ્ટ્રોં મળ્યું (Organic & Vegetarian Cafe Atl). રણમાં જાણે કોઈએ પાણીની મશક આપી હોય તેવો અનુભવ હતો એ. ત્યાં મેં લન્ચ મેન્યૂમાંથી જમવાનું અને એક ગ્લાસ જ્યુસ ઑર્ડર કર્યાં. જ્યૂસનાં ગ્લાસની સાઈઝ ખૂબ નાની – શોટ ગ્લાસ અને સામાન્ય પાણીનાં ગ્લાસની વચ્ચેની સાઈઝ હતી.

એટલું સારું હતું કે, જમવાનું પૂરતું હતું. જમીને થોડો સમય મેં ત્યાં ચક્કર માર્યું પણ હવે થાક અને કંટાળો બંને શરુ થયાં હતાં એટલે સાંજે છએક વાગ્યા આસપાસ મેં હોટેલ તરફ પ્રયાણ કર્યું. આ વખતે ઓસાકા સ્ટેશનથી હૉટેલ સુધી ચાલવાને બદલે આપણે ચુપચાપ હોટેલની શટલ લઇ લીધી.