ન્યુ ઓર્લીન્સ – ફ્રેન્ચ કવાર્ટર્સની બહારનું સ્વરૂપ

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

સાંજે ત્રણેક વાગ્યે સ્ટ્રીટ આર્ટ ટૂઅર પતાવીને અમે વિચારવા લાગ્યા આગળ શું કરવું. એ રાત્રે પાર્થનું વેકેશન પૂરું થતું હતું અને વહેલી સવારે છ વાગ્યાની તેની ફલાઇટ હતી. હું અને સૅમ દોઢ દિવસ વધારે રોકાવાનાં હતા. સૅમનાં મગજમાંથી હજુ ‘સ્વૉમ્પ ટૂઅર’ નીકળી નહોતી. સ્વૉમ્પ એટલે કીચડવાળાં મોટાં ખાબોચિયાં જેમાં મગર જોવા મળે. સવૉમ્પ ટૂઅરની સાથે ન્યુ ઓર્લીન્સની ‘પ્લાન્ટેશન (વાડી અને ખેતર) ટૂઅર’ પણ બહુ પ્રખ્યાત છે. હવે આ પ્લાન્ટેશન ટૂઅર આપણે ધારીએ છીએ તેવી મોજમજાવાળી નથી. અહીં આ ટૂઅરની વાત અમેરિકાની ગુલામીપ્રથાનાં સંદર્ભમાં છે. આગળની પોસ્ટમાં વાત કરી તેમ બસો વર્ષ પહેલા ગુલામોને મુખ્યત્ત્વે અમેરિકાનાં ગોરા લોકોનાં ખેતરોમાં મજૂરી માટે લાવવામાં આવતા હતા અને બાકીનાં અમેરિકાની સાપેક્ષ ‘ડીપ સાઉથ’ તરીકે ઓળખાતાં રાજ્યોમાં ગુલામીપ્રથાનું નાબૂદીકરણ અમૅરિકાનાં પ્રોગ્રેસિવ રાજ્યોનાં પ્રમાણમાં ઘણું મોડું થયું હતું. ન્યુ ઓર્લીન્સ આ ‘ડીપ સાઉથ’નું એક શહેર છે અને ત્યાં આ ગુલામીપ્રથાનાં અવશેષ તરીકે આ પ્લાન્ટેશન્સ હજુ પણ જેમનાં તેમ રાખવામાં આવ્યાં છે અને તેમની મુલાકાત લઈને આપણાં જેવા પ્રવાસીઓ ત્યાંનાં એક સમયનાં બળજબરીપૂર્વક બનાવવામાં આવેલા ગુલામોની પરિસ્થિતિ પોતાની નજરે જોઈ શકે છે.

મને પ્લાન્ટેશન ટૂઅરમાં રસ હતો પણ, સવૉમ્પ્સની ટૂઅરમાં નહીં. ત્યાં જો કે, જેટલી ગાઇડેડ ટૂઅર હતી એ બંને માટે જ હતી અને બધી સવારથી સાંજ સુધીની હતી. અમારાં કેસમાં તો અમે આર્ટ ટૂઅર પતાવીને નીકળ્યા ત્યાં મોડી બપોર તો થઇ ચૂકી હતી એટલે એ દિવસે ગાઇડેડ ટૂઅરમાં જવું તો શક્ય નહોતું. પણ, અમે પોતાની જાતે ડ્રાઈવ કરીને જાતે પ્લાન્ટેશન ટૂઅર ચોક્કસ કરી શકીએ. આમ, અમે એક દિવસ માટે એક કાર ભાડે લેવાનું નક્કી કર્યું. તેનો બીજો ઉપયોગ એ પણ હતો કે, મોડી રાત્રે સૅમ પાર્થને એરપોર્ટ સુધી મૂકી આવી શકે.

અમે કાર રેન્ટલ સુધી પહોંચ્યા અને બધો વહીવટ પતાવીને બહાર નીકળ્યા ત્યાં સુધીમાં સાડા ચાર જેવું થઈ ગયું હતું. સાડા છ-સાત આસપાસ ત્યાં અંધારું થઇ જતું હતું અને દિવસ બહુ વાદળછાયો હતો એટલે અમારી પાસે સમય ખૂબ ઓછો હતો. પ્લાન્ટેશન લગભગ પાંચ વાગ્યા આસપાસ બંધ થઇ જતાં હતાં અને અડધી કલાકમાં ત્યાં પહોંચી શકવાની શક્યતા નહિવત્ હતી એટલે મેં એક વચ્ચેનો રસ્તો શોધ્યો. આગલા દિવસે અમે કોઈક પાસે સાંભળ્યું હતું કે, ન્યુ ઓર્લીન્સથી થોડે દૂર ડ્રાઈવ કરતા મિસિસિપી નદીનાં કિનારે પહોંચી શકાય છે અને તે રસ્તો બહુ સુંદર છે. આ સાંભળીને મેં મિસિસિપીનાં કિનારે વહેલામાં વહેલું કઈ રીતે પહોંચી શકાય તેનો રસ્તો શોધ્યો ગૂગલ મૅપ્સમાં અને સૅમ એ તરફ ગાડી ચલાવવા લાગ્યો.

લગભગ વીસેક મિનિટમાં અમે નિર્ધારિત સ્થળે પહોંચ્યા તો ખરા. પણ, ત્યાંથી આગળ દસેક મિનિટ સુધી ચલાવીને પણ અમારી ડાબી બાજુ મૅપ્સ અનુસાર જે નદી દેખાવી જોઈએ તેનાં કોઈ અણસાર નહોતાં દેખાતા. અમારી જમણી બાજુ મોટી મોટી ફૅક્ટરીઓ અને ગોડાઉન હતાં અને ડાબી બાજુ એક ટેકરી જેવું કૈંક, જેની પેલે પાર જોઈ શકાતું નહોતું. દસેક મિનિટ આમ ચાલ્યું એટલે મને વિચાર આવ્યો કે, કદાચ આ ટેકરીઓનાં કારણે નદી દેખાતી નથી અને ટેકરીઓ ઓળંગીને નદી સુધી પહોંચવાનો પણ કોઈ રસ્તો નહોતો દેખાતો એટલે કદાચ નદીનાં સામેનાં કિનારે જઈએ તો કદાચ કૈંક દેખાય. ત્યાંથી જલ્દીમાં જલ્દી સામેનાં કાંઠે પહોંચી શકાય તેવો રસ્તો મેં શોધ્યો. સૅમે યુ ટર્ન માર્યો અને અમે પહોંચ્યા એક બ્રિજ પર. બ્રિજની બરાબર વચ્ચે પહોંચીને જે સીન અમે પુલની બંને તરફ જોયો તેનાં પરથી જ અમને સમજાઈ ગયું કે, આ નદીનો કિનારો અમે ઘણાં લાંબાં સમય સુધી જોઈ શકવાનાં નહોતા.

નદીનાં બંને કિનારે કિલોમીટરનાં કિલોમીટર સુધી કોઈ ડિસ્ટોપિયન મૂવીનાં સેટની જેમ ફૅક્ટરીઓ ખડકાયેલી હતી. આ જગ્યાની દરિદ્રતાની એ સૌથી મોટી નિશાની હતી. કેલિફોર્નિયા જેવાં પૈસાદાર રાજ્યોમાં આવી નદીઓનાં કિનારે પબ્લિક પાર્ક હોય અને ખાનગી સંપત્તિ હોય તો વધી વધીને ખેતર કે વાડીઓ હોય. પણ, આ રાજ્ય દરિદ્ર છે એટલે જાણે ત્યાંની કુદરતી સંપત્તિ લૂંટવાનો, ત્યાંનાં લોકોને ઓછામાં ઓછો પગાર આપીને વધુ કામ કરાવી લેવાનો પરવાનો છે કંપનીઓ અને પાસે! નદીનાં બંને કાંઠાંની ફૅક્ટરીઓ જોઈને મને ફ્લિન્ટ યાદ આવ્યું. અમૅરિકાનાં મિશિગન રાજ્યનાં ફ્લિન્ટ શહેરમાં ચોખ્ખા પાણીનો વિશાળ સ્ત્રોત – લેઇક યુરોન હોવા છતાં ત્યાંનાં લોકોએ ફ્લિન્ટ નદીનું ગંદું, ઝેરી પાણી પીવું પડે છે. ત્યાંની સરકાર પાસે ‘જનરલ મોટર્સ’ની ફૅક્ટરીઓ ચલાવવા માટે ચોખ્ખું પાણી છે પણ, ત્યાંનાં બાળકોને પીવડાવવા માટે ચોખ્ખું પાણી નથી. :(

અમે એ પુલ પરથી નીચે ઊતરીને તરત જ ફ્રેન્ચ કવાર્ટર પાછા ફરવા માટે યુ-ટર્ન લીધો. જે શેરીમાંથી યુ-ટર્ન લીધો ત્યાં પણ મકાનોની હાલત દયનીય હતી. રસ્તામાં અનેક જગ્યાએ ગાબડાં, દશકોથી ક્યારેય રિનોવેશન ન થયું હોય તેવાં મકાન … થોડી વાર તો આ બધું જોઈને અમે ચક્કર ખાઈ ગયા. ફ્રેન્ચ કવાર્ટર્સ અને તેની આસપાસનાં નાનકડાં, રૂપાળાં ટૂરિસ્ટ વિસ્તાર સિવાયનાં ન્યુ ઓર્લીન્સની હકીકત આ હતી! મેં ક્યાંક વાંચ્યું હતું કે, આ પ્રકારની પ્રાકૃતિક અને સ્વાસ્થ્યને લગતી કટોકટીઓ એ વિસ્તારોમાં વધુ જોવા મળે છે જ્યાં ગરીબાઈ અને કાળાં લોકોની વસ્તી વધુ છે. મેં ન્યુ ઓર્લીન્સ વિષે ગૂગલ કરીને વધુ જાણવા માંડ્યું અને મને આ મળ્યું – કાળા લોકોની વસ્તી 60%, ગોરા 33%, એશિયન 3%. અમૅરિકાનાં 50 રાજ્યોનાં જીવનધોરણ વિષે કરાયેલાં અલગ-અલગ સર્વેમાં લૂઈઝિયાના રાજ્ય – જેમાં ન્યુ ઓર્લીન્સ શહેર આવેલું છે, તે સતત 48 કે 49માં ક્રમે જ જોવા મળે છે છે. અર્થાત્ અહીંનું જીવનધોરણ અમૅરિકાનાં નિમ્નતમમાં આવે છે. ગરીબી, બેકારી, બાળ-મૃત્યુનો ઊંચો દર જેવી તકલીફો અહીં ઘણી બધી છે અને ભણતરનું પ્રમાણ ખૂબ ઓછું. સાવ નીચેનાં ત્રણ રાજ્યોમાંનાં બાકીનાં બે બ્લૅક મેજોરીટી ધરાવતાં રાજ્યો નથી પણ, તે બંને પણ છે તો અમૅરિકાનાં સાઉથનાં રાજ્યો જ જ્યાં, ગુલામીપ્રથા અને રંગભેદ બાકીનાં રાજ્યો કરતા લાંબો સમય ચાલ્યા છે. આ શહેરનાં ટૂરિસ્ટ વિસ્તારની બહાર ફરીને અમને સમજાયું કે, અમૅરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થયાને ભલે દોઢ સદી થઇ હોય અને માર્ટિન લ્યૂથર કિંગની સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ/રંગભેદ નાબૂદીને અડધી સદી પણ છતાંયે, અમૅરિકાનાં ખૂણે ખાંચરે વિવિધ સ્વરૂપે એ ગુલામીપ્રથાનાં પડઘા હજુ પણ સંભળાય છે.

ફ્રેન્ચ કવૉર્ટર્સ પાછા ફરતા સાડા છ જેવું થયું અને અમને ત્રણેને કાકડીને ભૂખ લાગી હતી કારણ કે, સવારે આર્ટ વૉક પહેલા કરેલાં નાશ્તા સિવાય અમે કૈં જ ખાધું નહોતું. એરબીએનબી જઈને, થોડાં ફ્રેશ થઈને અમે ફરી બહાર નીકળ્યા. આ વખતે મૅગેઝીન સ્ટ્રીટ નામની કોઈ પ્રખ્યાત સ્ટ્રીટ પર સૅમે કોઈ ઈઝરાયેલી કૅફે શોધ્યું હતું. છેલ્લાં ઘણાં દિવસોમાં મિડલ-ઈસ્ટર્ન ફૂડનો લાભ નહોતો લીધો એટલે એ આઇડિયા મને ગમ્યો. તે જગ્યાનું નામ હતું ‘ટાલ્સ હમ્મસ’.

તેમનું આમ્બિયાન્સ તો સારું હતું જ પણ, માય ગોડ! અત્યાર સુધી મિડલ ઈસ્ટની બહાર ચાખેલાં તમામ મિડલ ઈસ્ટર્ન ફૂડમાં આ જગ્યા કદાચ ટોપ 3માં આવે! તેઓ ત્યાં જ પીટા બ્રેડ બેક કરતા હતા. એટલી સૉફ્ટ અને ફ્લફી બ્રેડ મેં બહુ ઓછી જોઈ છે! હમ્મસ પણ લઝીઝ! સાથે આર્ટિસ્ટિક વાઇબ લટકામાં. :)

કટક-બટક કરવાનાં ઈરાદાથી ગયા હતા પણ, અમે સારું એવું ઝાપટીને બહાર નીકળ્યા. ત્યાર પછી અમે મૅગેઝીન સ્ટ્રીટ એક્સપ્લોર કરતા થોડું ચાલ્યા. ત્યાં દુકાનો ઘણી હતી પણ, લગભગ બધી જ બંધ હતી. આમ, પાર્થનો શોપિંગનો પ્લાન અમને કૅન્સલ થતો દેખાયો. એ સાંજે અમારી પાસે બીજું કૈં કરવાનું રહ્યું નહોતું અને બંને ભાઈઓને પિત્ઝા ખાવાનું મન થયું. અચાનક સૅમને યાદ આવ્યું કે, તેની ઑફિસમાંથી કોઈએ માહિતી આપી હતી કે, મૅગેઝીન સ્ટ્રીટ પર કોઈ જબરદસ્ત પિત્ઝા પ્લેસ છે. સૅમે તેનું નામ અને ઠેકાણું શોધ્યાં. પાંચ મિનિટ ચાલીને અમે પહોંચ્યા પિત્ઝા ડોમેનિકા.

મને પિત્ઝા લગભગ ભાવતા જ નથી અને તેમાંયે અમૅરિકામાં તો સાવ નહીં. હેવી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગવાળું આર્ટિફિશિયલ પ્લાસ્ટિક જેને, એ લોકો ચીઝ તરીકે ઓળખે છે, તેનાં સિવાય કોઈ સ્વાદ જ નથી હોતો ત્યાંનાં 95% પિત્ઝામાં. આમ કહું એટલે લોકો કહેશે પણ, તે ન્યુ યૉર્કનાં ટ્રાય કર્યાં? શિકાગોનાં ટ્રાય કર્યાં? હા ભઈ, મને નથી જ લાગ્યો કૈં ભલીવાર અને તમે દસ વાર અલગ અલગ જગ્યાનાં નામ લઈને પૂછશો તોયે આ પ્રીત તો પરાણે નહીં જ થાય! સૅમ અને પાર્થની ઈચ્છાને માન આપવા માટે હું રેસ્ટ્રોંમાં ગઈ તો ખરી પણ, બેસ્યા ત્યારે જ મેં તેમને કહી દીધું હતું કે, મારી તો ગણતરી રાખતા જ નહીં અને ફક્ત તમે બે ખૂટાડી શકો તેવડી સાઇઝ જ મંગાવજો. પણ, પહેલી સ્લાઇસ ખાઈને જ હું સમજી ગઈ કે, આ જગ્યા પેલાં 5% અપવાદમાં આવે છે. પિત્ઝામાં તમે જો ચીઝ ઉપરાંત પણ કોઈ સ્વાદ શોધતા લોકોમાંનાં હો, તો આ જગ્યા તમારા માટે જ બની છે. ત્યાંથી બહાર નીકળીને હું માંડ ચાલી શકતી હતી તેટલું મેં ખાઈ લીધું હતું!

માર્ડી ગ્રા બીડ્સ

ત્યાંથી નીકળીને પાર્થે ફરીથી શૉપિંગ યાદ કર્યું એટલે અમે એક મૉલ શોધ્યો જે, રવિવારે પણ ખુલ્લો હોય. અમને એક મળ્યો પણ ખરો – શહેરની વચ્ચોવચ્ચ. ત્યાં પહોંચવાની પાંચેક મિનિટ પહેલા તો એ રસ્તો એટલો ભયંકર અંધારો અને સુમસામ થઈ ગયો હતો કે, ઘડીક તો અમે વિચારવા લાગ્યા, સાચા રસ્તે જ છીએ કે કેમ?! મૉલની પિન પાસે પહોંચીને ફરી લાઇટ્સ દેખાવાની શરુ થઈ અને અમે જોયું કે, ત્યાં એક-બે હોટેલ્સ હતી અને મૉલ જેવું કૈંક હતું તો ખરું પણ, તેનો દરવાજો તો ક્યાંયે દેખાય નહીં! એક-બે વાર ભૂલા પડીને અંતે અમને પાર્કિંગ મળ્યું અને ત્યાર પછીએ મૉલમાં અંદર કેમ જવું તે તો પગપાળા ચક્કર મારીને જ ખબર પડી. અંદર જઈને મૉલની હાલત જોઈને તો એમ જ થયું જાણે, શનિવારી માર્કેટમાં આવી ગયા હોઈએ! વસ્તુઓની કવૉલિટી દેખીતી રીતે જ અન્ય શહેરોની સરખામણીએ ઊતરતી હતી. 5-6 દુકાનો ફરીને પણ ક્યાંય ખાસ મજા ન આવી. મૉલમાં પણ ગરીબી દેખાતી હતી બોલો! જે બ્રાન્ડ્સનાં સ્ટોર્સમાં અમને કૈં ન ગમ્યું હોય તેવું ભાગ્યે જ બનતું હોય ત્યાં એક વસ્તુ પણ ન ગમે એ દુકાનો કેવી હશે? તમે જ વિચારો. પાર્થને જે 2-3 વસ્તુઓ જોવા જેવી લાગી એ તેણે ખરીદી લીધી કારણ કે, ગગો ફૉરેન ટ્રિપ કરે ને પ્રિયજનો માટે (ખાસ સ્ત્રીઓ માટે) કૈં લઈને ન જાય એવું તો બને જ કેમ?! તોયે જેમ બને તેમ જલ્દી અમે ત્યાંથી બહાર નીકળ્યા.

એ સાંજે ઘણું બધું ખાધું હોવાથી ખાસ કૈં ભૂખ લાગી નહોતી. 9 વાગી પણ ગયાં હતાં એટલે બધું બંધ પણ થઇ ગયું હતું. એ રાત્રે ત્યાંથી નીકળતા પહેલા પાર્થને પોતાનાં મિત્રનું કોઈ પાર્સલ પિક-અપ કરવાનું હતું કોઈ દુકાનમાંથી. કાર તો હતી જ અમારી પાસે એટલે અમે એ જગ્યાનું ઍડ્રેસ નાખ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા. અડધે રસ્તે પહોંચ્યા તેટલામાં તો રસ્તો ફરી એકદમ અંધકારભર્યો અને ડરામણો થઇ ગયો. મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ્સ નહોતી! વચ્ચે વચ્ચે એકાદ શેરીનાં ખૂણે આવતી હતી તે પણ એકદમ જ ઝાંખી! વચ્ચે વળી બે-ચાર બેઘર લોકો દેખાયા એટલે તો વધુ ડર લાગ્યો. સૅમે બીકનાં માર્યા પાર્થને બે-ચાર સંભળાવી પણ ખરી. શું અજાણ્યા શહેરમાંથી કોઈનાં પણ પાર્સલ લેવાની હા પાડી દે છે? ભારતમાં પણ લોકોને અમૅરિકાની વસ્તુનો મોહ છૂટતો નથી! ત્યાં હવે બધે બધું મળે તો છે, શું વારે વારે મંગાવ્યા કરતા હશે?!

તેને જે શોપમાંથી વસ્તુ લેવાની હતી તે પણ થોડી વિચિત્ર જ હતી. સૅમ અને હું કારમાં રહ્યા અને યુ-ટર્ન મારતા સુધીમાં પાર્થ પોતાનું સંપેતરું લઈને પાછો આવ્યો કે, તરત અમે ગાડી હંકારી મૂકી ફરી ફ્રેન્ચ કવૉર્ટર્સ તરફ. ફ્રેન્ચ કવૉર્ટર્સ પહોંચીને બધાનાં જીવમાં જીવ આવ્યો અને પછી એ ઘટના જ બધા પોત-પોતાની રીતે ભૂલી જવા લાગ્યા. પાર્થે પોતાની બૅગ્સ પૅક કરી અને તેની સવારે છ વાગ્યાની ફલાઇટ માટે એ લોકો ઘરની બહાર ક્યારે નીકળ્યા તે મને ખબર નથી.

ન્યુ ઓર્લીન્સ – આર્ટ માર્કેટ

અમેરિકા, ન્યુ ઓર્લીન્સ

એક વખત એવું થયું કે, સૅમનો ભાઈ – પાર્થ કામ માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવવાનો હતો. એ સાન ફ્રાન્સિસ્કો તો એક વખત આવી ચૂક્યો હતો અને અઠવાડિયા કરતા પણ વધુ સમય રહી ચૂક્યો હતો એટલે એ બંનેએ નક્કી કર્યું કોઈ નવી જગ્યાએ મળવાનું. મને અને અભિને સાથે જવા માટે અને કોઈ જગ્યા પસંદ કરવા માટે પૂછવામાં આવ્યું. અભિ થોડાં જ સમય પહેલા ફરીને આવ્યો હતો અને થોડા સમય પછી ફરી કોઈ નવાં સ્થળે જવાનો હતો એટલે તે એ સમયે ક્યાંય ફરી શકે તેમ નહોતો. છેલ્લે બચી હું! મારાં મગજમાં સ્વાભાવિક રીતે જ ફરવાનાં સ્થળોનું એક લાંબું લિસ્ટ છે એટલે મેં તેમને તેમનાં સિલેક્શન ક્રાયટીરિયા પૂછ્યા. પાર્થ ઈસ્ટ કોસ્ટ પર આવવાનો હતો અને અમે વેસ્ટ કોસ્ટ પર હતા એટલે તેમને કોઈ વચ્ચેની જગ્યાએ મળવું હતું, જ્યાં પહોંચતા અમને બધાને લગભગ સમાન સમય લાગે. મારું સૌથી પહેલું સૂચન હતું મેક્સિકો પણ, એટલી લાંબી ફલાઇટમાં બેસવાની ના પાડી દેવામાં આવી. હવાઈ પાર્થને દૂર પડે તેમ હતું અને એ અમારા માટે પણ લાંબી ફલાઇટ જ હતી, ઑસ્ટિન હું જઈ આવી હતી, શિયાળો હતો એટલે મારે કોઈ એવી જગ્યાએ જવું હતું જ્યાં ગરમીને કારણે ઉનાળામાં ન જઈ શકાતું હોય. આ બધાં ક્રાયટીરિયામાં ફિટ બેસે અને અમે બધા પહેલા ક્યારેય ન ગયા હોઈએ તેવી એક જ જગ્યા હતી – ન્યુ ઓર્લીન્સ!

ન્યુ ઓર્લીન્સ વિષે મેં વારે-તહેવારે ઘણાં લોકો પાસેથી ઘણું સાંભળ્યું હતું. તેમાંય બે બાબતો તો ખાસ – તેમનાં ફ્રેન્ચ કવાર્ટર્સ અને પાર્ટી ટાઉન તરીકેની તેમની છબી. મને નવી જગ્યાઓ જેટલી તેની વાતો સાંભળીને યાદ રહે છે તેટલી ફોટોઝ કે વિડિયોઝ દ્વારા નથી રહેતી એટલે ન્યુ ઓર્લીન્સનાં ફોટોઝ ક્યાંય ભૂલથી કદાચ જોયા પણ હોય તોયે મને એ વિષે ઉપરોક્ત બે બાબતો બાબત કૈં જ ખબર નહોતી. સૅમે પણ મારી જેમ એ શહેર ‘બહુ સરસ છે’ એ સિવાય ખાસ કૈં સાંભળ્યું નહોતું અને છતાં એ એક વાક્ય એટલા બધા લોકો પાસેથી સાંભળેલું હતું કે, એ પણ ત્યાં જઈને જોવા અને જાણવા માટે તૈયાર થઇ ગયો. ટિકિટ્સ લીધા પછી અમે એ શહેર વિષે જાણવાનું શરુ કર્યું અને ધીરે ધીરે અમને મિત્રો કૈંક ને કૈંક નવી માહિતી આપતા ગયા જેમાંની સૌથી જરૂરી માહિતી એ હતી કે, અમે ‘માર્ડિ ગ્રા’ વીકેન્ડ પર ત્યાં હોવાનાં હતા. એ દિવસ પહેલા મેં કે સૅમે ક્યારેય માર્ડિ ગ્રા વિષે સાંભળ્યું પણ નહોતું અને લગભગ જેની સાથે વાત કરીએ એ દરેક પાસે ‘માર્ડિ ગ્રા’ શબ્દ સાંભળવા મળતો તેટલું એ પ્રખ્યાત હતું! આમ, એ શહેર વિષે અમારી જિજ્ઞાસા વધતી જતી હતી!

પ્લાન એવો હતો કે, પાર્થ અમારી પહેલા ત્યાં પહોંચવાનો હતો અને લૅન્ડ થઈને એક-દોઢ કલાક ઍરપોર્ટ પર બેસીને અમારી રાહ જોવાનો હતો. પણ, એ દિવસે ખરાબ હવામાનનાં કારણે તેની ફલાઇટ કૅન્સલ થઇ હતી અને તેને ત્યાર પછીની કોઈ ફલાઇટમાં સીટ આપવામાં આવી હતી. તેને જેમાં સીટ મળી હતી એ ફલાઇટનો લૅન્ડિંગ ટાઈમ લગભગ અમારી સાથે જ હતો પણ, ખાટલે મોટી ખોડ એ હતી કે, તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેનો સામાન એ જે ફલાઇટમાં બેઠો હતો તેમાં જ તેની સાથે આવે કે એ લૅન્ડ થાય તેનાં બે-ત્રણ કલાક પછી આવી રહેલી ફ્લાઇટમાં આવે એ નક્કી નહોતું. આ બધા ગોટાળા વચ્ચે અમે અમારી ફલાઇટ પકડીને ન્યુ ઓર્લીન્સ તરફ રવાના થયા. ફલાઇટમાં અમે વિચારતા રહ્યા કે, જો પાર્થનો સામાન મોડો આવવાનો હોય તો અમે બધા પહેલા એકસાથે અમારા એરબીએનબી જતા રહીશું. ત્યાં મારો અને સૅમનો સામાન મૂકીને જમશું, પછી એક ગાડી ભાડા પર લઈને પાર્થનો સામાન લેવા ઍરપોર્ટ જઈશું. એ જ ગાડીથી પછીનાં દિવસે થોડી દૂરની જગ્યાઓ ફરીશું.

અમે લૅન્ડ થતાવેંત જોયું કે, પાર્થની નવી ફલાઇટ બરાબર સમયસર લૅન્ડ થઇ ગઈ હતી અને તેની સાથે તેનો સામાન પણ આવી જ ગયો હતો! એ પોતાનો સામાન લઈને બહાર આવ્યો તેની પાંચ-દસ મિનિટમાં જ અમે લૅન્ડ થઇ ગયા હતા એટલે તેને બહુ રાહ પણ ન જોવી પડી. ત્યાંથી ટૅક્સી પકડીને અમે પહોંચ્યા ફ્રેન્ચ કવાર્ટર જ્યાં અમારું એરબીએનબી આવેલું હતું. ઍરપોર્ટથી નીકળીને પહેલી વીસેક મિનિટનો રસ્તો તો બિલકુલ સામાન્ય, અન્ય શહેરો જેવો જ હતો. પણ, અમારાં એરબીએનબી નજીક પહોંચતા છેલ્લી પાંચ મિનિટ અમે આંખો ફાડીને કારમાંથી જોતા રહ્યા. રાત પડી ગઈ હતી અને ઓછી રોશની હતી છતાં ત્યાંનાં ઘર તથા દુકાનો એવાં દેખાતાં હતાં કે, જાણે અમે કોઈ અલગ જ સમયમાં પહોંચી ગયા હોઈએ! બાર અને રેસ્ટ્રોંમાં અંદર તથા બહાર યુવાન લોકોની ભીડ પણ સારી એવી દેખાતી હતી. એ માણતા અમે પહોંચ્યા અમારાં એરબીએનબી.

એ ઘર બહારથી તો સુંદર દેખાતું જ હતું પણ, એ અંદરથી પણ એટલું સુંદર હતું કે, ન પૂછો વાત! ત્યાંની દરેક વસ્તુ એંટીક અને/અથવા વિન્ટેજ હતી! પાર્થ અને સૅમ મુખ્ય રૂમમાં ઊંઘવાનાં હતા અને અને મારો હતો બાલ્કની રૂમ. થોડા રિલેક્સ થઈને અમે જમવાની જગ્યા શોધવા લાગ્યા. મોડું થઇ ગયું હતું એટલે બહુ રેસ્ટ્રોં ખુલ્લા નહોતાં. અમને એક જાપાનીઝ રેસ્ટ્રોં મળ્યું જે અમારી હોટેલથી બે મિનિટનાં વૉકિંગ ડિસ્ટન્સ પર હતું અને ત્યાં વેજિટેરિયન આઇટમ્સ પણ ઘણી બધી મળતી હતી એટલે અમે ત્યાં જ જામી લેવાનું નક્કી કર્યું. એ જગ્યાનું નામ હતું ‘રૉયલ સુશી’

જમવામાં અમુક વસ્તુઓ ખૂબ સારી હતી અને અમુક ઠીક હતી. પાર્થ અને હું લગભગ બે વર્ષ પછી ફરી મળી રહ્યા હતા એટલે એ ડિનર દરમિયાન અમે એ જ બધાં ટિપિકલ, કામ-ધંધો, પરિવાર, અને દુનિયાનાં સમાચાર જેવાં વિષયો પર વાત કરી અને એ ડિનરે અમારી વચ્ચે આઈસ-બ્રેકરનું કામ કર્યું.

અમે બહુ થાક્યા નહોતા એટલે જમીને અમે રોશની અને લોકો જે દિશામાં દેખાતા હતા એ તરફ ચાલીને થોડું એક્સપ્લોર કરવાનું નક્કી કર્યું. પહેલી શેરીમાં શરૂઆતમાં જ અમને મળી બે-ત્રણ નાનકડી પણ, સુંદર ઓપન એર આર્ટ માર્કેટ્સ!

ત્યાં અમુક મળતાવડા કલાકારો સાથે અમે થોડી વાત કરી અને તેમને પૂછ્યું કે, શું આ શહેરમાં આર્ટ માર્કેટ જેવાં સ્થળો આટલા મોડે સુધી ખુલ્લા રહે છે? તેમણે અમને જાણવા મળ્યું કે, હંમેશા તેવું નથી હોતું પણ, માર્ડિ ગ્રા સમયે વીકેન્ડ્સ પર લગભગ બધું જ મોડે સુધી ખુલ્લું હોય છે.

ફરી માર્ડિ ગ્રા! શું છે આ માર્ડિ ગ્રા! માર્ડિ ગ્રાની કલર-સ્કીમ પણ હતી – લીલો, પીળો અને જાંબલી! પણ, ત્યારે વિકિપીડિયા પેઈજ ખોલીને માર્ડિ ગ્રા વિષે જાણવાનો સમય નહોતો એટલે અમે આગળ ચાલતા રહ્યા. અમે લગભગ એકાદ કલાક જેવું ચાલ્યા અને દરેક જગ્યાએ કળા-કારીગરીનો વિસ્ફોટ જોયો!

બધું બંધ થવા લાગ્યું ત્યારે થાકીને અમે પણ અમારાં મુકામે પાછા ફર્યા અને પછીનાં દિવસે શું કરીશું તેનાં પર થોડી વાર વિચાર-વિમર્શ ચાલ્યા અને પછી બધા એક એક કરતા ઊંઘવા લાગ્યા. મારા માટે ત્યાં ઊંઘવું બહુ મુશ્કેલ થઇ પડ્યું. મારો રૂમ બાલ્કની-રૂમ હોવાનાં કારણે મને મોડે સુધી આસપાસની પાર્ટી-જનતાનાં અવાજ સંભળાયા કર્યાં. તેટલું જ નહીં, એ રૂમમાં ત્રણ તરફ બારીઓ હતી અને બારીઓનાં પડદાં પાતળાં હતાં એ કારણે પ્રકાશ પૂરો ઢંકાતો નહીં અને વારે વારે મારાં મોં પર એક પ્રકારની લીલી લાઈટ અચાનક તીવ્રતાથી આવી પડતી અને અડધી મિનિટમાં ચાલી જતી. જાણે ચાલુ-બંધ થતો રહેતો લીલો બલ્બ હોય! આ લાંબુ ચાલ્યું હોત પણ, નસીબજોગે ત્યાં વરસાદ ચાલુ થઇ ગયો એટલે લોકો ઘરે જવા લાગ્યા અને પાર્ટીનાં અવાજ ઓછાં થવા લાગ્યા. પણ, પેલી લીલી લાઈટ તો ઝબુક-ઝબુક થતી જ રહી. ક્યાંથી આવતી હશે એ?! વિચારતા વિચારતા હું માર્ડિ ગ્રા વિષે વાંચવા અને સમજવા લાગી. અંતે ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન પડી.

ક્યાંથી આવી રહી હતી પેલી લીલી લાઈટ? શું છે આ માર્ડિ ગ્રા? જાણવા માટે વાંચતા રહો રખડતા ભટકતા!