પોતાની ઓળખની રક્ષા આપણે અંગત રીતે તો કદાચ રોબબરોજ કરતાં રહીએ. પણ જો આપણી ઓળખનાં કારણે આપણી સુરક્ષા સામે ઊભો સૌથી મોટો ભય જો કોઈ દેશનો કાયદો કે કોઈ શક્તિશાળી સંસ્થા કે તંત્ર હોય ત્યારે? ત્યારે જે મોહનદાસ કરમચંદ ગાંધીએ વર્ષો સુધી કર્યું એ કરવાની જરૂર પડતી હોય છે. હજુ પણ આપણે ‘આદર એટલે મોટાં/વધુ શક્તિશાળી કહે તેમ કરવાનું – સવાલ પૂછ્યા વિના’ વાળી વ્યાખ્યા ભૂલ્યાં નથી. આપણે આગ અને પૈડાંની શોધ થયાં પહેલાંનાં લોકો નથી કે, લાંબું જીવ્યાં/શક્તિશાળી હોય તેમને ફક્ત તેમનાં એ ગુણનાં કારણે માન આપીએ. માણસજાત તરીકે આપણે એ અભિગમ કરતાં ક્યાંયે આગળ નીકળી ચૂક્યાં છીએ.
અસહકાર કે ડીસોબીડિયન્સ કોઈ પણ લોકશાહીનો સૌથી અગત્યનો ભાગ છે અને લોકશાહી તરીકે આપણે કોઈ પણ પ્રકારનો સામૂહિક સામાજિક વિરોધ જ કરતાં ભૂલી ગયા છીએ. મતદાન અને આપણાં લોકલ કાર્યકર્તાને પાણી/વીજળીની ફરિયાદો કરવા સિવાય લોકશાહીનાં કયા ભાગમાં આપણે સક્રિય છીએ? મોટાં ભાગનાં મિડલ-ક્લાસ/અપર મિડલ ક્લાસ લોકો એ સિવાય લોકશાહીની એક પણ પ્રવૃત્તિમાં સક્રિય નથી. સક્રિય તો દૂરની વાત, સમાજનો એક મોટો વર્ગ તો લોકશાહીમાં શું થઇ રહ્યું છે તેનાંથી માહિતગાર પણ નથી. ધરણા અને રેલીઓ ફક્ત રાજકારણીઓ અને (બહુ જજમેન્ટલ ભાષામાં) નવરાંઓ પૂરતાં સીમિત રહી ગયાં છે. હમણાંનું જ ઉદાહરણ લઈએ તો આવડું મોટું ફાઇનાન્સ બિલ પસાર થઇ ગયું. કોણે જાણવાની તસ્દી લીધી કે, બિલમાં શું છે? જાણવાની તસ્દી લીધી હોય અને તેમાં કઈં ન સમજાયું હોય તો કોણે કોઈ જાણકારને પૂછવાની તસ્દી લીધી?
આપણાં દેશમાં પાછી ખાટલે મોટી ખોડ એ છે કે, લૅફ્ટ વિન્ગ/ઓપોઝિશનમાં એક તો કોઈની મજબૂત આગેવાની નથી અને બીજું વાતોનાં વડાં અને ટ્વિટર આઉટરેજ સિવાયનાં કોઈ જ પગલાં નથી. સરકારની ખરાબ પોલિસીઓનાં વિરોધીઓ કમ્પ્યુટર સામેથી હટીને તંત્રની કાર્યવાહી ખોરવે અને રસ્તા રોકે તો કઈંક પણ ફર્ક પાડવાની શક્યતા છે. ટ્વિટર પાર આઉટરેજ કરીને વાતોનાં વડાં સિવાય આપણે શું કરવાનાં છીએ? વિરોધ કરવાનો હોય ત્યારે મીડિયા (ટ્વિટર, પ્રિન્ટ, ટેલિવિઝન) ફક્ત એક માધ્યમ છે લોકો સુધી ખબર પહોંચાડવા માટે કે, વિરોધ થઇ રહ્યો છે અને તમે જોડાઈ શકો. વ્યવસ્થિત વિરોધ કરવાનું ખરેખરું કામ રિયલ લાઈફમાં પાર્ટી કાર્યકરોને ફોન કરીને કે રસ્તા પર આવીને કરવાનું હોય, મીડિયા પર નહીં – એટલી સામાન્ય સમજ આપણાં લેફ્ટમાં ક્યારે આવશે?
અમેરિકામાં સાત દેશોનાં મુસ્લિમો પર બાનની નીતિની શરૂઆત થઇ ત્યારે સામાન્ય બુદ્ધિ વાપરીને જેમને વિરોધ કરવો હતો એ બધાં વિવિધ શહેરોનાં ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ભેગાં થઈને નારાં લગાવતાં વિરોધ કરતાં હતાં. ઍરપોર્ટ પર વકીલો જઈ રહ્યા હતાં ફસાયેલાં પ્રવાસીઓને મદદ કરવા માટે. ટ્વિટર/ફેસબુક પર ફક્ત ક્યાં લોકો ભેગાં થયા છે અને શું બની રહ્યું છે તેની માહિતિ પસાર થઇ રહી હતી જેથી વધુ લોકો જોડાઈ શકે. આખે આખો વિરોધ ફક્ત ટ્વિટર પર નહોતો થઇ રહ્યો! પણ, અહીં તો હજારોની સંખ્યામાં માણસો મારતાં ન હોય એ હદની અંદર થતી તમામ પ્રવૃત્તિઓ પરનો વિરોધ ઘરે આરામથી ખુરશીમાં બેસીને થઇ શકતો હોય તો જ કરવોની નીતિ છે.
અને લોકોનો પણ પૂરો વાંક નથી. વિરોધની શરૂઆત થાય ત્યાં તેમાં જોડાવાવાળા સૌથી પહેલાં તત્ત્વો રાજકારણીઓ અને ઉપર જણાવ્યું તેમ નવરાંઓ હોય છે એટલે કદાચ કોઈ સામાન્ય મિડલ કલાસ વ્યક્તિ તેમાં જોડાતાં પહેલાં જ સો વાર વિચાર કરશે. કારણ કે આ બંને તત્ત્વો હોય ત્યાં સૌથી પહેલો ભય લોકોને હિંસા અને તોડફોડનો લાગે અને સ્ત્રીઓ તો અયોગ્ય છેડતી અને અભદ્ર ભાષાનાં વિચારે જ દેખાવોમાં જોડાવાનું ટાળે. વળી, બાકીની તમામ દુનિયામાં રાજકારણીઓનું જાહેર દેખાવોમાં ભળવાની વાત આટલો ભય પેદા નથી કરતી જેટલો આપણે ત્યાં પ્રવર્તમાન છે. આ બંને બાબતે આપણાં જેવાં સામાન્ય લોકોમાં એટલો ડર છે કે, આપણે સંગઠિત વિરોધ કે દેખાવોનો તો વિચાર પણ નથી કરી શકતાં. યુવા રાજકારણીઓને ટીલાં-ટપકાં અને જે-તે પાર્ટીનાં પ્રતીક સ્કાર્ફ અને ટોપીઓ વિના ક્યારેય દેશનાં મિડલ કલાસ સામાન્ય લોકોની જેમ સામાન્ય લોકો સાથે મળીને કોઈ દેખાવ કે વિરોધ કરવાનું સૂઝ્યું હશે કે કેમ? ઘણી વખત વિચારું છું આ બધી તકલીફોનો ઉપાય શું અને જવાબ નથી મળતો.
ભારત બહાર રહીને મને ઘણું બધું જોવા મળ્યું છે. તેમાંની એક વસ્તુ આ વિરોધ-રેલીઓ અને દેખાવો પણ છે. ઓસ્ટ્રેલિયા હતી ત્યારે ટોની એબટ ચૂંટાયા પછી શિક્ષણક્ષેત્રે ફંડ કાપવાની દરખાસ્ત મુકાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયામાં દરેક શહેર અને ગામમાં એક ચોક્કસ દિવસે ‘સ્કૂલ ટીચર્સ યુનિયન’ની વિરોધ પ્રદર્શન રેલી નીકળી હતી. તેમાં ટીચર્સ તો હતાં જ અને સાથે સાથે વિદ્યાર્થીઓ અને આ વિરોધને પ્રોત્સાહન આપનારાં માતા-પિતા પણ શામેલ હતાં. શાંતિ જળવાઈ રહે અને રેલી હિંસામાં ન પરિણમે એ ધ્યાન રાખવા માટે આ રેલીની શરૂઆત અને અંતમાં લગભગ 100 ફુટ દૂર પોલીસ ઑફિસરો ચાલતાં હતાં. બધાં જ શહેરનાં પૂર્વ છેડાંથી ચાલીને પશ્ચિમ છેડે પાર્લામેન્ટ હાઉઝ સુધી જઈને ત્યાં કલાકો સુધી નારાં લગાવતાં હતાં. એ જ રીતે અહીં અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા પછી તમામ મોટાં શહેરોમાં તેનાં વિરુદ્ધ દેખાવો થયાં હતાં. મેં ઓકલેન્ડ અને સાન ફ્રાન્સિસ્કો બંને શહેરોનાં દેખાવોમાં થોડો થોડો સમય ભાગ લીધો હતો. એ જ રીતે વિમેન્સ માર્ચમાં પણ મેં ભાગ લીધો હતો. એ નજારો તો જોવા જેવો હતો. માર્ચનો દિવસ લગભગ બે અઠવાડિયા પહેલાં નિર્ધારિત થયો હતો. માર્ચનાં દિવસે બપોરથી જ સાન ફ્રાન્સિસ્કોમાં ધીમો ધીમો વરસાદ પાડવાનો શરુ થઇ ગયો હતો. છતાંયે સાંજે શહેરની મુખ્ય માર્કેટ સ્ટ્રીટ આખી દેખાવકારોથી પેક હતી. લોકો છત્રીઓ લઈને માર્ચમાં આવ્યા હતાં. હજારો માણસો એકસાથે એક જ સ્થળ પર કોઈ બાબતે અહિંસક વિરોધ કરતાં હોય અને તેમાં નાનામાં નાના બાળકોથી માંડીને મોટામાં મોટાં વૃદ્ધો શામેલ હોય એવું આપણે પિક્ચરો સિવાય છેલ્લે ક્યારે જોયું/કર્યું છે?
એન્ટિ-મુસ્લિમ બાન પ્રોટેસ્ટ જે એરપોર્ટ પર થયેલો એ તો આનાંથી પણ વધુ ઑર્ગનાઈઝડ હતો. મને યાદ છે ત્યાં સુધી શુક્રવારે રાત્રે આ નીતિની ઘોષણા થયેલી અને શનિવારે સવારે જૉહન એફ કૅનેડી એરપોર્ટ પર લોકો એકત્ર થવા લાગ્યા હતાં. ગ્રુપ થોડું મોટું થયું એટલે તરત ટ્વિટર અને ફેસબુક પર ત્યાંનાં ફૉટૉઝ, વીડિઓઝ અને લાઈવ-સ્ટ્રિમ શેર થવા લાગ્યા હતાં એટલે બાકીનાં શહેરોમાં પણ વાત વાયુવેગે ફેલાવા લાગી અને અમેરિકાનાં તમામ ઍરપોર્ટ પર વિરોધ પ્રદર્શન માટે લોકો એકઠાં થવાં લાગ્યાં. ન્યુ યોર્કમાં શરૂઆત થયાનાં બે કે ત્રણ કલાકમાં જ બાકીનાં બધાં એરપોર્ટ પર પણ ઘણાં લોકો એકઠાં થઇ ગયા હતાં. જે રીતે બની શકે તે રીતે ફસાયેલાં લોકોને વકીલ સિવાય કોઈ સાથે વાત ન કરવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. લગભગ ક્યાંયે કોઈ મોટાં રાજકારણીએ આગેવાની લીધી હોય કે એવું કઈં જ ન હતું. સામાન્ય નાગરિકો પોતાની બુદ્ધિ વાપરીને કેટલાંયે કામ કરી રહ્યા હતાં. કોઈને સૂઝ્યું હતું કે, આ પરિસ્થિતિમાં ટોળામાં જે-તે સમયે કામ લાગી શકે તેવાં વકીલો હોય તો તેમને આસાનીથી શોધી શકાય તે માટે તેમનાં માટે ફ્લુરોસેન્ટ સ્ટિકરની ગોઠવણ કરીએ, ઘણાંએ વકીલોને ખબર પડે કે ક્યાં જવું અને શું કરવું એ માટે અગત્યનાં સ્થળોએ દિવાલો પર પૂઠાંનાં બૉર્ડ લગાવ્યા હતાં, ‘Lawyers follow these signs’, ‘Lawyers help yourselves with these stickers’ વગેરે.
એ દેખાવ સતત બે દિવસ અને એક આખી રાત ચાલ્યો હતો. એટલે પોતાની સૂઝથી જ લોકો પોતાની સાથે લાવી શકે તેવું અને તેટલું ખાવાનું, પાણીની બૉટલ, એનર્જી ડ્રિંક્સ વગેરે લાવી રહ્યા હતાં અને એરપોર્ટ પરથી જેમ જેમ લોકો છૂટતાં જાય તેમ તેમને આપી રહ્યાં હતાં. દેખાવકારો પણ પાણી વગેરેનો લાભ લઇ શકે એ માટે ટોળાંની એકદમ નજીક એક બૂથ પર આ બધું ખાવા-પીવાનું એકસાથે લાવીને રખાઈ રહ્યું હતું. જ્યાં સુધી બાન પાછો ન ખેંચાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહે અને પ્રવાસીઓ ફસાયેલા ન રહે એ માટે હજારો માણસો આખી રાત એરપોર્ટ પર રહ્યાં હતાં અને કેટલાંય ફક્ત થોડાં જ કલાકની ઊંઘ કરીને રવિવારે સવારે પાછાં જઈ રહ્યા હતાં. સાથે સાથે જ ટ્વિટર અને ફેસબુક જેવાં માધ્યમો પર સાચી અને આધારભૂત માહિતિ શેર થાય એ બાબતે લોકો સજાગ હતાં અને લગભગ દરેક વાઇરલ ટવિટ કે ફેસબૂક પોસ્ટ મોટાં ભાગે આ વિષયો પર હતી: એસીએલયુ આ બાનને રોકવામાં ક્યાં સુધી પહોંચી, લોકોએ ક્યા પેપરો પર કોઈ પણ ભોગે સહી ન કરવી, સ્વયંસેવક વકીલોનો સંપર્ક કરવા માટેનાં ફોન નંબર અને ન્યુઝ મીડિયા સરકારની હિલચાલ વિષે માહિતી આપતું રહેતું. જો ન્યુઝ મીડિયાની માહિતી ખોટી કે અપૂર્ણ હોય તો તરત જ સાચી માહિતી ધરાવતાં બિનરાજ્કારણી વગદાર લોકો દ્વારા શેર કરવામાં આવતી.
માનવ અધિકાર અને નાગરિક તરીકેનાં આપણાં અધિકારોની રક્ષા માટે આટલો ઓર્ગનાઈઝડ વિરોધ આપણે ક્યારે કરી શકીશું? આપણે પણ લોકશાહી છીએ ને? છીએ કે?
————————————————————————————————————–
વાંચવા જેવું: Civil Disobedience by Henry David Thoreau – an essay that is said to have influenced M.K.Gandhi during his fight for freedom