ટોક્યો – 2

જાપાન, ટોક્યો

સેમ પાંચ વાગ્યા આસપાસ હોટેલ પહોંચ્યો. નાહી – ધોઈને આરામ કરીને અમે આશુ અને શ્રીનાં ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં રાત્રે જમવાનો સમય થઇ ચૂક્યો હતો. થાકેલા, ભૂખ્યા (અને થોડા આળસુ) સેમને ધ્યાનમાં રાખીને અમે ટૅક્સી લઈને રેસ્ટ્રોંની વાટ પકડી. એક રેન્ડમ ગલીમાં શ્રીએ ટૅક્સી રોકાવી પછી સાંકડી એક-બે ગલીઓમાં ચાલીને અમે પહોંચ્યા ‘સાકુરા તેઈ’.

અમે એક નાના દરવાજામાંથી અંદર ગયા. લૉબીમાં ઘણાં બધાં ચિત્ર વિચિત્ર પેઈન્ટિંગ્સ લગાવેલાં હતાં.

ત્યાંથી અંદર ગયા તો એક પછી એક ઓરડાં આવતાં જ જતાં હતાં. દરેક ઓરડાની બધી દીવાલો આખી મ્યુરલ (ભીંતચિત્ર)થી ભરેલી! Very funky! પહેલી દસ મિનિટ તો મેં આંટા મારીને ફોટોઝ લેવામાં વિતાવી.

જમવાનું શું હતું ,શું નહીં કઈં જ ખ્યાલ નહોતો. થોડું સરપ્રાઇઝ ગિફ્ટ જેવું. છેલ્લા 5-6 દિવસથી પોતાનું મગજ ચલાવ્યા વિના, પ્રી-પ્લાન કર્યા વિના કઈં નવું ખાવાનો મોકો જ નહોતો મળ્યો એટલે મને તો મજા જ આવી રહી હતી. આશુ અને શ્રીએ વેઇટર સાથે જાપાનીઝમાં વાત કરીને આખો ઓર્ડર આપ્યો એ સાંભળીને જ અમારી આંખો પહોળી થઇ ગઈ. ત્યાર સુધી ફક્ત ખબર હતી કે, આશુ અને શ્રીને જાપાનીઝ આવડે છે પણ, ત્યારે એ સત્યનો સાક્ષાત્કાર થઇ ગયો! સેમે તો ઉપરથી પાછી ખાતરી કરી – “તો તને સરખું ઍક્સન્ટ વિનાનું બોલતા આવડે છે કે, ભાંગેલું તૂટેલું?” જાણે અમે તો જાપાનીઝનાં વિદ્વાન હોઈએ અને અમારા સર્ટિફિકેટ વિના આશુનું જીવન વ્યર્થ જવાનું હોય.

જાપાનમાં જાપાનીઝ બોલી શકે તેવા વેજિટેરિયન મિત્રોનું અસ્તિત્ત્વમાત્ર જીવનનાં સૌથી મોટા સુખનાં લિસ્ટમાં વિશેષ સ્થાન ધરાવે છે અને એ સ્થાનથી ઉપરનું સ્થાન છે એવા મિત્રોનું જે તમને હોટ પ્લેટ પર શાક-ભાજી મિક્સ કરીને ઓકોનોમિયાકી બનાવી આપે. ઓકોનોમિયાકી એટલે મેયોનેઈઝ અને ભરપૂર શાકવાળા જાડાં પૂડલા સમજી લો. અમારા ટેબલ પર જ બરાબર વચ્ચે એક લાંબી સપાટ ગ્રિલ હતી. જમવાનો ઓર્ડર કર્યો એટલે એ લોકો અમને ઓકોનોમિયાકી બનાવવા માટેની કાચી સામગ્રી આપી ગયા. પહેલા તો અમે દરેક બોલની સામગ્રી સરખી રીતે મિક્સ કરી અને પછી અમારા ટેબલ પર ગ્રિલ પર જાતે જ પકાવી. જાતે એટલે સમજવું કે, મોટા ભાગે આશુએ અમારા બધા માટે પકાવી.

ત્રણ ઓકોનોમિયાકી અને નૂડલ્સનું એક બોલ પકાવીને જમ્યા પછી હેન્ગઆઉટ કરી શકાય તેવી સેમની હાલત હતી નહીં એટલે અમે પછીનાં દિવસે મળવાનું નક્કી કર્યું અને એ સાંજે અભી પણ ટોક્યો લૅન્ડ કરવાનો હતો. પછીનાં ચાર-પાંચ દિવસ મારે મગજને આરામ આપવાનો હતો અને કોઈ જ પ્લાન કરવાનાં નહોતા.

મોટા ભાગે એશિયન વસ્તુ રાત્રે આઠ વાગ્યે ખાઈ હોય તો અગિયાર વાગ્યા સુધીમાં મને અને સેમને ભૂખ લાગે લાગે ને લાગે જ! રાત્રે સાડા અગિયારે જ્યારે માંડ માંડ રેસ્ટ્રોંઝ ખુલ્લા હોય ત્યારે અમે ઊબર-ઈટ્સ પર એક રૅન્ડમ રેસ્ટ્રોંમાંથી પાલક પનીર અને નાન મંગાવ્યાં. બહુ વાર લાગી પણ જમવાનું ન આવ્યું એટલે અમને થોડી ચિંતા થઇ. અંતે એ માણસ આવ્યો ત્યારે હોટેલ રિસેપ્શન અમને જમવાનું ઉપર આપી જવા તૈયાર નહોતું. હોટેલનાં બે ટાવર્સમાં બે અલગ અલગ રિસેપ્શન હતાં. બંને એકબીજાથી લગભગ દસ મિનિટનાં અંતર પર. પેલો દૂરનાં ટાવરનાં રિસેપ્શન પર આવેલો હતો. તેને ફરીને આવવાનું કહીએ તો એ ખોવાઈ જાય તેમ હતો એટલે એ રિસ્ક અમારે લેવું નહોતું. જમવાનું લઈને ઉપર આવીને અમે જમવા પર તૂટી પડ્યા. અમે ધાર્યું હતું કે, જમવાનું એવરેજ નીકળશે. એ નીકળ્યું થોડું બિલો એવરેજ. પેટ ભરાય અને ઊંઘ આવે તેટલું જમીને અમે અંતે ઊંઘી શક્યા.

સવારે તૈયાર થઈને અમે લોકો પહોંચ્યા સેન્સોજી મંદિર. આ મંદિર એટલે આપણા તિરૂપતિ જેવું કોઈ મંદિર સમજી લો. એટલી ભીડ કે વાત જવા દો! ચારે બાજુ બજાર જ બજાર અને ખૂબ ચહેલ પહેલ. લોકલ માણસો, ટૂરિસ્ટની બસો, અમારા જેવા કેટલાયે જઈ ચડેલા.

મંદિરનાં પ્રાંગણમાં નાના નાના હાટ લાગેલાં હતાં. ત્યાં મેં જીવનમાં પહેલી વાર લ્હાવો માણ્યો ગરમાગરમ ‘રોસ્ટેડ ચેસ્ટનટ્સ’ અને ‘કિબી દાંગો’નો.

રોસ્ટેડ ચેસ્ટનટ
કિબી દાંગો

આ મંદિર મને એટલું ખાસ ન લાગ્યું પણ એ એટલે પણ હોઈ શકે કે, ત્યાં શાંતિથી કૈં જોઈ કે માણી શકવા જેટલી જગ્યા જ નહોતી. અને તોયે પાછું એટલું પણ બોરિંગ નહોતું કે, એક ફોટો પણ પાડવાનું મન ન થાય.

મંદિરની બહારનો વિસ્તાર જો કે, અંદરનાં મુખ્ય વિસ્તાર કરતા વધુ સુંદર પણ હતો અને ત્યાં બજારની મજા અલગ જ હતી!

રખડતા ભટકતા અમને નસીબજોગે વેજિટેરિયન પટેટો સ્ટિક જેવી એક વસ્તુ પણ મળી.

અંદર ગયા ત્યારે મને એક પણ વેજિટેરિયન, ભાવે તેવું સ્ટ્રીટ ફૂડ મળવાની આશા નહોતી અને બહાર નીકળતા સુધીમાં અમે 3 અલગ અલગ વસ્તુઓ ખાઈ શક્યા હતાં! એશિયા ફરી ચૂક્યા હોય તેમને આ અનુભવ થયો જ હશે – વેજિટેરિયન રેસ્ટ્રોં હજી મળીએ જાય, વેજિટેરિયન સ્ટ્રિટફૂડ ભાગ્યે જ મળે. મારા માટે તો ત્યારે જ એ દિવસ બની ગયો હતો.

ત્યાં આસપાસ માર્કેટમાં થોડા આંટા મારીને અમે નીકળ્યા બપોરનું જમવાનું શોધવા – બપોરે અઢી વાગ્યે. અડધું પેટ ભરેલું હતું એટલે આ નહીં ને પેલું નહીં કરતા રેસ્ટ્રોં-સિલેકશનની પ્રક્રિયા લાંબો સમય ચાલી. અંતે એક નક્કી કરીને ગયા તો રેસ્ટ્રોં બંધ નીકળ્યું. છેલ્લે શ્રી અને આશુનાં ઘર પાસેનાં એક બીજા ભારતીય રેસ્ટ્રોં પર પહોંચ્યા જેનાં માલિક ભાઈ પાક્કા વ્યાપારીની જેમ પોતાનું રેસ્ટ્રોં બપોરે મોડે સુધી ખુલ્લું રાખે છે. એ રેસ્ટ્રોં ખૂબ સરસ હતું. મોમો અને ચાટ – બીજું જોઈએ શું? અને બીજું જોઈએ, તો રેગ્યુલર રોટી સબ્ઝી વગેરે પણ ત્યાં આરામથી મળી રહે છે.

સવારથી બહાર હતા એટલે અમે બધા ખૂબ થાકી ગયા હતા. સાંજે વધુ ફરવાને બદલે ઊંઘવાનો કાર્યક્રમ રાખ્યો એટલે રાત્રે અભિ આવે પછી વધુ ફરી શકાય. અભિ સેમવાળી જ ફલાઇટથી સેમવાળા જ સમયે લૅન્ડ થયો. ફર્ક ફક્ત એક દિવસનો હતો. આગલા દિવસની જેમ એ દિવસે પણ અભિ બહાર જવા તૈયાર થયો ત્યાં જમવાનો સમય થઇ ગયો હતો. ફર્ક ફક્ત એટલો હતો કે, આ વખતે આશુ અને શ્રી અમારી હોટેલવાળા વિસ્તારમાં હતા એટલે તેમનાં ઘરે જવાને બદલે અમે ત્રણ તેમને હોટેલ પાસેનાં ટ્રેન સ્ટેશન પર મળ્યા અને ત્યાંથી ટૅક્સી લઈને રેસ્ટ્રોં પહોંચ્યા.રેસ્ટ્રોંનું નામ ગોનપાચી – સિનેમાપ્રેમીઓએ અહીં જવું જવું ને જવું જ!

ગોનપાચી ‘કિલ બિલ’ રેસ્ટ્રોં તરીકે પણ ઓળખાય છે. ‘કિલ બિલ વોલ્યૂમ – 1’માં ‘હાઉઝ ઓફ બ્લૂ લીવ્સ’વાળા સીનનો સેટ આ રેસ્ટ્રોંની ડિઝાઇન ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. સ્વાભાવિક રીતે જ આ રેસ્ટ્રોં ટૂરિસ્ટ્સમાં ખૂબ પ્રખ્યાત છે. જમવાનું ઍવરેજ છે પણ, તમે ત્યાંનું સૂપર્બ એમ્બિયન્સ માણવા માટે ડ્રિન્ક્સ અને સ્મૉલ બાઇટ્સનાં એજન્ડા સાથે જઈ શકો છો. મારી પોસ્ટનાં ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે, ગોનપાચી ગયા ત્યારે અમે બધા નસીબજોગે એકસાથે ટોક્યોમાં હોવા બાબતે એટલા ખુશ હતા કે, રેસ્ટ્રોંનાં ફોટોઝ લેવાનું જ ભૂલી ગયા. અમારા પાંચમાંથી કોઈ પાસે ગોનપાચીનાં ફોટોઝ જ નથી! એ તમારે જાતે ગૂગલ કરવા પડશે.

ક્યોતો – 3

ક્યોતો, જાપાન

ફિલોસોફર્સ વૉક ખૂબ સુંદર હોવા છતાં મારાથી માંડ પૂરું થયું. મેં ફરીથી સૅમને યાદ કરાવ્યું મને કેટલી ભૂખ લાગી છે એ. પણ, રસ્તામાં ગળી વસ્તુઓ સિવાય ખાવામાં કૈં ખાસ દેખાતું જ નહોતું. ખાવા માટે એ સમયે અમે ત્યાંથી નીકળીએ તો સૂર્યપ્રકાશ જતો રહે પછી જ નવરા પડીએ અને મંદિરો જોઈ ન શકીએ.જમવાનું અને મંદિરમાં અમારી પસંદગી સ્વાભાવિક રીતે મંદિર પર ઊતરી હતી. વૉક પૂરું થતાં જ સૅમનાં નકશામાં એક મંદિર હતું – નાનઝેનજી (Nanzen-ji) એટલે અમે એ તરફ ચાલવા લાગ્યા. પણ, એટલું ચાલવાનો અમારા બંનેનો મૂડ નહોતો અને સામે જ એક બીજું મંદિર દેખાયું જેમાં ભીડ દેખાતી હતી એટલે અમે અનુમાન લગાવ્યું કે આ મંદિર પણ સુંદર હોવું જોઈએ. અમે એક સ્થાનિક દેખાતી વ્યક્તિને પૂછ્યું કે, આ મંદિર અને નાનઝેનજીમાં કયું વધારે સારું છે? તેણે નિઃસંકોચપણે અમે જ્યાં ઊભા હતા એ જ મંદિર પર પસંદગી ઊતારી એટલે અમને મજા પડી ગઈ.

એ મંદિરનું નામ હતું એઈકાં-દો ઝેનરીન-જી (Eikan-do Zenrin-ji). તેમાં અંદર પ્રવેશતા જ અમારાં મોં ખુલ્લાનાં રહી ગયાં! હજુ અમે મુખ્ય મંદિર સુધી તો પહોંચ્યા પણ નહોતાં. પ્રવેશદ્વારની સીડી જ ઘેરાં લાલ રંગનાં પાંદડાંથી ઘેરાયેલી હતી! એ મંદિરમાં પ્રવેશવાનો નિર્ણય અમને ત્યાંથી જ સાચો લાગવા માંડ્યો હતો.

એ પરિસર અમે જોયેલાં સૌથી પહેલા મંદિરની જેમ ખૂબ વિશાળ હતું અને તેનું લૅન્ડસ્કેપિંગ અત્યંત સુંદર હતું. મુખ્ય મંદિર સાથે ત્યાં નાના-નાના અન્ય ત્રણથી ચાર મંદિર હતાં અને લગભગ દરેક મંદિર અલગ અલગ લેવલ પર હતાં એટલે તમારે દરેક સુધી પહોંચવા માટે ખાસ્સું ચડવું-ઉતરવું અને ગોળ ગોળ ફરવું પડે અને એ પથ પર ચારે તરફ સુંદર રંગબેરંગી વૃક્ષો અને ક્યોતો શહેરની સ્કાયલાઇનનાં નજારા!

મુખ્ય મંદિર આસપાસ કુદરતી સુંદરતા તો હતી જ પણ એ મંદિર અંદરથી પણ એટલું જ સુંદર હતું! આ મંદિરોમાં ગર્ભદ્વારનાં અંદરથી ફોટોઝ લેવાની મનાઈ હતી એટલે એ તમને બતાવી નહીં શકું. એ માટે તમારે ત્યાં જવું જ પડશે.

આ ઉપરાંત એક મંદિર તરફ જતા અન્ય મંદિરોનાં રંગીન વૃક્ષોથી છવાયેલાં આકાર દેખાયા કરે અને આપણે વિચાર્યા જ કરીએ કે, આ વાસ્તવિક છે કે કાલ્પનિક! ત્યાં અમે પહેલી વખત મૂર્તિઓ સામે બૌદ્ધ મુલાકાતીઓની પ્રાર્થના સાંભળી. લગભગ પાંચ લોકો એક હરોળમાં ઊભા રહીને સાથે પ્રાર્થના કરી રહ્યા હતા અને તેનો અવાજ આપણાં પંડિતોનાં શ્લોકોચ્ચારને મળતો આવતો હતો. મુખ્ય મંદિર પાસે આવેલાં પિલર્સ પર પણ આપણાં ભારતીય મંદિરો જેવી કોતરામણી અને રંગ હતાં! બૌદ્ધ ધર્મ ભારતમાં શરુ થઈને પૂર્વ એશિયામાં પ્રસર્યો છે એ ત્યારે યાદ આવ્યા વિના રહે નહીં અને ધર્મ સાથે કારીગરી, સ્વર, લિપિ અને ભાષા કેટલી હદે પ્રસરતા હશે એ વિશેની અટકળો મનમાં ચાલ્યા કરે.

આ મંદિરમાંથી નીકળતાં અમને લગભગ દોઢથી બે કલાક થઇ કારણ કે, જેટલું આ મંદિરનું પરિસર વિશાળ હતું, તેટલું જ ત્યાંની દરેક નાનામાં નાની વસ્તુમાં ડીટેઈલિંગ હતું.

ત્યાંથી આગળ તો ક્યાંય ચાલી શકવાની બંનેમાંથી કોઈની ત્રેવડ નહોતી એટલે અમે ઉબરથી સીધા મુખ્ય શહેર તરફ પાછા ફર્યા અને બજાર પાસે રોકાઈ ગયા કારણ કે, ત્યાંથી કૈંક ખાવાનું લેવાની ઈચ્છા હતી અને ત્યાંથી અમારું રિયોકાન ઘણું નજીક હતું. ત્યાં પંદરેક મિનિટ ફર્યા પણ ક્યાંય આઈસક્રીમ, મોચી, વૉફલ્સ વગેરે સિવાયની એક વસ્તુ ન મળે! આવડી મોટી માર્કેટમાં એક જગ્યા એવી નહોતી જયાં ગળ્યા સિવાયનું વેજિટેરિયન કટક-બટક પણ મળે. અંતે અમે ચાલી ચાલીને કંટાળ્યા અને પાછા રિયોકાન જઈને થોડો આરામ કરીને ત્યાં આસપાસ જ કોઈક વ્યવસ્થિત જગ્યાએ કૈંક ખાવાનું વિચાર્યું. પણ, રસ્તામાં સૅમને એક મંદિર દેખાઈ ગયું અને એ તેનાં ‘લિસ્ટ’માં પણ હતું અને એ સાંજે જ જોવાનું હતું.

સૅમને મારી ચાર કલાકથી લાગેલી ભૂખની પણ કોઈ પરવાહ ન રહી અને તેને તો જવું જ હતું મંદિર જોવા! એ પોતે પણ થાકેલો અને ભૂખ્યો હતો તોયે ખેંચી તાણીને એક મંદિર જોવા જવાનો શું અર્થ હતો?! અમે એ દિવસે જેટલી ખૂબસૂરતી જોઈ હતી તેની સામે તો એ મંદિર પાણી ભરવાનું હતું એ તો મને બહારથી જ ખબર પડી ગઈ હતી. પણ, સૅમની જીદ્દ એટલે જીદ્દ! વળી, મેં કહ્યું કે, તો તું જોઈ આવ અને હું રિયોકાન જાઉં છું તો એમ પણ ન માને. હું પરાણે ગઈ તેની સાથે અને મને એ સમયે મારો પ્રવાસ જેટલો અર્થહીન લાગ્યો હતો ને તેટલો કદાચ ક્યારેય નહીં લાગ્યો હોય! અમે એ મુદ્દા પર બરાબર ઝઘડી પડ્યા.

એ જે પ્રકારનાં પ્રવાસમાં માને છે એ છે લિસ્ટવાળાં – ‘આ જોઈ આવ્યા અને પેલું જોઈ લીધું’ પ્રકારનાં અને હું, થાકનાં માર્યા પૂરેપૂરું અનુભવી પણ ન શકાય તેવાં લિસ્ટને ચોંટી રહેવામાં બિલકુલ નથી માનતી. અમારો ત્યારનો ઝઘડો તેનાં માટે ક્ષણિક હતો પણ, મારા માટે સૈદ્ધાંતિક હતો એટલે મારા મનમાં તેનાં પ્રત્યેનો ગુસ્સો અને અકળામણ પણ લાંબાં ચાલ્યાં. અંતે અમે એ મંદિર ગયા અને દસ મિનિટમાં લટાર મારીને બહાર પણ નીકળી ગયા. મારા ધાર્યા પ્રમાણે એ મંદિરમાં ખરેખર કૈં ખાસ નહોતું જ!

રિયોકાન પહોંચીને જમવાનો પ્રશ્ન હજુ પણ સળગતો હતો. સૅમને એરબીએનબી પર એક એક્સપીરિયન્સ મળ્યો જે અમારા જોયાની અડધી કલાકમાં જ શરુ થતો હતો. તેમાં ક્યોતો-સ્ટાઇલ ઓકોનોમિયાકી ખાવાથી શરુ કરીને, જૂનાં ક્યોતોની walking tour શામેલ હતી અને એ ત્યાંની ‘ગેઇશા’ સંસ્કૃતિ વિશે અમને માહિતી પણ આપવાનો હતો. સૅમે સૌથી પહેલા તો વેજિટેરિયન ઑપશન્સ વિષે તપાસ કરી. ટૂર ગાઈડે પાંચ જ મિનિટમાં હકારાત્મક જવાબ આપ્યો એટલે મને પૂછીને સૅમે અમારું બંનેનું સાઈન-અપ કરી દીધું. અમે ગિઓન-શિજો રેલવે સ્ટૉપ પર મળ્યા. બધા એકઠા થઇ ગયા એટલે ગાઈડ અમને ઇસ્સેન-યોશોકુ નામનાં એક ઓકોનોમિયાકી રેસ્ટ્રોં પર લઇ ગયો. એ રેસ્ટ્રોંનું ઈન્ટીરિયર જૂની જાપાનીઝ અને અમેરિકન કૉમિક્સ અને એમિનેશનનાં નાના મોટાં રેફરન્સથી ભરેલું હતું અને ઘણાં બધાં ટેબલ્સ પર ખરેખરા માણસનાં કદ અને આકારનાં પૂતળાં હતાં. ટૂઅર ગાઈડે અમને એ પૂતળાં પાછળની કથા પણ કહી હતી પણ, ત્યારે અમે એટલા થાકેલા અને ભૂખ્યા હતા કે, એ વાત પણ યાદ નથી અને ત્યાંનાં બહુ ફોટોઝ પણ નથી.

ઓકોનોમિયાકી ખરેખર ખૂબ સારી હતી. એ જગ્યા અમને પોતાની જાતે ગૂગલ મૅપ્સ પર કદાચ ક્યારેય ન મળી હોત એટલે અમારા માટે તો ત્યારે જ એ એક્સપીરિયન્સ લેખે લાગી ગયો હતો! પણ, આગળ હજુ શું શું બાકી હતું એ તો અમને ખબર જ નહોતી.

ત્યાં ખાવા પીવાનું પતાવીને અમને તેણે ‘ગીયોન’ની શેરીઓમાં ફેરવ્યા. ગીયોન વિસ્તાર ત્યાંની ગેઇશા સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. ‘મેમોઆર્સ ઓફ અ ગેઇશા’ પુસ્તક અને ફિલ્મમાં જેનો અઢળક ઉલ્લેખ આવે છે અને જ્યાં એ ફિલ્મનું ઘણું બધું શૂટિંગ થયેલું છે, આ એ જ વિસ્તાર છે. જો કે, એવું નથી કે, ગીયોનમાં ઘુસી જાઓ એટલે બધે જ ગેઇશાઓ આંટા મારતી જોવા મળે. ગીયોન બહુ મોટો વિસ્તાર છે અને આખું ગીયોન જૂનું અને સાંસ્કૃતિક નથી. ત્યાં મોટા ભાગે તો દુકાનો અને શૉપિંગ ડિસ્ટ્રિક્ટ જ છે. જૂનાં ક્યોતોનાં કલાસિક બાર અને રેસ્ટ્રોં એ આખા વિસ્તારની ફક્ત ત્રણ-ચાર પ્રખ્યાત, મોટી શેરીઓમાં આવેલાં છે જ્યાં ગેઇશાઓ ઘણી વખત આવતી હોય છે.

ત્યાં ફરતા ફરતા અમારો ટૂઅર ગાઇડ અમને ગેઇશા સંસ્કૃતિ વિષે ઘણું બધું જણાવતો ગયો. સૌથી પહેલા તો પ્રખ્યાત માન્યતા મુજબ ગેઇશા એટલે જાપાનની કોઈ ઊંચા પ્રકારની દેહ-વ્યાપારિણી એવું બિલકુલ નથી. આ માન્યતા મોટા ભાગે ‘મેમોઆર્સ ઓફ અ ગેઇશા’, અન્ય પશ્ચિમી લખાણ અને પશ્ચિમી પૂર્વધારણાઓને કારણે આખા વિશ્વમાં ઘર કરી ગઈ છે. તકલીફ એ છે કે, જાપાન વિષે બાકીની દુનિયા વાંચી શકે તેવું બધું જ લગભગ અમેરિકન્સ દ્વારા લખાયેલું છે. યુરોપીયન જીવનશૈલી અને માન્યતાઓ મુજબ ગોરા લોકોએ 1960 પહેલા જયારે પણ અન્ય સંસ્કૃતિઓ વિષે લખ્યું છે ત્યારે એ લોકોએ પરફોર્મિંગ આર્ટ્સને લાગતું કામ કરતી સ્ત્રીને ‘વેશ્યા’ની કૅટેગરીમાં જ જોઈ છે. આ જ વસ્તુ ભારતની એક સમયની સારામાં સારી ગાયિકાઓ અને નૃત્યાંગનાઓ, જે એ સમયમાં તાવાયફ તરીકે ઓળખાતી, તેમની સાથે પણ બની છે.

જાપાનમાં મનોરંજકોની ત્રણ કક્ષાઓ હતી/છે. એક છે ‘યુજો’, કોઈ ખાસ આવડત વિનાની સામાન્ય દેહ-વ્યાપારિણી. બીજી ‘ઓઇરાન’, જે દેહ વ્યાપારિણી તો હતી જ પણ, સાથે સાથે તેને ઓરિગામી, કેલિગ્રાફી, સંગીત, નૃત્ય, પારંપારિક ટી-સેરિમની, શિક્ષણ અને દુનિયાનનું જ્ઞાન વગેરે ઘણી બધી આવડતો હોય ત્યાર પછી જ ‘ઓઇરાન’નું સ્થાન મળતું. દેખીતી રીતે જ એ સ્ત્રીઓ સંગ ફક્ત ઉચ્ચ વર્ગને પોસાતો અને એ કોને હા પાડશે અને કોને નહીં પાડે તેની પસંદગી સમગ્રપણે તેમની રહેતી. ત્રીજી ‘ગેઇશા’ જેનું મુખ્ય કામ દેહ-વ્યાપારનું ક્યારેય રહ્યું જ નથી. ‘ગેઇશા’ શબ્દનો સીધો અર્થ ‘પરફોર્મિંગ આર્ટિસ્ટ’ થાય છે. તેમની મુખ્ય આવડત છે પારંપારિક જાપાનીઝ કળાઓ વડે તેમનાં પેટ્રન્સનું મનોરંજન કરવું. તેમને પણ ઓરિગામી, નૃત્ય, સંગીત, ટી-સેરિમની, વાર્તાલાપની કળા, પારંપારિક સાહિત્ય અને કવિતાઓઓ વગેરે અનેકવિધ કળાઓ સારી રીતે આવડતી હોવા જોઈએ!

ગેઇશા બનવું ખૂબ અઘરું છે. ઇચ્છુક વ્યક્તિએ છથી સાત વર્ષ સુધી પીઢ ગેઇશા પાસે ટ્રેઇનિંગ લેવાની હોય છે. તેમની આવડતનાં આધાર પર તેમની બે કૅટેગરી હોય છે – ‘ગાઇકો’ અને ‘માઇકો’. સાદી ભાષામાં ‘માઇકો’ કહેવાય છે શિખાઉ ગેઇશાને અને ‘ગાઇકો’ એટલે પ્રોફેશનલ ફુલ-ટાઈમ ગેઇશા. તેમની સાથે થોડો સમય વિતાવવો પણ તમને ખૂબ મોંઘો પડી શકે અને એ લોકો આસાનીથી કોઈને મળે પણ નહીં. એક બહારની વ્યક્તિ તરીકે તેમને મળવા માટે પણ આપણે વ્યવસ્થિત સંપર્ક શોધવા પડે. ક્યોતોમાં ગેઇશા જેવ કોશ્ચ્યુમ અને મેક-અપ સાથે ટૂરિસ્ટ્સને તૈયાર કરી દેતાં ઘણાં સ્ટુડિઓ છે. ઘણાં બધા પ્રવાસીઓ આવી રીતે તૈયાર થઈને ફરતા અને ફોટોઝ પડાવડતા જોવા મળે. જો કે, ખરેખરી ગેઇશા દેખાવી બહુ જૂજ છે અને કદાચ દેખાય તો પણ તમે તેમને આસાનીથી ઓળખી ન શકો. જો કે, અમારા ટૂર ગાઈડે જણાવ્યા મુજબ એક વાત તો પાક્કી જ છે કે, જો એ ભીડવાળી જગ્યામાં દેખાય તો એ પાક્કે પાયે ગેઇશા નથી. એ લોકો સામાન્ય રીતે ભીડ વિનાની ગલિયારીઓમાંથી ચાલતી હોય છે.

ગાઈડની વાતો સાંભળતા સાંભળતા અમે ગિયોનની એકદમ ધમધમતી ગલીમાંથી અચાનક એક અંધારી સુમસામ ગલીમાં આવી ચડ્યા. ત્યાં એક દરવાજા પાસે અમને ઊભા રાખીને તેણે અમને એક ઘર બતાવ્યું, જે ગેઇશા-હાઉઝ હતું, જે ‘ઓકિયા’ તરીકે પણ ઓળખાય છે. આ ઘરોમાં સામાન્ય રીતે એક કરતાં વધુ ગેઇશા અને માઇકો એકસાથે રહેતી હોય છે. અમે ગાઇડને પૂછ્યું કે, સામાન્ય લોકોને કઈ રીતે ખબર પડે કે અહીં ગેઇશા રહે છે? કે પછી સામાન્ય લોકોને ખબર ન પડે તેવો તેમનો હેતુ હોય છે? ગાઈડે અમને એક પાટિયું દેખાડ્યું અને જણાવ્યું કે, આના પરથી ખબર પડે. તેમાં જાપાનીઝમાં કૈંક લખેલું હતું અને કોઈ ચોક્કસ પ્રકારની ડિઝાઇન બનાવેલી હતી.

ત્યાંથી આગળ ચાલીને બીજી બે-ત્રણ શાંત ગલીઓ ઓળંગીને ગાઈડે અમને એક મોટું બિલ્ડિંગ બતાવ્યું અને કહ્યું કે, માઇકો પોતાની ગેઇશા ટ્રેઇનિંગનાં ભાગ રૂપે અહીં પરફોર્મ કરતી હોય છે, જે સામાન્ય લોકો બહુ વ્યાજબી ભાવમાં માણી શકે છે. અને અમે પછીનાં દિવસોમાં ક્યોતો હોઈએ તો ત્યાં આવીને એ અનુભવ માણી શકીએ. એ જગ્યાનું નામ છે ‘ગિયોન કૉર્નર’. મેં અને સૅમેં તેની બરાબર નોંધ લીધી.

અમે અમારી વૉકિંગ ટૂઅરમાં પોણે રસ્તે પહોંચી ગયા હતા પણ છતાંયે ગાઈડનાં કહેવા મુજબ કોઈ ગેઇશા અમને દેખાઈ નહોતી. પણ, અંતિમ બે ગલીઓમાં ફરતા મેં ગેઇશા હોઈ શકે તેવા ઠાઠવાળી એક સ્ત્રીને ટૅક્સીમાં મુસાફરી કરતા જોઈ અને ટૂર ગાઇડને પૂછ્યું કે, એ ખરેખરી ગેઇશા હતી? તેણે મોં ફેરવ્યું ત્યાં સુધીમાં ટૅક્સી આગળ નીકળી ગઈ હતી. પણ, તેણે જણાવ્યું કે, અમે જે ગલીમાં હતા એ એકદમ શાંત હતી અને એ સ્ત્રી એકલી મુસાફરી કરતી હતી એટલે તે ગેઇશા જ હોવી જોઈએ! ત્યાર પછી અમે એક નદી ઓળંગીને પુલ પર ચાલતા ગીયોનની પેલે પાર ગયા. નદી અને મંદિરોનાં મિશ્રણથી ભરેલાં એ શહેરમાં અમને વારે વારે કાશી યાદ આવી જતું. અમે પછીનાં દિવસે ફુરસતની ક્ષણોમાં આશુને એ વિષે કહ્યું હતું ત્યારે અમને ખબર પડી હતી કે, ક્યોતો અને કાશી ખરેખર ‘સિસ્ટર સિટીઝ’ છે!

એ રાત્રે અમારાં ફોનમાં પણ બૅટરી નહોતી અને આખો દિવસ મંદિરોમાં ચાલી ચાલીને અમારાં શરીરમાં પણ નહોતી. છતાંયે, ક્યોતોની વૉકિંગ ટૂરને હું એ દિવસનો અમારો સૌથી સારો નિર્ણય માનું છું! ક્યોતો એટલું સાંસ્કૃતિક શહેર છે કે, ત્યાંની ગલીઓ અને મંદિરોમાં કોણ જાણે કેટલીયે વાર્તાઓ, કેટલાં કિરદારો છુપાયેલાં હશે! આ કહાનીઓ તમે કોઈ જાપાનીઝ પાસેથી જેટલી સાંભળો, ક્યોતો તમને તેટલું વધુ રસપ્રદ લાગશે!