ગ્રેટ ઓશિયન રોડ – કેમેરાની આંખે

ઓસ્ટ્રેલિયા, ફોટોઝ, મેલ્બર્ન

આ પોસ્ટ માટે આટલી રાહ જોવડાવવા માટે વેરી વેરી વેરી સોરી! પણ, હવે ઘરે ફાઈનલી ઈન્ટરનેટ કનેક્શન લેવાઈ ગયું છે ગયા અઠવાડિયાથી એટલે હવેથી પોસ્ટ વધુ નિયમિતપણે પબ્લિશ કરવામાં આવશે. :) એની વે, જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી હવે આગળ વધુ. ગ્રેટ ઓશિયન રોડ ડે ટ્રિપનાં ફોટા અને પછીની પોસ્ટમાં છેલ્લા બે દિવસની વાત! તમને તો થતું થશે પણ મને પોતાને એમ થાય છે હવે કે, આ મેલબર્ન તો બહુ ચાલ્યું હવે! :D પણ, અધૂરું તો નહીં જ મૂકું અને ઉતાવળીયું લખીશ પણ નહીં. પણ, માર્ચ આવી ગયો છે અને હજુ મારી જાન્યુઆરીની કથા ચાલુ છે. એટલે આ મહિને થોડી વધુ પોસ્ટ કરીને સમયની સાથે તો જરૂર થઇ જઈશ.

ઓવર ટુ ગ્રેટ ઓશિયન રોડ:

IMG_3982_mini IMG_3984_mini IMG_3987_mini IMG_4002_mini IMG_4022_mini IMG_4038_mini IMG_4055_mini IMG_4070_mini IMG_4080_mini IMG_4098_mini

ગ્રેટ ઓશિયન રોડ ડે-ટ્રિપ અને સાંજ

ઓસ્ટ્રેલિયા, મેલ્બર્ન

ત્રણ દિવસનાં ઊંઘનાં ત્રાસ પછી અંતે હું માંડ રાત્રે સમયસર ઊંઘી શકી અને એ રાત્રે તો ઊંઘ એકદમ જરૂરી પણ હતી કારણ કે, બીજા દિવસે સવારે સાડા છ વાગ્યે ઊઠવાનું હતું. અમે ગ્રેટ ઓશિયન રોડની મુલાકાત લેવા માટે એક ટૂર બુક કરી હતી અને ટૂર-બસ અમને સાડા સાત વાગ્યે અમારી હોટેલ પરથી પિક-અપ કરવા આવવાની હતી. બીજા દિવસે સવારે સમયસર ઊઠીને અમે તૈયાર થવા લાગ્યા. સુઝાના બ્રેકફસ્ટ કરવા જાય ત્યાં સુધીમાં મેં નાહીને તૈયાર થવાનું નક્કી કર્યું અને અંતે બસની રાહ જોતાં અમે હોટેલનાં મુખ્ય દરવાજા પાસે ઊભા રહ્યાં. ઠંડી ખૂબ હતી, પવન પણ એટલો અને મેં સ્વેટર/જમ્પર નહોતાં પહેર્યા. મારી પાસે જમ્પર હતું જ નહીં અને ન પહેરવાનાં નિર્ણયનો ચુકાદો નસીબજોગે મારાં પક્ષમાં આવ્યો. બસમાં પવન લાગવાનો નહોતો અને બહાર લગભગ એકાદ કલાકમાં તડકો નીકળવા માંડ્યો હતો જે પછી આખો દિવસ રહ્યો. બસમાં પહેલી એકાદ કલાક જેટલું તો હું ફક્ત ઊંઘી રહી. આમ પણ ત્યારે અમે હાઈ-વે પરથી અને નાના ગામમાંથી પસાર થતાં હતાં જે ઓસ્ટ્રેલિયાનાં અન્ય નાના ગામ જેવાં જ હતાં એટલે મને તેમાં બહુ રસ પડ્યો નહોતો. વળી, ખરેખર જે ગ્રેટ ઓશિયન રોડ છે તે શરુ નહોતો થયો. સુઝાનાએ મને કહ્યું હતું કે, હું તેનાં ખભા પર માથું રાખીને ઊંઘી જઈ શકું છું. પણ, હું એટલી હદે ઓકવર્ડ ફીલ કરી રહી હતી કે, મેં તેમ ન કરવું જ ઉચિત માન્યું. બસ જ્યારે ચા-કોફી અને બિસ્કિટ્સનાં બ્રેક માટે ઊભી રહી ત્યારે હું અંતે પૂરી જાગી. બહાર નીકળીને જ્યાં નજર પહોંચે ત્યાં પબ્લિક જ પબ્લિક!

ડ્રાઈવરનાં કહેવા મુજબ એ હોલીડે સીઝનનો કદાચ સૌથી વ્યસ્ત દિવસ હોવો જોઈએ. તેણે પણ આટલી બધી બસો અને આટલા માણસો પહેલાં ક્યારેય ત્યાં જોયા નહોતાં. એટલું વળી સારું હતું કે, અમારી બસ નાની કોચ-બસ હતી એટલે ટૂર ગ્રૂપ ફક્ત ૧૦-૧૨નું હતું અને અમારે ક્યાંયે બધાં લોકો આવે ત્યાં સુધી લાંબો સમય રાહ ન જોવી પડતી.  ત્યાંથી થોડાં અંતરે પહોંચતાં અમે ‘ગ્રેટ ઓશિયન રોડ’નું લાકડાનું પ્રવેશદ્વાર જોયું. આગળ આખો લાંબો રોડ શરુ થતો હતો. ત્યાં એક ગામમાં ૩-૪ દિવસનો કોઈ મ્યુઝિક ફેસ્ટિવલ ચાલુ હતો એટલે એ રીતે પણ ટ્રાફિક સારો એવો હતો. ડ્રાઈવર ખૂબ ખુશમિજાજ હતો એટલે અમેં જ્યાંથી પણ પસાર થતાં એ વિશેની કોઈ નાની-મોટી રસપ્રદ વાત કરતો રહેતો. તેનાં કહેવા મુજબ એ ફેસ્ટિવલ ઘણાં વર્ષોથી ક્રિસમસ-બ્રેક પછી થાય છે અને એ કોઈકની પ્રાઈવેટ-પ્રોપર્ટી પર થાય છે. વિચારો હજારો માણસોને સમાવી શકે એ પ્રાઈવેટ પ્રોપર્ટી કેવડી હશે! આગળ વળી ક્યાંક એક નાની ખાડી જેવું હતું અને એ ખાડીનાં કિનારે એક બાર છે. એ ખાડીમાં દર વર્ષે કોઈ તરવાની સ્પર્ધા થાય છે અને વિજેતાનું ઈનામ બીયર! આવા કંઈ કેટલાંયે નાના ટુચકા તેણે અમને સંભળાવ્યા કર્યા.

અમે ઘણાં બધાં નાના ગામોમાંથી પસાર થઇ રહ્યાં હતાં અને એ બધાં જ મને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનાં બસલટન-માર્ગરેટ રિવર વિસ્તારોની યાદ અપાવી રહ્યા હતાં. એ વિસ્તારનો ફીલ લગભગ આ જગ્યાઓ જેવો જ છે. પણ, સુંદરતામાં એ આનાં કરતાં ચાર ચાસણી ચડે તેવો છે. બરાબર આ વિચાર મારા મગજમાં ચાલતો હતો ત્યાં જ સુઝાનાએ મને ઉદ્દેશીને કહ્યું “વાવ! ઇટ્સ રીઅલી બ્યુટીફુલ હેય! આઈ એમ ગ્લેડ વી કેઇમ.” એટલે સ્વાભાવિક રીતે મેં સુઝાનાને પૂછ્યું કે, તેણે માર્ગરેટ રિવરવાળો વિસ્તાર જોયો છે કે નહીં. લગભગ દરેક લોકો જે પર્થમાં રહે છે તેમણે એ તો જોયું જ હોય છે પણ મારે કોઈ અનુમાન નહોતું લગાવવું અને તેને શરમાવું પડે તેવું કંઈ બોલવું નહોતું. પર્થથી લગભગ ચાર કલાકની ડ્રાઈવ છે અને તમારે ફક્ત ૨-૩ દિવસ માટે શહેરથી દૂર ક્યાંય જવું હોય તો એ આદર્શ જગ્યા છે. તેણે જવાબ આપ્યો “મારો પરિવાર ફક્ત ઇન્ટરનેશનલ ડેસ્ટીનેશન પર જ ટ્રાવેલ કરે છે. અમે ઓસ્ટ્રેલિયામાં અંદર બહુ ફરવાનું પસંદ નથી કરતાં કારણ કે, અહીં ખાસ કંઈ છે નહીં વગેરે વગેરે બ્લા બ્લા” મારો વાઈડાઈનો જરા પણ હેતુ નહોતો. પણ, આ સાંભળીને હું રહી ન શકી અને મેં જાણવા છતાં તેને પૂછ્યું કે, ઇન્ટરનેશનલ ડેસ્ટીનેશનમાં તે બાલી (જ્યાં આખું પર્થ જઈ ચૂક્યું છે) અને સર્બિયા સિવાય ક્યાં ફરી છે. એટલે તેનો જવાબ આવ્યો મોન્ટેનેગ્રો (જે સર્બિયામાંથી તાજેતરમાં છૂટું પડ્યું છે.) એ જો કે, મારો કટાક્ષ સમજી નહોતી એટલે તે પોતાનાં મોન્ટેનેગ્રોવાળા જોક પર હસી પણ ખરી અને હું પણ. ઘરકી મુર્ગી દાલ બરાબર તે આનું નામ! અને પોતાનાં અજ્ઞાન વિશેનો ગર્વ લટકામાં.

ત્યાર પછી અમે આગળ વધ્યા ટ્વેલ્વ એપોકલ્સ અને લંડન બ્રિજ તરફ. બંને જગ્યાઓએ દરિયાનાં મોજાંથી કુદરતી રીતે કોતરાયેલાં ખાડાકોનાં સુંદર શિલ્પો છે. દરિયાની બરાબર વચ્ચે ઉભેલાં આ કોતરણનો નજારો ખરેખર અભૂતપૂર્વ છે. અમે ભારબપોરે જોયાં ત્યારે પણ એ આટલાં સુંદર દેખાતાં હતાં તો સમી સાંજે સૂર્ય આથમતાં એ કેવાં ભવ્ય લાગતાં હશે તે હું વિચારી રહી! આ ઉપરાંત અહીંનાં જંગલોવાળા વિસ્તારમાં અમે એક નાની નેચર-ટ્રેલ જોઈ. ત્યાં દુનિયાનું બીજા નંબરનું સૌથી ઊંચું ઝાડ આવેલું છે. વનસ્પતિઓનાં આકાર એવાં હતાં કે જેવા મેં પહેલા ક્યાંયે જોયા નહોતાં. આ બધી જગ્યાઓ વિશે વધુ વાત કરવા કરતાં ફોટો જોવાની જ વધુ મજા પડશે.

એ દિવસે અમે રાત્રે આઠ વાગ્યે પાછાં મેલ્બર્ન પહોંચ્યા અને સિટીમાં જમીને ફરી હોટેલ તરફ ગયાં. હોટેલ પહોંચી, નાહી-કરીને અમે ફરી બહાર નીકળવાનું વિચાર્યું. મેલ્બર્નની નાઈટ-લાઈફ થોડી સરખી રીતે માણવાનો દિવસ આવી ગયો હતો! એ દિવસે પણ અમે લગભગ પબ્સ સુધી જ માર્યાદિત રહ્યાં અને કલબ્સ મુલતવી રાખ્યાં. શરૂઆત અમે ફેડરેશન સ્ક્વેરથી કરી. ત્યાં ટ્રાન્સપોર્ટ હોટેલ બારમાં અમે પહોંચ્યાં. આ જગ્યાએ સુઝાનાએ મારો પરિચય કરાવ્યો ‘શેમ્બોર્ડ’ સાથે. એ એક ફ્રેન્ચ લિક્યોર છે જે ચેરી અને બેરીઝનું બનેલું હોય છે. સામાન્ય રીતે ઓરેન્જ જ્યૂસ સાથે સર્વ કરવામાં આવે છે. પણ, સુઝાનાએ લેમનેડ સાથે મને ચખાડ્યું હતું અને વાહ! અદ્ભુત! વળી, તેમાં શરાબની માત્રા પણ ખૂબ ઓછી હોય છે. એટલે ઉનાળાની સાંજે એક લાઈટ ડ્રિંક તરીકે આ પરફેક્ટ છે. બસ પછી તો લગભગ બે ડ્રિન્ક્સ પછી કંટાળીને ત્યાંથી બહાર નીકળ્યા. ઈટ વોઝ ડેડ! અમને કોઈ વધુ ધમધમતી જગ્યાની જરૂર હતી.

અંતે અડધી કલાકની શોધ પછી અમે ‘કૂકી’ નામની એક જગ્યાએ પહોંચ્યા. બજારની બરાબર વચ્ચે ઊભેલાં એ બારને તમે જુઓ તો એવું લાગે જ નહીં કે, ત્યાં આવું કંઈ હશે. 7 માળની એ જગ્યા હતી અને નો-લિફ્ટ! એક માળ પર કાફે, પછી રેસ્ટોરાં, પછી ક્લબ, પછી નાના કોન્સર્ટ માટેની જગ્યા, પછી કોકટેઈલ બાર, પછી એક બંધ માળ અને સૌથી ઉપર રૂફ-ટોપ બાર અને સિનેમા-સ્ક્રીન. દાદરાની દીવાલો પર બધે કોન્સર્ટ, આર્ટ ફેસ્ટિવલ વગેરેનાં પોસ્ટર. એ જગ્યા અંદરથી ખૂબ સુંદર હતી અને ખાસ તેમનો કોકટેઈલ બાર! કોકટેઈલ્સનું એક ખૂબ મોટું સિલેકશન અને સાથે ખૂબ ડીમ યેલો લાઈટ અને મીણબત્તીઓનું સુંદર એમ્બિયન્સ. એ બારની બરાબર વચ્ચે ત્રણ-ચાર કેબિન હતી. અંદર ૪-૫ જણનું ગ્રૂપ બેસી શકે તેટલી જગ્યા અને કેબીનનો દરવાજો બંધ કરી દો એટલે એ તમારી પ્રાઈવેટ કેબિન બની જાય. શરૂઆતમાં તો આવી બધી કેબિન રોકાયેલી હતી. પણ, અમે રૂફ-ટોપ બારમાં એક ડ્રિંક લઈને નીચે આવ્યા ત્યાં સુધીમાં એક કેબિન ખાલી થઇ ગઈ હતી અને અમે અફકોર્સ અંદર ગયાં અને પછી તો હોટેલ પાછાં ફરતાં સુધી ત્યાં જ રહ્યાં. અમારી જેમ આ વાંચનારા જેને એવો પ્રશ્ન થયો હોય કે, ત્યાં મેક-આઉટ કરી શકાય કે નહીં, તેમનાં માટે જવાબ છે ના. :P કારણ કે, આમ ભલે તે કેબિન રહી પણ, દરવાજામાં ઉપરનો ભાગ ઝાડીવાળો છે. એટલે, આવતાં જતાં કોઈ પણ અંદર ડોકું કાઢીને અંદર બધું જ જોઈ શકે અને કેબીનનાં પાર્ટીશનમાં બંને તરફ થોડી ખીડકીઓમાં ઝાડી છે એટલે આજુબાજુની કેબિનમાંથી પણ અંદર થોડું-ઘણું જોઈ શકાય.