સ્કૂલિંગ – પ્રોબ્લેમ સિસ્ટમ છે કે આપણે?

નિબંધ

પોતાની સંસ્કૃતિ અને સમાજથી દૂર સ્થળાંતર કરવાનો સૌથી મોટો ફાયદો છે દૃષ્ટિકોણ. જે બાબતો સંસ્કૃતિ અને સમાજની  અંદર રહીને આપણે નથી જોઈ શકતાં તેમાંની ઘણી ઝીણી-મોટી, સ્વાભાવિક-અઘરી બાબતો આપણે તેમાંથી બહાર નીકળીને જોઈ શકીએ છીએ. સ્થળાંતર કર્યાં પછી ઘણી બધી બાબતોની જેમ મેં આપણી સ્કૂલિંગ સિસ્ટમ વિષે પણ વિચારો કર્યાં છે. છેલ્લાં ઘણાં સમયથી બિચારી સિસ્ટમ વગોવાતી રહે છે અને એક નહીં દરેક વગોવે છે. એટલે, મારાં જેવી વ્યક્તિને સ્વાભાવિક રીતે જ પહેલો વિચાર આ વ્યવહારની ખરાઈ વિશે આવે. મને જ નહીં, હું માનું છું દરેકને આવવો જોઈએ. જ્યારે કોઈ ચાર્ચાત્મક વિષય પર દરેક મત ફક્ત એક તરફ ઝૂકતો દેખાય ત્યારે બીજી તરફની દલીલ પર સામાન્ય કરતાં પણ વધુ ઝડપથી નજર પડવી જોઈએ. કારણ કે, જો બધાં એકમત હોય તો તેનો મતલબ કાં તો એ થાય કે, એ વિધાન સંપૂર્ણ વૈશ્વિક વૈજ્ઞાનિક સત્ય છે અથવા લોકો ઘેટાં-બકરાંની જેમ એકબીજાને અનુસરી રહ્યાં છે. આપણા સમાજનાં કેસમાં મોટાં ભાગે કયો સિનારિયો હોય છે એ આપણને બધાંને ખબર છે.

આગળનાં ઘણાં બધાં વિષયોની જેમ આ વિષય પર પણ હું બીજી તરફ દલીલ કરવાની છું અને ભવિષ્યમાં પણ કરતી રહીશ. એટલાં માટે નહીં કે, આઈ એમ ટૂ કૂલ ફોર પોપ્યુલર ઓપિનિયન. પણ, એટલાં માટે કે મારી પાસે સિક્કાની બીજી તરફની ધ્યાન દેવા જેવી કેટલીક વિગતો છે જેનાં વિશે વાત કરતાં મેં કોઈને નથી જોયાં અને એટલે એ વાત કરવી મારાં માટે જરૂરી બની જાય છે. એનો મતલબ એવો પણ નહીં કે, મારી દલીલ સાચી હોય. મારું તાત્પર્ય ફક્ત એટલું છે કે હું યાદ કરાવી શકું, હેલો! બીજી તરફ પણ દલીલો છે, તમે તેને ગણતરીમાં લઈને તમારો મત બાંધ્યો છે? અહીં એજ્યુકેશનલ સિસ્ટમ દલીલને મહદ અંશે સ્કૂલ પૂરતી સીમિત રાખવાનું કારણ એ છે કે, મારી પાસે આપણી કોલેજ-સિસ્ટમનો બહુ જ સીમિત અનુભવ છે.

થ્રી-ઈડિયટ્સ પછી આપણી સિસ્ટમવાળી ચર્ચાએ બહુ વેગ પકડ્યો છે. વળી, તેવામાં સ્કૂલ-લીવર્સ, હોમ-સ્કૂલ્સ વગેરેનાં દાખલા છાશવારે આવતાં રહે છે. આમાં પોપ્યુલારિટીનો અવોર્ડ સ્વ. અંબાણીને મળે. પણ, મારો અંગત અનુભવ અને નિરીક્ષણ બિલકુલ જુદાં છે. કઈ રીતે?

એજ્યુકેશનલ સિસ્ટમ નહીં પણ એગ્ઝામીનેશન સિસ્ટમ 

સૌથી પહેલાં તો એગ્ઝામીનેશન સિસ્ટમને એ બનાવવા માટે જવાબદાર કોણ? સિસ્ટમ પોતે? મને નથી લાગતું. કઈ રીતે? વિસ્તારપૂર્વક સમજાવું.

એગ્ઝામનાં માર્ક્સ સૌથી વધુ શેમાં કામ લાગે છે? એડમિશન/જોબ મેળવવામાં. મોટાં ભાગનાં લોકો જો ફક્ત બે-ચાર ગણી-ગાંઠેલી સ્ટ્રીમમાં એડમિશન મેળવવા પડાપડી કરે તો શું થાય? સ્વાભાવિક રીતે જ કોમ્પિટિશન વધે અને એટલે વધુ માર્ક્સ મેળવવા અગત્યનાં બને. શું સિસ્ટમ કહે છે કે, બધાં ઘેંટા-બકરાની જેમ ગણેલી ચાર સ્ટ્રીમમાં એડમિશન મેળવવા પડાપડી કરો? ના. એ પ્રેશર સિસ્ટમ નથી આપતી. સિસ્ટમે તો ભણવાની દરેક સ્ટ્રીમને સરખો ન્યાય આપવો ઘટે અને એ કામ તો સિસ્ટમ બરાબર કરે છે. પણ, અચાનક એકસાથે એક જ સ્ટ્રીમમાં આટલાં બધાં લોકો એડમિશન મેળવવા પડાપડી કરે તો સિસ્ટમ કરે શું? પચાસ સીટો હોય અને સો એપ્લિકેશન હોય તો માર્ક્સ એક જ ઝડપી અને પ્રેક્ટિકલ વિકલ્પ રહે ક્યા પચાસને એડમિશન આપવું એ નક્કી કરવા માટે. બીજો વિકલ્પ ઇન્ટરવ્યુનો રહે. પણ, આટલાં લાખોનાં ઈન્ટરવ્યુ લેવા જાય તો એક વર્ષ તો તેમાં જ જાય. તો પાછાં આપણા વાલીઓ એમ કહે, “સાવ નકામી સિસ્ટમ છે. છોકરાંઓનું એક વર્ષ બગડી ગયું.” અને આવું પાંચ ગણેલી શાખાઓમાં જવાનું પ્રેશર આવે છે ક્યાંથી? સમાજમાંથી. આપણા ઘરોમાંથી આપણી આસ-પાસથી. “ફલાણાંનો દીકરો તો એન્જીનિયર છે, તું જ ડોબો છે.” આવી બુદ્ધિ વિનાની સરખામણીમાંથી.

વળી, સિસ્ટમ તો પાસ થવાનું પ્રેશર પણ નથી કરતી. નાપાસ થાઓ તો સિસ્ટમ ફાંસી આપતી હોવાનું મારાં ધ્યાનમાં નથી. સિસ્ટમ ફરી પરીક્ષા આપવાની પૂરેપૂરી છૂટ આપે છે. આ પ્રેશર તો ઘરોમાંથી આવે છે. આપણે “ટ્રાય હાર્ડર નેક્સ્ટ ટાઈમ”વાળો અગત્યનો જીવન-પાઠ તો બાળકોને આપતાં જ નથી. સત્ય તો એ છે કે, ધેર ઇઝ ઓલ્વેઝ અ નેક્સ્ટ ટાઈમ. સિસ્ટમ ફરીથી એક્ઝામ આપી શકવાની સગવડ દ્વારા આ વાત બરાબર ફોલો કરે છે. ફોલો તો નથી કરતાં આપણે. આપણા ઘરોમાં.

સ્કૂલમાં ભણાવાતાં વિષયો:

મને ખ્યાલ છે ત્યાં સુધી આપણી સિસ્ટમ લગભગ બધાં જ વિષયો આવરી લે છે અને જે વિષયો નથી કવર થતાં એ ઘણી બધી સ્કૂલોમાં કો-કરીકયુલર એક્ટીવિટી દ્વારા કવર થતાં હોય છે. સૌથી પહેલાં વાત કરું કમ્પલ્સરી સબ્જેક્ટની. વિજ્ઞાન, ગણિત, ત્રણ ભાષાઓ (સામાન્ય રીતે ઇંગ્લિશ, હિન્દી અને માતૃભાષા), સામાજિક વિજ્ઞાન (ઈતિહાસ, ભૂગોળ, રાજનીતિ), ડ્રોઈંગ અને સ્પોર્ટ્સ આટલું તો દરેક સ્કૂલમાં ભણાવાતું જ હોય છે. આ ચોપડીઓ ક્યારેય ધ્યાનથી જોઈ છે? કન્ટેન્ટ-રિચ હોય છે અને બહુ રસપ્રદ હોય છે. હું સ્કૂલમાં હતી ત્યારે તો હતી જ. સિસ્ટમ એક વિષયની કિતાબ વધુ સારી અને બીજા વિષયની નબળી બનાવીને ભેદ-ભાવ કરતી મેં તો જોઈ નથી. હા, વાલીઓને વિજ્ઞાન-ગણિત-ઇંગ્લિશ અને બાકીનાં વિષયોમાં ભેદભાવ કરતાં જરૂર જોયાં છે. વળી, ગુજરાતી મીડિયમ માટે વધુ એક વાત. ગણિત-વિજ્ઞાન જેવાં વિષયોનાં પુસ્તકો બનાવવા કેટલી મોટી જહેમત છે એ વિચાર્યું છે? આ પુસ્તકોની ફાઈનલ એડિશન નક્કી કરતી વખતે એ તો નક્કી કરવાનું જ હોય છે કે, વિદ્યાર્થીઓ ક્યાં કેટલું ગ્રહણ કરી શકશે પણ સાથે સાથે અનુવાદ એ પણ એક મોટું અભિયાન છે. આ બે વિષયોનું લગભગ બધું જ કન્ટેન્ટ ઇંગ્લિશમાં હોય છે.

ઘણાંને દલીલ કરતાં સાંભળું છું કે, સ્કૂલોમાં રસ ન હોય તેવાં વિષયો પણ બાળકોએ પરાણે ભણવા પડે વગેરે. તમે શું એમ માનો છો કે, દરેક દસ-અગ્યાર વર્ષનાં બાળકને પોતાને કયો વિષય ગમે છે અને કયો નથી ગમતો તેની સંપૂર્ણ સમજણ હોય? સામાન્ય બુદ્ધિ કહે છે ના, ન હોય. દુનિયાનાં કોઈ પણ ખૂણે કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમમાં ૧૨ ધોરણ સુધી બાળકોને ઉપરોક્ત વિષયો ભણાવાતાં જ હોય છે. એટલા માટે કે, લગભગ સોળ-અઢાર વર્ષ સુધી કોઈ પણ બાળકને ખબર ન હોય કે, પોતાની કેટલી ક્ષમતા શેમાં છે. એટલે, આ બધાં જ વિષયો શરૂઆતમાં ભણાવાય એ બાળકનાં હિતમાં છે. મારી જ વાત કરું તો, પાંચમા-છટ્ઠા સુધી ગણિત મારો સૌથી અપ્રિય વિષય હતો. સિત્તેર-એંસી માર્ક માંડ આવતાં. (હા હા, બધાં ફેઈલ થવાવાળા મને મારવા દોડશો. ખબર છે.) નવમા-દસમા સુધીમાં એ પ્રિય બની ગયો હતો. મમ્મી/શિક્ષકોએ ત્યારે એમ કહ્યું હોત કે, “બેટા કંઈ વાંધો નહીં ફેલ તો નથી થતી ને!” તો મેં ગણિત સમજવા પાછળ અને મારી જે ભૂલો થાય છે એ શું કામ થાય છે એ સમજવા પાછળ બિલકુલ પ્રયત્ન ન કર્યો હોત. હા, કોઈ બાળક એક વિષયમાં અસાધારણ રીતે તેજસ્વી જણાય તો એ અલગ વાત છે. પણ, આ આપવાદ થયાં. અને આવો અપવાદ મને કોઈ બાળકમાં દેખાય તો એ એક વિષયમાં આગળ વધવા માટે તેને સ્કૂલની બહાર સપોર્ટ પૂરો પાડવાનું વધુ વ્યાજબી ગણું. પણ, એ એક વિષયમાં મેધાવી છે એટલે બાકીનાં વિષયો ભણાવવાનું સદંતર બંધ ન કરું. એટ લીસ્ટ સોળથી અઢાર વર્ષ સુધી તો નહીં જ.

ભાષાનાં વિષયોનાં મારાં અનુભવ તો સૌથી વધુ યાદગાર છે. ભાષાની ત્રણે ચોપડીઓ અને સમાજશાસ્ત્રમાં ઈતિહાસવાળો ભાગ મારાં પ્રિય હતાં. હું વેકેશનમાં જ વાંચી જતી કારણ કે, તેમાં  વાર્તાઓ આવતી (કવિતાઓ ત્યારે એટલી ન ગમતી). ગુજરાતી અને હિન્દીમાં તો દરેક પાઠની શરૂઆતમાં લેખકોનાં પરિચય પણ આવતાં અને તેમણે લખેલાં ફેમસ પુસ્તકોનાં નામ પણ. વિદ્યાર્થી તરીકે મારું મોટાં ભાગનું રીડિંગ-લિસ્ટ તેમાંથી નીકળતું. આ માટે તો ઇન-ફેક્ટ મને સિસ્ટમને બિરદાવવાનું મન થઇ આવે છે. નિબંધોમાં પણ હું જ્યાં ભણી છું ત્યાં શિક્ષકો મૌલિકતા પર ભાર આપવાનું કહેતાં. હજુ પણ મારી ઓળખાણનાં દરેક વિદ્યાર્થીને નિબંધોમાં મૌલિક વિચારો રજૂ કરવા બદલ શાબાશી મેળવતાં સાંભળું છું. હા, અમુક ચોક્કસ પ્રકારની ક્રાંતિકારી હદની મૌલિકતા ન વાપરી શકો. તો, એ તો વિદેશમાં પણ નથી જ વાપરી શકાતી. ક્યાંયે ન વાપરી શકાય જો પાસ થવું હોય તો. કારણ કે, દરેક શિક્ષક એ બાબત પચાવી શકવા જેટલો ઓપન માઈન્ડ ન હોય. તેમાં આપણી સિસ્ટમનો દોષ ક્યાં આવ્યો?

બાકી રહ્યાં અમુક સ્પેશિયલ ઇન્ટરેસ્ટનાં સબ્જેક્ટ. તો, ડ્રોઈંગ તો દરેક સ્કૂલમાં શીખવાય જ છે. માતા-પિતા તરીકે તમે બાળકોને કહો કે, એ વિષય અગત્યનો નથી તો એ સિસ્ટમનો વાંક નથી. હા, સ્પોર્ટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તાતી જરૂરિયાત છે. પણ, તેનાં પર તો આમ પણ આપણે ત્યાં મોટાં ભાગનાં માતા-પિતા ધ્યાન નથી આપતાં. વાલીઓ તો સ્કૂલનું રિઝલ્ટ કેટલું આવે છે અને બોર્ડ/સેન્ટરમાં સૌથી વધુ નંબર ક્યાંથી આવે છે તેનાં પર જ ધ્યાન આપે છે ને. પ્રાઈવેટ સ્કૂલો – જેમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તો શું સમ ખાવા જેટલું સ્પોર્ટ્સ-ગ્રાઉન્ડ/મેદાન પણ નથી હોતું તેવી સ્કૂલોમાં હોંશે હોંશે બાળકોને ચાર ગણી વધુ ફી આપીને મોકલવામાં અચકાતાં નથી. આમાં સરકારી સ્કૂલો બિચારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી કાઢે? પૈસા તો બધાં પ્રાઈવેટ સ્કૂલોમાં જાય છે! બાકી સ્વિમિંગ, જીમ્નાસ્ટિકસ વગેરે માટે સ્કૂલ પછી ક્યાં સમય નથી હોતો?  સંગીત, ડાન્સ, ડ્રામા માટે પણ આ જ વાત લાગુ પડે છે. ડાન્સ અને ડ્રામા તો આમ પણ મોટાં ભાગની સ્કૂલોમાં ઈત્તર પ્રવૃત્તિ તરીકે આવતાં હોય છે. બાળકોને ભાગ લેવડાવો! કોણ ના પાડે છે? અને વધુ રસ લેતાં જણાય તો સ્કૂલ પછી શીખી શકે છે.

સોફ્ટ-સ્કિલ્સ:

અંગત રીતે જીવનનાં સૌથી અગત્યનાં પાઠ મેં સ્કૂલમાં ભણ્યાં છે. સૌથી પહેલાં તો જે સેમી-ગ્રાન્ટેડ સ્કૂલમાં હું ભણતી ત્યાં દરેક પ્રકારનાં બેક-ગ્રાઉન્ડમાંથી છોકરીઓ આવતી. સ્કૂલમાં ઢગલાબંધ કો-કરીકયુલર એક્ટીવિટી થતી. બધામાં પેરેન્ટ્સ મને ભાગ લેવા પ્રોત્સાહન આપતાં. મારી મમ્મી વર્કિંગ મધર છે. શરૂઆતમાં તો મને ભાગ લેવાનું ભાન હોય, પણ જવાબદારીનું શું ભાન હોય? એ જવાબદારીઓ ત્યારે મમ્મી ઉઠાવતી. સમય જતાં આ આદતો બનતી ગઈ અને તેણે મારાં પર છોડવાનું શરુ કરી દીધું હતું. આ પ્રવૃત્તિઓ-ખાસ કરીને ગ્રૂપ એક્ટિવિટીઝ એ ટીમવર્ક અને પ્રોજેક્ટ-મેનેજમેન્ટનાં મારાં પ્રાથમિક પાઠ છે. સ્કૂલમાં પોલિટિક્સ પણ હતું. સ્કૂલ પાર્લામેન્ટ. તેમાં ભાગ લેવો અને સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જે કંઈ પણ લોચા થતાં એ અમારાં ‘ઓર્ગનાઈઝેશનલ પોલિટિક્સ’નાં પ્રાથમિક પાઠ છે. અને એ મને એટલે મળ્યાં કે, મારાં માતા-પિતા મોટાં ભાગે મને ફોડી લેવા દેતાં અને હેરાન થવા દેતાં. વળી, સ્કૂલ અને શિક્ષકોની અપેક્ષાઓ અને માતા-પિતાની અપેક્ષાઓ ઘણી વખત વિરુદ્ધ આવીને ઊભી રહેતી. એમાંથી માર્ગ કાઢવો ને પોતાનું ધાર્યું કરતાં શીખવું, એ નેગોશિયેશન સ્કિલ્સ. સ્કૂલ, એગ્ઝામ અને ઈત્તર પ્રવૃત્તિઓ વચ્ચે સતત બેલેન્સ જાળવતાં રહેવું એ ટાઈમ મેનેજમેન્ટ. ક્યારે કઈ ઈત્તર-પ્રવૃત્તિમાં ભાગ લેવાની ના પાડવી તથા જો એમ ન કરું અને ટીમ/ગ્રૂપ મારાં કારણે હેરાન થાય તો તેનાં પરિણામ કેવાં આવે એ આર્ટ ઓફ સેઈંગ નો. આ બધું મને સ્કૂલમાંથી શીખવવા મળ્યું છે.

હવે કહો ખામી ક્યાં લાગે છે? સિસ્ટમમાં કે આજનાં સમાજ અને સમાજની વૃત્તિમાં? દરેક વસ્તુમાં કોમ્પિટીશન અને દેખાદેખી એ એક ખતરનાક ગુણ છે આપણા સમાજમાં. બીજો વાંક છે આપણી ઘેટાં-વૃત્તિનો. અને ત્રીજો આપણી વાણિયા-વૃત્તિ. આપણે પોતે બાળકોને ઈત્તર-પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ન દઈએ અને તેમની ઈત્તર પ્રવૃત્તિઓ ઉપર સામાજિક જીવનની ઔપચારિકતાઓને પસંદ કરીએ તો એ વાંક કોનો? છોકરાઓ માટે ભણતરનો ઉપયોગ પૈસા કમાવાનો એટલે જેમાં પૈસા વધુ મળે એ જ વિષયો પર ધ્યાન આપવાનું કહેવું એ વાણિયા-વૃત્તિ આપણી. છોકરીઓને પાછાં અલ્ટીમેટમ આપવામાં આવે કે, તમામ બિનજરૂરી સામાજિક પ્રવૃત્તિઓમાં ઘસડાયા પછી પણ (પહેલેથી સાસરે જવા માટે તૈયાર બને ને!) પહેલો/બીજો નંબર આવશે અને અમુક તમુક પ્રકારનાં મિનિમમ પગારવાળી જોબ મળશે તો કરવા દઈશું. બાકી શું કામ છે જોબ કરીને? આ પણ વાણિયા-વૃત્તિ. અને પછી સિસ્ટમને દોષ આપીએ. કેમ મેળ પડે?

P. S.આ બધાં સિવાય એક વસ્તુ એવી છે જેમાં આપણી સિસ્ટમ ખૂબ એટલે ખૂબ જ નબળી પડે છે. જેમાં સંપૂર્ણ વાંક ફક્ત અને ફક્ત સિસ્ટમનો છે. એ છે અપંગ બાળકો માટેની સ્કૂલો. એ સ્કૂલોની કથળેલી હાલત અને તેમનાં માટેનાં જરૂરી સપોર્ટનો અભાવ. માનસિક વિકલાંગતા અને લર્નિંગ-ડીસેબિલિટી વચ્ચે કોઈ ભેદ ન સમજવો! આ એરિયામાં ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેમી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં  આપણે ત્યાં કામ થવું ખૂબ જરૂરી છે.

P.P.S.