ટોક્યો – એક ફિનૉમિનન

નિબંધ

મારાં મતે ટોક્યો ફક્ત એક શહેર નથી, એક ફિનૉમિનન* છે. હું માનું છું કે, જાપાન અને ખાસ ટોક્યોનો જાદૂ શબ્દોમાં ઢાળી શકવા માટે જાપાનની સંસ્કૃતિ, સમાજ અને ઇતિહાસ વિશે વાત કરવી ખૂબ જરૂરી છે. જો એ સમજ્યા વિના કે યાદ રાખ્યા વિના ટોક્યો જોવામાં આવે કે તેનાં વિષે વાત કરવામાં આવે તો એ શહેર અને એ દેશ ‘વિચિત્ર’ શબ્દની મર્યાદિત વ્યાખ્યામાં સીમિત રહી જાય. હું જાપાન, સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસનાં વિષયમાં નિષ્ણાત તો બિલકુલ નથી પણ, ઐતિહાસિક તથ્યો, મારા નિરીક્ષણ, કલ્પનાશક્તિ અને દુનિયાની મારી મર્યાદિત સમજણ પરથી અમુક તારણ કાઢી શકી છું. એ લેન્સથી ટોક્યો અને જાપાનને જોઉં છું તો એ મને અદ્ભુત લાગે છે!

જાપાન પ્રાચીન અને અર્વાચીનનાં અંતિમોમાં બંટાયેલો દેશ છે. આજની તારીખે જોવામાં આવે તો તેનાં ઇતિહાસને બે મુખ્ય ભાગમાં વહેંચી શકાય – વર્લ્ડ વૉર 2 પહેલાનું જાપાન અને વર્લ્ડ વૉર 2 પછીનું જાપાન. વર્લ્ડ વૉર અને ખાસ તો પેલા બે ન્યુક્લીયર બૉમ્બ જાપાન માટે ભયંકર વિનાશક ઘટના હતી. આ જ સમયગાળામાં ભારતને પણ આઝાદી મળી હતી. 1945 પછી 6 વર્ષ સુધી જાપાનમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને એલાઇડ ફોર્સીસનો કબ્જો અને વર્ચસ્વ રહ્યું હતું. આ સમયગાળામાં જાપાનને લોકશાહી બનાવવામાં આવી, જાપાનીઝ સ્ત્રીઓને પશ્ચિમની સ્ત્રીઓ જેટલાં અધિકાર આપવામાં આવ્યા, જાપાનની યુદ્ધ-શક્તિ ખતમ કરવામાં આવી વગેરે ઘણું બધું થયું. 1951 પછી અમુક બાબતોમાં યુનાઇટેડ સ્ટેટ્સનાં ચંચૂપાતને બાદ કરીને મોટે ભાગે જાપાનને તેની નિયતિ પર છોડવામાં આવ્યું.

એક અભ્યાસ પ્રમાણે 1958થી 1968 સુધીનાં વર્ષોમાં અમેરિકા સાથેનાં જાપાનનાં સંબંધોને કારણે જાપાનની ઇકૉનોમીને ઘણો ફાયદો થયો. પણ, એ ફાયદો ત્યારે થયો જ્યારે એક આખી પેઢીએ દેશનાં નવનિર્માણમાં પોતાનું જીવન ખર્ચી નાંખ્યું. શ્રી વર્ષો પહેલા એક ફૅક્ટરીમાં કામ કરતી હતી જ્યાં તેની મુલાકાત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કે તેનાં થોડા જ સમય પછી જન્મેલા વૃદ્ધો સાથે થઇ હતી. એ કહે છે કે, જમવા અને ઊંઘવા સિવાયનો લગભગ આખો સમય એ લોકો ફૅક્ટરીઓમાં કામ કરતા. ફૅક્ટરીમાં કામ કરતી મહિલાઓએ એક દિવસ નક્કી કર્યો અને એ દિવસે ફેક્ટરીનાં પુરુષ કર્મચારીઓએ સ્ત્રી કર્મચારીઓ સાથે લગ્ન કરી નાંખ્યાં. કારણ કે, ફૅક્ટરી બહાર એ લોકોનું સામાજિક જીવન લગભગ અસ્તિત્ત્વ જ નહોતું ધરાવતું. એ સાંભળતા લાગે કે, પ્રેમ, રોમૅન્સ વગેરે – જેને આપણી એક આખી પેઢી અનિવાર્ય માને છે – તે જીવનનાં એ લટકણિયાં છે, જેનાં વિષે એ જ વિચારી શકે છે જેને પેટ માટે મજૂરી ન કરવાની હોય.

અનુશાસન જાપાનની પ્રજાનાં લોહીમાં છે, આ હકીકત આપણે અનેક લોકો પાસેથી અને કિતાબોમાંથી હજારો વખત સાંભળેલી છે. આ ગુણનાં વખાણ સાંભળેલાં છે. અનુશાસનનો એક મતલબ એ છે કે, ત્યાંની વર્કફોર્સ એટલી વ્યવસ્થિત અને મેથડિકલ છે કે, સમય અને સાધનોનો વ્યય નહિવત છે, ઉત્પાદન ખૂબ છે અને અર્થવ્યવસ્થા મજબૂત છે – એ બધું જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. અનુશાસનનો બીજો મતલબ એ છે કે, ત્યાંનું જીવન એટલું બધું પૂર્વનિશ્ચિત છે કે, તમે જન્મો ત્યારથી તમે મરો ત્યાં સુધી તમારે કયા પ્રકારનું જીવન જીવવાનું છે, શું કરવાનું છે, શું નથી કરવાનું એ બધું જ તમારા માટે નક્કી થઇ ગયેલું છે. તેનું એક ઉદાહરણ છે રોજીંદા જીવનમાં ચપ્પલ કઈ રીતે ગોઠવવાં તેનાં નિયમો, જે કોઈ પણ બાળક સામજણું થાય ત્યારથી જ અનુસરવા લાગશે. સ્ત્રીઓ દશકોથી વર્કફોર્સમાં હોવા છતાં આજે પણ કોઈ પણ કામ માટે સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. લગ્ન કર્યા પછી પોતાનાં કામ અને ઘરની અને બાળકોની તમામ જવાબદારીઓ ફક્ત સ્ત્રીઓનાં માથે આવે છે. નોકરીઓમાં બ્યુરોક્રસી અને હાયરરકીનાં કારણે તણાવનું પ્રમાણ ખૂબ ઊંચું છે અને ઇનોવેશન ઘટતું ચાલ્યું છે. આ અને આવાં અનેક કારણોસર જાપાનમાં લગ્નનું પ્રમાણ ઘટી ગયું છે અને સાલ 2011થી આબાદી દિવસે ને દિવસે ઘટતી જાય છે.

જાપાનનાં સમાજ માટે ‘વિવિધતા’ અને ‘વિચિત્રતા’માં કોઈ ફર્ક જ નથી. જો પૂર્વનિર્ધારિત ઘરેડમાં, નિયમો પ્રમાણે ન જીવો તો તમે સામાજિક રીતે એક બહિષ્કૃત જીવન જ જીવો. સમાજમાં કોઈ પણ પ્રકારનાં વૈવિધ્ય બાબતે સહિષ્ણુતા ન મળે. આધ્યાત્મિકતા તો લગભગ અસ્તિત્ત્વ જ નથી ધરાવતી. તો પછી જીવનનો મતલબ શું? ઉત્પાદન અને ભોગ – production and consumption. આ પેલાં અનુશાસનવાળાં સિક્કાની એ બાજુ છે જેનાં વિષે ભાગ્યે જ વાત કરવામાં આવે છે.

જાપાનનાં શહેરો ઉત્પાદન અને ભોગનાં મશીન હોય તેવું લાગે. ત્યાંનાં દરેક મોટા શહેરમાં દરેક મોટાં ટ્રેન સ્ટેશન પર અને ઠેકાણે ઠેકાણે મહાકાય શૉપિંગ-મૉલ્સનું સામ્રાજ્ય છે. દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જે જાપાનમાં નહીં મળતી હોય. જીવનની દરેક સમસ્યા અને દરેક સુવિધા માટે પ્રોડક્ટ્સ છે અને સતત એ પ્રોડક્ટ્સ ખરીદનારું માર્કેટ છે. શહેર જેટલું મોટું, શૉપિંગ મૉલ્સ તેટલાં વધારે અને તેટલાં મોટાં. ટોક્યોની આંખો આંજી નાંખે તેવી નિયોન લાઇટ્સ આનું પ્રમાણ છે.

જ્યાં પણ કોઈ એક ફોર્સનો અતિરેક થાય ત્યાં તેને સંતુલિત કરતાં વિરોધી તત્ત્વવાળી કળાનો જન્મ થયા વિના રહે નહીં. જાપાનનાં અનુશાસન અને નિયંત્રણોનાં અતિરેકમાંથી જ એક આખું ઑલ્ટર્નેટ ક્લચર (alternate culture) ઊભું થઇ ગયું છે. આ સંસ્કૃતિ ત્યાંની પરંપરાગત જીવનશૈલીનાં વિરોધી અંતિમ પર બનેલી છે અને તેનું કેન્દ્ર છે ટોક્યો. આ અંતિમમાંથી જન્મ થયો છે જાપાનીઝ મૅન્ગા (manga) અને ઍનિમે (anime) કૉમિક્સનો, પ્રખ્યાત વીડિયો ગેમ્સ અને ગેમ કંપનીઝનો, ખૂબસૂરત એનિમેશન્સનો – સ્ટૂડીયો ધીબલીનો, જાપાનની એક સમય સુધી કટિંગ એજ ગણાતી ટેક્નોલૉજી અને અફલાતૂન રોબોટ્સનો, મેક-અપ લાઇન્સનો, જે-પૉપ (જાપાનીઝ પૉપ મ્યુઝિક)નો જાપાનીઝ પોર્નનો, હારૂકી મુરાકામીનો અને આ દરેક વસ્તુની આસપાસ ફરતી જીવનશૈલી અને માર્કેટ્સનો.

જાપાનની કોઈ સ્ત્રી મેક-અપ વિના કદાચ ઘરની બહાર પગ પણ નહીં મૂકતી હોય. એક આખો યુવાવર્ગ છે જેનું સામાજિક જીવન વીડિયો ગેમ્સ પૂરતું સીમિત છે. અમુક છોકરીઓ અને સ્ત્રીઓ ઢીંગલીઓ તરીકે જીવે છે – રોજ ઢીંગલીઓ જેવાં કપડાં અને મેકઅપ પહેરે છે અને તેમનાં પરિવારોએ તેમની આ જીવનશૈલી સ્વિકારી લીધી છે. કાર્ટૂન કેરેક્ટર્સ અને કૉમિક કૅરેક્ટર્સનાં ઠેકાણે ઠેકાણે સ્ટોર્સ છે – પોકેમોન, હૅલો કિટી, ડોરેમોન, મારિઓ, તોતોરો વગેરેનાં બ્રાન્ડ સ્ટોર્સ તો છે જ અને તેનાં બ્રાન્ડિંગવાળી હજારો વસ્તુઓ ઠેકઠેકાણે ઉપ્લબ્ધ છે. ટોક્યોની વચ્ચે આકીહાબારામાં જૂની, નવી ટેક્નોલોજી અને કૉમિક્સની દુકાનોની લાઇન્સ છે અને એ જ વિસ્તારમાં આવેલો છે સાત માળનો એક ઍડલ્ટ સ્ટોર!

ટોક્યોમાં ઠેકઠેકાણે pet cafes છે – તમે પાળીતા પશુ-પક્ષીઓવાળા કૅફેમાં બેસીને તમારું પસંદીદા પીણું માણી શકો છો દા.ત. કૅટ કૅફે, ડોગ કૅફે, શીબા ઇનુ (કૂતરાની એક ઇન્ટરનેટ-ફેમસ જાપાનીઝ જાત) કૅફે, આઉલ કૅફે, બન્ની રેબિટ કૅફે, બર્ડ કૅફે વગેરે. themed bars છે – સમુરાઇ થીમ્ડ, જેલ થીમ્ડ, સૂમો થીમ્ડ, રોબોટ થીમ્ડ, હોરર થીમ્ડ, સાયન્સ થીમ્ડ વગેરે. એવું નહીં કે, થીમવાળું ફક્ત ડેકોરેશન હોય, જાપાનનો પ્રખ્યાત (કે કુખ્યાત) ગુણ – attention to detail અહીં પણ જોવા મળે. તમને આપવામાં આવતાં વાસણથી માંડીને વેઈટરનાં આઉટફિટ અને કાફૅનાં આર્કિટેક્ચર અને લાઇટિંગ સહિત બધું જ થીમ પ્રમાણે ચાલે એટલે એ થીમનો એક આખો માહોલ ઊભો થઇ જાય. એ ઉપરાંત છે મેઇડ કૅફેઝ – ટીનેજર અને વીસ વર્ષ આસપાસની ઉંમરની છોકરીઓ ફ્રેન્ચ મેઇડ, પોલિસ વગેરે કૉસ્ચ્યુમ પહેરીને રેગ્યુલર કૅફેમાં મળતી ખાવા પીવાની વસ્તુઓ સર્વ કરે અને એકદમ હાયપર રીતે ઊછળી-કૂદીને અવાસ્તવિક વાત કરે. આ બધું જોઈને તમે વિચારમાં પડી જાઓ કે, ક્યા ભેજામાં આવા વિચાર આવતાં હશે!

અને આ જ શહેરમાં દેશમાં અસ્તિત્ત્વ ધરાવે છે મેઇજી જિંગૂ અને સેન્સોજી જેવાં મંદિર, જાપાનનાં મહારાજાનો મહેલ અને તેનો વિશાળ શાંત બગીચો, દુનિયાની ઉત્તમમોત્તમ ટ્રેન વ્યવસ્થા. આ જ દેશમાં આવેલાં છે દુનિયાનાં સૌથી સુંદર મંદિરો, માઉન્ટ ફૂજી અને તેની આસપાસની ખૂબસૂરતી, નારા જેવાં નાના શહેર, મોટા ભાગનાં લોકોની વિનમ્ર, શિષ્ટ જીવનશૈલી અને આખા દેશને ગુલાબી રંગમાં રંગતી સાકુરા ફૂલોની ઋતુ!

જાપાન વિરોધાભાસોનો દેશ છે. તેનાં કોઈ એક ભાગને જરૂર કરતાં વધુ મોટો બનાવીને તેનાં જ ગુણગાન ગાયે રાખવા કે પછી કોઈ બીજાં ભાગની જ વાત કરીને તેને વખોડ્યા કરવું, બંને મુર્ખામી છે. આ બધું સહઅસ્તિત્ત્વ ધરાવે છે.


* ગુજરાતી લૅક્સિકોન ડિક્શનરીમાં ફિનૉમિનનનો અર્થ – દૃશ્યમાન વસ્તુ, બીના કે ઘટના, અસાધારણ વ્યક્તિ, વસ્તુ અથવા ઘટના, આશ્ચર્ય, હરકોઈ ઇન્દ્રિયગમ્ય બાબત.

ટોક્યો – 4

જાપાન, ટોક્યો

શિંજુકુની રાત પછી અમારા માટે સવારે વહેલું ઊઠવું મુશ્કેલ હતું. નાહીને સૅમ અને અભિને સારી કૉફીની જરૂર હતી.એ માટે અભિએ આશુ પાસેથી કોઈ જગ્યા વિષે જાણ્યું હતું જે અમારી હોટેલથી ખૂબ નજીક હતી એટલે અમે ચાલીને ત્યાં પહોંચ્યા.

રસ્તામાં અમારી હોટેલનાં બગીચામાં આ સુંદર ફોટો પાડ્યો

રસ્તામાં અભિ એ કૉફી વિષે અને ખાસ એ જગ્યા વિષે ખૂબ ઉત્સાહિત હતો. અભિ એટલો જાપાનપ્રેમી છે કે, તેને એક પાણકો દેખાડો અને કહો કે, આ જાપાનનો પથ્થર છે તો એ તેની ન હોય એવી ખૂબીઓ તમને જણાવે અને તેનાં વખાણ કરે. મને લાગ્યું કે, આ કૅફે વિશેનો ઉત્સાહ પણ કદાચ જાપાનની નાનામાં નાની વસ્તુ પ્રત્યેનાં તેનાં ઉત્સાહનો જ એક ભાગ હશે અને એ જગ્યા તો કદાચ અબવ ઍવરેજથી વધુ કૈં નહીં હોય.

પણ, ત્યાં પહોંચીને તો મારી આંખ પણ પહોળી થઇ ગઈ. અમારી હોટેલવાળો આખો વિસ્તાર એકદમ કોર્પોરેટ વિસ્તાર હતો. બહુમાળી મોડર્ન બિલ્ડિંગ્સ, ચળકતી કાચની બારીઓનું એક ગગનચુંબી જંગલ હતું. તેની વચ્ચે અચાનક અમે વીતેલી દુનિયાની યાદ જેવી એક સુંદર હવેલી પર આવી પહોંચ્યા.

એ બિલ્ડિંગનું નામ છે કિતાશીરાકાવા પૅલેસ (Kitashirakawa Palace). 1930માં બંધાયેલો આ નાનો મહેલ કોરિયાનાં એ સમયનાં રાજકુમારનું ઘર હતો. બીજા વિશ્વયુદ્ધ પછી પાયમાલ થયેલા રાજકુમારે નાણાંભીડને કારણે એ ઘર એક હોટેલ ચેઇન કંપનીને વેંચી નાખ્યું હતું. એ મહેલ અને તેની બાજુમાં બંધાયેલી એક બહુમાળી ઇમારત સાથે મળીને ‘આકાસાકા પ્રિન્સ હોટેલ’/’ધ ગ્રાન્ડ પ્રિન્સ હોટેલ’ તરીકે 2011 સુધી ચાલ્યાં. પછી હોટેલ બંધ થઇ ગઈ અને તેની બહુમાળી ઇમારત બંધ કરી દેવામાં આવી. 2016માં હવેલી ફરીથી ખુલી. ત્યારથી એ ‘આકાસાકા પ્રિન્સ ક્લાસિક હાઉઝ’ તરીકે ઓળખાય છે અને પ્રસંગો માટે બેન્કવેટ હૉલ તરીકે વપરાય છે.

પહેલી નજરે તો માની ન શકાય કે, આ જગ્યામાં એક કૅફે પણ છે અને અમે ત્યાં કૉફી પીવાના છીએ. અંદર ખરેખર એક કૅફે હતું અને કૅફે ખાલી પણ હતું. ઑર્ડર આપ્યા પછીની પહેલી પંદર મિનિટ તો મેં ફક્ત ત્યાં ડાફોળિયા મારવામાં અને ફોટોઝ લેવામાં કાઢી. જો આશુ અમને જલ્દી નીકળવા માટે મૅસેજિસ ન કરતો હોત તો કદાચ હું કલાક ત્યાં જ કાઢી નાંખત.

ત્યાંથી ટ્રેન પકડીને હું અને સૅમ ટોક્યો સ્ટેશન પર આશુ અને શ્રીને મળવાનાં હતાં અને અભિ તેનાં કામ માટે નીકળવાનો હતો. ટ્રેન સ્ટેશન સુધી તો અમે ત્રણે સાથે ચાલવા લાગ્યા. મને ખાતરી હતી કે, આકાસાકા સ્ટેશન સુધીનો સહેલો રસ્તો મને ખબર છે એટલે એ લોકો મારી સાથે ચાલવા લાગ્યા. દસ મિનિટ થાયે પણ સ્ટેશન ન આવ્યું અને એક ખોટો રસ્તો પણ પકડાઈ ગયો. અંતે અમે એક સ્ટેશન પર પહોંચ્યા પણ એ આકાસાકા નહીં પણ, નાગાતાચો સ્ટેશન હતું. અમારે જે ટ્રેન પકડવાની હતી એ નાગાતાચો પરથી જ મળતી હતી. એ સ્ટેશન પર આકાસાકાની દિશા દર્શાવતાં તીરની સાઈન મારેલી હતી. અમને લાગ્યું એકાદ બે મિનિટમાં તો આકાસાકા પહોંચી જશું. લગભગ દસ મિનિટે પહોંચી રહ્યા.

ટોક્યો સેન્ટ્રલ સ્ટેશન પહોંચતા સુધીમાં તો કકડીને ભૂખ લાગી ગઈ ‘તી. આશુ અને શ્રીએ અમને એક રેસ્ટ્રોં પર મળવાનું કહ્યું હતું – ‘ટીઝ ટાનટાન (T’s TanTan)’. આશુએ જયારે અમને જગ્યાનું નામ કહ્યું ત્યારે કહ્યું હતું કે, સ્ટેશન પર ઊતરીને મને કૉલ કરજો. પણ, ગૂગલ મૅપ્સનાં ભોમિયાઓને કૉલની શું જરૂર, બરાબર ને? ટ્રેન સ્ટેશનથી ઊતરીને અમે રેસ્ટ્રોં તરફ ચાલવા લાગ્યા. મૅપ્સ પ્રમાણે પાંચ મિનિટ ચાલવાનું હતું. રેસ્ટ્રોંની પિન બે ગલીઓનાં વચ્ચેનાં ફાંટામાં હતી. અમને જે મોટી વ્યસ્ત શેરી દેખાઈ એ જ શેરીમાંથી રેસ્ટ્રોં સુધી પહોંચાતું હશે તેવું ધારીને અમે એ તરફ ચાલવા લાગ્યા. રેસ્ટ્રોં નહોતું. બીજી શેરી તરફ ચાલ્યા ત્યાં પણ નહોતું. અંતે હારીને સૅમે આશુને કૉલ કર્યો. મને ખાતરી છે કે, એ પહેલા તો બે-ત્રણ મિનિટ હસ્યો હશે અમારા પર. અંતે અમને સમજાયું કે, મારી સાથે જે ઓસાકામાં થયું હતું તેવું ફરીથી અહીં થયું હતું. રેસ્ટ્રોં રસ્તાનાં લેવલથી એક લેવલ નીચે હતું. ઓસાકામાં અંડરગ્રાઉન્ડ સ્ટેશન જવાનો દરવાજો બરાબર નજર સામે હતો એટલે એ વિચાર તરત આવી ગયો કે, કદાચ રેસ્ટ્રોં ત્યાં નીચે હશે. પણ, અહીં તો સ્ટેશનનો દરવાજો દેખાય એ માટે પણ ફરીને પાંચેક મિનિટ ચાલવું પડ્યું એટલે અમે તરત અંડરગ્રાઉન્ડવાળું અનુમાન ન લગાવી શક્યા.

ગલીમાંથી ફરીને ટોક્યો ટ્રેન સ્ટેશનનાં મુખ્ય દરવાજા તરફ ચાલતા જ્યાં ગલી પૂરી થઇ અને મુખ્ય માર્ગ આવ્યો ત્યાં સામે એક ભવ્ય લાલ અને સફેદ રંગની ઇમારત દેખાઈ. એ સ્ટેશન મેં જોયેલા દુનિયાનાં સૌથી સુંદર ટ્રેન સ્ટેશન્સમાંનું એક છે. અફસોસ ત્યારે અમે એટલા થાકેલા અને ભૂખ્યા હતા કે, અમે એ ઈમારતનો એક પણ ફોટો ન લઇ શક્યા. જો કે, કદાચ લેવાનો પ્રયત્ન કર્યો પણ હોત તોયે તેની ખૂબસૂરતી કૅમેરામાં કેદ કરી શક્યા હોત કે કેમ એ મોટો સવાલ છે. ત્યાંથી અમને આશુએ નીચે સુધી પહોંચવાનો રસ્તો સમજાવી દીધો. એ સ્ટેશનનાં ટ્રેનનાં લેવલથી એક લેવલ નીચે ખાવા પીવા માટે એક આખો વિસ્તાર છે અને જેમ જમીન પર ગલીઓનાં નેટવર્ક હોય તેમ ત્યાં ગલીઓનું આખું નેટવર્ક છે. જાણે જમીન નીચે એક આખી નાની દુનિયા!

ભૂખ અને ઊતાવળનાં માર્યા અમે ટીઝ ટાનટાનનાં પણ ફોટો ન લીધાં. ત્યાંનાં રામન નૂડલ્સ ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતાં અને આખું રેસ્ટ્રોં વેગન હતું એટલે અમારી પાસે પસંદગીનો મોટો અવકાશ હતો. ત્યાંથી આગળ ક્યાં જવાનું એ અમારે વિચારવાનું નહોતું. ફક્ત આશુની પાછળ ચાલ્યા કરવાનું હતું. થોડા સમય પછી મારા આશ્ચર્યનો પર ન રહ્યો કારણ કે, અમે ટાનટાનનાં લેવલ કરતા પણ એક લેવલ નીચે ગયા અને એ લેવલ પણ એટલું જ વિશાળ હતું! અને આ લેવલ પણ એક અલગ જ દુનિયા હતી!

અહીં એક મોટી ‘કૅરેક્ટર સ્ટ્રીટ’ આવેલી છે. કૅરેક્ટર એટલે વળી કયા? એનિમે કૅરેક્ટર! ત્યાં પોકેમોન, ડોરેમોન, ઘીબિલી એનિમેશન સ્ટુડિઓઝની ફિલ્મો, લેગો, હેલો કિટી વગેરે બ્રાન્ડ્સનાં અને એ ઉપરાંત પણ જાપાનીઝ પૉપ ક્લચરનાં લગભગ ત્રીસથી પણ વધુ અલગ અલગ સ્ટોર આવેલા છે જ્યાં ઘર સજાવટથી માંડીને, સ્ટેશનરી, ચશ્માનાં બોક્સ વગેરે નાની-મોટી લાખો વસ્તુઓ મળે છે અને એ બધી તમારી પસંદીદા એનિમે કેરેક્ટર્સનાં બ્રાન્ડિંગ સાથે અને એકદમ કયૂટ!

એ સ્ટોર્સ તરફ લઇ જતાં રસ્તાઓ પર પણ સુંદર નાની નાની લાઇટ્સ લગાવીને છત સજાવેલી છે. બાળકોને તો અહીં મજા આવે જ. પણ, મોટાંઓને તો ઘણી બધી લાગણીઓ અનુભવાય – કૂતુહલ, આનંદ, વિચિત્રતા વગેરે વગેરે.

અહીં અમે એક ગાચપોન મશીનની પણ મજા માણી. ગાચપોન એટલે નાની નાની ઢીંગલીઓ અને ઢીંગલીઓની ઍક્સેસરીઝથી ભરેલાં ઘણાં બધાં પ્લાસ્ટિકનાં દડા/કૅપ્સ્યૂલ. આવાં દડાથી ભરેલાં અલગ અલગ બ્રાન્ડનાં અલગ અલગ કોઇન મશીન હોય. જેમ કે, લેગોની ચીજોથી ભરેલાં દડાનું એક મશીન, બીજું હેલો કિટીનું, ત્રીજું પોકેમોનનું વગેરે વગેરે. તેમાં તમે સાતસો-આઠસો યેનનાં સિક્કા નાંખો એટલે તેમાંથી પ્લાસ્ટિકનો એક દડો પડે. દરેક દડામાં અલગ અલગ વસ્તુઓ હોય. કોઈ દડામાંથી નાના નાના પાર્ટ નીકળે જે જોડીને એક આખી ઢીંગલી બની જાય અને ઘણી વખત ફક્ત ઢીંગલીની કોઈ બૅગ કે ઢીંગલીનાં શૂઝ કે એવી કોઈ રૅન્ડમ વસ્તુ નીકળે. જેવાં જેનાં નસીબ! રસ્તા ભૂલી ભૂલીને લાંબુ ચાલી ચાલીને મારાં અને સૅમનાં નસીબ એ દિવસે ઘસાઈને ચળકી ઊઠ્યાં હતાં એટલે અમને બંનેને ગાચપોનમાંથી આખી ઢીંગલીઓ મળી. અમે એક ગાચાપોનથી જ સંતોષ માણ્યો પણ એ વસ્તુ એટલી મજેદાર અને જુગાર જેવી જુગુપ્સાપ્રેરક છે કે, લોકો ઓછામાં ઓછું બે-ત્રણ વખત તો તેની મજા લે જ.

એ ઉપરાંત મેં ત્યાં એક શોપમાંથી પારંપારિક પોષાકમાં સજ્જ જાપાનીઝ સ્ત્રીની પ્રિન્ટવાળું એક લંબચોરસ ફૅબ્રિક લીધું જે પાતળાં નાના પડદા તરીકે કે ટેબલ ક્લૉથ કે લાંબા નૅપકિન તરીકે અથવા મઢાવીને સજાવટની ફ્રેમ તરીકે ઉપયોગમાં આવી શકે અને હેલો કિટી સ્ટોરમાંથી વાળું ચશ્મા રાખવાનું એક બોક્સ.

આ દિવસે અમે આશુ અને શ્રી સાથે એટલી બધી રસપ્રદ જગ્યાઓ ફર્યા કે, એક પોસ્ટમાં એ આખો દિવસ સમાઈ શકે તેમ નથી એટલે અનુસંધાન આવતી પોસ્ટમાં. અમારી પોસ્ટ્સ વાંચવા માટે અને આવતી પોસ્ટ્સની રાહ જોવા માટે આરિગાતો ગોઝાયમાસ (જાપાનીઝમાં થૅન્ક યુ)!