ઓસ્ટિન ટ્રિપ

અમેરિકા, ઓસ્ટિન

સાન ફ્રાન્સિસ્કો મૂવ થયાં પછી દરેક લોન્ગ વીકેન્ડ પર મેં કોઈ નવી જગ્યાએ જવાનું નક્કી કર્યું હતું. સૌથી પહેલો લોન્ગ વીકેન્ડ – ચોથી જુલાઈનો ખાલી ગયો હતો કારણ કે, હું એ પ્લાન કરવામાં થોડી મોડી પડી હતી. પણ, તેનાં પરથી મારો પાઠ ભણીને મેં ત્યાર પછીનાં બધાં લોન્ગ વીકેન્ડ પ્લાન કરવાનું શરુ કરી દીધું હતું. સૌથી પહેલો હતો લેબર ડે લોન્ગ વીકેન્ડ સપ્ટેમ્બરની શરૂઆતમાં. હજુ થોડાં જ સમય પહેલાં સાન ફ્રાન્સિસ્કો શિફ્ટ થઇ હતી એટલે ન્યુયોર્ક જવાની હજુ ઈચ્છા નહોતી. મારે સેકન્ડ ટીયરનાં શહેરો એક્સ્પ્લોર કરવા હતાં. મારાં વિકલ્પ હતાં – પોર્ટલેન્ડ, સિએટલ, ન્યૂ ઓરલીન્સ અને ઓસ્ટિન. એ ચારે સ્થળોનાં હવામાન, ટિકિટનાં ભાવ અને હોસ્ટેલની અવેલેબીલીટી વિશે તપાસ કરીને અંતે મેં ઓસ્ટિન પર પસંદગી ઉતારી અને જુલાઈનાં અંતે બધું બુક કર્યું.

ઓગસ્ટનાં અંતમાં બાનાં ગુજાર્યા પછી દસ દિવસમાં જ મારી ઓસ્ટિનની ટ્રિપ બુક થયેલી હતી. મારું ક્યાંયે જવાનું મન નહોતું પણ બધું બુક થયેલું હતું અને પરિવારનું પણ કહેવું એમ હતું કે, મારે ફરી આવવું જોઈએ અને હું તેમની સાથે સહમત હતી એટલે હું નિર્ધારિત દિવસે બધી તૈયારીઓ કરીને ઓસ્ટિન જવા રવાના થઇ. હું કોઈ ટ્રિપ પર ગઈ હોઉં અને પાછાં ફરીને તેનાં વિશે મને કંઈ યાદ ન હોય એવું ન બને. પણ, આ લખતી વખતે ઘણું બધું યાદ કરતાં મને ઘણો સમય લાગી રહ્યો છે.


શુક્રવારે બપોરે કામ પતાવીને હું ઓસ્ટિન જવા રવાના થઈ. એરપોર્ટ પર ચેક-ઇન વગેરે માથાકૂટ વિના પતી ગયું પછી મારાં ચેક-આઉટ ગેઇટ પર જઈને કાચની મોટી બારીઓ પાસે એરપોર્ટ પર પ્લેન્સ, કાર્ગો શિપ કરતાં માણસો વગેરેની હિલચાલ જોઇને બેઠી હતી. અહીંનાં એરપોર્ટની એ બારીઓ સામે મોં રાખીને એરપોર્ટની પ્રવૃત્તિઓ જોતાં બેસવાની સુવિધા મારી ફેવરિટ છે. ઓસ્ટ્રેલિયા કે ભારતમાં કોઈ પણ એરપોર્ટ પર મેં એ પ્રકારની બેઠક નથી જોઈ.

હું હેડફોન્સ લઇ જતાં ભૂલી ગઈ હતી એટલે ફ્લાઈટમાં મનોરંજનની સુવિધા હોવા છતાં કંઈ ખાસ જોઈ નહોતી શકી. એટલે ઢળતાં સૂર્ય અને વાદળો તરફ નજર કરીને ફોટો લેવાં અને ત્યાર સુધીનાં જીવન વિશે વિચારવા સિવાય કંઈ ખાસ કરવાનું હતું નહીં. રાત્રે ઓસ્ટિન પહોંચતાં લગભગ સાડા દસ જેવું થયું હતું. એરપોર્ટ પર એક પણ દુકાનો ખુલ્લી નહોતી. છતાં પણ એરપોર્ટ ધમધમતું કેવું હશે તેનો ખ્યાલ આવી જતો હતો. ઠેક-ઠેકાણે આર્ટનાં ઈન્સ્ટોલેશન લગાવવામાં આવ્યા હતાં. સૌથી પહેલું મારું ધ્યાન ગયું હતું એક સ્પેસક્રાફ્ટ અને હોવરક્રાફ્ટ વચ્ચેની દેખાતી કોઈ ફ્યુચરીસ્ટિક વસ્તુ પર. બધે જ ‘Keep it weird’ની થીમવાળી જાહેરાતો હતી. એ ઓસ્ટિનનું સુત્ર છે. (અને પોર્ટલેન્ડનું પણ). નીચે જતાં બેગેજ કેરોસેલ પર ધ્યાન ગયું. ત્યાં મોટાં ગિટારનાં આકારનાં સજાવેલાં આર્ટ પીસ રાખવામાં આવ્યા હતાં કારણ કે, ઓસ્ટિન એ અમેરિકાનું લાઈવ-મ્યુઝિક કેપિટલ ગણાય છે. આટલું કલાત્મક એરપોર્ટ મેં પહેલાં ક્યાંયે નહોતું જોયું.

મેં સુપર શટલનો કાયસ્ક શોધીને મારી શટલ વિશે તપાસ કરી અને એ સ્ત્રીએ મને ત્યાં બેસીને પંદર-વીસ મિનિટ રાહ જોવાનું કહ્યું. મેં ત્યાં સુધીમાં બહાર લટાર મારવાનું નક્કી કર્યું. બહાર બે મિનિટ ગઈ ત્યાં તો હું ઓગળવા લાગી. ખૂબ ગરમી અને અતિશય ભેજ. જાણે પર્થની ગરમી અને દક્ષિણ ઓશિયાનો ભેજ. પછી તો તરત જ અંદર આવી ગઈ અને શટલ ન આવે ત્યાં સુધી બહાર ન નીકળવાનો નિર્ણય લીધો. શટલમાં અમે ત્રણ લોકો હતાં અને ત્રણે પ્રવાસીઓ હતાં. એક છોકરી (નામ ભૂલી ગઈ) પોતાની કોઈ મિત્રનાં લગ્ન માટે ત્યાં આવી હતી અને બીજો છોકરો ઇયન મારી જેમ જ ત્યાં ફરવા માટે આવ્યો હતો. એ મારાં જેવડો જ હતો પણ હજુ કોલેજમાં હતો કારણ કે, તેણે પાંચ વર્ષ આર્મીમાં સર્વિસ કરી હતી કે, જેથી તેનું કોલેજનું ભણવાનું ફ્રી થઇ જાય અને તેને ફીઝ ન ભરવી પડે. તેણે તેની ટ્રિપ બહુ મોડી બુક કરી હોવાને કારણે કોઈ પણ હોસ્ટેલ તેનાં માટે ત્રણ રાત માટે ખાલી નહોતી. એટલે એ દરેક રાત ત્રણ અલગ અલગ હોસ્ટેલમાં વિતાવવાનો હતો. તેની પહેલીવહેલી હોસ્ટેલ મારી હોસ્ટેલ હતી.

હોસ્ટેલ પહોંચીને ચેક-ઇન વગેરે પતાવીને પંદરેક મિનિટમાં અમે બંને જમવા જવા માટે રવાના થયાં. પણ, શરૂઆતની દસેક મિનિટ તો મેં ફક્ત હોસ્ટેલનાં પોર્ચનાં અને પ્રવેશદ્વારનાં ફોટોઝ લેવામાં કાઢી. ત્યાંની દરેક દિવાલ પર પેઇન્ટિંગ હતાં. એક પણ ખૂણો કોરો નહોતો. હોસ્ટેલથી એક-બે મિનિટ ચાલતાં એક રેસ્ટોરાં અમે ખુલ્લું જોયું અને ત્યાં ભીડ પણ સારી એવી દેખાતી હતી એટલે સારું હશે તેવું માનીને અમે ત્યાં કંઇક ખાવાનું નક્કી કર્યું. ત્યારે રાત્રે સાડા અગિયાર જેવો સમય થયો હતો. અંદર ભીડની એવરેજ ઉંમર વીસ વર્ષ હતી. ત્યાંથી સ્ટેટ યુનીવર્સીટી એકદમ નજીક હતી એટલે એ બધાં લગભગ વિદ્યાર્થીઓ જ હશે તેવું અનુમાન કરવું વ્યાજબી હતું. મેં અને ઇયને રીતસર ત્રીસ વર્ષથી મોટાં દેખતાં લોકોને શોધવાની રમત શરુ કરી હતી. અમને જમવાનું પતાવ્યા સુધીમાં કુલ ત્રણ લોકો દેખાયાં જે ત્રીસથી ઉપરની ઉંમરનાં હશે. ત્યાંનો વેઇટ-સ્ટાફ પણ એટલો નાનો અને સુંદર તૈયાર થયેલો હતો કે, તેમનાં એપ્રન ન દેખાય ત્યાં સુધી ખબર ન પડે કે, ગેસ્ટ કોણ છે અને વેઇટર કોણ છે.

જમતાં જમતાં ઇયનનાં આર્મીનાં અનુભવો સાંભળવાની મને ખૂબ મજા આવી અને અમારી નવી દોસ્તી પર તેણે આગ્રહ કરીને મને ટ્રીટ પણ આપી. ત્યાર પછી હોસ્ટેલ પાછાં ફરતાં હોસ્ટેલની બરાબર સામે એક મસ્ત નાનો ઓપન-એર બાર હતો જ્યાં અમે જમીને જવાનું નક્કી કર્યું. ત્યારે લગભગ સાડા બાર જેવો સમય થયો હતો અને એ બારમાં કોઈ જ નહોતું. બારટેન્ડર ઓસ્ટ્રેલિયન ફૂટબોલ જોઈ રહ્યો હતો એટલે તેની સાથે થોડી વાત થઇ. ત્યાં ટેબલ્સ પર ઘણી બધી ગેમ્સ પડી હતી. અમે ચેસ રમવાનું શરુ કર્યું. પણ, અમે બંને થાકેલાં હતાં એટલે પાંચેક મિનિટમાં જ કંટાળી ગયાં અને રમત પડતી મૂકી.એક-એક ડ્રિંક પતાવીને અમે હોસ્ટેલ પાછાં ફર્યાં અને બીજા દિવસે સવારે બની શકે તો સાથે શહેર એક્સ્પ્લોર કરવાનું નક્કી કર્યું.

મારાં ડોર્મમાં છ પલંગ હતાં અને દર બે ડોર્મ વચ્ચે એક સામાન્ય બાથરૂમ હતું. મેં પહેલાં ક્યારેય છથી વધુ લોકો સાથે બાથરૂમ શેર નહોતું કર્યું એટલે સવારે બાથરૂમની અવેલેબીલિટી કેવીક હશે અને ચોખ્ખાઈ કેવી હશે તેનાં વિશે મને શંકા હતી. પણ, ત્રણે દિવસ કંઈ વાંધો ન આવ્યો. આ હોસ્ટેલ પહેલી એવી હોસ્ટેલ હતી જ્યાં ડોર્મની ચાવી લેવી જરૂરી નહોતી. હોસ્ટેલ ખૂબ નાની હતી – ફક્ત છથી આઠ ડોર્મ હતાં એટલે હોસ્ટેલનાં મુખ્ય દરવાજેથી અંદર આવવું હોય તો હોસ્ટેલનો સ્ટાફ તમારાં માટે બારણું ખોલી શકે અને બહુ વધુ લોકો ન હોય એટલે તેમને ત્યાં રહેતાં દરેકનાં મોં પણ સામાન્ય રીતે યાદ હોય અને ડોર્મ સામાન્ય રીતે ખુલ્લા જ રહેતાં સિવાય કે, જો કોઈએ થોડાં સમય માટે કપડાં બદલવા માટે કે એમ ડોર્મને અંદરથી તાળું માર્યું હોય. ત્યાંનું વાતાવરણ બહુ કમ્યુનલ હતું એટલે કોઈ વસ્તુ ચોરાવાની બીક લાગે તેવું નહોતું. વળી, મારી પાસે કિંમતી ખાસ કંઈ હતું નહીં. કેમેરા અને વોલેટ મારી સાથે રહેતાં અને બેગમાં ફક્ત કપડાં હતાં એટલે મેં તો બધું ખુલ્લું હોવા છતાં બેગને પણ તાળું મારવું જરૂરી નહોતું સમજ્યું.