વેગસનો એક સૌથી અગત્યનો નિયમ છે – “What happens in Vegas, stays in Vegas”. અર્થાત વેગસમાં જે કંઈ થાય તેની વાત વેગસથી નીકળ્યા પછી ન થવી જોઈએ. જો કે, છેલ્લી પોસ્ટમાં મેં દેખીતી રીતે જ તેનું ઉલ્લંઘન કર્યું છે. પણ, થોડી હદે આ પોસ્ટમાં એ અનુસરવામાં આવશે. ;) વાચકોમાંથી જે વેગસ ગયા છે તેમને આનું મહત્ત્વ ખબર જ હશે. તેમાંયે જો નજીકમાં નજીકનાં મિત્રો ઉર્ફે ‘પાર્ટનર્સ ઇન ક્રાઇમ’ સાથે બેચલર્સ પાર્ટી માટે વેગસ ગયાં હો તો તો ખાસ. બાકીનાંને જશો ત્યારે આપોઆપ સમજાઈ જશે. મારાં માટે જો કે, વેગસની પાર્ટનર્સ-ઇન-ક્રાઇમ સાથેની સફર હજુ બાકી છે. પણ, હું એ વિચારી શકું છું અને એ વિચારમાત્ર મને ઉત્સાહિત કરી મૂકે છે. એનીવે, અત્યારે તો આ થઇ ચૂકેલા અનુભવની વાત આગળ વધારું.
અમે ચેપલથી નીકળીને સીધા એક મહાકાય હોટેલનાં પાર્કિંગ-લોટમાં ઊતર્યા. એ હતી પ્રખ્યાત ‘વિન રીઝોર્ટ કોમ્પ્લેક્સ’માંની વિન (Wynn) હોટેલ. રાયનનો કોઈ લોકલ મિત્ર ક્રિસ અમને ત્યાં મળવાનો હતો. તેણે અમારાં માટે ત્યાંનાં પ્રખ્યાત ‘એક્સેસ’ નાઈટક્લબમાં ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા કરી હતી. અમે અંદર ગયાં ત્યારે બધું ભીડ નહોતી પણ અડધી જ કલાકમાં ક્લબ લગભગ પેક થઇ ગયો હતો. ત્યાં શરૂઆતમાં એક ઘટના બની જેનાં પર આખી બસનાં વિવિધ મંતવ્યો હતાં. અમે એન્ટ્રી લેતાં હતાં ત્યારે પેલાં ત્રણ જર્મન છોકરીઓનાં ગ્રૂપને અટકાવવામાં આવ્યું. થોડી વાર પછી ખબર પડી કે, તેમને ક્લબમાં એન્ટ્રી નહોતી આપવામાં આવી. એટલું જ નહીં, પણ તેમનાં ખોટાં એઇજ-પ્રૂફ આઈડી લઈ લેવામાં આવ્યા હતાં. Burn! મને અંગત રીતે તેમનાં માટે કોઈ જ પ્રકારની દયા નહોતી આવી. જો કે, ઘણાં મિત્રો તેમનાં માટે દુઃખી થયાં હતાં – ખાસ એટલા માટે કે, તેમનાં આઈડી લઇ લેવામાં આવ્યા અને ત્યાર પછી દરેક જગ્યાએ તેમનાં માટે એન્ટ્રી લેવાનું અઘરું થઇ પડવાનું હતું.
એ ચર્ચા જો કે એન્ટ્રી-લાઈન પૂરતી સિમિત રહી. અંદર જઈને તો બધાં જલસા કરવામાં મશગુલ થઇ ગયાં હતાં. એ નાઈટક્લબ દુનિયાનાં સારામાં સારા નાઈટ-ક્લબ્સમાંનો એક છે. ત્યાં કોઈ પ્રખ્યાત ડી.જે. એ રાત્રે આવ્યો હતો અને એ તેની song-mixing quality પરથી ચોખ્ખું દેખાઈ આવતું હતું. એ સ્થળનું સૌથી મોટું આકર્ષણ તેનો આઉટડોર એરિયા હતો. એવું સુંદર આઉટડોર સેટિંગ મેં પહેલાં ક્યાંયે નથી જોયું. ત્યાં પણ બાથરૂમમાં સાન ડીએગોની જેમ એક બહેન ઘણો બધો સામાન – પરફ્યુમ્સ, મેઇક-અપ વગેરે લઈને ઊભા હતાં અને થોડાં ઘણાં પૈસા માટે લોકોને હાથ લૂછવામાં વગેરેમાં મદદ કરી રહ્યાં હતાં. Super weird! પણ, અમે સાન ડીએગોનાં અનુભવ પછી થોડાં ઘણાં ટેવાઈ ગયાં હતાં. અમારી પ્રિ-ડ્રિન્ક્સની સ્ટ્રેટેજી મોટાં ભાગે સફળ થઇ હતી. ત્યાં ક્લબમાં મોટાં ભાગનાં મિત્રોએ બેથી વધુ ડ્રિન્ક્સ નહોતાં ખરીદ્યાં.
વેગસ બાબતે રાયને અમને ઘણી અગત્યની બાબતો સમજાવી હતી જે કદાચ ભવિષ્યનાં મુલાકાતીઓને મદદરૂપ થાય. વેગસ લોકો બે વસ્તુઓ માટે જતાં હોય – જુગાર અને/અથવા પાર્ટી. જો ફક્ત પાર્ટી માટે જતાં હો તો વેગસ કદાચ સૌથી મોંઘી જગ્યાઓમાંની એક છે. પણ, તેને સસ્તું બનાવવાની એક તરકીબ છે. જ્યારે જુગાર રમતાં હો ત્યારે ફ્રી ડ્રિન્ક્સ સર્વ કરવામાં આવતાં હોય છે કારણ કે, જેમ લોકો વધુ પીતાં જાય તેમ વધુ ભાન ગુમાવતાં જાય અને તેનાંથી કસીનોઝને ફાયદો થાય. પણ, એ સૌથી સારામાં સારી તરકીબ પણ છે. જે-તે સમયે થોડામાં થોડી કિંમતનું ગેમ્બલ કરીને જો બને તેટલો વધુ સમય રહી શકો તો તમે સતત ફ્રી ડ્રિન્ક્સનો લાભ ઊઠાવી શકો. તમે પહેલી વખત જેની રીક્વેસ્ટ કરી હોય એ જ ડ્રિંક તમને ત્યાં રહો ત્યાં સુધી સર્વ કરવામાં આવશે. એ રીતે પ્રીમિયમ ડ્રિન્ક્સનો પણ લાભ ઊઠાવી શકાય અને જો પહેલી એક-બે વખત વેઈટર/વેઈટ્રેસને જો તગડી ટિપ આપો તો તમને રહો ત્યાં સુધી પ્રીમિયમ ડ્રિન્ક્સ મળતાં રહેશે. બીજી નસીહત એ કે, તમારી હોટેલમાં તમારાં રૂમ સુધી કેમ પહોંચાય છે એ બરાબર સમજી લેવું. ત્યાંની લગભગ દરેક હોટેલ્સનાં રૂમ એ રીતે ગોઠવવામાં આવ્યા છે કે, તમે સહેલાઇથી ખોવાઈ જાઓ. તેનો હોટેલ્સને ફાયદો એ કે, જો તમે ટલ્લી હો અને તમને રૂમ ન મળે તો તમે ફરી પાછાં કસીનો જશો અને વધુ દાવ લગાવશો. વળી, રૂમ્સવાળા ફ્લોર પર સામાન્ય રીતે મદદ લેવા માટે બહુ સ્ટાફ પણ જોવા નહીં મળે એટલે રૂમ શોધવો અઘરો થઇ પડશે.
આ હતી રાયનની ટિપ્સ અને હવે પછી મારી અંગત અનુભવની ટિપ્સ. ત્યાં સમયનું ખાસ ધ્યાન રાખવું. બીજા દિવસે ચેક-આઉટ કરવાનું હોય તો તો ખાસ! દિવસ છે કે રાત એ જાણવું બહુ અઘરું છે ત્યાં કારણ કે, કસીનોઝમાં ક્યાંયે બારીઓ નહીં જોવા મળે અને દિવસ હોય કે રાત કસીનોઝમાં અંદર એટલો જ ઝળહળાટ અને એટલો જ પ્રકાશ રહેશે એટલે મગજ સમય નોટિસ નહીં કરી શકે. દિવસની રાત અને રાતનો દિવસ થયો એ સમય જોશો નહીં ત્યાં સુધી નહીં ખબર પડે. જો મોટાં ગ્રૂપમાં ગયાં હો અને બધે સાથે ફરતાં હો તો અલગ-અલગ ટેક્સી લેવા કરતાં એક લિમોઝીન હાયર કરવી વધુ સસ્તી પણ પડશે અને વધુ યાદગાર પણ. ત્યાંનાં બફેનો લન્ચ, ડિનર અથવા બ્રેકફસ્ટ માટે લાભ અચૂક લેવો. અમને એક બ્રેકફસ્ટ ફ્રી મળ્યો હતો. એટલી બધી વેરાઈટી કે, લગભગ પાંચેક મિનિટ અમે ચાલતાં રહ્યાં તો પણ ઓપ્શન્સ પૂરા ન થયાં! આ વાંચનારા મોટાં ભાગનાં લોકોને પાર્ટીઝ ગમતી હશે પણ તમે પાર્ટી-એનિમલ નહીં હો. જો તમે વેગસની ટ્રિપ પ્લાન કરતાં હો અને જુગારમાં રસ ન હોય તો વધુમાં વધુ બે રાત અને ત્રણ દિવસ વેગસ માટે પૂરતાં છે. એટલામાં તમે ત્યાંથી નીકળવા માટે આતૂર થઈ ચૂક્યા હશો.
વેગસની પહેલી રાત મારાં માટે બહુ સુંદર રહી હતી. હું આખી રાત પ્રમાણસર buzzed-on રહી હતી. કંટાળો આવે એટલી ઓછી પણ નહીં અને કંઈ યાદ ન રહે એટલી વધુ પણ નહીં. લોકો બાર-એક વાગ્યા આસપાસ એક્સેસમાંથી બહાર નીકળીને જૂદી-જૂદી જગ્યાઓએ જવા લાગ્યા હતાં. હું જે ગ્રૂપ સાથે હતી એ ગ્રૂપમાં અમે બધાં લગભગ સાડા ચાર સુધી સાથે રહ્યાં હતાં. પછી એકસાથે જેમ મળતી જાય તેમ અલગ-અલગ ટેક્સીમાં બેસવા લાગ્યાં અને હોટેલ તરફ પ્રયાણ કર્યું. અમુક વચ્ચેથી જૂદા રસ્તે ગયાં અને મેકડોનલ્ડમાં મુકામ કર્યો અને પછી હોટેલ આવ્યાં અને અમે બાકીનાં સીધાં જ અમારાં રૂમ તરફ ગયાં. પાંચેક વાગ્યે હું ઊંઘી અને સાડા નવ આસપાસ ઊઠી. બહુ હેંગઓવર નહોતો પણ પૂરતી ઊંઘનાં અભાવે થોડો થાક લાગ્યો હતો. બાર વાગ્યે અમુક છોકરીઓએ ડાઉન-ટાઉન વેગસમાં શોપિંગ/વિન્ડો-શોપિંગ માટે જવાનું નક્કી કર્યું અને બાકીનાંએ મોટાં ભાગે આરામ કર્યો અથવા જૂદા-જૂદા કસીનોઝ તરફ પ્રયાણ કર્યું. હું કેલી સાથે શોપિંગ માટે ગઈ પણ એ ખોટો નિર્ણય હતો. હું વેગસ સ્ટ્રિપ પર બહાર ગઈ હોત અને કસીનોઝ એક્સ્પ્લોર કર્યાં હોત તેની કદાચ મને વધુ મજા આવી હોત.
એ રાત્રે જે લોકો સર્ક-ડિ-સોલેઇ માટે જવાનાં હતાં એ બધાંએ પાંચ વાગ્યે તૈયાર થઈને પાર્કિંગમાં નિર્ધારિત જગ્યાએ મળવાનું હતું. એ શો આરિયા ગ્રાન્ડ હોટેલમાં હતો. મારે શો નહોતો જોવો પણ બધાં સાથે પાર્ટી-બસનો અનુભવ લેવો હતો અને આરિયા અને નજીકનાં બીજા સ્થળો એક્સપ્લોર કરવા હતાં એટલે મેં તેમની સાથે જવાનું નક્કી કર્યું પણ પછી વેગસ પોતાની રીતે એક્સ્પ્લોર કર્યું. કદાચ એ ટ્રિપનો મારો ખોટામાં ખોટો નિર્ણય અને અનુભવ…