શરાબ અને સંસ્કૃતિ – ૧

નિબંધ

આપણે ત્યાં શરાબની વાત થાય તો લોકોને ક્યા-ક્યા નામની ખબર હોય સામાન્ય રીતે? વિસ્કી, વાઈન, શેમ્પેન, રમ, જિન, બિયર, બ્રીઝર અને આજ-કાલનાં યુવાનોને ઘણાંને કદાચ ટકીલા વિશે ખબર હોય. આમાંથી ટ્રાઈ કરેલાં પાંચ કે સાત હોય. ગુજરાતમાં દારૂબંધીને કારણે દારૂ મોંઘો છે અને ગુજરાતની બહાર બેવડાગીરી અને સીન-સપાટા સિવાય દારૂનું બહુ સોશિયલ કલ્ચર નથી. એટ લીસ્ટ મિડલ-ક્લાસમાં તો નથી જ. એટલે દારૂ વિશે આપણી બાજુ જ્ઞાન બહુ ઓછું છે. જો આટલું વાંચીને આ પ્રકારનો કોઈ વિચાર આવ્યો હોય કે, “દારૂમાં તે નશા સિવાય વળી જાણવા જેવું શું હોય” તે વર્ગે અહીંથી આગળ વાંચીને આ પોસ્ટનું અપમાન ન કરવા વિનંતી. આપણે ત્યાં સૌથી પહેલા તો કોઈએ લોકોને દારૂ પીવા અને દારૂડિયા હોવા વચ્ચેનો ફર્ક સમજાવવાની જરૂર છે!

આપણા સમાજમાં શરાબ સાથે વણાયેલાં ‘ટેબૂ’ને કારણે હું અલ્કોહોલિક બેવરેજ અને તેની આસપાસની સાંસ્કૃતિક બાબતો વિશે બહુ ખાસ જાણી જ નહોતી શકી. આપણે આલ્કોહોલને જે રીતે જોઈએ છે તે રીતે મારા અમુક મિત્રોએ છાશને જોઈ છે. વિચિત્ર રીતે! આપણે ત્યાં આલ્કોહોલ ફક્ત નશા સાથે સંકળાય છે. પણ, યુરોપિયન કલ્ચરનો એક બહુ મોટો ભાગ એ શરાબી પીણાં છે. અહીં આવ્યા પછી આ ત્રણ વર્ષમાં મેં આલ્કોહોલિક પીણાં, તેનાં પ્રકારો, તેની આસપાસ વણાયેલી સંસ્કૃતિ વગેરે વિશે ઘણું જાણ્યું અને માણ્યું છે. જેનાં વિશે થોડું આ પોસ્ટમાં લખી શકીશ.

શરૂઆત જૂદા-જૂદા વેન્યુનાં પ્રકારનાં વર્ણન પરથી કરીશ. ઓસ્ટ્રેલિયા સંદર્ભે અહીં મદિરાલયનાં ઘણાં પ્રકાર છે. ‘બાર’ પ્રમાણમાં નાની અને એક ઓરડા જેવી જગ્યા માટે વપરાય છે આથવા તો જે પ્લેટફોર્મ પર આલ્કોહોલ સર્વ કરવામાં આવે તે પ્લેટફોર્મ માટે પણ આ શબ્દ વપરાય છે. જ્યારે, ‘પબ’ એ ‘પબ્લિક હાઉઝ’નું ટૂંકાક્ષરી છે. જે જગ્યાએ લોકો એકત્ર થઇ શકે અને જ્યાં આલ્કોહોલિક બેવરેજીસ અને ખાણી-પીણીની વસ્તુઓ મળતી હોય તે જગ્યા માટે ‘પબ’ શબ્દ વપરાય છે. ‘ટૅવર્ન (Tavern)’ જેનાં ગ્રીક ઓરીજીનલ શબ્દનો મતલબ ‘શેડ’ કે ‘વર્કશોપ’ તેવો થાય છે, તેનો સીધો સંબંધ પણ એવાં જ વાતાવરણ સાથે છે. કોઈ પ્રકારનાં જૂદા કામ કે ધંધાની જગ્યા જ્યાં આલ્કોહોલ ‘પણ’ સર્વ થતાં હોય તે સંદર્ભે ‘ટૅવર્ન ‘ શબ્દ વપરાય છે. તેનું ટૂંકાક્ષરી ‘ટાવ’ એમ પણ બોલાય છે. ઉદાહરણ તરીકે, અહીં ઓસ્ટ્રેલિયામાં બધી યુનીવર્સીટીમાં ટાવ આવેલાં છે.  ‘બ્રુઅરી’ એટલે એવી જગ્યા જ્યાં શરાબ બનતો પણ હોય અને સર્વ પણ થતો હોય અને અંતે આવે ‘ક્લબ’, જે આપણે આજ-કાલ સિનેમામાં જોતા હોઈએ છીએ. ક્લબ એટલે મુખ્યત્વે યુવાનોની જગ્યા જેને કદાચ મારા પપ્પાનાં જમાનામાં ‘ડિસ્કો’ તરીકે ઓળખતાં. ક્લબમાં આલ્કોહોલ સર્વ કરવા માટે ‘બાર’ હોય અને નાચી શકાય તેવું સન્ગીત! કલબની મોટાં ભાગની જગ્યા લોકોને નાચવા માટેની હોય.

અહીં આલ્કોહોલ જેમાંથી સર્વ થાય તેની પણ વિવિધ પદ્ધતિ હોય છે. સામાન્ય રીતે ‘બિયર’ અને ‘સાઈડર’ તમને ‘ઓન ટેપ’ મળી શકે (અહીં ‘ટેપ’ એટલે નળ સંદર્ભે). સાઈડર વિશે આપણાં દારુડીયાઓ કોઈ બહુ જાણતા નથી. સાઈડર એ ઇંગ્લેન્ડે દુનિયાને આપેલું પીણું છે. એ યુનાઇટેડ કિંગડમ અને સાઉથ-વેસ્ટ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ પ્રખ્યાત છે. સાઈડર ફળોનાં જ્યૂસમાંથી બને છે. મુખ્યત્ત્વે સફરજનનાં જ્યુસમાંથી બને છે. એ સિવાય પેર, સ્ટ્રોબેરી, હની વગેરે મિશ્ર સ્વાદનાં સાઈડર પણ મળતા હોય છે. જે કોઈ પણ આલ્કોહોલ ઓન ધ ટેપ હોય એ પ્રખ્યાત બ્રાંડના Standard Drinks જ હોવાનાં. કારણ કે, ઓન ધ ટેપ ડ્રિન્ક્સનો આખો કન્સેપ્ટ એવો છે કે, બારનાં માલિક જથ્થાબંધ ખરીદી શકે અને તેનાં પર બોટલિંગ કે પેકેજિંગનાં ભાવ ન લાગતા હોય એટલે તેની રિટેઈલ પ્રાઈઝ બોટલમાં મળતાં પીણાં કરતાં પ્રમાણમાં સસ્તી હોય. એપલ સાઈડર એ બધાં પ્રકારનાં સાઈડરમાં સૌથી standard અને પ્રખ્યાત છે. માટે, સામાન્ય રીતે ટેપ પર એ જ હોય.

હવે, આ ‘ઓન ધ ટેપ’માં પણ તમને બે વિકલ્પ મળે. કાં તો તમે એક નાનો ગ્લાસ લઇ શકો અથવા પાઈન્ટ (મોટો ગ્લાસ) લઇ શકો. ઘણી વખત ઘણી જગ્યાએ જગ પણ વેચાતા હોય છે. અમે ૩-૪ મિત્રો વચ્ચે એક જગ લઈએ અને ૩-૪ ગ્લાસ લઈએ. એ રીતે બધાંને ઘણું સસ્તુ પડે. સ્ટુડન્ટ્સમાં એ સૌથી પોપ્યુલર વિકલ્પ છે. કારણ કે, સ્ટુડન્ટ્સ હોય ત્યાં સુધી પૈસામાં લગભગ બધાંને મારા-મારી રહેતી હોય. વળી, પર્થ મગજ કામ ન કરે તેટલું મોંઘુ છે. જો કે, બિયર અને સાઈડર બંનેમાં અલ્કોહોલિક કન્ટેન્ટ સૌથી ઓછામાં ઓછું હોય છે. હા, જગની વાત નીકળી તો યાદ આવ્યું. યુનીવર્સીટીમાં મેં લોકોને જગમાંથી સીધા પીતા જોયા છે. :D It actually looks fun! પણ, આવા બધાં નખરા ટૅવર્નમાં જ થઇ શકે અથવા એવી કોઈ જગ્યાએ જ્યાં બારટેન્ડર્સ તમને ઓળખતાં હોય. નહીંતર બાઉન્સર સીધો બહાર કાઢે! (ચેતવણી: આવા બધાં નખરા જો ક્યાં કરાય અને ક્યાં ન કરાય એવી વિવેકબુદ્ધિ ન હોય તો કરવાનાં વિચારવા પણ નહીં.) આ ઉપરાંત સામાન્ય બોટલમાં તો આ બંને ડ્રિન્ક્સ મળતાં જ હોય છે. બોટલમાં પણ એક બોટલ છૂટક મળે અથવા ૬ બોટલનું ‘સ્ટબ’ મળે અથવા ૬ કે વધુ સ્ટબનું ‘કાર્ટન’ મળે.

હવે તમે પબમાં બેઠા હો તો દિવસનાં સમયે સામાન્ય રીતે બિયર, સાઈડર, વાઈન અથવા શેમ્પેન સૌથી પ્રખ્યાત પીણાં છે. ખાસ એટલા માટે કે, આ પીણાં જમવા સાથે બહુ સારા જાય છે. પિત્ઝા અને તળેલાં/ચીઝવાળા/નાશ્તા જેવાં કોઈ પણ ખોરાક સાથે બિયર અથવા સાઈડર સારા લાગે. બ્રેડ અને ઓલિવ ઓઈલ કે ચીઝનાં ડિપ, વિવિધ પ્રકારનાં ચીઝ (આનાં વિશે પણ એક પોસ્ટ?), પાસ્તા, એશિયન ફૂડ, લઝાનીયા કે અન્ય કોઈ પણ પ્રકારનાં ફેન્સી રેસ્ટોરાં ફૂડ સાથે વાઈન અને શેમ્પેન બહુ સરસ જતા હોય છે. હા, એનો મતલબ જરાય એવો નથી કે આ બધું આ ખોરાક સાથે જ સારું લાગે અને એકલું ન પીવાય. પણ, કહેવાનો મતલબ એ છે કે, પબમાં સામાન્ય રીતે ખાવા-પીવાનું બંને હોય અને જ્યારે તમે કોઈ જગ્યાએ આમ જ ચિલ-આઉટ કરવા અને અમુક કલાકો બેસવા માટે ગયા હો તો ફક્ત પીવાનાં નથી જ. ખાવા, પીવાનાં બંને કરવાનાં છો. આ ઉપરાંત, તમે ખોરાક સાથે જે પીતા હો તે ડ્રિંક પણ તમારા ખોરાકનો સ્વાદ કેવો આવશે તે નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. આ ત્રણ પીણાં અમુક અમુક ડેલીકસી પ્રકારનાં ખોરાક સાથે પણ બહુ સરસ જતા હોય છે. ‘ડેલીકસી’ પ્રકારનાં ખોરાક કે પીણાંનો સ્વાદ બહુ ખાસ (‘વિચિત્ર’ પણ કહી શકો) પ્રકારનો હોય છે. જો ડેલીકસી સાથે જ્યૂસ કે કાર્બોનેટેડ પીણાં (પેપ્સી, ફેન્ટા) વગેરે પીઓ તો તેનો સ્વાદ બહુ ગંદો લાગે એ પણ શક્ય છે. જો યાદ હોય તો આલ્કોહોલમાં ફક્ત નશો નથી હોતો, સ્વાદ નામની પણ કોઈક વસ્તુ હોય છે. ;) અને અમુક પ્રકારનું આલ્કોહોલ તેનાં સ્વાદને કારણે અમુક પ્રકારનાં ખોરાક સાથે સ્વાદ બાબતે બહુ સરસ જતું હોય છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભલે ‘બિયર ડ્રિન્કિંગ કન્ટ્રી’ કહેવાતો હોય. પણ, સૌથી સારી બિયર પાછી ઓસ્ટ્રેલિયામાં નથી બનતી. મિત્રોનાં કહેવા મુજબ જર્મન અને આઈરિશ બિયર્સ સૌથી સારામાં સારી હોય છે. હાઈનીકેન જર્મન અને ગિનિસ (ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળી ગિનિસ) આઈરિશ છે. વળી, જર્મનીમાં બવારિયામાં દર વર્ષે ઓક્ટોબરફેસ્ટ ઉજવાય છે, જે પ્રાથમિક રીતે બિયર ડ્રિન્કિંગ ફેસ્ટિવલ છે. જર્મન મિત્રો ઈઝાબેલ અને યોહિમ પાસેથી આ વિશે ઘણું સાંભળેલું છે. ઓક્ટોબરફેસ્ટનું એક નાનકડું વર્ઝન મર્ડોક યુનીવર્સીટી અને બીજી અમુક જગ્યાઓએ ઊજવાય છે. મેં ગયા વર્ષે યુનીવર્સીટી ટૅવર્નમાં મિત્રો સાથે ઓક્ટોબરફેસ્ટનું સેલિબ્રેશન માણેલું. લગભગ બધાં જ લોકો જર્મન ટ્રેડીશનલ ડ્રેસમાં તૈયાર થઈને આવેલાં. બધાં જ બારટેન્ડર પણ જર્મન કપડાંમાં સજ્જ હતાં. ઊજવણી બપોરે ૧૨થી શરુ થઈને લગભગ સાંજે ૭ સુધી હતી. એક બેન્ડને બોલાવવામાં આવ્યું હતું. થોડી ગેમ્સ અને બાર્બેક્યુ અને સોસેજનાં સ્ટોલ હતાં ખાવા-પીવા માટે. બધે બિયર જ બિયર દેખાતી હતી. ૨૦૦૯માં હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી. ત્યાં મારી હાઉઝમેટ ઈઝાબેલ જર્મન હતી. તે વર્ષે અમે અમારાં ઘરે સાંજે ઊજવણી કરી હતી. ત્યારે મેં બવારિયાનો ઝંડો પણ જોયો હતો, જે ઇઝિની એક મિત્ર લાવી હતી.

આ તો વાત થઇ દિવસની અને મિત્રો કે પરિવાર સાથે હેંગ-આઉટ કરવાની. આ સિવાય પણ ઘણાં પ્રકારનાં ડ્રિન્ક્સ, શોટ્સ વગેરે છે. તેનાં વિશે વધુ આવતા અંકે.