છેલ્લા દિવસે પણ ધાર્યા પ્રમાણે અમે અગિયાર વાગ્યે જ ઊઠ્યા. ઊઠીને તરત અમે ‘કાસા લોમા’ તરફ પ્રયાણ કર્યું. એ ત્યાંનો એક સુંદર ઐતિહાસિક કિલ્લો છે, જે જનતા માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યાંની મુલાકાતનાં કલાકો સવારે ૯થી સાંજે ૫:૩૦ છે. પણ, અંગત કાર્યક્રમો માટે એ સિવાયનાં સમયમાં પણ તેનું બુકિંગ થઇ શકે છે.


કિલ્લાનાં ત્રણ માળ છે. સૌથી નીચે દીવાન-ખંડ, ઓફિસ અને વિશાળકાય ભોજનકક્ષ છે.
ત્યાંથી આગળ જતાં એક સુંદર લાંબી ચાલ જેવો વિસ્તાર છે. પણ, તેની છત અને દીવાલો પર મોટા ભાગે દૂધિયા કાચ રખાયેલા છે અને તેમાં સુંદર રંગોની કારીગરી છે. એ ચાલમાં લગભગ દોઢ-સો માણસો સમાય શકે તેટલી જગ્યા છે અને સુંદર શિલ્પો વડે જગ્યાને શણગારવામાં આવેલી છે. દેખીતી રીતે જ તેનો ઉપયોગ લગ્ન-વિધિ માટે આરામથી થઇ શકે તેવી ગોઠવણ છે. અમે ત્યાં હતાં એ જ સાંજે કોઈકનાં લગ્ન હતાં એટલે આખો બપોર તેનાં માટેની તૈયારીઓ થતી જોઈ શકાતી હતી.
પહેલાં માળ પર એક તરફ કાસલનાં માલિક, તેની પત્ની અને બાળકોનાં ઓરડાં હતાં અને બીજી તરફ મહેમાન માટેનાં ખંડ. અમુક નાની જગ્યાઓને ત્યાંનાં હાલનાં કાર્યકરોની ઓફીસ બનાવી દેવામાં આવી હતી.
એ માળથી ત્રણ-ચાર પગથિયાં ચડીને અધવચ્ચેનાં એક લેવલ પર કાસલનાં નોકરોનો કક્ષ હતો. એક જગ્યા એવી હતી જ્યાંથી નાનકડી એક સીડી નીચે તરફ જતી હતી. ત્યાં જવાની મનાઈ હતી એટલે એ સીડી ક્યાં જઈને અટકતી હશે તેનું જબરું કૂતુહલ હતું. અમે નિયમ તોડીને ત્યાં જવાનો વિચાર પણ કર્યો. પણ, પછી માંડી વાળ્યો કારણ કે, ઘણું બધું જોવાનું બાકી હતું અને સમય ઘણો ઓછો હતો. મહેમાનોનાં ઓરડા નજીક એક ખૂબ જૂનું મહાકાય (એક નાની ઓરડી રોકે તેવડું) પાઈપ ઓર્ગન હતું જેનું કી-બોર્ડ રીતસર નીચેનાં માળે હતું. એ ઓર્ગન હજુ પણ કામ કરતું હતું!
સૌથી ઉપરનાં માળે સર હેન્રી પેલ્લટ (જેનો આ મહાલય હતો)ની કેનેડિયન આર્મીમાં સર્વિસ કરતાં સમયની યાદગીરી હતી. તેની સાથે જૂનાં-નવાં ઘણાં બધાં ફોટોઝ તથા વિવિધ પ્રકારની બંદૂકો, કારતૂસ, ગ્રેનેડ વગેરે યુદ્ધની સામગ્રીઓ જોડીને એ માળને કેનેડીયન આર્મીનાં ઐતિહાસિક પ્રદર્શન તરીકે ગોઠવવામાં આવ્યો હતો.
ગ્રાઉન્ડ ફ્લોરની નીચે બેઝમેન્ટ ફ્લોર રિનોવેટ કરીને ત્યાં એક કાફે બનાવવામાં આવ્યો હતો. કાફેની બહારની તરફની લોબીમાં કાસા લોમામાં શૂટ થયેલી પ્રખ્યાત ફિલ્મો તથા ટીવી શોઝનાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. કાફેની જમણી તરફ એ ઈમારતની મેનેજમેન્ટ ઓફીસ હતી અને લોબીની સામેની તરફ એક નાના ઓરડા જેવડી સર હેન્રીની વાઇનની બોટલ્સનો સુંદર સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ હતો.
એ મહેલમાં સૌરભ અને હું બિલકુલ પાગલ થઇ ગયા હતાં. ત્યાંની દરેક વસ્તુઓ પ્રાચીન, ખૂબ બારીક અને કળાત્મક હતી. જાણે, કોઈએ સમયને પાછળ ખેંચ્યો અને અમે અચાનક ઓગણીસમી સદીમાં આવી પડ્યાં. જૂનાં સુંદર લાકડાનાં ભારે ફર્નીચર, સુંદર આરસ કોતરીને બનાવેલાં પલંગ, જૂનાં ટાઈપરાઈટર, પાઈપો, શાવર અને બાથરૂમનાં સરળ જૂનાં પાઈપિંગ અને વિશાળકાય નળ, અમુક પ્રખ્યાત બ્રાન્ડની સદીઓ જૂની ચીજો જેમ કે, જોન્સન એન્ડ જોન્સનનો એક ઓગણીસમી સદીનો ડબ્બો, સાચી વાઘની ચામડીનો ગાલીચો, સર હેન્રીનાં અને તેમની પત્નીનાં એ સમયથી સાચવીને રાખેલાં કપડાં અને તેમનો રોજબરોજનાં સામાનનાં અંશો, તેમની પત્નીનાં ખંડની અટારીમાંથી દેખાતો ટોરોન્ટોનો સુંદરથી પણ સુંદર વ્યૂ! આ બધું અદ્ભુત હતું. અમે મહાલય બંધ થવાનો સિક્યોરિટીનો અવાજ ન આવ્યો ત્યાં સુધી ત્યાં બધું જોતાં રહ્યા હતાં અને તો પણ હજુ બહારનો બગીચો તો જોવાનો બાકી જ રહી ગયો હતો. અમે નીકળ્યાં ત્યારે જેમનાં લગ્ન હતાં એ બ્રાઇડ, ગ્રૂમ અને તેમનાં બ્રાઇડ્સમેઇડ્સ/ગ્રૂમ્સમેન આવી ચૂકયા હતાં.
સૌરભને અમારાં અમુક બે-ચાર ઘર સિવાય પરિવારનો બહુ મોહ નથી એટલે ત્યાંથી ઘર તરફ પાછાં ફરતાં હું તેને કહી રહી હતી કે, તું અહીં જ લગ્ન કરજે. પછી તો અમારી વાતોની ગાડી આડા-સીધા પાટે ચાલતી રહી જેમાં અમે તેનાં લગ્નનાં કપડાં, ડેકોર, મારાં લગ્નનાં વિચારો, ગીતો વગેરેનાં ખયાલી પુલાવ પકાવ્યાં. ‘દિલ બહલાનેકે લિયે ખયાલ અચ્છા હૈ ગાલીબ’ જાણે અમારાં એ વખતનાં વાતોનાં વાડા માટે જ લખાઈ હતી.

રાત્રે અમે ક્લબિંગ માટે જવાનું નક્કી કર્યું હતું અને સૌરભનો વિચાર ત્યાંથી સીધા જ જવાનો હતો પણ, મેં મેક-અપ વિના ક્લબમાં પગ મૂકવાની ના પાડી દીધી હતી એટલે અમે મારાં માટે ફરી ઘરે ગયાં. જમવામાં એ દિવસે મેં મહિનાઓ પછી પહેલી વાર મેગી મસાલા નૂડલ્સ ખાધાં હતાં. તૈયાર થઈને હજારો ફોટા પાડીને અમે રેહાના અને તેની બહેન રોશન સાથે સિટીમાં જવા રવાના થયાં. સૌરભ સૌથી પહેલાં મને ત્યાંનાં એક પ્રખ્યાત આઈસ-લાઉન્જમાં લઇ ગયો. ત્યાં બરફની વિવિધ મૂર્તિઓ, બેઠકો વગેરે બનાવવામાં આવ્યા હતાં. ત્યાં બારમાં સામાન્ય રીતે શોટ્સ પણ બરફનાં ગ્લાસમાં મળતાં પણ, એ દિવસે બરફનાં શોટ ગ્લાસિસ ખાલી થઇ ગયાં હતાં એટલે અમને એ લ્હાવો ન મળ્યો. પણ અમને જેટલું જોવા મળ્યું એ બધું પણ અદ્ભુત હતું. ત્યાંથી સૌરભને એક ક્લબમાં જવું હતું અને રોશન કોઈ બીજા ક્લબમાં જવાની જિદ્દ પકડી બેઠી હતી એટલે અંતે અમે ત્યાં ગયાં. સૌરભનો મૂડ બગડવાનો શરુ થઇ ચૂક્યો હતો. ક્લબમાં શરૂઆતમાં થોડી વાર અમને ખૂબ મજા આવી. એક સેમી-ક્યૂટ છોકરાએ મારો નંબર માંગ્યો પણ, મેં I’d love to but I don’t live here :) કહીને તેને રદિયો આપ્યો. જો કે, એ જાણ્યા પછી પણ તેણે મારી સાથે (non creepily; very nicely) વીસેક મિનીટ ઘણી રસપ્રદ વાતો કરી. એ બંદો લેખક હતો એટલે મને પણ તેની સાથે વાત કરવાની મજા આવી. પછી જો કે રોશનનાં અનહદ નાટક શરુ થઇ ગયા હતાં જે અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધી ચાલુ રહ્યાં હતાં. એ વિશે મેં સૌરભને બહુ ખાસ કંઈ કહ્યું નહોતું પણ તેણે મારી આંખોમાં બરાબર વાંચી લીધું હતું કે, હું ઇચ્છતી હતી કે, તે આ નાટકીય લોકોથી બને તેટલો દૂર રહે અને સીધા સરળ માણસો સાથે જીવનની મજા લે. બીજા દિવસે સવારે એરપોર્ટ જતાં તેણે મને કહ્યું હતું , “રાત્રે તું કંઈ બલી નહીં એ સારું કર્યું અને હું જે કહેવા માંગતી હતી એ તે સમજી ગયો હતો.”
હેન્ગોવરમાં ફટાફટ ફ્લાઈટમાં બેસીને ઊંઘી જવાનાં અને ઘરે આવીને આરામ કરવાનાં અરમાનો લઈને હું એરપોર્ટ પહોંચી હતી. પણ, મેન પ્રાપોઝિસ ગોડ રિફ્યુઝિઝનાં વ્યવહારે એ દિવસ મારા માટે શરુ થયો હતો. એરપોર્ટનાં ખૂબ જ બકવાસ મેનેજમેન્ટનાં કારણે મારાં સહિત લગભગ બીજા સોએક લોકોએ એ સવારે પોતાની ફ્લાઈટ મિસ કરી દીધી હતી. પછીની ફ્લાઈટની ટિકિટ લેવા માટે પણ એટલી લાંબી કતાર કે, ન પૂછો વાત.


ત્યાં ઓછામાં ઓછી ત્રણ કલાકની ભેજામારી પછી મને સાંજની ફ્લાઈટમાં એ લોકોએ સ્ટેન્ડબાય પર રાખી હતી અને પછીનાં દિવસની સવારની ફ્લાઈટમાં સીટ આપી હતી. પછી તો જ્યાં સુધી સાંજની ફ્લાઈટ આવી ન ગઈ ત્યાં સુધી મારો શ્વાસ અદ્ધર રહ્યો હતો. જો રાત્રે રોકાવાનું હોય તો સૌરભે મને તેનાં ઘર ફરી ચાલ્યા જવાનું કહ્યું હતું. પણ, એમ કરતાં પણ મારો જીવ નહોતો ચાલતો કે, ફરી એ સવાર જેવું જ ન થાય! અંતે સાંજની ફ્લાઈટ આવી અને તેમાં ઘણી બધી સીટ્સ ખાલી હતી કારણ કે, કેટલાંક કનેક્શન-પેસેન્જર્સે તેમનું કનેક્શન મિસ કરી દીધું હતું. સવારની દસ વાગ્યાની હું એરપોર્ટની મગજમારી પછી અંતે સાંજે છ વાગ્યે ઘર તરફ પ્રયાણ કરવા પામી! એ સફર પછી ઘરે આવીને જેટલો હાશકારો થયો તેટલો તો પહેલાં ક્યારેય નથી થયો.