ના, દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર નથી

નિબંધ

વર્ષ 2012માં મેં એક લેખ વાંચ્યો હતો જેનું ટાઇટલ હતું – ‘No, you are not entitled to your opinion‘ . આ લેખની લિન્ક મેં 2013માં લખેલાં એક નિબંધનાં રેફરન્સમાં શેર પણ કરી હતી અને તેનો અનુવાદ કરવાની ઈચ્છા પણ જાહેર કરી હતી. એ લખાયાનાં 7 વર્ષ પછી વૉટ્સઍપ ફૉર્વર્ડસ, ફેક ન્યૂઝ વગેરેનાં કારણે આપણી દુનિયા, આપણી ચર્ચાઓ, બધું જ એટલું બધું બદલાઈ ગયું છે કે, આ નિબંધ જાણે કોઈએ ગઈ કાલે જ છાપ્યો હોય તેટલો સુસંગત છે અને દરેકે વાંચવા જેવો પણ. વધુમાં વધુ લોકો આ વાંચી શકે એ માટે તેનો ગુજરાતીમાં અનુવાદ કરીને અહીં મુકવાનો આ નાનકડો પ્રયાસ છે.


દર વર્ષે હું મારા વિદ્યાર્થીઓ માટે બે વસ્તુઓ કરવાનો પ્રયત્ન કરું છું. તેમાંનું પહેલું એ કે, હું તેમને “ફિલોસોફર્સ” કહીને સંબોધું છું – મને ખબર છે કે, આમ કરવું થોડું ચાંપલું છે પણ હું એ આશાથી તેમને આ રીતે સંબોધું છું કે, આમ કરવાથી તેઓ અભ્યાસમાં સક્રિયપણે રસ લઇ શકે.

બીજું, હું તેમને કંઇક આવું કહું છું – “હું માનું છું કે, તમે બધાંએ એવું સાંભળ્યું હશે કે, ‘દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે’. કદાચ તમે પોતે પણ ક્યારેક આમ બોલ્યા હશો. કદાચ કોઈ દલીલને આગળ વધતી રોકવા માટે કે માટે તમે આમ કહ્યું હશે. પણ, આ ક્લાસમાં દાખલ થતાવેંત આ વિધાન સત્ય ન માનવું. કોઈ પણ મંતવ્ય ધરાવવા પર તમારો અધિકાર નથી, ફક્ત કોઈ પણ તરફની દલીલ રજૂ કરવા પર જ તમારો અધિકાર છે.”

થોડું વધારે પડતું લાગે છે? કદાચ સામાન્ય વ્યવહારમાં તેવું છે પણ ખરું. પણ, તત્ત્વજ્ઞાન(Philosophy)નાં શિક્ષકોની એ ફરજ છે કે, એ પોતાનાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત દલીલ બનાવતા, એ દલીલનાં સમર્થનમાં તર્ક રજુ કરતા શીખવે અને સાથે તેમને એ પણ પારખતા શીખવે કે, ક્યારે કોઈ માન્યતા અસમર્થનીય બની ગઈ છે અને તેનો કોઈ વ્યવસ્થિત બચાવ રહ્યો નથી માટે એ બચાવ કરવા યોગ્ય નથી રહી.

“દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે” આ તર્કની સૌથી મોટી તકલીફ એ છે કે, મોટા ભાગે તેનો ઉપયોગ એવી માન્યતાઓને સંઘરી રાખવામાં થાય છે જે બિલકુલ ત્યજવા યોગ્ય હોય છે. “હું જે ઇચ્છું તે બોલી અને વિચારી શકું છું” તેવી ભાવનાનું એ સમાનાર્થી બની જતું હોય છે અને આવી ભાવનાથી દલીલો કર્યે રાખવી અસભ્ય છે. આવી માનસિકતા ધીમે ધીમે કોઈ પણ વિષયનાં વિશેષજ્ઞ અને તેનાં પર વિવાદ કરતી કોઈ સામાન્ય વ્યક્તિને સમાન દરજ્જો આપવા લાગે છે જે, બિલકુલ અયોગ્ય છે અને એ આપણી જાહેર ચર્ચાઓનો હાનિકારક ભાગ બનતું જાય છે.

પહેલા તો, ‘અભિપ્રાય’ શું છે?

પ્લૅટોએ અભિપ્રાય, સામાન્ય લોક-માન્યતા, અને ચોક્કસ જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો અને આજે પણ એ તફાવત સાંપ્રત છે. “1 + 1 = 2″ની સાપેક્ષ “ચોરસ વર્તુળ અસ્તિત્ત્વ નથી ઘરાવતાં” એ એક એવો અભિપ્રાય છે જેમાં વ્યક્તિગત સમજણ પ્રમાણે ભેદ હોઈ શકે અને તેથી તેમાં અનિશ્ચિતતા છે. પણ, “અભિપ્રાય”નાં દાયરામાં વ્યક્તિગત પસંદ કે રુચિ, જનસામાન્યને અસર કરતાં વિષયો જેવાં કે, સલામતી, રાજકારણ અને ટેક્નિકલ કુશળતાને લાગતાં વિષયો જેવાં કે, કાયદાકીય કે વૈજ્ઞાનિક મંતવ્ય સુધીનાં તમામનો સમાવેશ થાય છે.

અહીં પહેલા પ્રકારનાં મત વિષે આપણે દલીલ ન જ કરી શકીએ. હું જો આગ્રહપૂર્વક એવું કહ્યા કરું કે, સ્ટ્રૉબેરી આઈસક્રીમ ચૉકલેટ કરતાં વધુ સારો છે તો હું મૂર્ખ સાબિત થાઉં. પણ, તકલીફ ત્યાં છે કે, આપણે ઘણી વખત બીજા અને ત્રીજા પ્રકારનાં ઉદાહરણોમાં દર્શાવેલાં અભિપ્રાયોને પણ એ જ રીતે દલીલનાં ક્ષેત્રની બહાર ઠેરવી દઈ છીએ જે રીતે વ્યક્તિગત પસંદગીની બાબતો (જેમ કે, ચૉકલેટ vs. સ્ટ્રૉબેરી આઇસક્રીમ) હોય છે. કદાચ આ પણ ઘણાં બધાં કારણોમાંનું એક છે કે, ઉત્સાહી નવાં નિશાળીયાઓ એવું વિચારવા લાગે છે કે, ‘ક્લાયમેટ ચેન્જ’ અને ‘રોગપ્રતિકારક શક્તિ’ જેવાં વિષયોનાં નિષ્ણાત તેવા વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સાથે અસહમત થવાનો તેમને અધિકાર છે અને તેમનાં અભિપ્રાયનો આદર પણ થવો જોઈએ.

મેરિલ ડોરી ‘ઑસ્ટ્રેલિયન વૅક્સિનેશન (રસીકરણ) નેટવર્ક’ની અધિપતિ છે જે, તેનાં નામથી તદ્દન વિરુદ્ધ, આ સંસ્થા જોરશોરથી રસીકરણ-વિરોધનું કામ કરે છે. મિસ ડોરી પાસે કોઈ પણ પ્રકારની તબીબી લાયકાત ન હોવા છતાં તે દલીલ કરે છે કે, જો બોબ બ્રાઉન વૈજ્ઞાનિક ન હોવા છતાં ‘ન્યુક્લિયર પાવર’નાં વિષય પાર ટિપ્પણી કરી શકે, તો રસીનાં વિષય પાર પોતાનો મત આપવાની છૂટ તેને પણ હોવી જોઈએ. ખરેખર તો બોબ બ્રાઉન જ્યારે એ વિષય પર કૈં બોલે ત્યારે કોઈ તેમને પરમાણુ વિજ્ઞાનનાં નિષ્ણાત તરીકે નથી સાંભળતું; બ્રાઉન એ વિજ્ઞાનને લગતી સરકારી નીતિઓ પર ટિપ્પણી કરવાનું કામ કરે છે, નહીં કે, એ વિજ્ઞાન પરની ટિપ્પણીઓ.

તો પોતાનો મત ધરાવવાનાં ‘અધિકાર’નો શું મતલબ છે?

જો “દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે” એ વિધાનનો અર્થ ફક્ત એટલો જ હોય કે, કોઈને મન ફાવે તેમ વિચારતા કે બોલતા રોકવાનો અધિકાર બીજા કોઈને નથી, તો એ સાચું છે. કોઈ તમને એમ કહેતા રોકી ન શકે કે રસીનાં કારણે ‘ઑટિઝમ’ નામની માનસિક બિમારી થાય છે, ભલે પછી ગમે તેટલી વખત એ દાવો ખોટો પૂરવાર થયો હોય. પણ, જો તમારા એ વિધાનનો અર્થ એવો થતો હોય કે, ‘દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે અને તેમનો મત સત્યની ખૂબ નજીક છે એ પણ બધાએ ગંભીરપણે માનવું જ જોઈએ’ તો એ વિચારસરણી દેખીતી રીતે ખોટી જ છે. અને આ બંને અભિગમ વચ્ચેની ભેદરેખા પણ ઘણી વખત અસ્પષ્ટ હોય છે.

સોમવારે ABC નેટવર્કનાં મીડિયાવૉચ પ્રોગ્રામે ‘વિન-ટીવી વુલોન્ગોન્ગ’ની ઝાટકણી કાઢી હતી કારણ કે, ‘વિન-ટીવી’એ અછબડાંનાં કેર પર એક ખબર ચલાવી હતી જેમાં, આપણે હમણાં જ જેનું ઉદાહરણ વાંચ્યું એ – મેરિલ ડોરીની ટિપ્પણી લેવામાં આવી હતી. એ વિષે એક દર્શકે ફરિયાદ કરી તો તેનો જવાબ ‘વિન ટીવી’એ એવો આપ્યો હતો કે, તેમણે ચલાવેલી ન્યૂઝ સ્ટોરી “સચોટ, સંતુલિત અને ન્યાયી હતી અને તેમાં તબીબો અને ચોક્કસ જૂથોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં.” પણ, આનો મતલબ તો એવો થયો ને કે, બંનેમાંથી ફક્ત એક જ જૂથ આ વિષયનું નિષ્ણાત હોવા છતાં બંને જૂથોનાં મંતવ્યો સમાન ગંભીરતાથી લેવામાં આવે. અહીં પણ જો મુદ્દો આ વિજ્ઞાનને લગતી સરકારી નીતિઓનો હોત તો આ વસ્તુ વ્યાજબી હોત. પણ, આ નામની “ડિબેટ” આ વિષયને લાગતાં વિજ્ઞાન પર હતી અને તેમાં “ચોક્કસ જૂથો” જે વૈજ્ઞાનિક નથી, અને જેમની અસહમતિ આ વિજ્ઞાન પ્રત્યે હોય તેમને એર-ટાઈમ આપવો યોગ્ય નથી જ.

મીડિયાવૉચનાં સંવાદદાતા જોનાથન હોમ્સે એક ઘા ‘ને બે કટકાં કરતા વિન-ટીવીને કહ્યું હતું – “એક તરફ સાબિતી છે, અને બીજી તરફ બકવાસ છે” અને પત્રકારનું એ કામ નથી કે, તે બકવાસ અને ખરી કુશળતાને સમાન સમય આપે.

આ બાબતે રસીકરણ-વિરોધીઓનો પ્રતિભાવ ધાર્યા પ્રમાણેનો જ હતો. મીડિયાવૉચ વેબસાઈટ પર મિસ ડોરીએ ABC પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે, તેઓ “જાહેરપણે વૈજ્ઞાનિક દલીલમાં સેન્સરશિપને પ્રોત્સાહન આપી રહ્યા છે.” આ પ્રતિભાવમાં તેમની અણસમજ દ્રશ્યમાન છે જેમાં, પોતાનો મત ગંભીરતાથી ન લેવાયો તેનો અર્થ એવો કરવામાં આવ્યો કે, જાણે કોઈ પણ મત ધરાવવા પર અને એ વિષે કૈં બોલવા પર જ પ્રતિબંધ હોય – એન્ડ્રૂ બ્રાઉનનાં શબ્દોમાં “દલીલ હારવાને અને દલીલ કરવાનો અધિકાર હારવા સાથે કન્ફ્યુઝ કરવામાં આવી રહ્યું છે.” અહીં પણ આ બંને અધિકારો વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે.

હવે પછી જો કોઈને તમે એમ કહેતા સાંભળો કે, દરેકને પોતાનો મત ધરાવવાનો અધિકાર છે તો, તેમને પૂછજો કે, તે આવું કયા કારણથી માને છે? પૂરી શક્યતા છે કે, બીજું કૈં નહીં તો ઓછામાં ઓછો એ સંવાદ તો વધુ રસપ્રદ હશે જ.


આ લેખ લખાયા પછીનાં વર્ષોમાં આપણે જોયું છે કે, સમાચાર, સમાચારનાં પ્રોગ્રામ્સમાં દર્શાવાતાં મંતવ્યો, વૉટ્સઍપ, ફેસબુક વગેરે પર ચાલતાં મંતવ્યો વગેરેમાં જાણે ગુણવત્તાનાં માપદંડ રહ્યાં જ નથી! નિષ્ણાત અને સામાન્ય વ્યક્તિનાં મંતવ્યોને સમાન દરજ્જો આપવામાં આવી રહ્યો છે એ તો છે જ. પણ, એ સાથે આપણી મોટી મુશ્કેલી એ પણ છે કે, સામાન્ય લોકોની આસામાન્ય બકવાસને નિષ્ણાતનો અભિપ્રાય ગણાવીને વાયરલ કરવામાં આવે છે અને દશકોથી સમાચાર પર વિશ્વાસ રાખીને બેઠેલી જનતાને હજુ ‘ફૅક્ટ ચૅક’ની આદત નથી પડી. ઉપરાંત, કોઈ વ્યક્તિ કોઈ પણ વાતની ચોક્કસાઈ કે ખરાઈની તપાસ કરી કરીને કરશે પણ કેટલી વખત?! વૉટ્સઍપ જેવાં માધ્યમો પર, જ્યાં દિવસનાં ઓછામાં ઓછાં સોથી પણ વધુ મૅસેજ વ્યક્તિદીઠ ફરતાં હોય ત્યાં કોઈ કરી કરીને કેટલી વખત રીસર્ચ કરશે?

ઇન્ટરનેટની બીજી અને સૌથી મોટી તકલીફ એ પણ છે કે, ઇંગ્લિશ બહુ સારી રીતે ન જાણતા લોકો જે, ભારતમાં બહુ મોટી સંખ્યામાં છે, તેમનાં માટે સ્થાનિક ભાષામાં ઇન્ટરનેટ પરની મોટાં ભાગની માહિતી ઉપ્લબ્ધ નથી અને જે કૈં થોડું ઘણું ઉપ્લબ્ધ છે તેમાં ‘કવૉલિટી કંટ્રોલ’ની તકલીફો છે કારણ કે, આ વૉટ્સઍપ ફોરવર્ડ્સવાળો સ્થાનિક ભાષાઓનો કચરો જ ઈન્ટરનેટ પર બધે ફર્યા કરતો હોય છે.

વળી, આ કચરો મોટાં ભાગે ધાર્મિક સલાહનાં નામે ફેલાય છે. ધર્મમાં લોકોની સજ્જડ શ્રદ્ધા અને નાજુક ધાર્મિક લાગણીઓને કારણે પણ આ ખોટાં, અતાર્કિક ફોરવર્ડ્સનું ખંડન નથી કરી શકાતું. બિનહાનિકારક ખોટી માહિતી તથ્ય તરીકે ફૉરવર્ડ (દા.ત. ‘દિવાળી પર ભારત – નાસાએ લીધેલો ફોટો’વાળો ખોટો ફૉરવર્ડ) થાય એ પણ બહુ વાંધાજનક નથી. પણ, લોકોમાં કોઈ ચોક્કસ જીવનશૈલી, રીતિ-રિવાજ, જાતિ, ધર્મ વગેરેને લક્ષ્ય બનાવીને લોકોની ખોટી ધિક્કારપૂર્ણ માન્યતાઓને જે રીતે તથ્ય ગણાવીને ફેરવવામાં આવે છે એ એક એવી આગ છે, જેની લપેટમાં આખા સમાજને આવતા વાર નહીં લાગે.

જો કે, આ કોયડો કઈ રીતે ઉકેલાશે એ વિષે મારો અભિગમ આશાપૂર્ણ છે. હું માનું છું કે, ઈન્ટરનેટે ભલે બધાંને મન ફાવે તે લખવાની, બોલવાની અને પબ્લિશ કરીને લોકો સુધી પહોંચાડવાની સુવિધા આપી હોય પણ, આજે નહીં તો કાલે લોકો આ ખોટી માહિતીનાં અતિરેકથી કંટાળવાનાં જ છે. આમ થશે ત્યારે ફરી પહેલાંનાં સમયમાં પ્રિન્ટ-મીડિયામાં ક્યુરેશન*નું જે મહત્ત્વ હતું એ પાછું ફરશે જ. પહેલા લોકો અમુક તમુક પ્રકાશકો પર ભરોસો મૂકતા અને તેમનાં દ્વારા છપાયેલી માહિતી જ વાંચવાનું પસંદ કરતા, એ જ રીતે ઇન્ટરનેટ પર પણ ક્યુરેશનનું મહત્ત્વ વધતું જશે તેવું મારું માનવું છે. સ્થાનિક ભાષાઓમાં થતાં લખાણ અને એ સિવાયનાં દરેક પ્રકારનાં ‘કૉન્ટેન્ટ’ને પાયેદાર અને મજબૂત બનાવવાનો આ જ તોડ મને અસરકારક લાગે છે કે, સંપાદન અને ક્યુરેશન* મજબૂત બને – અભિપ્રાયિક લેખો (opinions, think pieces) પ્રત્યે તો ખાસ! પ્રકાશકો માટે એ પણ એક ચૅલેંજ હશે કે, તેમનાં ગુણવત્તાનાં માપદંડ ફક્ત ‘લાઈક, શેર, સબસ્ક્રાઇબ’નાં આંકડાં પર જ આધારિત ન હોય અને વિચારપૂર્ણ પ્રયોગશીલતાને પણ પ્રકાશનમાં પૂરતું સ્થાન મળે.

*curation (ક્યુરેશન): the action or process of selecting, organizing, and looking after items

પ્રેમ અને જાતિ

નિબંધ

મારી યુનિવર્સિટીમાં દર ગુરુવારે નાની માર્કેટ ભરાય છે. ઘણાં બધાં સ્ટૂડન્ટ ગિલ્ડનાં અને સ્ટૂડન્ટ ક્લબનાં સ્ટોલ લાઈબ્રેરીની બરાબર સામે લાગેલાં હોય છે. ૨૦૦૯માં પહેલી વખત આ સ્ટોલ જોયા હતાં. અમુક સમય પછી મારો પરિચય મલિસ્સા સાથે થયો હતો. વિમેન્સ કલેક્ટીવની એ પ્રેસીડન્ટ હતી. હિપ્પી જેવો દેખાવ, વાળમાં ડ્રેડલોક્સ પણ સ્વભાવે એ બહુ મળતાવડી હતી. એ એક વર્ષ પછી મેં મલિસ્સાને કેમ્પસ પર ક્યારેય નથી જોઈ. તેનો નંબર પણ હવે મારી પાસે નથી. તેને મળ્યાં પછી મને એવું લાગ્યું હતું કે, તેનાં વિશે કંઇક વાત અસામાન્ય હતી. પણ, એ શું એ મને ક્યારેય ખબર ન પડી. એક વખત ગુરુવારે અમે વિમેન્સ કલેકટીવનાં સ્ટોલ પર ઊભા હતાં અને અમારી બાજુમાં એક ‘રેઈનબો પ્રાઈડ’નો સ્ટોલ હતો. ત્યારે તેણે મને પૂછ્યું હતું કે, હું આ બાબતે શું વિચારું છું. મને ખબર નહોતી રેઈનબો પ્રાઈડ શું છે એટલે મેં તેને પૂછ્યું. ત્યારે તેણે કહ્યું એ એલ.જી.બિ.ટી.નાં ઈશ્યુ પર જાગૃતિ લાવવાનું કામ કરે છે. એલ.જી.બિ.ટી.?! તેણે કહ્યું ‘લેસ્બિયન, ગે, બાઈ-સેક્શુઅલ, ટ્રાન્સજેન્ડર’.

ત્યારે મને એક જ વિચાર આવ્યો. “O wow. So, this thing is real”. અત્યાર સુધી મેં પોતે બહુ વિચાર્યું નહોતું કે, આ વિષય પર મારું સ્ટેન્ડ શું છે કારણ કે, મને કોઈએ પૂછ્યું નહોતું અને આપણાં જેવાં સમાજમાં રહીને મને ક્યારેય આ બાબતે વિચારવાની જરૂર નહોતી પડી. જો કે, ભારતમાં રહેતાં મેં ચિત્રલેખામાં માનવેન્દ્રસિંહ ગોહિલની વાત જ્યારે છાપે ચડી હતી ત્યારે આછું પાતળું ચિત્રલેખામાં આપણે ત્યાં રહેલી અન્ડરગ્રાઉન્ડ એલ.જી.બિ.ટી કમ્યુનિટી વિશે વાંચ્યું હતું અને ત્યારે તે વાંચીને ખબર પડી હતી કે, આ લોકોને તકલીફ થાય છે સમાજમાં. પણ, આ વિષયે મારું જ્ઞાન એ એકાદ-બે આર્ટિકલ પૂરતું સીમિત હતું. હા, એક બાબતે હું વર્ષોથી ક્લિઅર હતી કે, ગમે તે ગમે તેની સાથે ગમે તેટલી વાર અને ગમે ત્યાં સુવે, ઇટ્સ નન ઓફ માય બિઝનેસ. ક્યારેય છે નહીં, હતો નહીં અને હશે નહીં. કોઈએ પોતાની જિંદગી કઈ રીતે જીવવી એ તેઓનો પ્રશ્ન છે મારો નહીં. કદાચ એટલે જ એલ.જી.બિ.ટી વિશે મારો ઓપિનિયન નક્કી કરવામાં મને બહુ વાર ન લાગી. હું તેમને સપોર્ટ કરું છું એવું નક્કી થઇ ગયું. પણ, આ હજુ આ ફક્ત મુદ્દાનું ઉપરનું સ્તર છે. કાશ દોસ્તાનામાં જોયું એટલું ફની આ હોત!

થોડો સમય ગયો પછી મારાં સંપર્કમાં ઘણાં ગે, લેસ્બિયન અને બાઈ-સેક્શુઅલ લોકો આવ્યાં. (ટ્રાન્સજેન્ડરનો મુદ્દો થોડો અલગ છે) આ બધાં લોકોને ફક્ત અને ફક્ત તેમનાં પાર્ટનરનાં પ્રેફરન્સને કારણે કેટલાં સામાજિક અને રાજકીય ભેદ-ભાવ અને તકલીફો સહન કરવાં પડ્યાં છે તેનાં વિશે મેં જાણ્યું. આ બધી બાબતોમાં એક વસ્તુ બહુ અગત્યની છે. જ્યાં સુધી તમારાં પોતાનાં મિત્ર કે નજીકની કોઈ વ્યક્તિ સાથે બને નહીં ત્યાં સુધી આવા સામાજિક મુદ્દા આપણને બહુ દૂર લાગતાં હોય છે. અને જેવું કોઈ વિકટીમ આપણી આસપાસ આપણાં ગાઢ સંપર્કમાં આવે કે, પુસ્તકો અને મેગેઝીનમાં વાંચેલી આ વાર્તાઓ આપણાં માટે અચાનક હકીકત બની જાય છે. ત્યારે આ મુદ્દા આપણી પોતાની હકીકત બની જાય છે અને પછી આપણે વિચારતાં થઈએ છીએ. જે બધી બાબતો આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ એ બધું મેળવવું અમુક લોકો માટે કેટલું અઘરું હોય છે! અને તે પણ કોઈ નક્કર કારણ વિના.

મારી એક મિત્ર વેલેરી (અમે તેણે વી કહીએ છીએ) એશિયન બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તે તેનાં મમ્મી અને નાની બહેન સાથે રહે છે. તેનાં મમ્મી ચાઇનીઝ-ભારતીય મિક્સ છે અને સિંગાપોરમાં જન્મેલાં અને ઉછરેલાં છે. વી બાઇસેક્શુઅલ છે. પણ, તેનાં મમ્મીને આ વિશે નથી ખબર. અમારે કોઈએ ભૂલથી પણ આ વિશે તેનાં મમ્મીની હાજરીમાં કંઈ બોલવાનું નથી. જો કે, હવે તો તેને ખબર પડે તેમ પણ નથી.એ છેલ્લા ૪ વર્ષથી ઍલેક્સ સાથે છે અને તે બંને રિલેશનશિપમાં છે. તે બંને જૂદાં પડે તેવી કોઈ શક્યતા નથી. ઍલેક્સ સાથે અને અન્યો સાથે આ સમયગાળામાં વાત કરતાં મને ખબર પડી કે, ગે, લેસ્બિયન અને બાઇસેક્શુઅલ લોકોની સમાજમાં કમી નથી અને છતાંયે તેમની હાજરી સ્વીકારવામાં સમાજ અચકાય છે. ધાર્મિકો તેમાં સૌથી પહેલાં છે. મોટાં ભાગનાં ધર્મો હોમો-સેક્શુઆલિટીને પાપ ગણાવે છે (હિંદુ અને બૌદ્ધ આ વિશે કશું કહેતાં હોવાનું મારાં ધ્યાનમાં નથી). અને એટલે તેઓ ‘પાપી’ઓ ને સમાજમાં સ્વીકારવાની ના પાડે છે. આ લોકો એ નથી સમજતાં કે, તમે જે ધર્મની વાત કરો છો એ તમારો પોતાનો અંગત ધર્મ છે. જે લોકો તેમાં નથી માનતાં તે કદાચ નરકમાં સળગે તો પણ તમારે શું?

મારો એક કલીગ હતો મેથ્યુ (મેટ). મેટ અમેરિકામાં જન્મેલો અને ઉછરેલો છે. તેને જેફ નામનાં એક કોરિયન સાથે પ્રેમ થયો. એ સમયે અમેરિકામાં કાયદાનાં અભાવે એ જેફને પોતાનાં સાથી તરીકે અમેરિકા ન લાવી શક્યો. અંતે તે બંનેએ ઓસ્ટ્રેલિયા આવવાનું નક્કી કર્યું. અહીં કાયદાની નજરમાં લગ્ન કર્યાં અને તે બંને છેલ્લાં ચાર વર્ષથી એકબીજાને પરણેલાં છે. મેટને અનિચ્છાએ પણ પોતાનું ઘર, પોતાનો દેશ છોડવો પડ્યો. ફક્ત એટલા માટે કે, તેને સ્ત્રીને બદલે એક પુરુષ સાથે પ્રેમ થયો. એ તેની મમ્મીની બહુ નજીક છે. પણ, તેને પરાણે અહીં આવવું પડ્યું અને એટલે તેની મમ્મીથી દૂર થવું પડ્યું. આ બધું જોયા પછી હવે હું ખુલ્લી રીતે ગે રાઈટ્સને સપોર્ટ કરું છું. તેમાંથી એક મિત્રની ઓળખાણ થઇ. એ મુંબઈ રહે છે અને એ ગે છે. અને ધીમે ધીમે આ મુદ્દા પર ચર્ચાઓ થવા લાગી વિવિધ લોકો સાથે તેમ તેમ લોકોની ઘણી વિચિત્ર માન્યતાઓ મને જાણવા મળી.

ઘણાં એવું કહે છે કે, ગે હોવું કુદરતી નથી. એક આખો વિચાર એવો પ્રવર્તમાન છે કે, લોકો પોતે પોતાની સેક્શુઆલીટી પસંદ કરે છે. ખરેખર એવું નથી. હોમોસેક્શુઅલ, હેટેરોસેક્શુઅલ કે બાઈસેક્શુઅલ હોવું એ બાયોલોજીકલ વસ્તુ છે અને સાઈકોલોજીકલ નહીં. વળી,વાત ફક્ત સેક્શુઆલીટીની નથી. આ ચર્ચા ખરેખર તો ઘણાં પ્રશ્નો ઊભા કરે છે. જેમાંનો સૌથી પહેલો જેન્ડર કન્વેન્શનલ બિહેવિયર પર છે. તમારી જાતિ પ્રમાણે તમારાં કપડા, રમકડાં, બોલ-ચાલ વગેરેનાં જે ચોકઠાં આપણે બનાવ્યા છે અને મેલ અને ફિમેલ જેવા બે જેન્ડર આપણે મુખ્ય માનીએ છીએ આ બધાં સામે સવાલ ઊભા થાય છે. આ ઉપરાંત બીજી એક વસ્તુ જે જોવા મળે છે તે એવી છે કે, આપણામાં ઘણાં પુરુષોને લેસ્બિયન છોકરીઓ સામે પ્રોબ્લેમ નથી. Lesbians – Hot, Gays – yuck! એક પુરુષનું સ્ત્રૈણ હોવું ખરાબ છે પણ, એક સ્ત્રી જો પુરુષ જેવું બિહેવ કરે તો તે ચાલે. (?!) એ માનસિકતા માટે પણ એક શબ્દ છે ‘પેટ્રિયાર્કી’ તેનાં વિષે ફરી ક્યારેક વાત. આ ઉપરાંત એક સ્ટડી એવું પણ બતાવે છે કે, મોટાં ભાગનાં હોમોફોબિક (હોમોસેક્શુઅલ લોકોથી ડર લાગવો એટલે હોમોફોબિયા) લોકો અંદરખાને ખરેખર હોમોસેક્શુઅલ હોય છે. એમાં જોવા જેવી વાત તો એ છે કે, તેમનાં પોતાનાં પર આ પ્રયોગ થયો હોવા છતાં, તેનું પરિણામ તેમની નજર સામે હોવા છતાં મોટાં ભાગનાં આ પુરુષો પ્રયોગનાં પરિણામને ખોટું ઠરાવે છે. આનો મતલબ તો એ જ થયો ને કે, મોટાં ભાગનાં પુરુષો માટે ‘સ્ત્રી જેવું હોવું’  કે કન્વેન્શનલી સ્ત્રીઓને ગમતું કંઈ પણ ગમવું એ શરમની વાત છે. પુરુષ હોવું એ સ્ત્રી હોવા કરતાં ચડીયાતા હોવાની આ મેન્ટાલીટી અને ‘એક દીકરો તો હોવો જ જોઈએ’વાળી માન્યતા અંતે તો એક જ વસ્તુ થઇ ને!

અને આપણા જેવા સમાજમાં જ્યાં ‘ગે’ મોટાં ભાગનાં લોકો માટે એક જોક છે, ત્યાં જે ખરેખર ગે છે તેમનું શું? માનવેન્દ્રસિંહની જેમ પરિવાર બહિષ્કાર કરે તે બધું તો ઠીક છે. પણ, અંગત રીતે પણ આ લોકોને પોતાનાં પાર્ટનર શોધવામાં જે તકલીફ પડે એ નફામાં. કારણ મોટાં ભાગની આ કમ્યુનીટી આપણે ત્યાં છૂપી છે. કોઈને ખબર ન પડે તેવી રીતે! આ તો ઉપકાર માનો કાયદાનો કે, એટ લીસ્ટ હોમોસેક્શુઆલીટીને હવે ૨૦૦૯થી આપણે ક્રિમિનલ નથી ગણતાં.* લોકો (ખાલી હિન્દુસ્તાનમાં નહીં દુનિયામાં પણ) જાણતા નથી એટલે આ બધી તકલીફો છે. પણ, એનાંથીયે મોટી તકલીફ એ છે કે, જાણવા માંગતા નથી! અન્ય સામે ચર્ચામાં ઉતરવું સહેલું છે. પણ, જ્યારે સવાલ જાત સામે હોય અને આપણી પોતાની માન્યતાઓનું જાતે ખંડન કરવાની વાત હોય ત્યારે આપણે કેટલાં ભાગતાં હોઈએ છીએ ને.

જેઓ વધુ જાણવા ઇચ્છતાં હોય તેમનાં માટે આ અમુક ડોક્યુમેન્ટરી:

 


આ પોસ્ટ લખાઈ તેનાં થોડાં જ મહિનાઓ પછી સુપ્રીમ કોર્ટે હોમોસેક્શુઆલિટીને ક્રિમિનલ જાહેર કરી. :(

સ્ત્રીઓ, અધિકાર અને અમારી વાતો

નિબંધ

આ પહેલાની પોસ્ટમાં લખ્યું હતું તેમ આ ઘરમાં અમે ચાર છોકરીઓ છીએ અને ચારેય બહિર્મુખી (extrovert) સ્વભાવની છે. ઉપરાંત અમે બધાં બિલકુલ અલગ દુનિયામાં જન્મેલાં અને ઉછરેલાં છીએ. આ કારણોસર દરેક વાત જે સોફા પર બેસીને બધાં વચ્ચે થતી હોય, તેમાં ૪ અલગ અલગ દુનિયાની ક્યારેક એકદમ સમાન તો ક્યારેક બિલકુલ અલગ અલગ વાતો અને અભિપ્રાયો સાંભળવા મળે.

‘સત્યમેવ જયતે’નો પહેલો એપિસોડ રીલીઝ થયો હતો અને એ જોઇને હું ખૂબ ગુસ્સામાં બહાર આવી. મેં અડેલને કહ્યું કે મને શરમ આવે છે એ જોઇને કે આજની તારીખે પણ મારા દેશમાં સ્ત્રી-ભ્રૂણ હત્યા થાય છે. અને અમે યાદ કરતા હતા કે આવો જ એક સાંદર્ભિક સંદેશ ‘ડીકટેકટર’ ફિલ્મમાં મધ્ય-પૂર્વનાં દેશો વિષે પણ આપવામાં આવ્યો હતો. એ સંવાદ જ્યાં ડીકટેકટરની પત્ની જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એ તેને પૂછે છે “So, what do you think we are having? A son or an abortion?” એ ફિલ્મનાં સંદર્ભમાં આ હાસ્યાસ્પદ છે. પણ, એ તો ફક્ત એટલા માટે કે, એ ફિલ્મ એ મધ્ય-પૂર્વ અને અમેરિકા પર કટાક્ષ છે. ત્યારે અડેલનું કહેવું એમ હતું કે, અહીં જ અભ્યાસનો ફર્ક સપાટી પર આવતો હોય છે અને સ્ત્રી-ભ્રૂણ હત્યા જેવી બાબતો ત્યાં વધુ જોવા મળે જ્યાં અભ્યાસ ઓછો હોય. તેનો મત એવો હતો કે સ્કૂલ અને કોલેજનો અભ્યાસ ભલે કોઈ વ્યક્તિને સંપૂર્ણપણે બદલી ન શકે પણ, આવી બધી બાબતોને અટકાવી શકે છે. ત્યારે મે તેને સત્યમેવ જયતેમાં જે જોયું/સાંભળ્યું એ તેને કહ્યું હતું કે, આ બાબત ભણેલા-ગણેલા પરિવારોમાં પણ બને છે. આખો પરિવાર ડોક્ટર હોય તેવા પરિવારોમાં પણ!

મારા મતે આ એક એવો સામાજિક મુદ્દો છે જેની શરૂઆત પણ કદાચ ભણેલા વર્ગમાં થઇ હશે. નવી ટેકનોલોજીની ખબર ભણેલાઓને અને સ્કોલારને જ સૌથી પહેલા પડતી હશે ને! બરાબર આ વાત ચાલતી હતી ત્યારે જ મેલ ઘરમાં આવી અને તેણે પોતાનાં દેશ વિષે કહ્યું. વાત હવે ભ્રૂણ હત્યામાંથી બદલીને સ્ત્રીઓની પરિસ્થિતિ ઉપર આવી હતી. મેલનાં માતા-પિતાના લગ્નમાં તેનાં પિતાના પરિવારે ખૂબ વિરોધ કર્યો હતો. ત્યારે મે એને પૂછ્યું હતું કે તારા માતા પિતાની ઉંમર કેવડી હતી જ્યારે તેમનાં લગ્ન થયા? તેણે કહ્યું ૧૬ કે ૧૭. તે બંને એકબીજાને હાઈસ્કૂલમાં પસંદ કરતા હતા અને હાઈસ્કૂલમાં જ તેની માતાને ખબર પડી કે તે ગર્ભવતી છે. તેનાં પિતાએ તેની માતા સાથે લગ્ન કર્યા પણ તેનાં દાદા-દાદીએ તેનાં પિતા માટે કોઈ અન્ય છોકરી પસંદ કરીને રાખી હતી અને એ બાબતે તેની માતાને ૧૧ વર્ષ સુધી ઘણું સહન કરવાનું આવ્યું અને તેમણે એકબીજાથી અલગ થવાનું નક્કી કર્યું. તેણે મને કહ્યું કે ‘ટીન પ્રેગ્નન્સી’ એ ઝામ્બિયામાં એક મોટો મુદ્દો છે. તેનાં પિતા માટે જ્યારે તેનાં પરિવારે ફરીથી કોઈ શોધવાનું નક્કી કર્યું. ત્યારે એક વખત તેણે પોતાનાં ઘરમાં કોઈ છોકરીને જોઈ. મેલ કહે છે કે તે છોકરી મેલ કરતાં ફક્ત ૨-૩ વર્ષ મોટી હતી. એ વ્યક્તિને એ પોતાની ‘માતા’ તરીકે ક્યારેય જોઈ ન શકે. તેણે જોયું તો એ છોકરીને ખરેખર કોઈ વાંધો નહોતો તેનાં પિતા સાથે લગ્ન કરવાનો! ત્યારે મેલએ તે છોકરીને ૨ થપ્પડ મારી અને પોતાનાં ઘરમાંથી કાઢી. તે કહે છે કે મારા પિતાએ આમ પણ એ છોકરી સાથે લગ્ન ન જ કાર્ય હોત પણ, હું આ જોઈ જ ન શકી મારા ઘરમાં. તે એવું પણ કહે છે કે, તેનાં દેશમાં આ બધું બહુ સામાન્ય છે.

તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં પણ હું અને અડેલ એક બાબત જોઇને બહુ અચરજ પામ્યા હતાં. અહીં ઘણી એશિયન (અહીં એશિયન એટલે ફક્ત ચાઇનીઝ સમજવું) યુવતીઓ  અમે જોઈ છે જે કોઈ ખૂબ મોટી ઉંમરનાં ઓસ્ટ્રેલિયન પુરુષની સાથી હોય. એશિયામાંથી યુવતીઓને લાવવાનું અહીં કોઈ નવી વાત નથી. આપણે ત્યાં ફિલ્મોમાં જે છોકરીઓને ખરીદી લાવવાનું જોયું હોય તેનાં કરતાં આ વસ્તુ અલગ છે. અહીં યુવતીઓ પર કોઈ દબાણ હોતું નથી. મોટા ભાગે આ તેમનો પોતાનો નિર્ણય હોય છે. તેમની પોતાની પસંદગી, એક સહેલી જિંદગી માટે. ભારત અને ચાઈનામાં આ બાબત સમાન છે. ખૂબ પૈસા-પાત્ર વર્ગમાં તેમનાં દીકરા દીકરીઓ અને તેમની પત્નીઓ ફક્ત પરિવારોની પ્રતિષ્ઠાનાં શો-પીસ છે.

શરૂઆતમાં મેં ચાઇનીઝ સ્ત્રીઓ સાથે થોડો પરિચય કેળવ્યો હતો ત્યારથી મારા મનમાં એવી છાપ હતી કે ત્યાં સ્ત્રીઓ એ પરિવાર માટેનાં સૌથી અગત્યના નિર્ણયો માટે જવાબદાર હોય છે. પણ, જીઝેલે મને કહ્યું કે એવું નથી. અંતે તો ઘરનો સૌથી વયસ્ક પુરુષ જે કહે તે જ થતું હોય છે. ઘરેલુ હિંસા ભારતમાં જેટલી હદે થાય છે તેટલી જ મલેશિયામાં પણ થાય છે. આ ઉપરાંત સાંભળીને નવાઈ લાગે પણ, ઇટલી તો તેનાં કરતાય બદતર. અત્યાર સુધી જેટલી ઇટાલિયન સ્ત્રીઓ/છોકરીઓને હું મળી છું તે બધાનો ઉછેર એ રીતે થયો છે કે તેમણે હંમેશા કોઈ ને કોઈ પુરુષ માટે જ જીવવાનું છે. પોતાનાં પતિને સમાજમાં સારો દેખાડવા માટે તૈયાર થવાનું ને તેવું કેટ-કેટલું! આ બધાં કહેવાતાં પ્રથમ વિશ્વનાં દેશ. :P