પરેડ માટે મુખ્ય માર્ગ બંધ હોવાનાં કારણે શહેરમાં પાછા જવા માટે ઊબર શોધવામાં અમને થોડી તકલીફ પડી. શહેરનાં હેપનિંગ વિસ્તાર(ફ્રેન્ચ ક્વૉર્ટર્સ અને તેની આસપાસનો વિસ્તાર) સુધી પહોંચતા લગભગ પાંચ વાગ્યા. આગલી રાત્રે આંટા મારતી વખતે અમે એક મોટું કથીડ્રલ જોયું હતું એ અંદરથી કેવું દેખાય છે તે જોવાની ઈચ્છા થઇ આવી એટલે મેં એ જોવા જવાનો પ્રસ્તાવ મૂક્યો જે, માન્ય રાખવામાં આવ્યો.
તેનું નામ હતું ‘સેન્ટ લુઈસ કથીડ્રલ’. એ ખૂબ મોટાં વિસ્તારમાં પથરાયેલું હતું અને ટૂરિસ્ટ વિસ્તારની બરાબર વચ્ચે હતું એટલે હરતા ફરતા નજરે ચડી જ જાય. પરિસરનાં પાછળનાં ભાગમાં જાળી પર આર્ટ લટકાવેલું રહેતું. અમે આગલી રાત્રે પણ તે જોયું ‘તું અને એ સાંજે પણ એટલે ધાર્યું કે, કથીડ્રલની પાછલી જાળીનો ઉપયોગ હંમેશા આર્ટ એક્ઝિબિશન માટે થતો હોવો જોઈએ.

ત્યાંથી ફરીને કથીડ્રલનાં પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા ત્યાં અમે મોટી ભીડ જોઈ. પહેલા તો ભીડને અવગણીને અમે મુખ્ય દરવાજો શોધીને અંદર જવાનો પ્રયત્ન કર્યો પણ, કમનસીબે એ દિવસ માટે એ બંધ થઇ ચૂક્યું હતું. એટલે પછી પાંચેક મિનિટ ત્યાં ભીડ સાથે ઊભા રહ્યા એ જોવા માટે કે, થઇ શું રહ્યું છે?!

ખાસ કૈં હતું નહીં. કોઈ કલાકાર થોડાં સામાન્ય કરતબ દેખાડી રહ્યો હતો એટલે અમે ત્યાંથી નીકળી ગયા અને આસપાસની દુકાનોમાં ફર્યા. એ દિવસે બીજો કોઈ પ્લાન નહોતો, ફક્ત ન્યુ ઓર્લીન્સની નાઈટલાઈફ માણવી હતી. પણ, હજુ અંધારું નહોતું થયું એટલે નાઇટલાઇફ માટે થોડું વહેલું હતું અને કોઈને ઘરે જવાનું મન નહોતું એટલે ત્યાં કથીડ્રલ આસપાસ જ અમે થોડા આંટા માર્યા.


નીયોન લાઇટ્સ દેખાવા માંડી ત્યારે અમે રેસ્ટ્રોં અને પબવાળાં વિસ્તાર તરફ ચાલવા માંડ્યા.


ન્યુ ઓર્લીન્સ તેનાં મ્યુઝિક માટે પ્રખ્યાત છે. અમૅરિકામાં જૅઝ, બ્લૂઝ અને આર-ઍન્ડ-બી જૉનરા સાથે જોડાયેલી ઘણી બધી ઐતિહાસિક વાતો ન્યૂ ઓર્લીન્સ સાથે જોડાયેલી છે! આગલી પોસ્ટમાં તમે વાંચ્યું હશે કે, માર્ડી ગ્રા પરેડમાં સ્કૂલનાં બાળકો પણ ખૂબ સારી રીતે મ્યુઝિક વગાડતા હતા, હું માનું છું કે, તેમાં ન્યુ ઓર્લીન્સનાં ઓવરઓલ મ્યુઝિક સીનનો ફાળો બહુ મોટો છે.
અમૅરિકામાં જન્મેલા કોઈ પણ પ્રકારનાં સંગીતનો ઉલ્લેખ આવે એટલે આ શહેરનો ઉલ્લેખ આવે, આવે, અને આવે જ! અમે એ વિષે વાત કરતા ચાલતા જતા હતા ત્યારે સૅમ પાસેથી મને જાણવા મળ્યું હતું કે, પ્રખ્યાત થયા પહેલા લુઈ આર્મસ્ટ્રોંગ ન્યુ ઓર્લીન્સની શેરીઓમાં મ્યુઝિક વગાડતા! લુઈ આર્મસ્ટ્રોંગ અમૅરિકાનાં સૌથી પ્રખ્યાત સંગીતકારોમાંનાં એક છે. જૅઝ મ્યુઝિકનાં ઇતિહાસમાં તેમનો ફાળો બહુ મોટો અને બહુ અગત્યનો ગણાય છે. એ એટલા સારા સંગીતકાર હતા કે, અમૅરિકામાં જ્યારે રંગભેદની નીતિ લાગૂ હતી અને ગોરા લોકોનાં ઑડિટોરિયમ્સમાં કાળા લોકો પ્રવેશી પણ ન શકતા, ત્યારે લુઈ આર્મસ્ટ્રોંગ ગણ્યા ગાંઠ્યા કલાકારોમાંનાં એક હતા જેમને ગોરા લોકો સામે ચાલીને પોતાનાં કૉન્સર્ટ્સ માટે બોલાવતા!
ત્યાંનાં લગભગ દરેક રેસ્ટ્રોં અને બાર કે પબમાં લાઈવ મ્યુઝિક બૅન્ડ હોય જ! અમે બાર/પબ-ક્રૉલની શરૂઆત કરીએ એ પહેલા અમારે કૈંક ખાવું હતું એટલે ગૂગલ રીવ્યુઝ અને અમારી ઍરબીએનબી હોસ્ટનાં રીવ્યુઝનાં આધારે અમે પહોંચ્યા ‘કેઇન ઍન્ડ ટેબલ’.
અંદરનું મસ્ત આમ્બિયાન્સ જોઈને તો મજા જ પડી ગઈ. તેમણે અમને જણાવ્યું કે, ત્યાં સામાન્ય રીતે રેઝર્વેશન કરવું પડતું હોય છે પણ, ત્યારે એ લોકો અમારા માટે બીજી કોઈ વ્યવસ્થા કરી દેવા માટે તૈયાર હતા. પાંચ મિનિટ રાહ જોઈને અમને એક વેઈટર આગળ દોરી ગયો. મેઈન હૉલની પાછળ તેમનો ઓપન-ઍર વરંડો હતો ત્યાં પણ બેસી શકાતું હતું પણ, એ દિવસે વરસાદની આગાહીનાં કારણે એ બંધ હતો. અમને ઉપર લઇ જવામાં આવ્યા. બે નાના રૂમ જેટલી જગ્યામાં અમે ત્રણ એકલા હતા. ત્યાં આંટો મારતા મેં બાલ્કનીમાં પણ ખુરશી-ટેબલ ગોઠવેલાં જોયા પણ, એ ભાગ પણ વરસાદનાં કારણે બંધ જ હોય એ સમજી શકાય તેવું હતું. છતાં મેં ચાન્સ લઈને તેમને પૂછ્યું, અમે ત્યાં બેસી શકીએ કે કેમ? પણ, જવાબમાં ના આવી. અમારે રાત્રે મોડેથી કૈંક વ્યવસ્થિત જમવું હતું એટલે, ત્યાં અમે મંગાવી એ બધી ઍપેટાઈઝર જ પ્લેટ્સ હતી જે, બધી જ ખૂબ સ્વાદિષ્ટ હતી અને તેમનાં કૉકટેઇલ્સ પણ.

અમે નક્કી કર્યું હતું કે, દરેક જગ્યાએ ફક્ત એક જ ડ્રિન્ક લેવું. તેનું મોટું કારણ એ કે, મોટાં ભાગનાં મ્યુઝિક વેન્યુ – જ્યાં કોઈ એન્ટ્રિ-ફી ન હોય, ત્યાં તેમની મુખ્ય કમાણી આલ્કોહૉલ હોય છે એટલે ત્યાં ‘1 ડ્રિન્ક મિનિમમ’ની પોલિસી હોય છે. અમારો વિચાર એવો હતો અમે દરેક જગ્યાએ એક ડ્રિન્કની લિમિટ રાખીએ તો જલ્દી ડ્રન્ક પણ ન થઈએ અને વધુમાં વધુ સ્થળોએ મ્યુઝિક માણી શકીએ! કેઇન ઍન્ડ ટેબલમાં અમારો ઑર્ડર તૈયાર થવાની રાહ જોતા આગળ અમે ક્યાં જઈશું તેનાં સંશોધન શરુ કર્યા. ન્યુ ઓર્લીન્સમાં અધધ મ્યુઝિક વેન્યુઝ છે એટલે ક્યાં જઈએ અને ક્યાં ન જઈએ એ મોટો સવાલ હતો. મને બી.બી. કિંગનું મ્યુઝિક ખૂબ પસંદ છે એટલે મને ‘બી.બી. કિંગ્સ બ્લૂઝ’ જવાની અતિશય ઈચ્છા હતી.
બધા રાજુ થયા એટલે નાશ્તો કરીને અમે ‘બી.બી. કિંગ્સ બ્લૂઝ’ ગયા અને બે જ મિનિટમાં બહાર! એ જગ્યાનાં નામ પરથી મને લાગ્યું હતું કે, ત્યાં બ્લૂઝ, જૅઝ વગેરે જૉનરા વાગતાં હશે પણ, ત્યાં કોઈ બૅન્ડનાં નવાં, ઑરિજિનલ મ્યુઝિકનાં બદલે કોઈ વિચિત્ર પૉપ-સૉન્ગનું ચીલાચાલુ કવર ગાવાઈ રહ્યું હતું. હું થોડી નિરાશ થઈ અને અમે આગળ વધ્યા. પછીનો મુકામ હતો ‘ધ સ્પૉટેડ કૅટ’.
અમે પહોંચ્યા ત્યારે ત્યાં થોડી ભીડ હતી અને ત્રણ લોકોનું એક બૅન્ડ પોતાનું ઓરિજિનલ મ્યુઝિક વગાડી રહ્યું હતું. એ બહાર પણ થોડું થોડું સંભળાતું હતું એટલે બહારથી જ અમને લાગ્યું હતું કે, અહીં મજા આવવી જોઈએ. એ જગ્યા બહુ નાની હતી અને ત્યાં દીવાલની ધારે થોડી થોડી જ બેઠકો હતી જે, બધી લેવાઈ ચૂકી હતી. નેવું ટકા લોકો ઊભા રહીને જ સંગીતની મજા માણી રહ્યા હતા. અમે મોટા ભાગની ભીડ કરતા વહેલા પહોંચી ગયા હતા એટલે બૅન્ડનાં સ્ટેજ પાસે આગળ ઊભા રહી શક્યા. ત્યાં અમે લગભગ દોઢથી બે કલાક ગાળી. તેમનું મ્યુઝિક ખૂબ સારું હતું અને તેમાંયે ખાસ તેમની વોકલિસ્ટે જમાવટ કરી હતી. તેનું ગાયન તો અદ્ભુત હતું જ, એ ગીત લખ્યા પણ તેણે પોતે જ હતાં અને એક ‘સ્ટાર’માં હોવો જોઈએ તેટલો કૅરીઝ્મા (charisma) પણ તેનામાં હતો એટલે એ આરામથી કલાકો સુધી ઑડિયન્સને જકડી રાખવા સક્ષમ હતી. તેનાં અકંપનીઇસ્ટ પણ, ખૂબ સારા હતા જેમાં, એક હતો ગિટારિસ્ટ અને એક સાક્સોફોન પ્લેયર. સાક્સોફોન પ્લેયરે બે-ત્રણ વખત વચ્ચે સોલો વગાડ્યું ત્યારે એ પણ છવાઈ ગયો હતો. અમે નસીબદાર હતા કે, બરાબર એવાં સમયે પહોંચ્યા હતા જયારે અમને ત્યાં આગળ ઊભા રહેવા મળ્યું. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે ત્યાં ઊભા પણ રહેવાની જગ્યા નહોતી રહી એટલી ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.

સ્પૉટેડ કૅટનું મ્યુઝિક સારું હતું તો પણ ત્યાંનાં હાઈ વોલ્યુમથી હું થોડી કંટાળી હતી એટલે મારી ઈચ્છા હતી અકૂઝ્ટિક જૅઝ સાંભળવાની. ત્યાં પાસે જ અમને એક રેસ્ટ્રોં દેખાયું, બહારથી જ મને દેખાઈ ગયું કે, ત્યાં ‘ચેલો’ વાગી રહ્યો હતો અને કોઈ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક ઈકવિપમેન્ટ નહોતા દેખાતા એટલે લાગ્યું કે, ત્યાં અકૂઝટિક મ્યુઝિક જ વાગતું હોવું જોઈએ. મેં ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને બાકીનાં બેને પણ બહારથી એ જગ્યા ગમી એટલે અમે અંદર ગયા.
અંદર ખરેખર ધાર્યું તે જ પ્રકારનું વાતાવરણ નીકળ્યું. ઘણા લોકો ત્યાં ડિનર કરી રહ્યા હતા અને બૅકગ્રાઉન્ડમાં ધીમે ધીમે મ્યુઝિક વાગી રહ્યું હતું. અમારા જેવા કેટલાક જે, ફક્ત સંગીત માણવા માટે આવ્યા હતા એ બધા ત્યાંનાં બાર-કાઉન્ટર પર અને પાછળનાં ભાગમાં હાઈ-ચેર્સ પર બેઠા હતા.

મારાં કૉકટેઇલનો ગ્લાસ ખૂબ મોટો હતો અને તે સ્ટ્રોંગ પણ હતું એટલે અમે આરામથી અડધી પોણી કલાક સુધી સંગીત માણતા, ધીમે ધીમે એ પીતા રહ્યા. અહીંથી નીકળીને આગળ કોઈ નવાં મ્યુઝિક હૉલમાં જવાની ખાસ ઈચ્છા નહોતી રહી અને કોઈક સારી જગ્યાએ પેટ ભરાય તેવું જમવું હતું એટલે અમે નવ વાગ્યા આસપાસ ત્યાંથી નીકળી ગયા. મારું કૉકટેઈલ ઘણું બચ્યું હતું એટલે હું એ છોડીને બહાર નીકળવાની વાત કરી રહી હતી ત્યાં તો બારટેન્ડરે મને પૂછ્યું ‘Do you want a to-go cup?’
અચાનક મને યાદ આવ્યું કે, ન્યુ ઓર્લીન્સ એક એવું શહેર છે જ્યાં શરાબ પ્લાસ્ટિકનાં ટુ-ગો કપમાં ભરીને, રસ્તા પર ચાલતા ચાલતા, કૉફીની જેમ પી શકાય છે! એ અનુભવ મેં કોઈનોર્મલ શહેરમાં કર્યો નહોતો (લાસ વેગસને હું ‘નૉર્મલ’ નથી ગણતી) એટલે મેં બહુ ઉત્સાહપૂર્વક ટુ-ગો કપમાં મારું બાકીનું કૉકટેઇલ ભર્યું અને રેસ્ટ્રોં સુધી ચાલતા ચાલતા આરામથી પીધું.
એ રાત્રે અમે ‘મોનાલીસા’ નામનાં એક રેસ્ટ્રોંમાં જમવાનું નક્કી કર્યું હતું કારણ કે, ઇટાલિયન ફૂડમાં લગભગ વૅજિટેરીયન વૅરાયટી મળી જ રહે.
મારું ડ્રિંક હજુ પણ પૂરું નહોતું થયું એટલે મેં વિચાર્યું હતું કે, રેસ્ટ્રોંમાં અંદર જતા પહેલા કદાચ ત્યાં બાજુમાં કોઈ ડસ્ટ-બિનમાં એ ગ્લાસ ફેંકવો પડશે. પણ, ત્યાંનાં મૅનૅજરે અંદર મારો કપ લાવવાની પરવાનગી આપી! હું એટલી ખુશ હતી કે, ન પૂછો વાત! એ મૅનૅજર બહુ વાતોડિયો હતો એટલે તેણે અમને પૂછ્યું પણ ખરું કે, આ ટુ-ગો કપ માટે આટલી ખુશ છે ને?! અમે હા પાડી અને તેની સાથે થોડી વાત કરી. એ લગભગ પચાસથી વધારે ઉંમરનો હોવો જોઈએ એવું મેં ધાર્યું. તેણે અમને પૂછ્યું અમે ક્યાંથી આવ્યા હતા અને પોતાનાં વિષે અમને જણાવતા કહ્યું કે, એ સાન ફ્રાન્સિસ્કોમાં પંદરેક વર્ષ રહી ચૂક્યો હતો અને પછી ત્યાં રહેવાનું ન પોસાવાને કારણે ત્યાંથી જતો રહ્યો હતો. અમને લાગ્યું બે-પાંચ વર્ષ પહેલા છોડ્યું હશે. તેણે 1990માં છોડ્યું હતું! તેનાં પરથી મને સમજાયું કે, તેની ઉંમર પચાસ નહીં, પાંસઠથી પણ વધુ હોવી જોઈએ!બીજું એ કે, સાન ફ્રાન્સિસ્કોનું બાકીનાં અમૅરિકા કરતા ઊંચું કૉસ્ટ-ઑફ-લિવિંગ કૈં નવી વાત નથી અને પેઢીઓથી લોકો ત્યાંની મોંઘવારીનાં કારણે શહેર છોડતા રહ્યા છે.
મોનાલીસાનું ડેકોર ખૂબ રમૂજી અને કલાત્મક હતું. આખા રેસ્ટ્રોંમાં બધી જ દીવાલો પર દા વિન્ચીનાં પ્રખ્યાત – ‘મોનાલીસા’ પેઇન્ટિંગનાં અનેક વેરિયેશન લગાવવામાં આવ્યા હતા. નીચે જુઓ તેમાંની બે દીવાલોનો ફોટો.


પેઇન્ટિંગનાં એક વેરિયેશનમાં મોનાલીસાનાં ધડ પર પેલા મૅનૅજરનું મોં લગાવવામાં આવ્યું હતું એટલે અમે જાણ્યું કે, એ કદાચ આ રેસ્ટ્રોંનો મૅનૅજર નહીં પણ, માલિક હતો. એ ઉપરાંત, ઉપરનાં ફોટોમાં જે વૃદ્ધ ગોરો માણસ દેખાય છે એ પણ મજાનો હતો. એ અને બીજો એક ગોરો અમૅરિકન અમારી બરાબર બાજુનાં ટેબલ પર બેઠા હતા. માલિક અમારી સાથે વાત કરીને ગયો પછી એ બંને અમારી સાથે વાતો કરવા લાગ્યા હતા.
એ બંને વૃદ્ધો અમૅરિકાનાં અલગ અલગ શહેરોમાંથી હતા અને બંને રિટાયર્ડ હતા. એકે આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હતું અને બીજાએ સામાન્ય ઑફિસ જૉબ. ન્યુ ઓર્લીન્સ ખૂબ સુંદર અને પ્રમાણમાં સસ્તું હોવાનાં કારણે તેમણે પોતાની પાછલી જિંદગી જીવવા માટે આ શહેર પર પોતાની પસંદગી ઊતારી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું નહોતું પણ, તેમની વાત પરથી લાગતું હતું કે, એ બંને પાર્ટનર્સ હતાં. અમે તેમની સાથે ન્યુ ઓર્લીન્સનાં અમારા અનુભવ, અમારી પસંદ-નાપસંદ વગેરે વિષે અઢળક વાતો કરી હતી.
તેમાંની ફક્ત બે વાતો મને હવે યાદ છે. એક એ કે, મેં તેમને નૅટફ્લિક્સ પર ‘ક્રાઉન’ જોવાની ભલામણ કરી હતી અને બીજી એક કે, તેમણે અમને ન્યૂ ઓર્લીન્સનાં આર્કિટેક્ચર વિષે અદ્ભુત માહિતી આપી હતી. તેમણે જ અમને કહ્યું હતું કે, ન્યુ ઓર્લીન્સનું આર્કિટેક્ચર ફક્ત ફ્રેન્ચ નહીં પણ, ફ્રેન્ચ અને સ્પૅનિશ મિક્સ છે. તેમણે અમને કહ્યું હતું કે, એ શહેરમાં અમને ઠેર-ઠેર શૉટગન હાઉઝિઝ જોવા મળશે. અમે તો ‘શૉટગન હાઉઝ’ શબ્દ પણ પહેલી વખત સાંભળ્યો હતો એટલે તેમણે અમને સમજાવ્યું હતું કે, ‘શૉટગન હાઉઝ’ એટલે એવું ઘર જ્યાં, તમે પ્રવેશદ્વાર પર ઊભા રહીને પિસ્તોલની એક ગોળી છોડો તો એ ક્યાંય પણ, કોઈ પણ દીવાલ સાથે અથડાયા વિના પાછળનાં ભાગે સીધી ઘરની બહાર નીકળી જાય. આ ઘરોમાં એક રુમની પાછળ બીજો રુમ એ રીતનું બાંધકામ હોય છે અને બાજુ-બાજુમાં એક પણ રુમ હોતા નથી. તેનું કારણ તેમણે અમને એવું કહ્યું હતું કે, એક સમયમાં ન્યુ ઓર્લીન્સમાં જેટલા રુમ રસ્તા પર પડતા હોય તેટલો હાઉઝિંગ ટૅક્સ ભરવો પડતો એટલે વધુ ટૅક્સ ન ભરવો પડે એ માટે લોકો એવાં ઘર બાંધતા જેમાં, શેરીને અડીને ફક્ત એક જ રૂમ હોય અને બાકીનાં રુમ પાછળની તરફ હોય. આમ, લોકોનાં ઘર પહોળાં ઓછાં અને લાંબાં વધુ બનતાં અને આવી શૈલીનાં ઘર ન્યુ ઓર્લીન્સમાં આજની તારીખે પણ અસંખ્ય છે!
અમને એકબીજાની સાથે વાત કરવાની એટલી મજા આવી હતી કે, અમારું જમવાનું આવી ગયા પછી પણ અમે તેમની વાત કરતા રહ્યા હતા. એ લોકોનું જમવાનું લગભગ પતી ગયું હતું એટલે તેમણે અમને અમારું જમવાનું શરુ કરવાની ભલામણ કરી અને અમારું જમવાનું ઠંડું પડી ગયું હશે એ માટે ‘સૉરી’ પણ કહ્યું, જે કહેવાની તેમને બિલકુલ જરૂર નહોતી કારણ કે, અમને તો તેમની સાથે વાત કરીને મજા જ આવી હતી! અમે તેમને એ કહ્યું પણ ખરું. અમે જમતા હતા ત્યારે એ લોકો ઊઠીને ચાલ્યા ગયા અને અમે પતાવ્યું ત્યારે રેસ્ટ્રોંમાં અમારા સિવાય ફક્ત વેઇટર્સ બચ્યા હતા, બાકી આખું રેસ્ટ્રોં ખાલી. અમે બિલ મંગાવ્યું ત્યારે વેઈટ્રેસે અમને જણાવ્યું કે, અમારું બિલ ચૂકવાઈ ગયું હતું. પેલા બે વૃદ્ધો પોતાનું જમવાનું પતાવીને ગયા ત્યારે તેમણે રેસ્ટ્રોંનાં માલિક સાથે વાત કરીને અમારું બિલ પણ સૅટલ કરી દીધું હતું!
અમે માની જ ન શક્યા! આવું કોઈ કેમ કરે! અમે તો તેમનાં માટે બિલકુલ અજાણ્યા હતા! પછી દુઃખ પણ થયું કે, અમે તેમને મળીને તેમને ‘થૅન્ક યુ’ પણ નહીં શકીએ. રેસ્ટ્રોંથી ઘર સુધી ચાલતા, આખા રસ્તે અમે તર્ક લડાવતા રહ્યા, તેમણે કેમ અમારા માટે આવું કર્યું હશે?