રાજસ્થાન રોડ ટ્રિપ – ૪

ભારત, રાજસ્થાન

પછીનાં દિવસે સવારે આનંદ અને હું સૌથી મોડાં ઊંઘવા છતાંયે સૌથી પહેલાં ઊઠીને અમારા ટેન્ટનાં ઓટલા પર બેઠા કૉફી પીતા હતાં. કંઈ વાત કરવાની જરૂર હતી નહીં એટલી શાંતિ હતી કારણ કે, કંઈ વાત કરવા જેટલું વિચારવાનો કે બોલવાનો નહોતો મૂડ કે નહોતી ત્રેવડ. શાંતિથી મારું ગરમ પીણું પીવાનું મન હતું અને એ સમજીને મને હેરાન ન કરે તેવા સાથી હોવાનું સુખ હતું. પિન્કી આન્ટીને કદાચ આગલી રાત વિશે ખાસ બહુ કંઈ યાદ નહોતું. પેલા ચાર છોકરાઓ (જેમાંનો એક હતો આદિત્ય સિંઘ) સૌથી પહેલાં નીકળ્યા બિકાનેર જવા માટે. પછી સવારની ભાગ-દોડમાં અમે  પેલા આન્ટી-અંકલનાં ગ્રૂપને પણ જતું જોયું. મિયા અને અમારી ચોથી સાથીનાં ઊઠ્યા પછી અમે ચારે સાથે નાસ્તો કર્યો અને મુન્નાભાઈ સાથે જેસલમેર તરફ પાછાં ફર્યા. રણની કડકડતી ઠંડી અમને અમારા બધી તરફથી પેક એવા ટેન્ટમાં બે બ્લેન્કેટની નીચે ઊંઘ્યા હોવા છતાં પણ લાગી હતી. આખી રાત સ્કોચ પીવા છતાં હેન્ગ-ઓવર જેવું ખાસ કંઈ હતું નહીં. જેસલમેરમાં સવારે થોડું ફર્યા પછી અમે અજમેર તરફ રવાના થયા. બપોરનો સમય તો લગભગ મિયા સાથે હવે આગળ શું કરવું છે તે વિચારતા ગયો. મિયા પહેલી વાર ભારત આવી હતી એટલે તેને તાજ મહેલ જોવો હતો તેવું તેણે મને બહુ શરૂઆતમાં કહ્યું હતું. જો તાજ મહેલ જ જોવો હોય તો જયપુર જવું અને ત્યાં બે-ત્રણ દિવસ રહેવું વ્યાજબી હતું. પણ, આનંદ અને અમારી ચોથી મિત્ર અમારી સાથે રહી શકે તેવી શક્યતા નહોતી કારણ કે, તેમનાં માટે કોલેજ પાછા ફરવું બહુ જરૂરી હતું. વધુ રજા પળાય તેમ નહોતી. વળી, તે દિવસથી એક અઠવાડિયામાં મારું રાજકોટ પહોંચવું પણ જરૂરી હતું કારણ કે, એક મિત્રનાં લગ્ન હતાં અને મિયાને ઇન્ડિયન વેડિંગનો પણ અનુભવ લેવો હતો. મેં તેનાં પર છોડ્યું હતું અને કંઈ નક્કી નહોતું થતું.

આટલા દિવસ પાછળ બેઠા પછી મને આગળની ડ્રાઈવર પાસેની સીટમાં બેસવાનું મન થયું અને આનંદે મારી જિદ્દ માનીને પાછળ મારી જગ્યાએ બેસવાનું રાખ્યું. પણ, થોડી વાર પછી વાતાવરણ બહુ વિચિત્ર થઇ ગયું. બિચારા મુન્નાભાઈને માટે કોઈ કંપની ન રહી. મિયા અને આનંદ પણ કંઈ તેટલા સારા ભળ્યા નહોતા એટલે અંતે બધાં કંટાળતા હતાં અને તે જોઇને મને પણ કંટાળો આવતો હતો. એ જોઇને થોડી વાર પછી મેં મારી જિદ્દ પડતી મૂકી અને ફરી બધાં પોતપોતાની જગ્યાએ ગોઠવાયા. સાંજ ઢળી પણ કોઈને કંઈ ખાવાની ઈચ્છા નહોતી. અમને ત્રણે છોકરીઓને જરા પણ ભૂખ નહોતી. આનંદ અને મુન્નાભાઈએ થોડી ચા પીધી અને અમે અજમેર તરફ આગળ જવાનું ચાલુ રાખ્યું. તેમણે જ્યાં ચા પીધી તે જગ્યાની આસપાસ થોડા પેટ્રોલપંપ વગેરે હતાં પણ પછી ઉજ્જડ રસ્તો શરુ થતો હતો. માઈલો સુધી ડાબે જમણે ગમે ત્યાં નજર કરો ત્યાં કંઈ જ ન દેખાય. તમારી ગાડીની હેડલાઈટ, થોડી વારે કદાચ એકાદું એકલું અટૂલું વાહન અને બાકી આકાશનાં તારા! થોડી વાર પછી વળી તારા પણ દેખાતા બંધ થયા. બંને બાજુએ લાંબા ઝાડની હારોએ બહાર આસાનીથી દેખાતાં તારાને ઢાંકી દીધાં.

આવામાં અચાનક ક્યાંકથી અજમેર શરીફની દરગાહ અને તેનાં વિશેની પ્રચલિત માન્યતાઓની વાત શરુ થઇ. તેમાંથી જ વળી આડે-સીધે રસ્તે ફંટાતી વાતો ધર્મ અને ધાર્મિકતા પર પહોંચી અને પછી આનંદ અને મિયાની કલાકોની ચર્ચા શરુ થઇ. મિયાનો ક્રિશ્ચન મત અને આનંદનો એગ્નોસ્ટિક મત પોતપોતાનો કક્કો ખરો કરવાનાં જબરા પ્રયત્નમાં હતાં. તેમાં વળી ક્યારેક હું પણ અંદર ઘસડાતી અને બહાર આવતી. ખાસ તો એટલા માટે કે, અમુક અમુક વખતે હું બંને માટે ટ્રાન્સલેટર હતી. એ આખી ચર્ચા ગજબ અકળાવનારી હતી. વેરાન અંધારા રસ્તા પર, જ્યારે તમે એક હાઈપ્ડ સ્પિરિચ્યુઅલ જગ્યા પર જતા હો અને મિત્રોથી છૂટા પડવાનો સમય નજીક આવતો જતો હોય ત્યારે મારાં જેવી વ્યક્તિનાં મગજમાં આ ચર્ચા કોઈ રીતે બેસતી નહોતી. વળી, બંને જે સબ્જેક્ટ મેટર એક્સપર્ટની જેમ દલીલો પર દલીલો કર્યે જતાં હતાં એ મને વધુ અકળાવતું હતું. મિયા સાથે દલીલ કરવી એ દીવાલ સાથે માથું ફોડવા જેવું હતું. એટ લીસ્ટ આનંદની દલીલો થોડી ઘણી પણ તાર્કિક હતી અને મિયા જે કહે તે એ ખુલ્લા મને સાંભળતો હતો. એટલું વળી સારું હતું કે, આનંદને હું ગુજરાતીમાં કંઈ પણ કહી શકતી હતી અને તે સાંભળીને મિયા મારી સાથે દલીલ કરવા બેસે તેની કોઈ શક્યતાઓ નહોતી.

અંતે બધાં થાક્યા. થોડી ઊંઘ કરી અને વહેલું આવ્યું અજમેર. મુન્નાભાઈનું કહેવું હતું કે, અમે પુષ્કરમાં રહીએ. પણ, બીજા દિવસે સવારે અમે આમ પણ અજમેર શરીફ જઈને ઉદયપુર પાછા જ ફરવાનાં હતાં એટલે અમારો એવો આગ્રહ હતો કે, અમે અજમેરમાં જ કોઈ હોટેલમાં રહીએ. અમારા આગ્રહને માન આપીને તેમણે અમને અમુક હોટેલ બતાવી પણ અંતે અમને ભાન પડી કે, મુન્નાભાઈની વાત સાચી હતી અને પુષ્કર તરફ અમે ફર્યાં. સૌથી પહેલાં તો પુષ્કરનાં એ ચડાણવાળાં રસ્તા સાથે જ અમે બધાં પ્રેમમાં પડી ગયા. એક જગ્યાએ ગાડી રોકીને અમે ઊંચાઈએથી અજમેરની ‘સિટી લાઈટ્સ’ જોઈ. મુન્નાભાઈ અમને ફરી એક જૂની હવેલીને રિનોવેટ કરીને બનાવેલી હોટેલમાં લઇ ગયાં. પણ, એ હોટેલ અમે રહ્યા હતાં તેમાંની સૌથી સારી હોટેલ હતી. એ હવેલીની વાત જ કંઈક જૂદી હતી. એ જોઇને આનંદ અને મારાં મગજમાં એક જ વિચાર આવ્યો કે, પહેલેથી મુન્નાભાઈની વાત માનવાની જરૂર હતી. જો એમ કર્યું હોત તો અત્યાર સુધીમાં જમીને પરવારી પણ ગયા હોત. એ હવેલીની કોમન એરિયાની બધી જ દીવાલો પર રાજસ્થાની શૈલીથી પેઇન્ટિંગ કરેલાં હતાં. રૂમ એકદમ મોટાં અને દરેક રૂમમાંથી એક બારી વચ્ચેનાં ચોગાનમાં ખુલતી હતી. દરેક રૂમ પર જૂની ઢબની સાંકળ અને મોટાં તાળા હતાં. પહેલા ત્રણ માળ રૂમ અને ઉપર ટેરેસ-રેસ્ટોરાં. તેમાંય વળી ભારતીય બેઠક અને નાના નાના પર્સનલ એરિયા જેવી ગોળાકાર ગોઠવણ.

રાત્રે દસ વાગ્યે રસોઈયાને ઊઠાડીને એ દિવસે અમે એ આખી ટ્રિપનું સૌથી સ્વાદિષ્ટ જમણ જમ્યા. (માઈન્ડ વેલ, અમે રાજસ્થાનમાં હતાં અને દરેક જગ્યાએ જમવાનું આઉટ ઓફ ધ વર્લ્ડ હતું! અને તેમાં આ સૌથી સારું હતું) એ રાત્રે મુન્નાભાઈ પાસે કોઈ દારૂ નહોતો અને તેઓ દારૂનાં બંધાણી હતાં જે મને ખબર નહોતી. વળી, અજમેર કે પુષ્કર ક્યાંય તેમને એ સમયે દારૂ મળે તેમ નહોતું. એટલે, જયે અમારી વોડ્કાની પોણી ભરેલી બોટલ તેમને આપી અને તેમનો ‘હેપી આર’ પૂરો કરાવ્યો. એ દરમિયાન અમે છોકરીઓએ સાથે ઉપર આગાસીમાં બેસવાનું નક્કી કર્યું. થોડી વાર પછી મિયા નીચે રૂમમાં ગઈ. અમે નીચે પાછા ફર્યાં ત્યાં સુધીમાં આનંદ અને મિયા બંને ઊંઘી ચૂક્યા હતાં. અમે પણ ઊંઘ્યા અને મોડું મોડું પડ્યું સવાર! અમે તૈયાર થઈને નાસ્તો કરીને સીધા અજમેર શરીફ ગયાં. હવે એ જગ્યાનો પ્રભાવ કહો કે, પછી ત્યાં આસપાસની ગરીબી અને લોકોની દારુણ પરિસ્થિતિ કે મારી એ સમયની મનઃસ્થિતિ. કારણ ગમે તો હોય મારું મન ખૂબ ઉદાસ થવા લાગ્યું અને અંદર જતાં સુધીમાં તો હું હીબકે હીબકે રડવા લાગી. ત્યાં અમે એટલો સમય લીધો કે, પછી તો જો રાત સુધીમાં ચિત્તોડ ગઢ જોઇને ઉદયપુર પહોંચવું હોય તો ક્યાંય બીજે જઈ ન શકાય. અમે સીધા ત્યાંથી ચિત્તોડ તરફ રવાના થયાં.

ચિત્તોડમાં મુન્નાભાઈએ એક કલાકમાં પાછા ફરવા કહ્યું હતું પણ ત્યાં પણ અમે અઢી-ત્રણ કલાકે પાછા ફર્યાં – એ મારાં પ્રતાપે! ત્યાં ચિત્તોડમાં કિલ્લાની આસપાસ આમ તેમ રખડતા બધાં ફોટા પાડતા હતાં ત્યારે અમને એક ઈન્ટરેસ્ટિંગ સીડી નજરે પડી અને તેનાં બીજા છેડે તાળું લગાવેલો એક દરવાજો હતો. અમે તે જગ્યાની આસપાસ ફરતાં હતાં તેવામાં એક માજી આવ્યાં. તેમની સાથે હું વાતો કરવા લાગી. તેમનું નામ અણછી (‘શ’ અને ‘છ’ વચ્ચેનો ઉચ્ચાર) હતું.  તેઓ અમને એ તાળાવાળાં દરવાજાની પેલે પાર લઇ ગયાં. તેમની પાસે ચાવી હતી. એ નાનું ઘર પણ અદ્ભુત હતું. એ ઘર ઉપર જેટલું દેખાતું હતું તેનાંથી બમણું અંદર હતું. ત્યાં કોઈ રહેતું નહોતું. ફક્ત એ બાઈ અને તેમનાં પૌત્રો સંધ્યા આરતી કરવા રોજ આવતાં. તેનાં કેટલાંક ઓરડાઓમાં તો ચામાચીડિયા રહેતાં હતાં. અમે પણ આરતી થયા સુધી ત્યાં રહ્યાં અને મોડા મોડા પાછા ફર્યાં.

બિચારા મુન્નાભાઈ અમારી રાહ જોઇને થાક્યા હતાં. ત્યાંથી નીકળ્યા પછી ઉદયપુર પહોંચીને અમદાવાદની સૌથી પહેલી બસ અમે પકડવાનાં હતાં. રસ્તામાં અચાનક અમને એક બોટલશોપ નજરે પડી. અને અમે ચારે માટે કિંગફિશર પ્રીમિયમની ૭૫૦ મિલીની એક એક એવી અમારા ચારે માટે ચાર બોટલ લીધી. પછી તો દરેક ચેક પોસ્ટ પર તેને પગ વચ્ચે છૂપાવવાનો વગેરે ઘટનાક્રમ ચાલ્યો. ઉદયપુર પહોંચ્યા પછી ગાડીમાંથી ઉતરવાથી માંડીને અમદાવાદની બસ પકડવા સુધીનાં સમયગાળા વિશે મને કંઈ જ યાદ નથી. અમે મુન્નાભાઈ સાથે બે ગ્રૂપ ફોટા પાડ્યા હતાં તેટલું યાદ છે બસ. એ સમયગાળો કેટલો હતો એ પણ યાદ નથી. બસ એટલું યાદ છે કે, રાત્રે અગ્યાર વાગ્યે મેં મારાં એક બહુ ખાસ મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, “હું અને મારી એક મિત્ર કાલે સવારે પાંચ વાગ્યે વિદ્યાનગર આવીએ છીએ અમારી રહેવાની કોઈ વ્યવસ્થા કરી દે”. અને અમારા એ મિત્રએ તે વ્યવસ્થા કરી પણ ખરી. પાંચ વાગ્યે અમે જ્યારે વિદ્યાનગર પહોંચ્યા ત્યારે એ અમને બસ સ્ટેન્ડ પર લેવા આવ્યો હતો.


આફ્ટરમેથ:

વિદ્યાનગર પછી અમે રાજકોટ ગયા. એ એક મહિનામાં મિયા ગુજરાતીમાં ઘણું બોલતાં શીખી હતી. જેમ કે, “બંધ છે” “આવ આવ” “જાવા દે” વગેરે. “ઘેટું” બોલાવવાનાં અમારી ચોથી મિત્રનાં તમામ પ્રયત્નો સતત નિષ્ફળ ગયાં અને એ દરેક પ્રયત્ન પર અમે ખૂબ હસ્યા. કહે છે કે, Travelling together either makes it or breaks it. હું અને આનંદ વધુ સારા મિત્રો બન્યા અને તેનાંથી તદ્દન ઊલટું મિયાનું મોં પણ મને અકળાવવા લાગ્યું. હું સતત આનંદને કહ્યા કરતી કે, મિયાને મારી સાથે લાવવી એ મને ભૂલ જેવું લાગ્યા કરે છે. તેનાં મારાં પરિવાર તરફનાં ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ વાળાં એટીટ્યુડે તો મને કલ્પનાની બહાર અકળાવી હતી. ભારતથી પાછા ફર્યા પછી મિયા અને હું બિલકુલ સંપર્કમાં નથી અને આવીએ તેવી મારી કોઈ ઈચ્છા પણ નથી. મારા પર્થ પાછા ફર્યા પછીનાં લગભગ પાંચ દિવસ પછી આનંદ અને હું બહુ ઝગડ્યા. ગયા વર્ષનાં અંત સુધીમાં એ મારી ‘જ્યારે હું નાની હતી ત્યારે …’ વાળી વાર્તાઓનો એક ભાગ બનીને રહી જશે તેવી ખાતરી મને થઇ ચુકી હતી. મેં લગભગ તેનાં નામનું નાહી નાંખ્યું હતું. પણ, અમારા સદભાગ્યે લગભગ એક મહિના પહેલા અમે ફરી પાછા સંપર્કમાં આવ્યાં. શરૂઆતમાં બધું બહુ વિચિત્ર હતું. પણ, પછી જેમ વધુ વાત કરી તેમ જાણ્યું કે, એ એક વર્ષમાં અમે મોટાં થયા હતાં અને અંતે અમારી મિત્રતાની કિમત અમે અમારા મતભેદો કરતાં વધુ આંકી હતી. મને એ વાતની ખુશી છે કે, અમે એ સમજવા જેટલા મોટા થયાં!

રાજસ્થાન રોડ ટ્રિપ – ૩

ભારત, રાજસ્થાન

રાણકપુરથી જેસલમેર પહોંચતા રાત થઇ ગઈ હતી. લગભગ ૧૦ વાગ્યે અમે જેસલમેર પહોંચ્યા. ડ્રાઈવર અમને સીધો જ પોતાની એક જાણીતી હોટેલ પર લઈ ગયો. ઉદયપુરની હોટેલની જેમ જ એકદમ વ્યવસ્થિત , જૂની હવેલીને રેનોવેટ કરીને બનાવેલી હોટેલ હતી. રૂમ ઓછાં પણ બહુ સુંદર અને અમારા રૂમ ઉપરનાં માળે અગાસી. એ હોટેલમાં ટેરેસ રેસ્ટોરાં હતું એટલે એ કડકડતી રેગિસ્તાનની ઠંડી રાત્રે તો અમે જમવાનું અમારા રૂમમાં જ મંગાવ્યું અને પછી આગલા દિવસની જેમ જ સ્કોચ. પણ, અમે બધાં બહુ થાકી ગયા હતાં અને પછીનાં દિવસે આખો દિવસ રખડીને રાત્રે કેમ્પિંગનો પ્લાન હતો એટલે અડધી કલાક જેટલા સમયમાં તો બધાં પોતપોતાનાં રૂમમાં જઈને ઘસઘસાટ ઊંઘી ગયા હતાં. બીજા દિવસે સવારે અમે ઊઠ્યા ત્યારે એકદમ ચોખ્ખું આકાશ અને બ્રાઈટ ડે હતો. ટિપિકલ શિયાળાની સવાર અને એ પણ રણમાં એટલે એકદમ જ મહેસૂસ થતી હતી. સવારનાં પ્રકાશમાં એ ટેરેસ રેસ્ટોરાં બહુ સુંદર લાગતું હતું. ત્યાં ટેબલ, કાઉચ, ખુરશી વગેરેનું નાનું પણ એકદમ કોઝી અરેન્જમેન્ટ હતું. એ હોટેલ પછી આગળ કોઈ પ્રકારનું કન્સ્ટ્રકશન નહોતું. અગાસીની પાળીએથી ત્રણ બાજુ ફક્ત રણ જ રણ દેખાય, સામે થોડી જૂની હવેલીઓનાં શિખર દેખાય અને પાછળ તરફ દૂર ક્ષિતિજ પર જૂનું સ્મશાનગૃહ. અગાસીની મુખ્ય રસ્તા પર પડતી બાજુએ, પાળી પર બે લાંબી ગાદીવાળી બેઠકો હતી અને તેનાં પર બેસીને આરામથી અગાસીની પાળીએ હાથ ટેકવી શકાય એવી ગોઠવણ હતી. સવારની રણની ઠંડીમાં સૂર્યપ્રકાશ પણ ત્યાં બેઠા સારી એવી હૂંફ આપતો હતો.

અમે ચારે નાસ્તો કરવા બેઠા ત્યારે એ પાળી પર એક ક્રોકેશિયન (વ્હાઈટ) છોકરી બેઠી હતી. અમે એકબીજાને ગ્રીટ કર્યું અને એકબીજા વિશે થોડું જાણ્યું. એ છોકરી ૧૯ વર્ષની હતી. તેનું નામ એમ્મા. તે એકલી ટ્રાવેલ કરી રહી હતી અને મેલબર્નથી આવી હતી. એ જાણ્યા પછી મારી, મિયા અને એમ્માની સંગત સારી એવી જામી હતી (ઓસ્ટ્રેલિયાની નવાજુની ખણખોદ કરવા બેઠાં!) . એ ભારતમાં આવ્યા પછી સૌથી પહેલા દિલ્લી લેન્ડ થઇ અને પછી જયપુરથી જેસલમેર આવી હતી. તેની પણ એક બહુ રસપ્રદ વાર્તા હતી. એમ્મા અને હું આજ સુધી સંપર્કમાં છીએ. એ હજુ પણ એટલી જ એડવેન્ચરસ છે. (ઇન ફેકટ આ લખું છું ત્યારે સાઈડ બાઈ સાઈડ તેની સાથે વાત પણ કરું છું) છેલ્લા એક વર્ષમાં તેને હું જે ઓળખું છું તેમાંથી ઓછામાં ઓછા છ મહિના તો મને યાદ છે કે, તે ટ્રાવેલ કરી રહી હતી. અમારી ઓળખાણ થયા પછી તે નોર્ધન ટેરીટરીમાં – ડાર્વિન શહેરમાં અને ઉલરુ માઉન્ટન વિસ્તારમાં અને ૩ મહિના જેવું સાઉથ અમેરિકા ફરી આવી છે.

અમે હોટેલથી લગભગ એક જ સમયે નીકળ્યા. પહેલા એક લોકલ એક વાંસળીવાદકનું ઘર જોયું. એ બહુ રસપ્રદ હતું કારણ કે, એ જાતે પોતાની વાંસળીઓ બનાવતા હતાં અને અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તે છીણીથી લાકડા પર કામ કરી રહ્યા હતાં. તેમનાં ઘર અને ઘરનાં ચોગાનમાં ઝાડ અને હીંચકા વગેરે બધું પેલા ગુજરાતીની ટેક્સ્ટ બૂકનાં આદર્શ ગામડાનાં ઘરનું જાણે જીવંત સ્વરૂપ જોઈ લો! ત્યાર પછી સમ રણ સુધી એમ્મા અને અમે સાથે હતાં. રણમાં અંદર સુધી અમે ત્યાંનાં લોકલ માણસો સાથે ઊંટ પર બેસીને ગયા. તેમની પરિસ્થિતિ અને મુશ્કેલીઓની વાતો ખૂબ કપરી હતી. (એ પણ એક બહુ લાંબી વાત છે) રણપ્રદેશનો સૌથી સુંદર અનુભવ મને જેસલમેરમાં થયો. ખાસ તો એટલા માટે કે, જેસલમેર નાનુ છે. મેં ત્યાં બહુ લોકો પણ નથી જોયાં. એ ગામનું એક કેરેક્ટર છે જે રાજસ્થાનનાં અન્ય મોટાં અને પ્રખ્યાત શહેરોમાં મને જોવા નથી મળ્યું. અન્ય સ્થળોનાં મહેલો અને તેની ઝાકઝમાળ બહુ સુંદર છે પણ એ શહેરો સાથે રીલેટ કરવું મુશ્કેલ છે. પણ, જેસલમેરમાં કંઇક એવું છે જે તમને પોતાનાં બનાવી લે છે. એ શહેરની હયાતિ બહુ પ્રસ્તુત અને સાચી લાગે છે, રાજસ્થાનનાં ટિપિકલ મહેલો-કિલ્લાઓના સર-રિયલ ફીલની અપેક્ષાએ તો ખરી જ.

મોડી બપોરે ત્યાંથી એમ્મા અને અમે છૂટા પડ્યાં. અમે લક્ઝરી કેમ્પ પર પસંદગી ઊતારી હતી. જ્યારે, એ ઓલરેડી ત્યાં જઈ આવી હતી અને તેણે તે દિવસ માટે સાદા રફ એન્ડ ટફ પ્રકારનાં કેમ્પ પર પસંદગી ઉતારી હતી. અમે અમારી કેમ્પ સાઈટ પર પહોંચ્યા ત્યારે એકદમ ટ્રેડીશનલ શૈલીમાં દરવાજા પર ઢોલ અને શરણાઈ વાગતાં હતાં અને ટ્રેડીશનલ રાજસ્થાની કપડાંમાં તૈયાર એક સ્ત્રી અને પુરુષ આદર્શ ભારતીય યજમાનની માફક મહેમાનોનાં કપાળ પર તિલક કરીને બધાનું સ્વાગત કરતા હતાં. ઠંડી વધવાની શરૂઆત થઇ હતી. કહ્યા મુજબ અમે અમારા કેમ્પ્સમાં ગયા. બહારથી તદ્દન સાદા લાગતા એ કેમ્પ્સ અંદરથી બહુ સુંદર હતાં. થોડું કાચું કામ કરીને ત્યાં ટોઇલેટ અને બાથરૂમની પણ વ્યવસ્થિત વ્યવસ્થા હતી. ડબલ બેડ, બે-ત્રણ બ્લેન્કેટ વગેરે બહુ સુંદર રીતે ગોઠવવામાં આવ્યું હતું. અમારા ત્યાં પહોંચ્યાનાં એકાદ કલાકમાં જ સાંજ બિલકુલ ઢળવા લાગી હતી. એ અંધકારમાં અમારા કેમ્પમાં રખાયેલા યેલો લેમ્પ બહુ સુંદર એમ્બિયન્સ ક્રિએટ કરતાં હતાં. સાડા સાત વાગ્યાથી કલ્ચરલ પ્રોગ્રામ શરુ થતાં હતાં ત્યારે અમને મધ્યમાં ચોગાનમાં આવવાનું કહેવામાં આવ્યું હતું.  એ ચોગાનની ફરતી બાજુ લંબગોળ આકારે પથરાયેલાં કેમ્પ હતાં અને બરાબર વચ્ચે કલ્ચરલ શો.

અમે અમારી પોણાથી પણ વધુ ભરેલી વોડ્કા અને પોણી ભરેલી બ્લેક લેબલની બોટલ લઈને બહાર ચોગાનમાં આવ્યાં. અમારી બાજુમાં એક વિચિત્ર ભાઈ હતાં. તેને આનંદ સાથે ભારે જામ્યું ‘તું. મને હજુ સુધી ખબર નથી પડી કે, એ લોકો વાત કરતાં ‘તા શું. એ ભાઈ પછી એક મોટું-બધું ૪૦-૫૦ વર્ષની આસપાસની ઉમરનાં અંકલ્સ અને આંટીઝનું ગ્રૂપ હતું. શરૂઆતમાં અમારા સહિત થોડાં લોકો ત્યાં હતાં અને ધીમે ધીમે વધુ આવતાં જતા હતાં. લોકલ સિંગર ભાઈ બહુ સરસ ગાતા હતાં. તેઓ રાજસ્થાની ફોક ગીત ગાતા હતાં અને વચ્ચે વચ્ચે થોડી ગઝલો ગાઈ રહ્યા હતાં. અમારો દારૂનો કાર્યક્રમ શરુ થઇ ચૂક્યો હતો. અમારી ચોથી મિત્રને તેની વોડ્કામાં રસ નહોતો એટલે અમે ત્રણે પહેલા તે પીવાનું નક્કી કર્યું. પણ, એક ગ્લાસ પછી કંઈ મજા ન આવી એટલે હું અને આનંદ અમારાં બ્લેક લેબલ તરફ વળ્યા. હું બહુ રસપૂર્વક પેલા ગાયકને સાંભળી રહી હતી અને થોડી વારે આનંદનાં સજેશનથી ત્યાં જઈને તેમની બરાબર પાછળ બેઠી પણ ખરી એટલે નજીકથી સાંભળી શકું. રાત જામવા લાગી હતી.  ડાન્સર આવી એટલે રાબેતા મુજબ તેનું પ્રોપર પરફોર્મન્સ પત્યા પછી બધાને વચ્ચે બોલાવીને ડાન્સ કરવા લાગી અને આપણે કોઈ પણ જાતનો શેહ-શરમ-સંકોચ રાખ્યા વિના ઊભા થઇ ગયા. અમારી ચોથી મિત્ર થોડી વાર પછી અંદર પોતાનાં કેમ્પમાં ચાલી ગઈ. હું અને મિયા ડાન્સ કરવામાં મસ્ત હતાં. ત્યાં તે કહે “પ્રિમા! સિક્સ ઓ કલોક” એ બોલી ત્યારે મને કશું સમજાયું નહીં. પણ, અમે ડાન્સ કરતાં હતાં એ કરતાં રહ્યા. થોડી વાર પછી આમ તેમ આગળ પાછળ ફરતા મારું ધ્યાન પાછળ ગયું. ૪ છોકરાઓ બેઠા હતાં ત્યાં અને તેમાંનો એક જે અમારી બરાબર પાછળ હતો એ હોટ હતો. મારું ધ્યાન પડતાં જ મેં મિયાને કહ્યું. તેણે કપાળ કૂટ્યું. પછી મને લાઈટ થઇ. થ્રી ઓ કલોક એટલે જમણી બાજુ, નાઈન એટલે ડાબી, ટ્વેલ્વ એટલે સામે અને સિકસ એટલે પાછળ કંઈક/કોઈક જોવા જેવું છે ;) પછી અમે હસ્યા અને ફરીથી અમારા ડાન્સમાં મશગુલ!

ડાન્સ વગેરે પતવા આવ્યા એટલે સામે અંકલ-આંટીઝવાળાં ગ્રૂપમાંથી કોઈકે પેલા ગાયક ભાઈને કોઈ એક ગઝલ ગાવા માટે રિક્વેસ્ટ કરી. તેમને નહોતી આવડતી એટલે મને ‘ચુપકે ચુપકે રાત દિન’ યાદ આવી. ગાયક ભાઈને એ આવડતી હતી, તેમણે ગઈ અને ત્યાર પછી તેમણે થોડો બ્રેક લીધો. સાડા આઠ જેવું થયું હતું અને જમવાનું તૈયાર હતું. એ દરમિયાન એક આંટી મારી સાથે વાતો કરવા લાગ્યા. તેમને મારામાં રસ પડ્યો કારણ કે, મને તેમનાં રસનાં સંગીતમાં રસ હતો! જમીને હું તરત પાછી ફરી અને ત્યાર પછી એ આંટી ફરીથી મારી સાથે વાત કરવા લાગ્યા અને ધીમે ધીમે બીજા બધાં અંકલ અને આંટી પણ મારી સાથે વાતો કરવા લાગ્યા. એ પંજાબી ગ્રૂપ હતું. ચંડીગઢથી એક બસ હાયર કરીને બધાં ફરવા નીકળ્યા હતાં. અને લગભગ બધાં જ ડોકટર હતાં. બહુ મજાનાં માણસો હતાં! તેમને આશ્ચર્ય થતું હતું કે, અમારી જેનરેશનમાંથી પણ લોકોને સૂફી/ફોક/ગઝલ પ્રકારનાં સંગીતમાં રસ છે અને થોડી ઘણી જાણકારી પણ છે. અમુક ગીતો, શેર, નઝમો જે મને યાદ હતાં એ તેમને નહોતા આવડતાં એટલે એ બધાં બહુ આશ્ચર્યચકિત હતાં. પછી તો તેમણે એક પર્ટિક્યુલર અંકલ સાથે મારી ઓળખાણ કરાવી. એ અંકલ અને મેં મહેફિલ જમાવી. અને રાત વધુ ને વધુ જામતી ગઈ. તેઓને એ પણ માનવામાં નહોતું આવતું કે, હું ગુજરાતી છું અને છેલ્લા ૩ વર્ષથી હિન્દુસ્તાનની બહાર રહું છું. મને એમની કંપની ખૂબ ગમી હતી. આ શરુ થયા પછી તો મિયા પણ સ્વાભાવિક રીતે જ કંટાળીને ગઈ. હું અને આનંદ હતાં. તેને બિચારાને મેં એકલો મૂકી દીધો હતો. પણ, જો કે તેને ફરિયાદ નહોતી. મારું આ રૂપ તેણે પણ કયારેય નહોતું જોયું. તેને પણ મજા આવતી હતી.  જેમની સાથે વાત કરવાની શરુ કરી હતી એ પિન્કી આંટીએ તો ત્યાર પછી આખી રાત જાણે મારું ધ્યાન રાખ્યું. આરિફ લોહારની જુગની મારા ફોનમાં વગાડીને મેં એ આંટીઓ સાથે ડાન્સ કર્યો. એકાદ વાગ્યે બધાં થાક્યા અને કાર્યક્રમ સમાપ્ત થયો. બધાં પોતપોતાનાં કેમ્પ્સમાં જવા લાગ્યા હતાં.

હું અને આનંદ ત્યાર પછી પણ એકાદ કલાક જેવું અમારાં કેમ્પનાં ઓટલા પર બેસીને ગીતો સાંભળતા હતાં અને વાતોની મહેફિલ જમાવી હતી. કોઈ જ ગાંડાં વિસ્કીનાં શોટ્સ ન પીએ. એ રાત્રે મેં માર્યા હતાં! (વ્હિસ્કીનું બોટલ ટોપ એ અડધા શોટ બરાબર થાય.) જ્હોની વોકરની એ પોણી બોટલ અમારા બે વચ્ચે અમે એક રાતમાં ખાલી કરી હતી. બહુ યાદગાર રાત હતી એ. ત્યાર પછી ૨ વધુ દિવસો અને એક રાત પછી અમારી સફરનો અંત આવતો હતો. ૨૦ વધુ દિવસો અને હું ફરી પર્થ! અમને બંનેને એકબીજા જેવા ટ્રાવેલિંગ મેટ્સની ખોટ સાલવાની હતી. માર્ચમાં પાછા ગયા પછી મારી નવી જોબ શરુ થવાની હતી. તેનાં વિશે હું એકસાઇટેડ હતી. અમે તેની વાત કરતાં હતાં. દોઢ વર્ષમાં તેનું એન્જીનીયરીંગ પતવાનું હતું. છ મહિનામાં મારું બેચલર પતવાનું હતું. અમે નજીકનાં એક દોઢ વર્ષમાં શું શું કરશું તે બધી વાત કરતાં હતાં. સંગીતની વાત. અમારી દોસ્તીની વાત. ઘણાં ઓછા સમયમાં ઘણું બધું જીવી લેવાનું હતું. આ અમારી પહેલી ટ્રિપ હતી સાથે. ત્યાર પછી હું ભારત ક્યારે પાછી આવીશ અને કયા સંજોગોમાં આવીશ તેનું કંઈ નક્કી નહોતું. બહુ સુંદર મોમેન્ટ્સ હતી. સાથે બેસીને ત્રણ-ચાર કશ માર્યા હતાં. બહુ ઈમોશનલ પણ…

રાજસ્થાન રોડ ટ્રિપ – ૨

ભારત, રાજસ્થાન

અમદાવાદથી ઉદયપુરવાળા રસ્તા પર આબુ પછી એક જગ્યાએ હાઈ-વે પર આરામ માટે બસ રોકાઈ. સામે લાંબુલચક મેન્યુ હતું. પહેલા અમારું ધ્યાન બટેટા પૌંઆ પર ગયું અને અમે પૌઆ માંગ્યા. “પૌઆ નથી” “અમુલનું ચોકલેટ મિલ્ક?” “નથી” “ઉપમા?” “નથી” “તો છે શું?” “ચા, દૂધ, કોફી, ગાઠિયા અને કાચી સેન્ડવિચ ” તરત અમે ત્રણ એકબીજા સામે જોઇને હસ્યા. મિયા માટે ટ્રાન્સલેટ કર્યું ત્યારે એ પણ થોડું હસી. એય એક અજાયબી હતી! મારી સાથે ત્રણ સાવ અલગ સેન્સ ઓફ હ્યુમર વાળાં માણસો હતાં. ત્રણે એકદમ સતેજ અને એકદમ સ્પોનટેનિયાસ પણ પોતપોતાની રીતે. અમારા રાજકોટનાં મિત્રોની ટિપિકલ કાઠિયાવાડી (ઘણાં બધાં લોકલ કલ્ચરલ રેફરન્સીસવળી) સેન્સ ઓફ હ્યુમર અને મિયાની ઓસ્ટ્રેલિયન સેન્સ ઓફ હ્યુમર. વળી, એમાંય પાછું એવું હતું કે, રાજકોટવાળા બંનેને મિયાનાં કહેવાનું તાત્પર્ય થોડું સમજાવું એટલે તેમને સમજાઈ જાય પણ મિયાને આ બંને શું કહે છે અને એ જે કહે છે એ હાસ્યાસ્પદ શા માટે છે તે સમજાવવામાં આંખે રાતા પાણી આવે! જો કે, ઉદયપુર સુધી હું અને મિયા તો થાકને કારણે લગભગ ઊંઘમાં જ હતાં એટલે કોઈની બહુ વાતચીત નહોતી થઇ.

ઉદયપુર બસમાંથી ઉતરતાની સાથે રાબેતા મુજબ રિક્ષાવાળાઓએ લાઈન લગાવી અને આમેય અમને જગ્યાની કંઈ એવી બધી ખબર તો હતી નહીં એટલે અંતે એક રિક્ષાવાળાને પકડવાનો જ હતો. અમે અમારું વ્યક્તિનાં મોંનું જજમેન્ટ વાપરીને એક પર પસંદગી ઉતારી અને અમને સારી હોટેલ બતાવવાનું તેને કહ્યું. પહેલાં તેણે અમને બહુ વધુ પડતી લો બજેટ હોટેલ બતાવી અને અમને કોઈને કંઈ બહુ મજા ન આવી. પછી તેણે અમારો ટેસ્ટ જાણ્યો અને પોતાની સૂઝ વાપરીને એકદમ વેલ-મેઇન્ટેઇન્ડ અને વ્યવસ્થિત પણ નાની હવેલીઓને રેનોવેટ કરીને બનાવેલી હોટેલો બતાવી. અંતે અમે એક નાના પણ બહુ સુંદર વિસ્તાર પર પસંદગી ઉતારી. એ હોટેલ બરાબર લેકનાં કિનારે હતી. અમારા રૂમનાં બરાબર ઉપરનાં માળે અગાસી હતી. ત્યાં બેસીને બહાર જુઓ એટલે પાણી જ પાણી દેખાય. પાછળની તરફ એક સાંકડી ગલી, ડાબે એક બીજી હોટેલની અગાસી, સામે અને જમણે બસ પાણી જ પાણી!

પછી તો અમે એ આખા દિવસ માટે એ જ રિક્ષાવાળાને ભાડા પર રાખ્યો અને અમને ઉદયપુર ફેરવવા કહ્યું. બીજા દિવસે સવારે એ પોતાનાં કોઈ ઓળખીતા ટેક્સીવાળાને લઇ આવ્યો. અમે બધા ઓપ્શન્સ વિચારીને ભાવ-તાલ કરીને અંતે એક નિર્ણય પર આવ્યાં. ઉદયપુરથી કુંભલગઢ-રાણકપુર થઈને જેસલમેર, ત્યાંથી પુષ્કર-અજમેર અને ત્યાંથી ચિત્તોડગઢ થઈને પાછા ઉદયપુર. એ ડીલ પણ જોરદાર હતી. જે પૈસા લાગે તે ફક્ત રસ્તાનાં. પછી એ રસ્તા પર ફરવામાં તમે ૫ દિવસ લગાવો કે ૧૫ દિવસ એ તમારો પ્રશ્ન છે. આનો સૌથી મોટો ફાયદો એ કે, જો અમને કોઈ જગ્યાએ વધુ રોકાવાનું મન થાય કે કોઈ જગ્યા ગમી જાય તો ત્યાં વધુ સમય રોકાઈને તેને ભરપૂર માણવાની અમારી પાસે મુક્તતા હતી. તે અને ત્યાર પછીની બધી જ ડીલ કરવામાં હું અને આનંદ બે હતાં. બાકીનાં બેને અમારી પસંદગી પર ભરોસો હતો. એ રીતે જોઈએ તો આ ગ્રૂપ એકદમ પરફેક્ટ હતું. બે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લેવાવાળા અને બાકીનાં બે જેમને આ બધી બાબતોમાં બહુ ખબર નહોતી પડતી તે અમને અનુસરવાવાળાં. એ બંનેએ પોતાને પૂછીને બધાં નિર્યણ લેવાનો એવો કોઈ આગ્રહ નહોતો રાખ્યો અને આ ડાઈનેમિક અમારા ચારે માટે બેસ્ટ સાબિત થયું.

એ દિવસે પેલા રિક્ષાવાળા સાથે બપોરથી સાંજ અમે ફર્યા. ઉદયપુરનું મ્યુઝિયમ, મિનીયેચર આર્ટનો વર્કશોપ વગેરે જોઇને અમે અંતે બપોર/સાંજનું જમવાનું નક્કી કર્યું. એ રીક્ષાવાળો અમને કોઈ શોપિંગ સેન્ટરમાં લઇ ગયો. બધાંએ મેકડોનલ્ડ્સ પર પોતાની પસંદગી ઊતરી અને મેં બધાંની ઈચ્છા જોઇને નાછૂટકે હા પાડી. પનીર મહારાજા બર્ગરનું નામ જોઇને મને જરા હસવું આવ્યું. ત્યાર પછી મોડી સાંજે લેક પેલેસ હોટેલ વગેરે વગેરે જેનાં કિનારે છે તે લેકની એક બહુ સુંદર બોટ રાઈડ, ફરીને અમે હોટેલ તરફ પાછા જવા રવાના થયા. અચાનક અમને લાઈટ થઇ. દારૂ! અને અમને યાદ પણ બરાબર ટાઈમ પર આવ્યું – બોટલશોપ બંધ થવાની થોડી જ મિનિટો પહેલાં. અમે એક ૭૫૦મિલીની જ્હોની વોકર બ્લેક લેબલની બોટલ લીધી અને એક ૫૦૦મિલીની એબ્સોલ્યુટ વોડ્કાની. વોડ્કા લેવાનું કારણ એ કે, અમારી એ ચોથી મિત્ર એ દિવસે પહેલી વાર જ દારૂ પીવાની હતી અને અમારે એ જોવાનું હતું કે, તેનો એ અનુભવ સારો રહે. એ બોટલશોપ પર લાઈનમાં ઊભા રહેલાં બધાંમાં અમે ત્રણ જ છોકરીઓ હતી અને અમારી સામે જોઇને બધાં અમારી જ્હોની વોકરની બોટલ સામે ટગર ટગર જોતા હતાં.

પાછળથી અમે લોકો આ વાત પર બહુ હસ્યા. હોટેલ પર પહોંચીને અમે ચારેયે અમારા રૂમમાં ભેગાં થવાનું નક્કી કર્યું. એ રૂમ પણ પીસ ઓફ આર્ટ હતો. એમાં લાલ લાઈટ હતી. અમને બહુ રમૂજ પડી એટલે અમે ત્યાં બેસવાનું પસંદ કર્યું. બધા ફ્રેશ થઈને આવ્યા એટલે અમે ગ્લાસમાં બધાં માટે ડ્રિન્ક્સ બનાવવાનું શરુ કર્યું. એક ગ્લાસમાં વોડ્કા વિથ સ્પ્રાઇટ અને ત્રણમાં જેને જે પ્રમાણે અનુકૂળ હોય તેટલી માત્રામાં વ્હિસ્કી. એ પત્યું એટલે હું પેલા નવા નિશાળીયા બહેનને કહેવા જતી હતી કે, જરા ધીરે અને શાંતિથી પીજો. પણ, હજુ તો તેને કહેવા તેની સામે મો ફેરવું ત્યાં તો એ દેવીએ પોતાનો ગ્લાસ ખાલી કરીને ટેબલ પર મૂક્યો. હું, આનંદ અને મિયા હસી હસીને પાગલ થઇ ગયા. બસ, પછી તો એ દેવીને સૂવડાવવાનું કામ સૌથી અઘરું હતું. તેમણે આંસુ સારવાનાં શરુ કર્યા હતાં. જો કે, એક્સપેક્ટેડ હતું અને મને એ હેન્ડલ કરતાં બરાબાર આવડતું હતું. અંતે એ ઊંઘી પછી અમે ત્રણે અમારી રાત આગળ ચલાવી. થોડી વાર અગાસી પર પણ ગયા હતાં. બીજી વિકેટ ડાઉન થઇ મિયાની. પછી મારી અને આનંદની મહેફિલ ચાલી. એ દિવસે અમારાં એ ચોથા બહેનનાં દારૂની જેમ મારો પાર્વતી વેલીની પ્રસાદી ચાખવાનો પહેલો અનુભવ હતો. ;) એ જેમ મારી દેખરેખમાં હતી એમ હું આનંદની દેખરેખમાં હતી. બીજા દિવસે વહેલી સવારે અમે કુંભલગઢ તરફ પ્રયાણ કરવાનાં હતાં. એટલે, તેની તૈયારી કરી થોડી અને અમે પણ બહુ લાંબુ ખેંચ્યા વિના ઊંઘ્યા.

કુંભલગઢવાળા રસ્તા પર અમે એક જગ્યાએ હાઈવે પર ચા અને ગાઠિયા ખાવા રોકાયા. હું થોડા ગળું ખરાબ છે ને આમ છે ને તેમ છે તેવા સીન કરતી હતી પણ અંતે મારી હાંસી થઇ અને હુંયે શાંતિથી ગાઠિયા ખાવા લાગી. કુંભલગઢનાં પ્રવેશદ્વાર નજીકનાં ચોગાનમાં કોઈ ઉત્સવની શરૂઆત થઇ રહી હતી. ત્યાં અમુક લોકલ ગાવા-વગાડવાવાળાં અને નૃત્યાંગનાઓ ઊભાં હતાં. અમે તેમની નજીક ગયા અને તેઓ જે વગાડતાં હતાં તેનાં પર હું થોડું ડોલતી હતી. તેઓ જોતા હતાં. થોડી સેકંડ પછી એક ગાયકે મને મેદાનમાં સરખી રીતે નાચવા આવી જવા કહ્યું. મેં વ્યવસ્થિત ટૂરિસ્ટની જેમ ના પાડી. પછી થોડી વાર રહીને એમણે મને ફરીથી પૂછ્યું. હું ટેસથી ઊભી થઇ ગઈ. (મારો વાંક નથી. બીજી વખત પૂછો ‘ને મને રસ હોય તો હું બેશરમની જેમ ઊભી થઇ જ જવાની છું. ફોક ડાન્સ અને મ્યુઝિક હોય ત્યારે તો ખાસ! :D) પછી તો મેં એકલા થોડી વાર ઘૂમર પર ડાન્સ કર્યો અને પછી તેમની એક ડાન્સર સાથે મળીને કર્યો. તે જે કરે તે સ્ટેપ ફોલો કર્યા. બહુ મજા આવી. બાકીનાં ત્રણે ત્યાં ઊભા ઊભા પોતાનાં મનમાં “ટિપિકલ પ્રિમા” એવું વિચારીને હસતાં હતાં અને પછીનાં ત્રણ દિવસ સુધી સતત મારી મસ્તી કરવામાં આવી.

પછી તો અમે કુંભલગઢની ઊંચી ઊંચી દીવાલોને આશ્ચર્યથી જોતાં આમ-તેમ ફર્યા. તે જગ્યાની આસપાસની કથાઓ સાંભળી અને ૪-૫ કલાકે પાછા ફર્યાં. ત્યાર પછી રાણકપુરનાં જૈન મંદિરો જોયાં. બસ, આ સમય સુધીમાં અમારી ડ્રાઈવર સાથે પણ સારી એવી દોસ્તી જામવાની શરૂઆત થઇ ગઈ હતી. તેમનું નામ મુન્ના હતું. રસ્તા લાંબા હતાં અને આખા દિવસનાં પ્રવાસ. પણ, કારમાં મ્યુઝિકની મોજ હતી. અમારા પ્લે-લિસ્ટનાં અમુક મલ્ટિપલ ટાઈમ્સ રિપીટેડ ટ્રેકસ – ધ ડ્યુઅરિસ્ટનું વિશાલ દાદલાની અને ઈમોજીન હીપવાળું “માઈન્ડ્સ વિધાઉટ ફિયર” , હિમાંશુ દેવગણનું “ધ ઓઝાઈરિસ ફ્યુઝન” , ડેવિડ ગ્વેટ્ટા અને સિઆનું “ટાઈટેનિયમ” , ખુદા કે લિયેનાં “બંદેયા હો” અને “અલ્લાહ હૂ” વગેરે. હવે અમે અમારા સૌથી રસપ્રદ ડેસ્ટીનેશન તરફ આગળ વધી રહ્યા હતાં. જો કે, ત્યારે અમને કોઈ ખ્યાલ નહોતો કે જેસલમેર અમારા માટે આટલા પ્લેઝન્ટ સરપ્રાઈઝ લઈને આવશે!

….

રાજસ્થાન રોડ ટ્રિપ – ૧

ભારત, રાજસ્થાન

ભારતમાં રોડ ટ્રિપ કરવાની સૌથી મોટી મજા મને એ આવી છે કે, કેટલાં અલગ અલગ વાહનોનો ઉપયોગ કરી શકાય! બસ, કાર અને ટ્રેન તો જાણે સાવ સહેલાઈથી ઉપલબ્ધ ત્રણ વિકલ્પ છે! કોઈ શહેરમાં અંદર લોકલી ફરવું હોય તો રિક્ષા, સ્કૂટર વગેરે મળી રહે. અને એટલે જે પ્રકારની ટ્રિપ કરવી હોય તે પ્રમાણે થઇ શકે. પરિવાર સાથે જતાં હોઈએ તો એડવાન્સ બુકિંગ, કાર હાયર વગેરે વગેરેનું આયોજન કરીને એકદમ રિલેકસ્ડ ટ્રિપ થઇ શકે, મિત્રો સાથે જવું હોય અને લાંબા સમયગાળા સુધી ગમે તેમ ભટકવું હોય તો પોતાનું વાહન લઈને નીકળી શકાય, વાહન ચલાવવાની જવાબદારી ન લેવી હોય અને છતાંયે ગમે તેમ ભટકવું હોય તો ઓન ધ સ્પોટ પ્લાનિંગ કરીને પડશે-તેવા-દેવાશે વાળી ટ્રિપ પણ થઇ શકે. વળી, પોતાનો દેશ અને પોતાની ભાષા જાણતા હોવાનો ફાયદો પણ ખરો. ગયા વર્ષે અમે આવી એક ટ્રિપ કરી હતી.

હું મુંબઈ લેન્ડ થઉં પછી પરિવાર સાથે ૪ દિવસ વિતાવવાનાં હતાં. અને તેઓ જાય પછી એકાદ દિવસ પૂના જવાનું હતું અમુક મિત્રોને મળવા. ત્યાર પછી બીજા એક ગ્રૂપ સાથે રાજસ્થાન જવાનો વિચાર હતો. પણ, શું થશે અને કેવી રીતે થશે એ મેં ભારતમાં પગ મૂક્યો ત્યાં સુધી મને ખબર નહોતી. મારી સાથે મારી એક ઓસ્ટ્રેલિયન મિત્ર હતી – મિયા. તેને મેં પહેલેથી કહી રાખ્યું હતું કે, ભારતમાં આપણે ચાર અઠવાડિયા હોઈશું. પણ, આ ચાર અઠવાડિયામાં ક્યારે ક્યાં હોઈશું એ મને પણ ખબર નથી. આટલી તૈયારી હોય તો મારી સાથે ચાલ નહીંતર તારે ધરમનો ધક્કો થશે અને મારાં પ્લાનમાં હું કોઈ ફેરફાર કરું તેવી શક્યતા નથી. વળી, તારો આ પ્રથમ એક્પીરિયન્સ શું હશે ને કેવો હશે એ નક્કી નહીં. કારણ કે, મને પોતાનેય ખબર નથી. પણ, એને આ આઈડિયા તોયે ગમી ગયો અને એ મારી સાથે આવવા તૈયાર થઇ. મુંબઈ પહોંચ્યા અને અમુક મિત્રોને મળ્યાં. પૂનાવાળા મિત્રો અને મુંબઈવાળા મિત્રો એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ ફ્રેન્ડ્સ હતાં. અમુક એકબીજાને મળ્યાં હતાં અને અમુક નહીં એવું બધું હતું. મુંબઈવાળા મિત્રોને પણ હું તો પહેલી જ વાર મળવાની હતી. અને પૂના જવાનાં બે દિવસ પહેલાં અમે મળ્યાં. એ મુલાકાત તો બહુ જામી! મેં તેમને પૂછ્યું કે, પરમ દિવસે અમે પૂના જવાનું વિચારીએ છીએ તમે આવશો? અને બધાં તરત રાજી થઇ ગયા. પછીનાં દિવસે મેં રેલવે ટિકિટો બૂક કરાવી. મુંબઈવાળા એક મિત્રએ મને તેનાં ટ્રાવેલ એજન્ટનો નંબર આપીને કહ્યું હતું કે, હવે તું ફોડી લેજે. અને મેં ફોડ્યું. ૨ લોકોની રિટર્ન ને બેની નહીં ને એવું કંઈ કેટલું હતું. અંતે એ દરમિયાન રાજસ્થાન ટ્રિપવાળાં ગ્રૂપે ક્યાં ભેગાં થશું અને ક્યાં જશું તે નક્કી કર્યું!


મુંબઈથી પૂનાની ટિકિટ અમે થાણેથી કરાવડાવી હતી. ૫:૪૫ વાગ્યાની ટ્રેન હતી અને મીરા રોડથી થાણે પહોંચવાનું હતું. મીરા રોડથી અમે ૪ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું. આમ જોઈએ તો ૪ વાગ્યાનો સમય બહુ વહેલો હતો. તેમાંય ખાસ જ્યારે અમે છેક ૧ વાગ્યે રાત્રે માંડ ઊંઘી શકતા હોઈએ. પણ, અમે જેમને ત્યાં રોકાયા હતાં એ અંકલે બહુ કહ્યું વહેલાં નીકળવાનું એટલે અમે નછૂટકે માની લીધું. તેમનાં કોઈ ઓળખીતા ટેક્સી ડ્રાઈવરને ૪ વાગ્યાનું કહી દેવામાં આવ્યું હતું. સવારે અમે કહ્યા પ્રમાણે તૈયાર થઇ ગયાં. અંકલે ટેક્સી ડ્રાઈવરને ઘોડબંદરવાળો રસ્તો પકડવાનું સૂચવ્યું. ડ્રાઈવરે તે પ્રમાણે કર્યું. બધું બરાબર હતું. અમે ઘોડબંદરવાળાં હાઈ-વે પર પહોંચ્યા ત્યાં સુધી. ત્યાં ટ્રાફિક જામ હતો. ટ્રાફિક જામ એટલે એવો જામ કે, દૂર જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી રસ્તાની બંને તરફ ટ્રક સિવાય કંઈ નજરે જ ન પડે. ડ્રાઈવરે પહેલી ત્રીસ સેકંડ તો જે લેનમાં રહેવાનું હતું તેમાં રહીને ખટારા પાછળ રાહ જોઈ. પણ પછી તેને બ્રહ્મજ્ઞાન થયું કે, આમ તો કંઈ મેળ પડે તેમ નથી એટલે તેણે ઓવરટેક કરવાનું શરુ કર્યું. પહેલી ૧૦ મિનિટ જે મેં આ ઓવરટેકિંગની જોઈ એ મને ડેથ-રાઈડ જેવી લાગી હતી. પછી મેં જીવની શાંતિ ખાતર આંખ બંધ કરી દેવાનું નક્કી કર્યું અને નસીબજોગે ઊંઘ પણ આવી ગઈ. ડેથ રાઈડની અડધી કલાક પછી મારી આંખ ખુલી અને ટ્રાફિક હજુ જામ તો હતો પણ પહેલા કરતાં હાલત થોડી સુધરી હતી. ત્યાર પછી બીજી અડધી કલાક અને અમે થાણે સફળતાપૂર્વક મુકામે પહોંચ્યા. બે સ્ટેશન પછી બાકીનાં બંને જોડાયાં અને અમે ચારે મિત્રો ટ્રેનમાં સાથે પૂણે તરફ જઈ રહ્યા હતાં. એ વખતે પહેલી વાર હું સ્લીપર બર્થ વિનાનાં એર કંડીશન્ડ ડબ્બામાં બેઠી હતી (મેં ટ્રેનમાં કદાચ પ્લેન પછીની સૌથી ઓછી સફરો ખેડી છે). જો કે, મને બહુ મજા ન આવી કારણ કે, બારીનાં કાચ ટિન્ટેડ હતાં. સૂર્યોદય સમયનું બહારનું વાતાવરણ સરખું અનુભવી શકાતું નહોતું.

બે દિવસ પૂણેમાં મિત્રોને મળવાની બહુ મજા આવી હતી. બધાં એકબીજાને પહેલી વખત મળતાં હતાં! મારો એક મામો (મમ્મીનો પિતરાઈ થાય. પણ, ઉમરમાં મારાથી ફક્ત દોઢ વર્ષ મોટો છે) તો કોઈને ઓળખતો પણ નહોતો અને છતાંયે બધાનું ટ્યુનીંગ બહુ સરસ આવી ગયું હતું. એક આખો દિવસ અમે બધાં સાથે રખડ્યા અને બીજા દિવસે બપોરે મારી અને મિયાની અમદાવાદની બસ હતી. એ બસ અમદાવાદ સવારે ૫ વાગ્યે પહોંચતી હતી અને ત્યાંથી છ વાગ્યાની અમારી અન્ય બે દોસ્તો સાથે ઉદયપુરની બસ હતી. ત્રણ રાતનો સતત ઉજાગરો અને ત્રણ દિવસની રખડપટ્ટીએ મારા ગળાની હાલત બહુ ખરાબ કરી નાંખી હતી અને હજુ એ અંત નહોતો. પ્રવાસ ચાલુ હતો અને એ કેટલાં સમય સુધી હજુ ચાલુ રહેવાનો હતો તેનો મને એ દિવસે કોઈ ખ્યાલ નહોતો.

પૂનાથી આવ્યા પછી અમદાવાદમાં એકાદ કલાક જેટલું અમારે પછીની બસની રાહ જોતાં બેસવાનું હતું એટલે આનંદને અમે વહેલા આવવાનું સૂચવ્યું હતું. વહેલી સવારનો સમય અને હું અને મિયા થાકેલાં એ ભેંકાર શાંતિમાં બીજી બસની અને આનંદની રાહ જોતા બેઠા હતાં. થોડી વાર પછી અમે એક માણસને અમારા તરફ આવતો જોયો. હાથમાં સિગરેટ અને હટ્ટોકટ્ટો એ ઊંચો છોકરો આનંદ છે એ ઓળખતા મને લગભગ બે-એક મિનિટ લાગી. નેચરલી! એ છોકરાને મેં છેલ્લે એક વર્ષ પહેલાં જોયો હતો અને એ એકદમ પાતળો હતો. સિગરેટ પણ આટલા આત્મવિશ્વાસથી ચાલતા ચાલતા નહોતો પીતો. મારાં બધાં મિત્રોમાંનો કદાચ સૌથી નજીકનો મિત્ર એ હતો. એ ટ્રિપનાં મુખ્ય સૂત્રધાર અમે હતાં અને એક્ટિવલી રહેવાનાં હતાં. અને એ રીસ્પોન્સીબિલિટીની શરૂઆત એ આવ્યો કે તરત થઇ. અમારી ચોથી મિત્રનો ફોન આવ્યો કે, ઈગલની અમારી બસ કેન્સલ થઇ છે. બસ, પછી આનંદ અને મેં પ્લાન બી તરફ પ્રયાણ કર્યું. સ્ટાર બઝાર પહોંચ્યા અને પંદર મિનિટ પછી ઉપડતી ઉદયપુરની ચાર ટિકિટ કઢાવી તેવામાં અમારી એ ચોથી મિત્ર આવી. બસ, અમે ચાર મળી ગયા અને સાથે ઉદયપુર જવા નીકળી ગયા હતાં એ પળથી જ મારી તમામ ચિંતાઓનો અંત આવતો હતો. આગળ શું કરીશું તેની ન તો ખબર હતી કે ન હતી ચિંતા. પડશે તેવા દેવાશે!

…. વધુ આવતા અંકે