ઓસાકા કરતા મારી ટોક્યોની હોટેલ મોંઘી હતી અને ફોટોઝમાં પ્રોપર્ટી સુંદર દેખાતી હતી એટલે હું ઉત્સાહિત હતી. પણ, ચેક-ઇન કરીને હું મારા રૂમ પર ગઈ તેટલાંમાં ઉત્સાહ પર પાણી ફરી ગયું. મારો રૂમ ચોથા માળ પર અને રૂમની બારી પાર્કિંગ લોટ તરફ પડતી હતી – એ હતો મારો વ્યૂ! ઓસાકાનાં સુંદર અનુભવ પછી આ રૂમમાં તો મેળ પડે તેમ હતું જ નહીં, પાંચ દિવસ તો બિલકુલ નહીં! હું બે મિનિટ ખુરશી પર બેઠી તેટલામાં એક માણસ મારો સામાન લઈને ઉપર આવ્યો. તેણે મને તેની આદત પ્રમાણે પૂછ્યું બધું બરાબર છે કે કેમ, કૈં જોઈએ છે વગેરે. મેં તેને કહ્યું કે, બાકી બધું તો બરાબર છે પણ આ રૂમ બહુ વિચિત્ર છે અને રિસેપ્શન સ્ટાફને વ્યવસ્થિત રૂમ આપવાની વિનંતી કર્યા છતાં પણ કૈં વળ્યું નથી. તેણે ઓકે કહ્યું અને પછી ઈશારાથી રૂમનો ફોન વાપરવાની પરવાનગી માંગી. હું ડેસ્ક પાસેથી ખસી અને તેણે ફટાફટ રિસેપ્શન પર કોઈ સાથે વાત કરી. મને સામાન ન ખોલવા અને તૈયાર રહેવા કહ્યું. દસેક મિનિટ સુધી ન માણસ આવ્યો, ન કોઈનો ફોન એટલે મેં બદલાવની આશા છોડવા માંડી. ત્યાં કોઈએ દરવાજો ખખડાવ્યો.
એ માણસ દસ મિનિટ પછી પાછો આવ્યો અને મને જણાવ્યું કે, હું તેની સાથે જાઉં અને મારો નવો રૂમ જોઈ લઉં મને ગમે છે કે નહીં. બહુ ખાસ ઉપર નહીં, ફક્ત બે માળ ઉપર – છઠ્ઠા માળે આ નવો રૂમ હતો. તેનો લે-આઉટ સુંદર હતો એટલે રૂમ મોટો જણાતો હતો અને બારી બગીચા તરફ પડતી હતી. રાત પડી ગઈ હતી એટલે ખાસ કૈં દેખાતું નહોતું. થોડા બિલ્ડિંગ્સની લાઇટ્સ દેખાતી હતી અને નીચે એક પતરાની છત જેવું કૈંક હતું. મને અંદાજ આવ્યો કે, સવારે કદાચ ત્યારે દેખાતો હતો તેનાં કરતા સુંદર વ્યૂ મળશે. ઓસાકાનાં હોટેલ રૂમ કરતાં તો એ હજુ પણ ઉતરતો જ હતો પણ, ચોથા માળની પેલી ખોલી કરતાં તો ઘણો સુધારો હતો એટલે મેં તેને હા પાડી એટલે એ મારો સામાન લેવા નીચે ગયો.
મોટાં શહેર અને નાના શહેર વચ્ચે આ ફર્ક તો કદાચ દુનિયાનાં દરેક દેશમાં રહેવાનો. નાના શહેરોની સરખામણીએ મોટા શહેરોમાં વધુ પૈસા આપીને પણ જગ્યા અને સુવિધા ઓછા જ મળવાનાં.
સેટલ થઇને હું ફટાફટ શ્રી અને આશુનાં ઘર તરફ જવા નીકળી. પેલા કોલેજ અને વન વચ્ચેનાં સુમસામ રસ્તે ફરી JR સ્ટેશન ગઈ અને ત્યાંથી એક ટ્રેન બદલીને આકીહાબારા. આ ટ્રેન સ્ટેશન મહાકાય છે અને તેની બરાબર સામે ટોક્યોની ચળકતી બજારોની નિયોન લાઇટ્સ! અહીં મેં પહેલી વાર જાપાનનાં બેઘર લોકો જોયા. કઈ દિશામાં ચાલવાનું એ બાબતે હું થોડી અટવાઈ. આશુએ કહ્યું ટેક્સી લઇ લેવાનું પણ, આપણાં માટે તો આ ટ્રેઝર હન્ટ હતી એટલે મારે તો જાતે રસ્તો શોધીને જ પહોંચવું હતું. મને હતું દસ મિનિટની વધી વધીને વીસ મિનિટ થશે. તેનાંથી વધુ તો શું થશે. પણ, આશુએ તેનાં ઘરનું સરનામું પણ ખોટું માર્ક કર્યું હતું એટલે પણ વાર લાગી. અંતે શ્રી મને નીચે શોધવા આવી ત્યારે અડધી કલાકે હું તેમનાં ઘરે પહોંચી.
થોડું ખરાબ તો લાગ્યું કારણ કે, એ બંને આખા દિવસનાં થાકેલા ડિનર માટે મારી રાહ જોઈ રહ્યા હતા અને મેં મોડું કર્યું. એ લોકોએ પોતાનાં હિસાબે મગજ ચલાવીને ભારતીય રેસ્ટ્રોંમાંથી જમવાનું ઓર્ડર કરી દીધું હતું. આશુને હું છ મહિના પહેલા મળી હતી પણ, શ્રીને તો પહેલી જ વાર મળી રહી હતી. આશુ પણ મૂળભૂત રીતે સેમનો મિત્ર હતો છતાંયે તેમની સાથે વાત કરીને પાંચ મિનિટ જ મિનિટમાં એવી લાગણી થઇ આવી કે જાણે જૂનાં મિત્રોને વર્ષો પછી મળતા હોઈએ. એ લોકો પણ વેજીટેરિયન હતાં એટલે નવી નવી જમવાની જગ્યાઓની માહિતી મળવાનાં વિચારે હું ખુશ હતી. એ લોકોએ જે જમવાનું મંગાવ્યું હતું એ પણ અદ્ભુત સ્વાદિષ્ટ હતું. એ લોકોનાં ઘર પાસે ‘ખાનાપીના’ નામની જગ્યાએથી એ આવ્યું હતું.
‘ખાનાપીના’માં મસ્ત વ્યવસ્થિત રોટલીઓ મળે છે. જાપાનનાં ઇન્ડિયન રેસ્ટ્રોંઝમાં તંદૂરી રોટી/નાન અને વધુ પડતા ક્રીમવાળી સબ્જી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય તેવા, મારા જેવા લોકો ટોક્યોનો આખો પ્રવાસ ખાનાપીનાનાં આશરે આરામથી કાઢી શકે છે. જો કે, એ સિવાય પણ ટોક્યોમાં ખાવા-પીવાની ઘણી બધી જગ્યાઓ છે જે અમે પછીનાં દિવસોમાં જોવાનાં હતાં.
શ્રી અને આશુ અત્યંત રસપ્રદ કેરેક્ટર્સ છે, તેમની જીવનકથા પણ. શ્રી બિહારની છે. એ ચાર બહેનો અને એક ભાઈ મોટા ભાગે બોર્ડિંગ સ્કૂલમાં મોટા થયા છે. શ્રીની ટ્વિન બહેન અને શ્રી બંને બૅચલર ડિગ્રી માટે નસીબજોગે જાપાન આવી પડ્યા. જાપાનની સરકારે બનાવેલા કોઈ પ્રોગ્રામ અંતર્ગત એ લોકોને એક એવા પતિ-પત્ની મળ્યા, જેમનાં પોતાનાં બાળકો મોટા થઈને બહાર ભણવા, કામ કરવા ચાલ્યા ગયા હતા. એ પતિ-પત્નીને શ્રી પોતાનાં જાપાનીઝ માતા-પિતા તરીકે જ માને છે અને ઓળખાવે છે. બંને બહેનોનું ભણવાનું પત્યા પછી એ બંનેએ જાપાનમાં થોડો સમય કામ કર્યું. પછી શ્રીની બહેનને લગ્ન કરવા હતા અને પરિવાર વસાવવો હતો એટલે એ ભારત પાછી જતી રહી. પણ, શ્રીને જાપાનનાં જીવન સાથે પ્રેમ થઇ ગયો હતો એટલે એ ત્યાં જ રહી. અમે મળ્યા ત્યારે જાપાનમાં તેનું પંદરમું વર્ષ ચાલતું હતું. એ ત્યાંની ભાષા બોલતી, સમજતી હતી અને હૃદયથી જેટલી ભારતીય હતી, તેટલી જ જાપાનીઝ પણ.
આશુ રતલામમાં મોટો થયેલો. યુનિવર્સીટી માટે ચાર વર્ષ મુંબઈ રહ્યો પછી તેને જાપાનમાં નોકરી મળી. ત્યાંનાં જીવનથી, ખાવા-પીવાની તકલીફોથી માંડીને ભાષાની તકલીફો સુધીની તમામ બાબતોથી કંટાળીને એ ભારત પાછો ફરવાનાં આરે હતો ત્યાં એક યોગ પ્રોગ્રામ અંતર્ગત તેને શ્રી મળી. એ ત્યારે ઓસાકા કામ કરતી. એકાદ વર્ષ તેમની ટોક્યો-ઓસાકા લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ચાલી. આશુને ધીમે ધીમે જાપાન પણ ગમવા લાગ્યું કારણ કે, એ એલિયન સંસ્કૃતિ અને આશુ વચ્ચેનો બ્રિજ હતી શ્રી. એ લોકોએ લગ્ન કર્યા. અમે મળ્યા ત્યારે આશુ પણ શ્રી જેટલી જ સરળતાથી જાપાનીઝ બોલી અને સમજી શકતો હતો અને શ્રી ત્યાં અટકી ગઈ હતી પણ, આશુ તો જાપાનીઝ લખતા-વાંચતા પણ શીખી રહ્યો હતો.
શ્રી અમારા બધા કરતા થોડી મોટી હતી પણ તેની રીત-ભાત બધી અમારા જેવડી જ હતી એટલે તેની ઉંમર ક્યારેય આંખે ઊડીને વળગતી નહીં. તેની સેન્સ ઓફ હ્યુમર અતિશય સરસ હતી. ગરીબોની મલિકા દુઆ સમજી લો . એ લોકો સાથે વાતોનાં વડા કરતા એટલું મોડું થઇ ગયું કે, રાત્રે હોટેલ પાછા ફરતી વખતે મેં ટેક્સી જ પકડવાનું યોગ્ય માન્યું. પછીનાં દિવસે સવારનો સમય હું કોઈ પણ રીતે ટાઈમપાસ કરીને વિતાવવાની હતી. બપોરે સેમ લૅન્ડ થવાનો હતો અને રાત્રે અમે ચાર સાથે ડિનર કરવાનાં હતાં.
પછીનાં દિવસે સવારે નાહીને તૈયાર થઈને મેં પડદા ખોલ્યાં અને બહાર નજર નાંખી તો આ જોવા મળ્યું.


એ નજારો થોડી વાર માણતા માણતા મેં શ્રીને આસપાસ સારા ‘રામન’ (ramen) સ્પોટ્સ વિશે પૂછતો ટેક્સ્ટ કર્યો. તેણે હોટેલથી આઠેક મિનિટ ચાલીને પહોંચતા જ એક જગ્યા જણાવી જ્યાં વેજિટેરિયન રામન મળતી હતી – સોરાનોઇરો.
હું ત્યાં સુધી ચાલતા નીકળી. દિવસે જોતા જણાતું હતું કે, મારી હોટેલ એકદમ કૉર્પોરેટ વિસ્તારમાં હતી. ત્યાં લગભગ સૂટ-ટાઈ અને પ્રોફેશનલ ડ્રેસમાં તૈયાર થયેલા માણસો જ જોવા મળતા. સ્વાભાવિક રીતે જ સોરાનોઇરોમાં લન્ચ સમયે લાઈન હતી. જો કે, ત્યાં હંમેશા લાઈન રહેતી જ હશે તેમ લાગતું હતું. ત્યાં ઓર્ડર કરવાની પદ્ધતિ રસપ્રદ હતી. તમારો વારો આવે ત્યારે પહેલું કામ તમારે તમારું ટોકન લેવાનું કરવાનું. ત્યાં અંદર વેન્ડિંગ મશીન જેવું એક મશીન હતું. તેમાં બધી રામન વેરાઈટી અને ઍપેટાઈઝરનાં નામ અને ભાવ લખેલા હતાં. વેન્ડિંગ મશીનમાંથી વસ્તુની પસંદગી કરતા હો એ જ રીતે તેમાં કૅશ નાખીને તમારી પસંદગીની ખાવાની વસ્તુ સિલેક્ટ કરો એટલે તેમાંથી ટોકન નીકળે, એ લઈને વેઈટરને આપો એટલે એ તમને સીટ શોધી આપે. પંદરેક મિનિટમાં મારી રામન આવી પણ ગઈ. ખૂબ સ્વાદિષ્ટ અને શાકથી ભરપૂર!

જમ્યા પછી બે-ત્રણ કલાક મારે ટાઈમપાસ કરવાનો હતો અને તેટલામાં સેમની ફલાઇટ લૅન્ડ થવાની હતી. કોઈ ઇન્ટરનેટ ફોરમ પર વાંચ્યું હતું કે, શિન્જુકુ વિસ્તાર ધમધમતો અને મજા આવે એવો છે. એ મારી હોટેલથી પણ નજીક હતો એટલે હું ટ્રેન પકડીને ત્યાં પહોંચી. શિન્જુકુ સ્ટેશન અને એક સારો એવો મોટો મૉલ અંદરથી જ કનેક્ટેડ છે. ત્યાં મારી નજર એક ટી-શોપ પર પડી – આલ્ફ્રેડ ટી રૂમ. ત્યાં ઠંડી ‘હોજિચા’નો લાભ લેવામાં આવ્યો. એ હોજીચાનો સ્વાદ હતો એકદમ દાઢે વળગે તેવો!

જાપાનમાં ગ્રીન ટીની બે વેરાઈટી સૌથી પ્રખ્યાત છે – એક છે માચા અને બીજી હોજીચા. ત્યાં આ બે ફ્લૅવર તમને જોઈએ એ વસ્તુમાં મળે. કિટકેટ, કેક, બોબા ટી, મોચી, આઈસ ક્રીમ, દૂધવાળી ચા, દૂધ વિનાની ચા બધામાં માચા અને હોજીચા તો મળે મળે ને મળે જ! બાય ધ વે, અહીં હોજિચામાં ‘ચા’ એટલે આપણાવાળી ચા જ. કહેવાય છે કે, ચા જ્યાં જ્યાં જમીનથી પહોંચી ત્યાં ત્યાં ચા/ચાય કહેવાઈ અને જ્યાં જ્યાં સમુદ્રમાર્ગે પહોંચી ત્યાં ત્યાં ‘ટી’ – Tea if by sea, Cha if by land .
મેં થોડી વાર એ મૉલમાં આંટા માર્યા, સુંદર સ્ટોર્સ અને રેસ્ટ્રો જોયા અને થોડા કપડા ખરીદ્યા.

ચારેક વાગતાં સેમનો મૅસેજ આવ્યો કે, એરપોર્ટથી નીકળી ગયો છે અને હોટેલ પહોંચી રહ્યો છે એટલે હું પણ હોટેલ તરફ પાછી ફરી. શિંજુકુમાં ફક્ત હોજીચા માટેફરીથી આવવાનું મન હતું પણ એ મેળ પડ્યો નહીં કારણ કે, કેટલું બધું જોવાનું હતું, કેટલું બધું કરવાનું હતું!