સોમવારે સવારે અમે ત્રણે હોટેલમાંથી ચેક-આઉટ કર્યું. મારે અને સૅમને ક્યોતો જવાનું હતું જયારે, અભિ ટોક્યોમાં જ રહેવાનો હતો પણ, અલગ હોટેલમાં – જે તેનાં કામથી નજીક હતી. એ ગયો પછી રેન્ટલ કાર ડ્રોપ કરીને અમે આશુ-શ્રીનાં ઘરે પહોંચ્યા. અમારે આગળની મુસાફરી કરવી હતી ફક્ત એક બૅગમાં ઓછામાં ઓછો સામાન લઈને. એટલે, જરૂર પૂરતાં કપડાં અને સૅમનું લૅપટૉપ એક બેગમાં નાંખીને વધારાનું બધું જ અમે આશુ-શ્રીનાં ઘરે રાખી દીધું. ક્યોતો સુધીની શિન્કાનસેન પકડવા માટે અમારે ટોક્યો સેન્ટ્રલ સ્ટેશન જવાનું હતું. આશુને પણ કામ માટે એ જ દિશામાં જવાનું હતું એટલે અમે ત્રણેએ સાથે જ ટ્રેન પકડી. ત્યાંથી આગળ એ ત્રણ અમારી સાથે નહોતા આવવાનાં એ વિચારથી મન થોડું દુઃખી થઇ ગયું પણ, સાથે ક્યોતો નામનું નવું, supposedly સુંદર, hyped શહેર કેવું હશે એ જોવા બાબતે excitement પણ હતું!
ટોક્યો સેન્ટ્રલ સ્ટેશન સુધી પહોંચતાં સાડા અગિયાર-બાર જેવું થઇ ગયું હતું અને અમારી ટ્રેન અડધો કલાક પછી હતી એટલે ત્યાં જ જમીને આગળ વધવાનું વિચાર્યું. જમવા માટે અમને એક મસ્ત જગ્યા પણ મળી ગઈ. અમારી ટોક્યોની હોટેલની બરાબર સામે ‘એરિક સાઉથ’ નામનું એક સાઉથ ઇન્ડિયન રેસ્ટ્રોં હતું જેનાં અમે શ્રી પાસેથી ખૂબ વખાણ સાંભળ્યાં હતાં. અમારાં હોટેલનાં રહેવાસ દરમિયાન તો અમે ત્યાં નહોતા જઈ શક્યા. પણ, તેની ટોક્યો સેન્ટ્રલ સ્ટેશન બ્રાન્ચ અમને ગૂગલ મૅપ્સ પર મળી. છેલ્લે અમે ભારતીય જમવાનું ક્યારે જમ્યા એ પણ યાદ નહોતું એટલે એમ પણ અમે એ રેસ્ટ્રોંનું નામ જોઈને ખુશ થઇ ગયા. ફક્ત એક મોટી ચેલેન્જ હતી – ટોક્યો અંડરગ્રાઉન્ડમાં ગૂગલ મૅપ્સની મદદથી દસ મિનિટથી ઓછા સમયમાં એ રેસ્ટ્રોં શોધીને ત્યાં પહોંચવું અને અડધી કલાક પછીની ટ્રેન પકડવી કારણ કે, એ ન પકડીએ તો બીજી અડધીથી પોણી કલાક રાહ જોવી પડે.
જો આ કોઈ મૂવીનો સીન હોત તો બૅકગ્રાઉન્ડમાં ફલાઇટ ઓફ ધ બમ્બલબી જેવો કોઈ સાઉન્ડટ્રૅક હોત. અમે મૅપ્સ ફોલો કરીને લગભગ દોડવાની ઝડપથી ચાલવા લાગ્યા. રસ્તામાં એક-બે વખત ખોટો વળાંક લીધો પણ અંતે એરિક સાઉથ પહોંચ્યા ખરા. ત્યાં લાંબી લાઈન હતી. લાઈન જોઈને લાગ્યું કે, વીસ મિનિટમાં ટ્રેન પકડવી અશક્ય છે. પણ, બે-ત્રણ મિનિટ ત્યાં ઊભા રહીને અમારું ધ્યાન ગયું કે, અમુક લોકો સીધા એક કાઉન્ટર પર જઈને ઓર્ડર કરી રહ્યા હતા. ત્યાં જઈને પૂછ્યું તો સમજાયું કે, લાઈન તેમનાં માટે છે જેમને અંદર બેસીને જમવું હોય. ટુ-ગો ઓર્ડર કરવા માટે કોઈ લાઈન નથી અને એ સાંભળીને અમને જે આનંદ થયો હતો તેની કોઈ સીમા નથી! તેમનું એક સેટ લંચ મેન્યુ હતું એટલે વધુ વિચાર્યા વિના તેમાંથી જ 3-4 વસ્તુ ઓર્ડર કરી. દસ મિનિટમાં અમારો ઓર્ડર તૈયાર થઇ ગયો એટલે એ લઈને ફટાફટ દોટ મૂકી. મને રસ્તા યાદ રાખતા બહુ વાર નથી લાગતી એટલે પાછા જતી વખતે ગૂગલ મૅપ્સની જરૂર ન પડી. અમે શિન્કાનસેન પ્લૅટફૉર્મ સુધી પહોંચ્યા ત્યારે જોયું કે, અમારી ટ્રેન એક મિનિટમાં નીકળવાની હતી એટલે જે સૌથી પહેલો ડબ્બો સામે આવ્યો તેમાં ચડી ગયા અને એ પછી થોડી જ સેકન્ડોમાં ટ્રેન ચાલવા માંડી. અમે જેમાં ચડ્યા એ ‘રિઝર્વ્ડ’ ડબ્બો હતો અને ‘નોન-રિઝર્વ્ડ’ સુધી જવા માટેની સાઇન્સ લગાવેલી હતી એટલે એ તરફ ચાલવા લાગ્યા. લગભગ દસેક ડબ્બા કૂદાવ્યા પછી અંતે ‘નોન-રિઝર્વ્ડ’ ડબ્બો મળ્યો પણ એ લગભગ આખો ભરેલો હતો એટલે એક-બે ડબ્બા વધુ પાછળ ગયા અને એક ખાલી રોમાં બેઠા.
બેઠા પછી વિજયનું હાસ્ય પણ મોં પર હતું અને સ્ટુપિડીટીનું પણ. એવું તો હતું નહીં કે એ દિવસની એ આખરી ટ્રેન હતી. એવું પણ નહોતું કે, પછીની ટ્રેન પકડવા માટે દોઢ-બે કલાક રાહ જોવી પડે. નહોતાં અમારા એ બપોરનાં કોઈ પ્લાન કે, આટલું દોડવું પડે. પણ, તોયે અડધી કલાક બચાવ્યા અને બધું પતાવીને જસ્ટ-ઇન-ટાઈમ પહોંચ્યાનો આનંદ તો હતો જ. થોડો શ્વાસ લઈને પાણી પીને અમે જમવાનું ખોલ્યું અને એ ખરેખર ખૂબ સ્વાદિષ્ટ હતું. અમારી ચોઈસ અને ટાઈમિંગ બંને એ દિવસે આનંદદાયક રહ્યાં હતાં!
મેં તો શિન્કાનસેનની ઝડપ, દરેક ડબ્બામાં ટાંચણી પડે તો પણ અવાજ આવે તેટલી શાંતિ, સ્વચ્છતા, આ બધું ઓસાકાથી ટોક્યો સુધીની સફરમાં માણી લીધેલું હતું. પણ, સૅમ માટે આ બધું જ નવું હતું એટલે લગભગ કલાક સુધી તો તેનું કૂતુહલ સમાતું નહોતું અને આ બધાંની આસપાસ વણાયેલી જાપાનીઝ સંસ્કૃતિ વિષે જ વાત કર્યા કરી.
આશુ-શ્રીએ અમને અલગ અલગ તબક્કે જાપાનની સંસ્કૃતિ અને વ્યવસ્થા વિષે ઘણી બધી માહિતી આપી હતી. ત્યાંનાં લોકો તેમનાં પ્લાનિંગ માટે જાણીતા છે. જ્યાં સુધી કોઈ પ્રોજેક્ટનું અથથી ઇતિ સુધીનું પ્લાનિંગ ન થાય અને તેમને એમ ન લાગે કે, એ પ્રોજેક્ટને લાગતાં તમામ પાસાં વિચારી લેવાયાં છે, ત્યાં સુધી એ લોકો ઇમ્પ્લિમેન્ટેશન શરુ જ ન કરે એટલી હદ સુધી પ્લાનિંગ પર ત્યાં ધ્યાન દેવામાં આવે છે. સિલિકન વેલીની ‘move fast and break things’ વિચારધારાથી આ તદ્દન વિરુદ્ધ છે! આશુનાં કહેવા પ્રમાણે જાપાનની પર્ફેક્શન પર જોર દેવાની વૃત્તિને કારણે જ ત્યાં ઇનોવેશન ધીમું થઈને લગભગ સદંતર બંધ થઇ ગયું છે અને જાપાનનું સૉફ્ટવેરની દુનિયામાં લગભગ કોઈ સ્થાન જ નથી.
ટ્રેનમાં આ વિષય પર અમે આગળ વિચાર અને વાત કરતા રહ્યા. સિલિકન વેલી અને લગભગ સૉફ્ટવેરની દુનિયામાં તમામપણે ‘પર્ફેક્શન’ કરતા ‘મિનિમમ વાયેબલ પ્રોડક્ટ (mvp)’નું મહત્ત્વ વધુ છે. પર્ફેક્શન સુધી પહોંચવા માટે ‘ઈટરેશન્સ’ અને ‘રિવિઝન્સ’ છે. પણ, એ એટલા માટે ચાલે કે, લગભગ કોઈ પણ પ્રખ્યાત, રોજીંદા જીવનમાં વપરાતો સૉફ્ટવેર એવો નથી કે, તેનો કોઈ એક ભાગ સરખી રીતે કામ ન કરે તો લોકો જીવ ગુમાવે. જ્યારે, જાપાન જે ટ્રેડિશનલ સેક્ટરમાં કામ કરે છે તેમાં જો કોઈ નાનો ભાગ પણ સરખી રીતે કામ ન કરે તો લોકો જીવ ગુમાવી શકે. જેમ કે, ગાડીઓ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે. આ સમાજને સૉફ્ટવેર મેન્ટાલિટીમાં આવતા કેટલી વાર લાગે? આ નવી વિચારસરણીમાં એ આવી પણ શકે ખરાં જ્યાં પર્ફેક્શન કરતા પ્રોગ્રેસનું મહત્ત્વ વધુ છે? અને વધુ અગત્યનો સવાલ – mvpવાળી વિચારસરણીમાં એ લોકો આવે તેનાંથી દુનિયાને વધુ ફાયદો થાય કે, તેમની પર્ફેક્શનવાળી વૃત્તિમાં સૉફ્ટવેર ઇન્ડસ્ટ્રી આવે તેનાંથી દુનિયાને વધુ ફાયદો થાય? જાપાન એ જગ્યા છે જ્યાં કોઈ ટ્રેન દસ સેકન્ડ પણ મોડી પડે તો પણ ટ્રેનનો ડ્રાઈવર એક કરતા વધુ વખત યાત્રીઓને ‘સૉરી’ કહેશે. આ હદનું પર્ફેક્શન ગ્રાહકો માટે તો સરવાળે સારું જ છે! આવાં સવાલોનાં સીધાં જવાબ અસ્તિત્ત્વ નથી ધરાવતાં એટલે જ કદાચ આ મુસાફરી દરમિયાન વાતોનાં વિષય બને છે!
સવા બે કલાક પછી અમે પહોંચ્યા નવાં પાટનગર – ટોક્યોથી જૂનાં પાટનગર – ક્યોતો. ક્યોતો સ્ટેશન કોઈ પણ નાના શહેરનાં સ્ટેશન જેવું એક અર્બન, સામાન્ય સ્ટેશન હતું. સ્ટેશનથી અમારાં રિયોકાન (ryokan) નજીક એક બસ જતી હતી અને બસ સ્ટૉપથી લગભગ સાતેક મિનિટ ચાલવાનું હતું. દરેક જગ્યાએ ઊબરથી જવાવાળો સૅમ બે ટ્રાંસ્ફર અને ત્યાર પછી પણ ચાલવાનાં વિચારથી જ અકળાઈ ગયો હતો. પણ, ત્યાંથી થોડે દૂર બસ જ્યારે મુખ્ય માર્ગ પર ચાલવા લાગી ત્યારે માર્ગની બંને તરફની દુકાનો, ઘર વગેરે જૂનાં શહેરો અને નાના ગામની યાદ અપાવવા લાગ્યાં. બસ સ્ટૉપ પર ઉતરીને, ચાલીને સાંકડી ગલીઓમાંથી પસાર થયા ત્યારે તો એમ જ લાગ્યું કે, એક અલગ જમાનામાં પહોંચી ગયા છીએ અને રિયોકાન પહોંચીને તો ખાસ!
અમારાં રિયોકાનનું નામ હતું ‘મોતોનાગો’. તેનું આખું સ્ટ્રક્ચર દેખીતી રીતે જ લાકડાંનું બનેલું હતું. મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા જ સામે આપણા જૂના ઘરોની જેમ એક મોટી સુંદર ઓસરી આવેલી હતી અને ઓસરી વટાવીને અંદર જતા રિસેપ્શનનાં બારણાં સામે જ ઉંબરો હતો. રિસેપ્શનનાં દરવાજા પાસે અમે ત્યાંનાં પારંપારિક ઇનડોર સ્લિપર્સની હરોળ જોઈ. કાઉન્ટર પર ઊભેલો માણસ દોડીને ઉંબરા પર જ અમારા માટે એ સ્લિપર્સ લાવ્યો જેથી બૂટ/મોજડી કાઢીને જમીન પર પગ મૂક્યા વિના તરત અમે એ સ્લિપર્સ પહેરી શકીએ. એ પહેરીને અંદર જઈને અમે થોડી વાર રાહ જોતા ઊભા રહ્યા. થોડી વારમાં રિયોકાનનાં અધિષ્ઠાત્રી આવ્યા. તેમની ઉંમર ઓછામાં ઓછી પંચાવન-સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને કદાચ વધુ પણ હોય. તેમણે પોતાનો પારંપારિક કિમોનો પહેર્યો હતો અને વાળ અંબોળામાં બાંધેલાં હતાં. એ અમને ઉપર અમારાં રૂમ સુધી લઇ ગયા…
