ટોરોન્ટોમાં ઈમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શનનું ચેકિંગ બહુ જ સહેલું છે. જો કે, ત્યાં પહોંચતા જ મારા ધ્યાનમાં આવ્યું કે, આ એરપોર્ટ પર કોઈ પાસેથી કોઈ માહિતી જોઈતી હોય તો કોઈને ખાસ કંઈ ખબર નથી અને પડી પણ નથી. જો ઓસ્ટ્રેલિયા ‘laid back’ કહેવાય તો ટોરોન્ટો તો – It takes ‘laid back’ to another level કક્ષાની જગ્યા છે. ત્યાં જતાંનાં બે-ત્રણ કલાકમાં જ મને સમજાઈ ગયું કે, ઓસ્ટ્રેલિયન્સને કેનેડા આટલું કેમ ગમે છે અને અહીં ઘણાં બધાં ઓસ્ટ્રેલિયન્સ વર્કિંગ-હોલીડે વિઝા લઈને કેમ આવે છે. ઈમિગ્રેશન ફોર્માલિટી પતાવીને ધડકતા હૃદયે હું ‘અરાઈવલ લાઉન્જ’ પહોંચી. લેન્ડ થઈને તરત જ મેં સૌરભને ફોન કર્યો હતો એટલે એ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની સાથે તેનો કોઈ મિત્ર આવ્યો હતો.
તેણે “કાં દી!” કહીને હાથ મિલાવવા માટે લંબાવ્યો એટલે જવાબમાં હું બંને હાથ લંબાવીને તેને ભેટી પડી. પછી અમે પાર્કિંગ તરફ ચાલ્યાં ત્યારે તેણે મારી બેગ ઉપાડવાની ઓફર કરી તો મેં જવાબમાં હસીને “I am a strong, independent modern woman” એવી વાઈડાઈ ઓફર કરી. એટલે તેણે સામે હસીને કહ્યું “તો ઉપાડ” દસેક સેકન્ડમાં તેનાં મિત્રે તેને મારી બેગ લેવાનું સૂચન કર્યું. પણ, તેણે હસીને તેને કહ્યું કે, “ના, જરૂર નથી. એ સ્ટ્રોંગ .. પછી શું હતું, દી?” પછી અમે હસવા લાગ્યાં. મને થયું ચાલો, એટલી તો ખબર પડી કે બીજા જે કંઈ ફર્ક પડયા હોય તે. પણ, તેની સેન્સ ઓફ હ્યુમર હજુ બરકરાર છે.
એરપોર્ટથી શહેર તરફ જતાં અમે તેનાં ડ્રાઈવર્સ લાઈસન્સ વિશે વાત કરી રહ્યાં હતાં. મને એવો ખ્યાલ હતો કે, તેની પાસે ત્યાં કાર હતી. પણ, નહોતી. તેની પાસે ત્યાંનાં લાઈસન્સની લર્નર્સ પરમિટ હતી પણ લાઈસન્સ નહોતું. તો મેં તેને કહ્યું કે, આપણે કાર હાયર કરી શકીએ. એ ડ્રાઈવ ન કરી શકે પણ હું તો ડ્રાઈવ કરી શકું એક ટૂરિસ્ટ તરીકે મારાં ઓસ્ટ્રેલિયન લાઈસન્સ પર. પછીની દસેક મિનિટ અમે શું કરવું, કેવી રીતે કરવું તેનાં પ્લાન બનાવતાં રહ્યાં. પછી પાંચેક સેકન્ડનો એક પોઝ લઈને મેં કહ્યું “shit!” પછી હું આગળ કંઈ બોલું એ પહેલાં એ જ હસતાં હસતાં બોલી ગયો “શું થ્યુ? લાઈસન્સ લઇ આવતાં જ ભૂલી ગઈ છો ને?” એટલે મેં હસીને હા કહી. પછી તેણે નિરાશામાં માથું હલાવીને હસતાં હસતાં કહ્યું “ખબર જ હતી. આવા ને આવા!” પછી એ, હું અને તેનો મિત્ર અમે ત્રણે હસતાં રહ્યાં.
રાત્રે લગભગ અગિયાર વાગ્યા હતાં અને જેક એસ્ટર નામની એક જગ્યાએ અમે જમવા માટે રોકાયા. ત્યાં દરેક ટેબલ પર એક લાંબો ખાખી કાગળ પાથરેલો હતો અને દરેક ટેબલ પર ક્રેયોન્સ હતાં. એ જોઇને મને બહુ આશ્ચર્ય થયું હતું અને બહુ મજા પણ આવી હતી. એ લોકો બધાંને ટેબલ પર લખવા કે ડૂડલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં અને એવું મેં પહેલી વાર ક્યાંય જોયું હતું.અમે બેઠાં હતાં ત્યાંથી લગભગ છએક મીટર દૂર કાગળનો એક લાંબો મોટો રોલ પણ મારી નજરે ચડ્યો હતો. એ કાગળ પછી તમને ઘરે લઇ જવા દે. હું તો સ્કૂલનાં બાળકની જેમ ઉત્સાહિત થઇ ગઈ. પણ, એટલી રાત્રે પાંચ કલાકની ફ્લાઈટ પછી શું દોરવું એ સૂજતું નહોતું એટલે મેં મારું અને સૌરભનું નામ લખી નાંખ્યું.

વેઈટર આવ્યો અને અમે જમવાનું ઓર્ડર કર્યું ત્યારે તેણે મને પૂછ્યું, “કાં દી તું તો કહેતી ‘તી ને કે, બિયર પીશ આવીને? નથી પીવી?” ત્યારે મેં કોકટેઈલ ઓર્ડર કર્યું.ભારત હતા ત્યારે ખૂબ સાથે બેસીને એક થાળીમાં જમ્યા છીએ. એ દિવસે અમે પહેલી વખત સાથે બેસીને દારૂ પી રહ્યા હતા. એ કોકટેઈલનો ગ્લાસ બહુ જ સુંદર હતો અને કોકટેઈલ બહુ જ ખરાબ હતું – એકદમ ગળ્યું ગળ્યું. મારાંથી પી શકાયું એટલું પીધું અને પછી છોડી દીધું. બહાર નીકળતી વખતે મેં ત્યાં લગાવેલાં પેઇન્ટિન્ગ્સ અને વોલ-પોસ્ટર્સ જોયાં. એ બધાં પણ એટલાં જ કલાત્મક અને યુનીક હતાં.

મને ટોરોન્ટો પહેલી રાતથી જ ગમવા માંડ્યું હતું. ત્યાંથી ઘર તરફ પ્રયાણ કર્યું ત્યારે કારમાં સૌરભે મને યોન્ગ સ્ટ્રીટ દેખાડી અને તેનાં વિશે માહિતી આપતાં કહ્યું કે, એ દુનિયાની લાંબામાં લાંબી સ્ટ્રીટ માનવામાં આવે છે.સૌરભનો મિત્ર અમને ઘરે છોડી ગયો પછી સૌથી પહેલું ધ્યાન મારું ક્રિસમસ ડેકોરેશન પર ગયું હતું. તેનાં અપાર્ટમેન્ટ બિલ્ડિંગનાં પ્રવેશદ્વાર પાસે ક્રિસમસની મસ્ત સજાવટ કરેલી હતી. નાનાં રેઇન્ડીયર, ક્રિસમસ ટ્રી અને સ્નો-ફ્લેકની રોશનીથી એલીવેશન બહુ જ સુંદર લાગતું હતું.
તેનું ઘર લગભગ નવમાં કે દસમાં માળ પર હતું એટલે ત્યાંથી બહારનો નજારો ખૂબ સુંદર દેખાતો. મને એ જગ્યા અનહદ ગમી હતી. બે પુરુષો જ રહેતાં હોય તેનાં માટે એ ઘર ખૂબ સુંદર રીતે સજાવેલું અને સાચવેલું હતું. તેનો હાઉઝમેટ – ડેવિડ એ ઘરનો માલિક પણ હતો અને તે ઈરાની હતો. તેણે ખૂબ જ સુંદર ઘર-સજાવટની વસ્તુઓ પસંદ કરી હતી અને ઘરનાં દરેક ખૂણે થોડો ઈરાની ટચ આંખે ઊડીને વળગતો હતો.સૌરભનાં રૂમમાં સામાન ગોઠવીને અમે બિયરનાં કેન્સ ખોલ્યાં અને નિરાંતે વાતો કરવા લાગ્યાં. દોઢ-બે વર્ષનો ડોઝ ચાર દિવસમાં પૂરો કરવાનો હતો ને!
લગભગ બે વાગ્યા આસપાસ ડેવિડ કામ પરથી ઘરે આવ્યો. પછી એ પણ અમારી સાથે જોડાયો. તેનું ઇંગ્લિશ ભાંગેલું-તૂટેલું હતું એટલે થોડું સમજવામાં શરૂઆતમાં મને મુશ્કેલી પડી હતી પણ પછી ધીરે ધીરે એ પણ ગોઠવાઈ ગયું. એ રાત્રે અમે ત્રણે સાડા ત્રણ – ચાર સુધી જાગ્યા હતાં અને ખૂબ ગપાટા માર્યા હતાં. પછીનાં દિવસે સવારે મારાં ડાહ્યા શેફ ભાઈએ મારાં માટે ગરમ નાશ્તો બનાવ્યો હતો. તેમાં ડેવિડે પણ થોડો ઈરાની ટચ ઉમેર્યો હતો અને એ મેં ખૂબ માણ્યો હતો. નાશ્તો કહો કે લન્ચ, બધું એક જ હતું. અમે અઢી વાગ્યા આસપાસ માંડ ઘરેથી બહાર નીકળ્યા. તેનાં બિલ્ડિંગની આસપાસ બિલકુલ પહાડોમાં લાગે તેવી શાંતિ લાગતી.

વળી, એ સમય પાનખરનાં અંતનો હતો એટલે બધાં જ વૃક્ષો પરથી પાન બિલકુલ ખરી ગયાં હતાં અને ફક્ત કોરાં ઠૂઠા નજરે પડતાં હોય તેવું લાગતું હતું.

સાંભળ્યું હતું કે, ઋતુઓ સામાન્ય સ્થળોમાં ફક્ત અનુભવાય, પણ પહાડોમાં ઋતુઓ દેખાય. એ વાત ટોરોન્ટો માટે પણ એકદમ સાચી હોતી હશે તેવું લાગ્યું હતું. એ નીરવ શાંતિમાંથી બસમાં બેસીને અમે ટોરોન્ટો સિટી-સેન્ટર તરફ પ્રયાણ કર્યું.