મોન્ટ્રિયાલ – 2

કેનેડા, મોન્ટ્રિયાલ

પછીનાં દિવસે અમે આખો દિવસ ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલમાં વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોંચીને કાર પાર્ક કરીને નાશ્તા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા.

મને યેલ્પમાં એક સારી જગ્યા મળી પણ અમને તેની દિશા શોધવામાં થોડી વાર લાગી. રસ્તામાં સૌરભે કંટાળીને એક અન્ય જગ્યાએ અંદર જવાનું નક્કી કર્યું અને હું એક ટોપ-રીવ્યુવળી જગ્યાએ જ જવાની જીદ પકડીને બેઠી હતી. પાંચ સેકન્ડ પછી મોં ઉપર કરીને નામ જોયું તો અમે તે જ જગ્યાએ જતાં હતાં. એ સ્થળે મેં અત્યાર સુધીમાં ખાયેલી સારામાં સારી સેવરી પેનકેક ખાધી હતી. મારી મિત્ર ઍનાએ મને મેસેજ કરીને જણાવ્યું હતું કે, અમે બે વાગ્યે મળીશું એટલે અમે અમારી મરજી પ્રમાણે રખડવાનું શરૂ રાખ્યું અને એ ઑલ્ડ ટાઉન પહોંચી જાય પછી અમે જ્યાં હોઇએ ત્યાં એ અમને મળવા આવવાની હતી. નાશ્તા પછી અમે નોત્રે દામ બેસિલિકા તરફ ચાલવા લાગ્યાં.

રસ્તામાં એક સુંદર નાની માર્કેટ હતી ત્યાં લગભગ પોણી કલાક રોકાઈ ગયા.

એક દુકાનમાં હું અમસ્તી ટાઈમપાસ કરતી હતી અને સનગ્લાસિસ ટ્રાય કરતી હતી. તો સૌરભ દોઢ-ડાહ્યો કહે, “આ શું બકવાસ ટ્રાય કરસ, આની ફેશન બે વરસ પે’લા ગઈ.” પછી બીજાં આપીને કહે આ લે આ ટ્રાય કર. એ મારા પર સારા લાગતા હતાં તો મને પૂછ્યા વિના એ સૌરભે ખરીદી લીધા. મેં તેને ચીડવતા કહ્યું, “હું સાન ફ્રાન્સીસ્કો જઈને બધાંને કહીશ કે, મારાં ભાઈએ મને મસ્ત સનીઝ લઈ દીધાં.” એ પછી અમે એક એંટીક ચીજોની દુકાનમાં નજર ફેરવી. ત્યાંથી મેં બે સુંદર કી-ચેઇન ખરીદ્યાં. એ કી-ચેન પિત્તળની જૂનાં કોઈ તાળાની મોટી ચાવીનાં આકારનાં હતાં અને તેનાં હાથા પર પર સુંદર કોતરણી કરેલી હતી. એ શોપમાં જૂના કૅમેરા, જૂની સૂટકેસિસ વગેરે જોવાનું એટલું બધું હતું કે, ન પૂછો વાત! એ એક શોપમાં અમે લગભગ અડધી પોણી કલાક કાઢી અને ત્યાંથી સીધા બેસિલિકા પહોંચ્યા. બેસિલિકાની બનાવટ ગોથિક સ્ટાઇલની હતી. એ દિવસ સુધી જોયેલાં તમામ ચર્ચિસની સરખામણીએ એ એટલું અલગ હતું કે, ન પૂછો વાત! તેનું વર્ણન કરવા માટે જ એક આખી પોસ્ટ જોઈએ એટલે તેનાં તો ફોટોઝ જ માણો!

એ જગ્યા અમે લગભગ પૂરી જોઈ લીધી હતી ત્યાં મારી મિત્ર ઍના આવી. તેની સાથે અમે નજીકમાં આઈસ-ક્રીમ ખાવા ગયા. મારા મિત્રો ડેવિડ અને માજિદ સાથે હું એક વખત એક્સ્પ્લોરેટેરિયમ ગઈ હતી ત્યારે અચાનક માજિદ તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને પછી આખી સાંજ એ અમારી સાથે ફરી હતી. એ રીતે અમે મિત્રો બન્યા હતા. એ સમયે તે ટ્રાવેલ કરી રહી હતી અને એ દિવસ સાન ફ્રાન્સિસ્કોમાં તેનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ફરી મળ્યાં ત્યારે હું તેનાં શહેરમાં ટ્રાવેલ કરી રહી હતી. :) તે એક કાફૅમાં કામ કરતી હતી અને ચાર વાગ્યે તેને કામ પર જવાનું હતું એટલે તેણે આઈસક્રીમ ખાઈને રાજા લીધી અને અમને તેનાં કાફૅ પર સાંજે જમવા/ડ્રિંક્સ માટે આવવાનું કહ્યું હતું.

ઍના ગઈ પછી અમે એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરફ ગયાં. ત્યાંથી મેં એક શોર્ટ્સ અને બે પેર શૂઝ ખરીદ્યાં. ત્યાર પછી અમે મોન્ટ્રિયાલનાં ચાઇનાટાઉનમાં આંટો માર્યો અને જમવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. છ જ વાગ્યા હતાં પણ સૌરભને કકડીને ભૂખ લાગી હતી. અમને બંનેને ફરી ભારતીય જમવાનું જમવાનું મન થયું હતું એટલે અમે યેલ્પ ખોલીને બેઠા. ત્યાંથી નજીક બે-ત્રણ રેસ્ટ્રોં હતાં પણ, તેમાંથી જેનાં રીવ્યુ સૌથી સારાં હતાં એ થોડું દૂર હતું. અમે એ તરફ ચાલવાનું શરૂ તો કર્યું પણ, પછી અમને બંનેને થાક લાગ્યો હતો એટલે સૌરભ કહે ભલે બીજી જગ્યાનાં રીવ્યુ એટલા સારા ન હોય તો પણ આપણે ત્યાં જ જઈએ.

એ જગ્યાનું નામ હવે હું ભૂલી ગઈ છું. એક નાના દરવાજામાંથી ત્યાં ઉપર જવાતું હતું. કોઈનાં ઘરને પાડીને ત્યાં રેસ્ટોરાં બનાવ્યું હોય તેમ લાગતું હતું. અમે અંદર ગયાં ત્યારે કોઈ અન્ય લોકો નહોતાં. ફક્ત તેનાં માલિક પતિ-પત્ની અને તેમની એક દસેક વર્ષની દીકરી. અમારો ઓર્ડર તેમની દીકરીએ લખ્યો. એ લોકો કશ્મીરી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરાંમાં અંદર જતાં તરત જ તેમનું રસોડું દેખાતું હતું. જમવાનું એ બહેને બનાવ્યું હતું. મારા માટે થોડું વહેલું હતું એટલે મને ખાસ કઈં ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં સૌરભ સાથે કુલ્ચા શેર કરવાનું નક્કી કર્યું. કુલ્ચાનું પહેલું બટકું મોંમાં નાંખતા જ મારાં મોંમાં જાણે સ્વાદનો વિસ્ફોટ થયો! તેવા કુલ્ચા મેં આજ સુધી ક્યાંય નથી ખાધાં!

સૌરભને પણ જમવાનું એટલું ભાવ્યું હતું કે, તેણે ત્યાં જ જમવાનું પતાવવાનું મને સૂચવ્યું એટલે અમે એક વધુ કુલ્ચા અને સબ્જી મંગાવી. ત્યાંથી અમે એક ઓપન ટૅરેસ બારમાં ગયા.

ત્યાં થયેલી એક વાત મને હજુ પણ નથી ભૂલાઈ. અમે સૌરભનાં સગા નાના ભાઈનાં કોલેજ ઍડ્મિશન અને તેની અનોખી કરિયર ચોઈસ વિશે વાત કરતા હતા. સૌરભનું કહેવું હતું “સારું. પરિવારમાં કોઈ તો પૈસા કમાશે” અને મારું કહેવું હતું કે, આજની તારીખે ભારતમાં એ બહુ જોખમી કરિયર ચોઈસ છે કારણ કે, તેમાં જીવનું જોખમ છે. સૌરભે એ નાની વાત પર મારો મુદ્દો સમજવાને બદલે મારો ઊધડો લેવાનું શરૂ કર્યું હતું,
“તું બધી વાતમાં આટલી ડરે છે શું કામ?”
“હું કઈં ડરતી નથી. જો ડરતી હોત તો આજે જ્યાં છું ત્યાં ન હોત.”
“રે’વા દે. ડરે જ છે. ડરતી ન હોત તો પે’લા દિવસે બ્રેકઅપ થઈ જશે તો એમ વિચારીને રડતી ન હોત. એને જવા દીધો હોત.”
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.

ત્યાર પછી અમે નદીકિનારે ફર્યા અને એ શહેરની સુંદરતા માણી.

અંતે આગલા દિવસે જોયેલાં એક બારમાં જઈને હોટેલ તરફ રવાના થયા.

એક રાત્રિ માટે અમારે હોટેલ બદલવાની હતી અને નવી હોટેલ શોધવાની હતી. અમે જે શોધી હતી એ હોટેલ એક અપાર્ટમેન્ટ હોટેલ હતી. ત્યાં રિસેપ્શન પર રાત્રે કોઈ નહોતું. અમે રિસેપ્શનનાં ફોનમાંથી ફોન કર્યો ત્યારે એક માણસ ચાવી લઈને નીચે અમને ચાવી આપવા આવ્યો. એ બિલ્ડીંગમાં લિફ્ટ નહોતી. અમે સામાન ઉપાડીને ઉપર ગયા. એ-બે બિયર પીધી, થોડી વાર રહીને પિઝા મંગાવ્યો અને પછી ઊંઘી ગયા. સવારે ચાર વાગ્યા આસપાસ મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને ગરમી ખૂબ થતી હતી. જોયું તો એર-કન્ડિશનર બંધ હતું. પાવર-સપ્લાય કટ થઈ ગયો હતો અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી કટ રહ્યો હતો. નોર્થ અમેરિકામાં પાવર-કટનો અનુભવ કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. પણ, સાથે સાથે એ હોટેલનાં રિસેપ્શનનાં અનુભવ પરથી જોઈએ તો મને એ કટ વિષે બહુ આશ્ચર્ય નહોતું થયું.

એ દિવસે આઠ વાગ્યાની મારી ફ્લાઈટ હતી એટલે સવા છ વાગ્યે અમે હોટેલથી નીકળ્યા. સૌરભ મને એરપોર્ટ ડ્રોપ કરીને સીધો જ ટોરોન્ટો જવા નીકળી ગયો.

મોન્ટ્રીયાલ – 1

કેનેડા, મોન્ટ્રિયાલ

2016માં મેનાં અંતે એક લોન્ગ વિકેન્ડ આવતો હતો એટલે એ નિમિત્તે રખડવાનું થયું હતું. સૌરભ અને મેં આ વખતે મોન્ટ્રીયાલ મળવાનું નક્કી કર્યું હતું. હું અહીંથી ઊડીને ત્યાં સાડા પાંચ કલાકે પહોંચી હતી, અને એ ડ્રાઈવ કરીને. સાંજે લગભગ સાડા છ આસપાસ હું લેન્ડ થઇ હતી અને સૌરભ મને એરપોર્ટ લેવા આવ્યો હતો. તેણે પાંચ કલાક સતત ડ્રાઈવ કર્યું હતું એટલે અમે ડીનર માટે બહાર જતા પહેલા ઍરપોર્ટ પર જ ટિમ હોર્ટન શોધીને ત્યાં કૉફી પીવા રોકાયા. અમે બંને ખૂબ થાકેલા હતા અને થોડો સમય પછી ભૂખ પણ ખૂબ લાગી હતી. એટલી કકડીને ભૂખ લાગી હોય ત્યારે ભારતીય સિવાય અન્ય કોઈ પ્રકારનું જમવાનું ન સૂઝે એટલે યેલ્પ પર એરપોર્ટ નજીક સારું ભારતીય રેસ્ટોરાં શોધ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા.

મોન્ટ્રીયાલનાં ફ્રીવેની લગભગ દરેક એક્ઝિટ પર ત્યારે ખોદકામ ચાલી રહ્યું હતું અને ઘણાં બધાં રસ્તા બદલી ગયાં હતાં. એ કારણે જીપીએસને અનુસરવામાં અમને ખૂબ તકલીફ પડી. બીજી મોટી તકલીફ ત્યાંની રોડ-સાઈન્સ. ફ્રીવે સિવાય ક્યાંય પણ સાઈન્સ મોટાં કેપિટલ લેટર્સમાં નહોતી અને સફેદ રંગની પતરી પર હતી. સફેદ રંગ ત્યાંના વાતાવરણ અને ઘરોનાં રંગ સાથે ભળી જતો હતો એટલે સાઇન આરામથી જોઈ નહોતી શકાતી. વળી, રોડ-સાઈન્સ ક્યાંક રસ્તાનાં ખૂણે કોઈ દૂરનાં થાંભલા પર હોય અને ક્યાંક બરાબર વચ્ચે ટ્રાફિક લાઈટ્સ પર હોય એટલે ખબર ન પડે કે ક્યાં જોવું. આમ રસ્તાનાં નામ શોધતા અને અમે સાચા માર્ગ પર છીએ કે નહીં એ જાણતા નાકે દમ આવી જતો.  આ બધાં કારણોસર જમવા માટે જે જગ્યાએ અમે વીસ મિનિટમાં પહોંચવાનાં હતાં ત્યાં એક કલાકે પહોંચી રહ્યા અને મોડું મોડું (મોળું મોળું પણ જો કે! – ઓછાં મીઠાવાળું ;) ) જમવા પામ્યા. રેસ્ટોરાં ખૂબ સુંદર હતું અને અમે બંને ખૂબ ભૂખ્યા હતાં એટલે આરામથી જમ્યા.

જમીને શહેર જોવા જવાનો પ્લાન હતો પણ રહી રહીને મને યાદ આવ્યું કે, મારી કેમેરા બેગ મારી પાસે નથી, ફક્ત વોલેટ છે. કેમેરા બેગ મેં કારમાં પણ લીધી હોવાનું મને યાદ નહોતું આવું એટલે મને થોડી ફાળ પડી અને મેં સૌરભને તરત જ કારમાં ચેક કરવા જવાનું કહ્યું. અમે કાર-પાર્કમાં ગયાં અને આખી ગાડી ફેંદી મારી પણ કેમેરા બેગ ક્યાંય ન દેખાઈ. એ બેગનાં સાઈડ-પોકેટમાં મારાં ઘરની ચાવી હતી. અમે ફરી પાછા એરપોર્ટ તરફ રવાના થયા. રસ્તામાં મેં એરપોર્ટનાં લોસ્ટ-એન્ડ-ફાઉન્ડ ડીપાર્ટમેન્ટમાં ફોન કરીને પૂછ્યું પણ, તેમને મારાં કહ્યા પ્રમાણેની કોઈ જ બેગ મળી નહોતી. છતાં તેણે એરપોર્ટ પર આવીને ચેક કરવા જણાવ્યું, જે અમે ત્યારે કરી જ રહ્યાં હતાં. એરપોર્ટ પહોંચીને પહેલા હું ‘અરાઈવલ્સ’નાં વિસ્તારમાં જ્યાં બેસીને સૌરભ માટે રાહ જોઈ રહી હતી ત્યાં જોવા ઇચ્છતી હતી પણ, સૌરભને પહેલાં ટિમ હોર્ટનમાં જ જઈને જોવું હતું એટલે અમે પહેલાં ત્યાં ગયાં.

અમે જ્યાં બેઠાં હતાં ત્યાં જઈને ખુરશી પાસે જોયું તો કંઈ જ નહોતું. ત્યાં બધાં ટેબલ પર અમે નજર કરી લીધી પણ કંઈ મળ્યું નહીં એટલે ત્યાંથી ‘અરાઈવલ્સ’ તરફ જવા લાગ્યાં. બહાર નીકળતાં કૉફી કાઉન્ટરની અંદર સૌરભનું ધ્યાન ગયું અને ત્યાં તેણે એક બેગ જોઈ. એ મારી જ કેમેરા બેગ હતી અને મને હાશકારો થયો! સ્ટાફને હું કદાચ યાદ હતી એટલે તેમણે આરામથી મને એ સુપરત કરી. ત્યાંથી નીકળીને અમે સીધા હોટેલ તરફ ગયા અને ચેક-ઇન કરીને થોડાં ફ્રેશ થયા. થોડી વાર ગપાટા મારીને પછી અમને શીશા માટે બહાર જવાનું સૂઝ્યું. એ બેસ્ટ પ્લાન હતો કારણ કે, ક્લબિંગ જેટલી તાકાત અમારાં શરીરમાં નહોતી અને ત્યાં ઘોંઘાટમાં વાત પણ ન થઈ શકે. વળી, સાન ફ્રાન્સિસ્કોમાં શીશા માટે મારી પાસે કોઈ કંપની નહોતી એટલે એમ પણ મને મન થઈ ગયું હતું. અમે લગભગ દોઢ વાગ્યા સુધી ત્યાં બેઠાં અને ઘણી પંચાત કરી. અમારાં પરિવાર વિષે અને ભવિષ્યનાં પ્લાન્સ બાબતે ઘણી વાતો કરી અને પછી હોટેલ તરફ પાછા ફર્યા.

એ રાત્રે પાછાં ફરતાં મેં નોર્થ અમેરિકામાં પહેલી વખત કાર ચલાવી! એ અનુભવ ઘણો યાદગાર રહ્યો. હોટેલ પહોંચીને પહેલી રાત્રે મને ખાસ ઊંઘ ન આવી. પણ, લગભગ ચારેક વાગ્યે આંખ બંધ થઇ ગઈ અને સાડા દસ સુધી તો આમ પણ સૌરભ ઊઠ્યો નહોતો એટલે થોડી ઘણી ઊંઘ થઇ શકી. નાહીને તૈયાર થઈને અમે પહેલા પેટ્રોલ ભરાવવા અને પછી નાસ્તો કરવા ગયા અને તેમાં પણ પહેલા જેવું જ થયું. વિચિત્ર ફ્રી-વે એક્ઝિટસ અને જીપીએસનાં અમેળને કારણે ખૂબ ચક્કર ફર્યાં. મેકડોનલ્ડસમાં નાસ્તો/લન્ચ કર્યાં પછી મોન્ટ રોયાલ ચર્ચ તરફ જવા રવાના થયાં. ત્યાં સુધીમાં જીપીએસ અને મોન્ટ્રીયાલનાં રસ્તા – બંનેથી ટેવાઈ ગયાં હતાં એટલે એ ચર્ચ સુધી પહોંચતાં બહુ વાર ન લાગી.

ચર્ચ ખૂબ સુંદર હતું! તે એક ટેકરી પર સારી એવી ઊંચાઈ પર આવેલું હતું અને એ પર્વતોનાં હરિયાળા બેકગ્રાઉન્ડમાં ચર્ચનો આછો રાખોડી અને વાદળી રંગ એકદમ પિક્ચર પરફેક્ટ લાગતો હતો. ચર્ચમાં અને તેની પાસેનાં સુંદર હરિયાળા બગીચામાં અમે લગભગ ત્રણેક કલાક ફર્યાં. ત્યાંથી ચારેક વાગ્યે નીકળવા માટે તૈયાર થયાં.

ત્યાંથી આગળ ડ્રાઈવ કરીને સૌરભ મને એક નાના વૃક્ષોનાં બગીચા જેવી દેખાતી જગ્યાએ લઈ ગયો. ત્યાં એક સીડી હતી જેનાં પરથી ઘણાં માણસો ચડ-ઉતર કરી રહ્યા હતા.

મને એમ હતું કે પાંચેક મિનિટમાં કોઈ નવાં ચર્ચ સુધી પહોંચી જઈશું. પણ, પંદર મિનિટેય અમે હજુ ચાલી જ રહ્યા હતા. ધીમે ધીમે અમને મોન્ટ્રિયાલની ક્ષિતિજ દેખાવા લાગી. અમે ખાસ્સા ઉપર આવી ગયા હતા. પાંચેક મિનિટ પછી અમે ઉપર પહોંચ્યા અને ત્યાં કોઈ ચર્ચ નહોતું. એ કોઈ મહેલની અગાશી જેવી દેખાતી ખુલ્લી જગ્યા હતી.

ત્યાં ઊભા રહીને ઘણાં માણસો શહેરની સુંદર ક્ષિતિજ જોઈ રહ્યા હતાં. એક પબ્લિક-પિઆનો ત્યાં પડ્યો હતો અને લોકો એક પછી એક જૂદી જૂદી સરગમ વગાડી રહ્યા હતા. 

ખૂબ સુંદર વાતાવરણ બંધાયું હતું. એ અગાશીમાં ઉપર એક મોટી હૉલ જેવી ખુલ્લી જગ્યા હતી જેનું નામ હતું ‘માઉન્ટ રોયાલ શાલે (Mount Royal Chalet)’.

શાલેની બરાબર સામે એક નાનો આઈસ-ક્રીમ સ્ટૉલ હતો. શાલે જોઈને આવ્યા પછી અમે દાદરા પર બેસીને શહેરનો નજારો માણતાં આઈસ-ક્રીમ ખાધો હતો. થોડી વારમાં એ આઈસ-ક્રીમ વેંચવાવાળા યુવાનની ગર્લફ્રેન્ડ આવી. સ્ટૉલ પાસે વધુ આઈસ્ક્રીમની એક પેટી પડી હતી. એ છોકરી તેનાં પર બેસી ગઈ અને આઈસ્ક્રીમવાળાએ તેને ઘાસનો બનાવેલો એક બુકે આપ્યો. દૂરથી એમ લાગતું હતું કે, જાણે એ બુકે હાથથી બનાવ્યો હોય. સૌરભ તરત બોલી ગયો,
“જોયું દી? રોમાન્સ માટે પૈસા હોવા જરૂરી નથી.”
“બિલકુલ જરૂરી નથી. In fact મારા અનુભવે કહું તો પૈસા રોમાન્સને મારી નાંખતાં હોય છે.”

ત્યાં છ વાગ્યા સુધી ત્યાં બેઠા પછી અમને બંનેને ખૂબ ભૂખ લાગી હતી. સૌરભને અચાનક ઈડલી અને ડોસા ખાવાનું મન થયું એટલે અમે યેલ્પમાં સારું રેસ્ટોરાં જોવા લાગ્યાં. ‘તંજઇ’ નામની એક જગ્યાનાં રિવ્યૂ સારાં હતાં અને એ ફક્ત પંદર મિનિટની દૂરી પર હતી એટલે અમે એ તરફ પ્રયાણ કર્યું. સૌરભનો ફોન ત્યાં સુધીમાં મરી ચૂક્યો હતો અને મારું ઇન્ટરનેટ રોમિંગ પર હોવાને કારણે 2G પર ચાલતું હતું એટલે જીપીએસ-નૅવિગેશન વાપરી શકાય તેમ નહોતું, ફક્ત રસ્તો (driving directions) જ જોઈ શકાતો હતો. પણ છતાંયે એક પછી એક કયા રસ્તા પર વળવાનું છે તેનાં પર ધ્યાન આપીને અમે મુકામે પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ અમારું દિલ ખુશ થઈ ગયું. ત્યાં પ્રવેશ પાસે વિવિધ પ્રકારની દાળ અને મસાલાનાં નમૂના, તેમનાં નામ સાથે રાખ્યા હતાં. દીવાલ પર અમુક ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોનાં પોસ્ટર લગાવેલાં હતાં. એક પોસ્ટર બિરજુ મહારાજનાં કાર્યક્રમનું હતું. એ જોઈને મને મનમાં થોડો અફસોસ થયો કે, કાશ હું એક અઠવાડિયા પછી આવી હોત તો એ કાર્યક્રમ જોઈ શકી હોત. અંદરનો માહોલ (ખાસ તો બેઠકનાં કારણે) 90નાં દશકાની ‘કેન્ટીન’ જેવો લાગતો હતો. ભારત બહાર મેં જેટલાં સ્થળોએ સાઉથ-ઇન્ડિયન ભોજન કર્યું છે તેમાં સૌથી ઉત્તમ જમવાનું આ જગ્યાનું હતું. અમે થોડો વધુ ઓર્ડર કરી દીધો હતો એટલે એક ઉત્તપમ પેક કરાવવો પડ્યો. એ વિશે જો કે, અમે ખુશ જ હતા કારણ કે, એ અમે રાત્રે મોડેથી ખાઈ શકવાનાં હતા. ત્યાંથી અમે ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલ તરફ પ્રયાણ કર્યું.

પ્રયાણ તો કર્યું પણ મારો ફોન હવે બૅટરી-સેવર મોડ પર ચાલતો હતો અને ઓલ્ડ-ટાઉન સુધી પહોંચીને પણ અમારે જ્યાંથી વળવાનું હતું એ વળાંક અમને મળ્યો ન હતો. અમે કોઈ જૂદાં જ રસ્તા પર હતા અને જીપીએસ અમારું લોકેશન અપડેટ કરતા ખૂબ વાર લગાડી રહ્યું હતું. પછી એક જગ્યાએ અમે ઈન્ટ્યુશન(intuition)થી વળાંક લઈ જ લીધો અને ત્યાં સૌરભને એક પરિચિત હોટેલ દેખાઈ. ત્યાંથી ક્યાં જવાનું એ તેને યાદ હતું એટલે અમે અમારાં મુકામે પહોંચ્યા ખરા. પાછા હોટેલ સુધી જવા માટે ફ્રીવે સુધીનો રસ્તો શકીએ તેટલી સાવ છેલ્લી થોડી બૅટરી પણ મારાં ફોનમાં ત્યારે બાકી હતી એટલે અમને નિરાંત થઈ.

ઓલ્ડ ટાઉનમાં પ્રવેશતા જ જાણે અમે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયા હતા. ત્યાંની સ્થાપત્યશૈલી બાકીનાં શહેર કરતા સારી એવી અલગ હતી. અધૂરામાં પૂરું, રસ્તા ડામરનાં નહીં પણ, ઈંટો પાથરીને બનેલાં હતાં. જાણે જૂની યુરોપિયન ફિલ્મનાં સેટ પર અચાનક આવી ગયા હોઈએ તેવો આભાસ થતો હતો.

થોડું આગળ ચાલતા જ અમે એક ખુલ્લા મેદાન જેવા વિસ્તારમાં આવ્યા, જેની ચારે તરફ નાની નાની ગલીઓ હતી. ત્યાંનાં ખુલ્લા રેસ્ટોરાં, માકાનોનાં બાંધકામ વગેરે ખૂબ કળાત્મક હતાં. ત્યાંની નાનકડી રોડ-સાઈડ માર્કેટ હસ્તકળાની ચીજોથી ભરપૂર હતી.

રાત્રે સાડા દસ આસપાસ બિયરનું એક સિક્સ-પેક લઈને અમે હોટેલ તરફ પાછા ફર્યા. એ દિવસે મારી મોન્ટ્રિયાલની એક મિત્રને મેસેજ કર્યો હતો જો પછીનાં દિવસે તેને સમય હોય તો તેને મળવા માટે. તેનો જવાબ આવ્યો હતો અને અમે પછીનાં દિવસે બપોરે ઓલ્ડ-ટાઉનમાં મળવાનું નક્કી કર્યું હતું.