મોન્ટ્રિયાલ – 2

કેનેડા, મોન્ટ્રિયાલ

પછીનાં દિવસે અમે આખો દિવસ ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલમાં વિતાવવાનું નક્કી કર્યું હતું એટલે ત્યાં પહોંચીને કાર પાર્ક કરીને નાશ્તા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા.

મને યેલ્પમાં એક સારી જગ્યા મળી પણ અમને તેની દિશા શોધવામાં થોડી વાર લાગી. રસ્તામાં સૌરભે કંટાળીને એક અન્ય જગ્યાએ અંદર જવાનું નક્કી કર્યું અને હું એક ટોપ-રીવ્યુવળી જગ્યાએ જ જવાની જીદ પકડીને બેઠી હતી. પાંચ સેકન્ડ પછી મોં ઉપર કરીને નામ જોયું તો અમે તે જ જગ્યાએ જતાં હતાં. એ સ્થળે મેં અત્યાર સુધીમાં ખાયેલી સારામાં સારી સેવરી પેનકેક ખાધી હતી. મારી મિત્ર ઍનાએ મને મેસેજ કરીને જણાવ્યું હતું કે, અમે બે વાગ્યે મળીશું એટલે અમે અમારી મરજી પ્રમાણે રખડવાનું શરૂ રાખ્યું અને એ ઑલ્ડ ટાઉન પહોંચી જાય પછી અમે જ્યાં હોઇએ ત્યાં એ અમને મળવા આવવાની હતી. નાશ્તા પછી અમે નોત્રે દામ બેસિલિકા તરફ ચાલવા લાગ્યાં.

રસ્તામાં એક સુંદર નાની માર્કેટ હતી ત્યાં લગભગ પોણી કલાક રોકાઈ ગયા.

એક દુકાનમાં હું અમસ્તી ટાઈમપાસ કરતી હતી અને સનગ્લાસિસ ટ્રાય કરતી હતી. તો સૌરભ દોઢ-ડાહ્યો કહે, “આ શું બકવાસ ટ્રાય કરસ, આની ફેશન બે વરસ પે’લા ગઈ.” પછી બીજાં આપીને કહે આ લે આ ટ્રાય કર. એ મારા પર સારા લાગતા હતાં તો મને પૂછ્યા વિના એ સૌરભે ખરીદી લીધા. મેં તેને ચીડવતા કહ્યું, “હું સાન ફ્રાન્સીસ્કો જઈને બધાંને કહીશ કે, મારાં ભાઈએ મને મસ્ત સનીઝ લઈ દીધાં.” એ પછી અમે એક એંટીક ચીજોની દુકાનમાં નજર ફેરવી. ત્યાંથી મેં બે સુંદર કી-ચેઇન ખરીદ્યાં. એ કી-ચેન પિત્તળની જૂનાં કોઈ તાળાની મોટી ચાવીનાં આકારનાં હતાં અને તેનાં હાથા પર પર સુંદર કોતરણી કરેલી હતી. એ શોપમાં જૂના કૅમેરા, જૂની સૂટકેસિસ વગેરે જોવાનું એટલું બધું હતું કે, ન પૂછો વાત! એ એક શોપમાં અમે લગભગ અડધી પોણી કલાક કાઢી અને ત્યાંથી સીધા બેસિલિકા પહોંચ્યા. બેસિલિકાની બનાવટ ગોથિક સ્ટાઇલની હતી. એ દિવસ સુધી જોયેલાં તમામ ચર્ચિસની સરખામણીએ એ એટલું અલગ હતું કે, ન પૂછો વાત! તેનું વર્ણન કરવા માટે જ એક આખી પોસ્ટ જોઈએ એટલે તેનાં તો ફોટોઝ જ માણો!

એ જગ્યા અમે લગભગ પૂરી જોઈ લીધી હતી ત્યાં મારી મિત્ર ઍના આવી. તેની સાથે અમે નજીકમાં આઈસ-ક્રીમ ખાવા ગયા. મારા મિત્રો ડેવિડ અને માજિદ સાથે હું એક વખત એક્સ્પ્લોરેટેરિયમ ગઈ હતી ત્યારે અચાનક માજિદ તેની સાથે વાત કરવા લાગ્યો હતો અને પછી આખી સાંજ એ અમારી સાથે ફરી હતી. એ રીતે અમે મિત્રો બન્યા હતા. એ સમયે તે ટ્રાવેલ કરી રહી હતી અને એ દિવસ સાન ફ્રાન્સિસ્કોમાં તેનો છેલ્લો દિવસ હતો. એ દિવસે ફરી મળ્યાં ત્યારે હું તેનાં શહેરમાં ટ્રાવેલ કરી રહી હતી. :) તે એક કાફૅમાં કામ કરતી હતી અને ચાર વાગ્યે તેને કામ પર જવાનું હતું એટલે તેણે આઈસક્રીમ ખાઈને રાજા લીધી અને અમને તેનાં કાફૅ પર સાંજે જમવા/ડ્રિંક્સ માટે આવવાનું કહ્યું હતું.

ઍના ગઈ પછી અમે એક શોપિંગ ડિસ્ટ્રિક્ટ તરફ ગયાં. ત્યાંથી મેં એક શોર્ટ્સ અને બે પેર શૂઝ ખરીદ્યાં. ત્યાર પછી અમે મોન્ટ્રિયાલનાં ચાઇનાટાઉનમાં આંટો માર્યો અને જમવા માટે કોઈ સારી જગ્યા શોધવા લાગ્યા. છ જ વાગ્યા હતાં પણ સૌરભને કકડીને ભૂખ લાગી હતી. અમને બંનેને ફરી ભારતીય જમવાનું જમવાનું મન થયું હતું એટલે અમે યેલ્પ ખોલીને બેઠા. ત્યાંથી નજીક બે-ત્રણ રેસ્ટ્રોં હતાં પણ, તેમાંથી જેનાં રીવ્યુ સૌથી સારાં હતાં એ થોડું દૂર હતું. અમે એ તરફ ચાલવાનું શરૂ તો કર્યું પણ, પછી અમને બંનેને થાક લાગ્યો હતો એટલે સૌરભ કહે ભલે બીજી જગ્યાનાં રીવ્યુ એટલા સારા ન હોય તો પણ આપણે ત્યાં જ જઈએ.

એ જગ્યાનું નામ હવે હું ભૂલી ગઈ છું. એક નાના દરવાજામાંથી ત્યાં ઉપર જવાતું હતું. કોઈનાં ઘરને પાડીને ત્યાં રેસ્ટોરાં બનાવ્યું હોય તેમ લાગતું હતું. અમે અંદર ગયાં ત્યારે કોઈ અન્ય લોકો નહોતાં. ફક્ત તેનાં માલિક પતિ-પત્ની અને તેમની એક દસેક વર્ષની દીકરી. અમારો ઓર્ડર તેમની દીકરીએ લખ્યો. એ લોકો કશ્મીરી હોય તેવું લાગતું હતું. રેસ્ટોરાંમાં અંદર જતાં તરત જ તેમનું રસોડું દેખાતું હતું. જમવાનું એ બહેને બનાવ્યું હતું. મારા માટે થોડું વહેલું હતું એટલે મને ખાસ કઈં ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં સૌરભ સાથે કુલ્ચા શેર કરવાનું નક્કી કર્યું. કુલ્ચાનું પહેલું બટકું મોંમાં નાંખતા જ મારાં મોંમાં જાણે સ્વાદનો વિસ્ફોટ થયો! તેવા કુલ્ચા મેં આજ સુધી ક્યાંય નથી ખાધાં!

સૌરભને પણ જમવાનું એટલું ભાવ્યું હતું કે, તેણે ત્યાં જ જમવાનું પતાવવાનું મને સૂચવ્યું એટલે અમે એક વધુ કુલ્ચા અને સબ્જી મંગાવી. ત્યાંથી અમે એક ઓપન ટૅરેસ બારમાં ગયા.

ત્યાં થયેલી એક વાત મને હજુ પણ નથી ભૂલાઈ. અમે સૌરભનાં સગા નાના ભાઈનાં કોલેજ ઍડ્મિશન અને તેની અનોખી કરિયર ચોઈસ વિશે વાત કરતા હતા. સૌરભનું કહેવું હતું “સારું. પરિવારમાં કોઈ તો પૈસા કમાશે” અને મારું કહેવું હતું કે, આજની તારીખે ભારતમાં એ બહુ જોખમી કરિયર ચોઈસ છે કારણ કે, તેમાં જીવનું જોખમ છે. સૌરભે એ નાની વાત પર મારો મુદ્દો સમજવાને બદલે મારો ઊધડો લેવાનું શરૂ કર્યું હતું,
“તું બધી વાતમાં આટલી ડરે છે શું કામ?”
“હું કઈં ડરતી નથી. જો ડરતી હોત તો આજે જ્યાં છું ત્યાં ન હોત.”
“રે’વા દે. ડરે જ છે. ડરતી ન હોત તો પે’લા દિવસે બ્રેકઅપ થઈ જશે તો એમ વિચારીને રડતી ન હોત. એને જવા દીધો હોત.”
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.

ત્યાર પછી અમે નદીકિનારે ફર્યા અને એ શહેરની સુંદરતા માણી.

અંતે આગલા દિવસે જોયેલાં એક બારમાં જઈને હોટેલ તરફ રવાના થયા.

એક રાત્રિ માટે અમારે હોટેલ બદલવાની હતી અને નવી હોટેલ શોધવાની હતી. અમે જે શોધી હતી એ હોટેલ એક અપાર્ટમેન્ટ હોટેલ હતી. ત્યાં રિસેપ્શન પર રાત્રે કોઈ નહોતું. અમે રિસેપ્શનનાં ફોનમાંથી ફોન કર્યો ત્યારે એક માણસ ચાવી લઈને નીચે અમને ચાવી આપવા આવ્યો. એ બિલ્ડીંગમાં લિફ્ટ નહોતી. અમે સામાન ઉપાડીને ઉપર ગયા. એ-બે બિયર પીધી, થોડી વાર રહીને પિઝા મંગાવ્યો અને પછી ઊંઘી ગયા. સવારે ચાર વાગ્યા આસપાસ મારી ઊંઘ ઊડી ગઈ. ઊઠીને ગરમી ખૂબ થતી હતી. જોયું તો એર-કન્ડિશનર બંધ હતું. પાવર-સપ્લાય કટ થઈ ગયો હતો અને ઓછામાં ઓછી અડધી કલાક સુધી કટ રહ્યો હતો. નોર્થ અમેરિકામાં પાવર-કટનો અનુભવ કર્યાનો એ પહેલો પ્રસંગ હતો. પણ, સાથે સાથે એ હોટેલનાં રિસેપ્શનનાં અનુભવ પરથી જોઈએ તો મને એ કટ વિષે બહુ આશ્ચર્ય નહોતું થયું.

એ દિવસે આઠ વાગ્યાની મારી ફ્લાઈટ હતી એટલે સવા છ વાગ્યે અમે હોટેલથી નીકળ્યા. સૌરભ મને એરપોર્ટ ડ્રોપ કરીને સીધો જ ટોરોન્ટો જવા નીકળી ગયો.

મોન્ટ્રીયાલ – 1

કેનેડા, મોન્ટ્રિયાલ

2016માં મેનાં અંતે એક લોન્ગ વિકેન્ડ આવતો હતો એટલે એ નિમિત્તે રખડવાનું થયું હતું. સૌરભ અને મેં આ વખતે મોન્ટ્રીયાલ મળવાનું નક્કી કર્યું હતું. હું અહીંથી ઊડીને ત્યાં સાડા પાંચ કલાકે પહોંચી હતી, અને એ ડ્રાઈવ કરીને. સાંજે લગભગ સાડા છ આસપાસ હું લેન્ડ થઇ હતી અને સૌરભ મને એરપોર્ટ લેવા આવ્યો હતો. તેણે પાંચ કલાક સતત ડ્રાઈવ કર્યું હતું એટલે અમે ડીનર માટે બહાર જતા પહેલા ઍરપોર્ટ પર જ ટિમ હોર્ટન શોધીને ત્યાં કૉફી પીવા રોકાયા. અમે બંને ખૂબ થાકેલા હતા અને થોડો સમય પછી ભૂખ પણ ખૂબ લાગી હતી. એટલી કકડીને ભૂખ લાગી હોય ત્યારે ભારતીય સિવાય અન્ય કોઈ પ્રકારનું જમવાનું ન સૂઝે એટલે યેલ્પ પર એરપોર્ટ નજીક સારું ભારતીય રેસ્ટોરાં શોધ્યું અને એ તરફ ડ્રાઈવ કરવા લાગ્યા.

મોન્ટ્રીયાલનાં ફ્રીવેની લગભગ દરેક એક્ઝિટ પર ત્યારે ખોદકામ ચાલી રહ્યું હતું અને ઘણાં બધાં રસ્તા બદલી ગયાં હતાં. એ કારણે જીપીએસને અનુસરવામાં અમને ખૂબ તકલીફ પડી. બીજી મોટી તકલીફ ત્યાંની રોડ-સાઈન્સ. ફ્રીવે સિવાય ક્યાંય પણ સાઈન્સ મોટાં કેપિટલ લેટર્સમાં નહોતી અને સફેદ રંગની પતરી પર હતી. સફેદ રંગ ત્યાંના વાતાવરણ અને ઘરોનાં રંગ સાથે ભળી જતો હતો એટલે સાઇન આરામથી જોઈ નહોતી શકાતી. વળી, રોડ-સાઈન્સ ક્યાંક રસ્તાનાં ખૂણે કોઈ દૂરનાં થાંભલા પર હોય અને ક્યાંક બરાબર વચ્ચે ટ્રાફિક લાઈટ્સ પર હોય એટલે ખબર ન પડે કે ક્યાં જોવું. આમ રસ્તાનાં નામ શોધતા અને અમે સાચા માર્ગ પર છીએ કે નહીં એ જાણતા નાકે દમ આવી જતો.  આ બધાં કારણોસર જમવા માટે જે જગ્યાએ અમે વીસ મિનિટમાં પહોંચવાનાં હતાં ત્યાં એક કલાકે પહોંચી રહ્યા અને મોડું મોડું (મોળું મોળું પણ જો કે! – ઓછાં મીઠાવાળું ;) ) જમવા પામ્યા. રેસ્ટોરાં ખૂબ સુંદર હતું અને અમે બંને ખૂબ ભૂખ્યા હતાં એટલે આરામથી જમ્યા.

જમીને શહેર જોવા જવાનો પ્લાન હતો પણ રહી રહીને મને યાદ આવ્યું કે, મારી કેમેરા બેગ મારી પાસે નથી, ફક્ત વોલેટ છે. કેમેરા બેગ મેં કારમાં પણ લીધી હોવાનું મને યાદ નહોતું આવું એટલે મને થોડી ફાળ પડી અને મેં સૌરભને તરત જ કારમાં ચેક કરવા જવાનું કહ્યું. અમે કાર-પાર્કમાં ગયાં અને આખી ગાડી ફેંદી મારી પણ કેમેરા બેગ ક્યાંય ન દેખાઈ. એ બેગનાં સાઈડ-પોકેટમાં મારાં ઘરની ચાવી હતી. અમે ફરી પાછા એરપોર્ટ તરફ રવાના થયા. રસ્તામાં મેં એરપોર્ટનાં લોસ્ટ-એન્ડ-ફાઉન્ડ ડીપાર્ટમેન્ટમાં ફોન કરીને પૂછ્યું પણ, તેમને મારાં કહ્યા પ્રમાણેની કોઈ જ બેગ મળી નહોતી. છતાં તેણે એરપોર્ટ પર આવીને ચેક કરવા જણાવ્યું, જે અમે ત્યારે કરી જ રહ્યાં હતાં. એરપોર્ટ પહોંચીને પહેલા હું ‘અરાઈવલ્સ’નાં વિસ્તારમાં જ્યાં બેસીને સૌરભ માટે રાહ જોઈ રહી હતી ત્યાં જોવા ઇચ્છતી હતી પણ, સૌરભને પહેલાં ટિમ હોર્ટનમાં જ જઈને જોવું હતું એટલે અમે પહેલાં ત્યાં ગયાં.

અમે જ્યાં બેઠાં હતાં ત્યાં જઈને ખુરશી પાસે જોયું તો કંઈ જ નહોતું. ત્યાં બધાં ટેબલ પર અમે નજર કરી લીધી પણ કંઈ મળ્યું નહીં એટલે ત્યાંથી ‘અરાઈવલ્સ’ તરફ જવા લાગ્યાં. બહાર નીકળતાં કૉફી કાઉન્ટરની અંદર સૌરભનું ધ્યાન ગયું અને ત્યાં તેણે એક બેગ જોઈ. એ મારી જ કેમેરા બેગ હતી અને મને હાશકારો થયો! સ્ટાફને હું કદાચ યાદ હતી એટલે તેમણે આરામથી મને એ સુપરત કરી. ત્યાંથી નીકળીને અમે સીધા હોટેલ તરફ ગયા અને ચેક-ઇન કરીને થોડાં ફ્રેશ થયા. થોડી વાર ગપાટા મારીને પછી અમને શીશા માટે બહાર જવાનું સૂઝ્યું. એ બેસ્ટ પ્લાન હતો કારણ કે, ક્લબિંગ જેટલી તાકાત અમારાં શરીરમાં નહોતી અને ત્યાં ઘોંઘાટમાં વાત પણ ન થઈ શકે. વળી, સાન ફ્રાન્સિસ્કોમાં શીશા માટે મારી પાસે કોઈ કંપની નહોતી એટલે એમ પણ મને મન થઈ ગયું હતું. અમે લગભગ દોઢ વાગ્યા સુધી ત્યાં બેઠાં અને ઘણી પંચાત કરી. અમારાં પરિવાર વિષે અને ભવિષ્યનાં પ્લાન્સ બાબતે ઘણી વાતો કરી અને પછી હોટેલ તરફ પાછા ફર્યા.

એ રાત્રે પાછાં ફરતાં મેં નોર્થ અમેરિકામાં પહેલી વખત કાર ચલાવી! એ અનુભવ ઘણો યાદગાર રહ્યો. હોટેલ પહોંચીને પહેલી રાત્રે મને ખાસ ઊંઘ ન આવી. પણ, લગભગ ચારેક વાગ્યે આંખ બંધ થઇ ગઈ અને સાડા દસ સુધી તો આમ પણ સૌરભ ઊઠ્યો નહોતો એટલે થોડી ઘણી ઊંઘ થઇ શકી. નાહીને તૈયાર થઈને અમે પહેલા પેટ્રોલ ભરાવવા અને પછી નાસ્તો કરવા ગયા અને તેમાં પણ પહેલા જેવું જ થયું. વિચિત્ર ફ્રી-વે એક્ઝિટસ અને જીપીએસનાં અમેળને કારણે ખૂબ ચક્કર ફર્યાં. મેકડોનલ્ડસમાં નાસ્તો/લન્ચ કર્યાં પછી મોન્ટ રોયાલ ચર્ચ તરફ જવા રવાના થયાં. ત્યાં સુધીમાં જીપીએસ અને મોન્ટ્રીયાલનાં રસ્તા – બંનેથી ટેવાઈ ગયાં હતાં એટલે એ ચર્ચ સુધી પહોંચતાં બહુ વાર ન લાગી.

ચર્ચ ખૂબ સુંદર હતું! તે એક ટેકરી પર સારી એવી ઊંચાઈ પર આવેલું હતું અને એ પર્વતોનાં હરિયાળા બેકગ્રાઉન્ડમાં ચર્ચનો આછો રાખોડી અને વાદળી રંગ એકદમ પિક્ચર પરફેક્ટ લાગતો હતો. ચર્ચમાં અને તેની પાસેનાં સુંદર હરિયાળા બગીચામાં અમે લગભગ ત્રણેક કલાક ફર્યાં. ત્યાંથી ચારેક વાગ્યે નીકળવા માટે તૈયાર થયાં.

ત્યાંથી આગળ ડ્રાઈવ કરીને સૌરભ મને એક નાના વૃક્ષોનાં બગીચા જેવી દેખાતી જગ્યાએ લઈ ગયો. ત્યાં એક સીડી હતી જેનાં પરથી ઘણાં માણસો ચડ-ઉતર કરી રહ્યા હતા.

મને એમ હતું કે પાંચેક મિનિટમાં કોઈ નવાં ચર્ચ સુધી પહોંચી જઈશું. પણ, પંદર મિનિટેય અમે હજુ ચાલી જ રહ્યા હતા. ધીમે ધીમે અમને મોન્ટ્રિયાલની ક્ષિતિજ દેખાવા લાગી. અમે ખાસ્સા ઉપર આવી ગયા હતા. પાંચેક મિનિટ પછી અમે ઉપર પહોંચ્યા અને ત્યાં કોઈ ચર્ચ નહોતું. એ કોઈ મહેલની અગાશી જેવી દેખાતી ખુલ્લી જગ્યા હતી.

ત્યાં ઊભા રહીને ઘણાં માણસો શહેરની સુંદર ક્ષિતિજ જોઈ રહ્યા હતાં. એક પબ્લિક-પિઆનો ત્યાં પડ્યો હતો અને લોકો એક પછી એક જૂદી જૂદી સરગમ વગાડી રહ્યા હતા. 

ખૂબ સુંદર વાતાવરણ બંધાયું હતું. એ અગાશીમાં ઉપર એક મોટી હૉલ જેવી ખુલ્લી જગ્યા હતી જેનું નામ હતું ‘માઉન્ટ રોયાલ શાલે (Mount Royal Chalet)’.

શાલેની બરાબર સામે એક નાનો આઈસ-ક્રીમ સ્ટૉલ હતો. શાલે જોઈને આવ્યા પછી અમે દાદરા પર બેસીને શહેરનો નજારો માણતાં આઈસ-ક્રીમ ખાધો હતો. થોડી વારમાં એ આઈસ-ક્રીમ વેંચવાવાળા યુવાનની ગર્લફ્રેન્ડ આવી. સ્ટૉલ પાસે વધુ આઈસ્ક્રીમની એક પેટી પડી હતી. એ છોકરી તેનાં પર બેસી ગઈ અને આઈસ્ક્રીમવાળાએ તેને ઘાસનો બનાવેલો એક બુકે આપ્યો. દૂરથી એમ લાગતું હતું કે, જાણે એ બુકે હાથથી બનાવ્યો હોય. સૌરભ તરત બોલી ગયો,
“જોયું દી? રોમાન્સ માટે પૈસા હોવા જરૂરી નથી.”
“બિલકુલ જરૂરી નથી. In fact મારા અનુભવે કહું તો પૈસા રોમાન્સને મારી નાંખતાં હોય છે.”

ત્યાં છ વાગ્યા સુધી ત્યાં બેઠા પછી અમને બંનેને ખૂબ ભૂખ લાગી હતી. સૌરભને અચાનક ઈડલી અને ડોસા ખાવાનું મન થયું એટલે અમે યેલ્પમાં સારું રેસ્ટોરાં જોવા લાગ્યાં. ‘તંજઇ’ નામની એક જગ્યાનાં રિવ્યૂ સારાં હતાં અને એ ફક્ત પંદર મિનિટની દૂરી પર હતી એટલે અમે એ તરફ પ્રયાણ કર્યું. સૌરભનો ફોન ત્યાં સુધીમાં મરી ચૂક્યો હતો અને મારું ઇન્ટરનેટ રોમિંગ પર હોવાને કારણે 2G પર ચાલતું હતું એટલે જીપીએસ-નૅવિગેશન વાપરી શકાય તેમ નહોતું, ફક્ત રસ્તો (driving directions) જ જોઈ શકાતો હતો. પણ છતાંયે એક પછી એક કયા રસ્તા પર વળવાનું છે તેનાં પર ધ્યાન આપીને અમે મુકામે પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ અમારું દિલ ખુશ થઈ ગયું. ત્યાં પ્રવેશ પાસે વિવિધ પ્રકારની દાળ અને મસાલાનાં નમૂના, તેમનાં નામ સાથે રાખ્યા હતાં. દીવાલ પર અમુક ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમોનાં પોસ્ટર લગાવેલાં હતાં. એક પોસ્ટર બિરજુ મહારાજનાં કાર્યક્રમનું હતું. એ જોઈને મને મનમાં થોડો અફસોસ થયો કે, કાશ હું એક અઠવાડિયા પછી આવી હોત તો એ કાર્યક્રમ જોઈ શકી હોત. અંદરનો માહોલ (ખાસ તો બેઠકનાં કારણે) 90નાં દશકાની ‘કેન્ટીન’ જેવો લાગતો હતો. ભારત બહાર મેં જેટલાં સ્થળોએ સાઉથ-ઇન્ડિયન ભોજન કર્યું છે તેમાં સૌથી ઉત્તમ જમવાનું આ જગ્યાનું હતું. અમે થોડો વધુ ઓર્ડર કરી દીધો હતો એટલે એક ઉત્તપમ પેક કરાવવો પડ્યો. એ વિશે જો કે, અમે ખુશ જ હતા કારણ કે, એ અમે રાત્રે મોડેથી ખાઈ શકવાનાં હતા. ત્યાંથી અમે ઓલ્ડ-ટાઉન મોન્ટ્રિયાલ તરફ પ્રયાણ કર્યું.

પ્રયાણ તો કર્યું પણ મારો ફોન હવે બૅટરી-સેવર મોડ પર ચાલતો હતો અને ઓલ્ડ-ટાઉન સુધી પહોંચીને પણ અમારે જ્યાંથી વળવાનું હતું એ વળાંક અમને મળ્યો ન હતો. અમે કોઈ જૂદાં જ રસ્તા પર હતા અને જીપીએસ અમારું લોકેશન અપડેટ કરતા ખૂબ વાર લગાડી રહ્યું હતું. પછી એક જગ્યાએ અમે ઈન્ટ્યુશન(intuition)થી વળાંક લઈ જ લીધો અને ત્યાં સૌરભને એક પરિચિત હોટેલ દેખાઈ. ત્યાંથી ક્યાં જવાનું એ તેને યાદ હતું એટલે અમે અમારાં મુકામે પહોંચ્યા ખરા. પાછા હોટેલ સુધી જવા માટે ફ્રીવે સુધીનો રસ્તો શકીએ તેટલી સાવ છેલ્લી થોડી બૅટરી પણ મારાં ફોનમાં ત્યારે બાકી હતી એટલે અમને નિરાંત થઈ.

ઓલ્ડ ટાઉનમાં પ્રવેશતા જ જાણે અમે કોઈ અલગ દુનિયામાં પહોંચી ગયા હતા. ત્યાંની સ્થાપત્યશૈલી બાકીનાં શહેર કરતા સારી એવી અલગ હતી. અધૂરામાં પૂરું, રસ્તા ડામરનાં નહીં પણ, ઈંટો પાથરીને બનેલાં હતાં. જાણે જૂની યુરોપિયન ફિલ્મનાં સેટ પર અચાનક આવી ગયા હોઈએ તેવો આભાસ થતો હતો.

થોડું આગળ ચાલતા જ અમે એક ખુલ્લા મેદાન જેવા વિસ્તારમાં આવ્યા, જેની ચારે તરફ નાની નાની ગલીઓ હતી. ત્યાંનાં ખુલ્લા રેસ્ટોરાં, માકાનોનાં બાંધકામ વગેરે ખૂબ કળાત્મક હતાં. ત્યાંની નાનકડી રોડ-સાઈડ માર્કેટ હસ્તકળાની ચીજોથી ભરપૂર હતી.

રાત્રે સાડા દસ આસપાસ બિયરનું એક સિક્સ-પેક લઈને અમે હોટેલ તરફ પાછા ફર્યા. એ દિવસે મારી મોન્ટ્રિયાલની એક મિત્રને મેસેજ કર્યો હતો જો પછીનાં દિવસે તેને સમય હોય તો તેને મળવા માટે. તેનો જવાબ આવ્યો હતો અને અમે પછીનાં દિવસે બપોરે ઓલ્ડ-ટાઉનમાં મળવાનું નક્કી કર્યું હતું.

ટોરોન્ટો – 3

કેનેડા, ટોરોન્ટો

છેલ્લા દિવસે પણ ધાર્યા પ્રમાણે અમે અગિયાર વાગ્યે જ ઊઠ્યા. ઊઠીને તરત અમે ‘કાસા લોમા’ તરફ પ્રયાણ કર્યું. એ ત્યાંનો એક સુંદર ઐતિહાસિક કિલ્લો છે, જે જનતા માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યાંની મુલાકાતનાં કલાકો સવારે ૯થી સાંજે ૫:૩૦ છે. પણ, અંગત કાર્યક્રમો માટે એ સિવાયનાં સમયમાં પણ તેનું બુકિંગ થઇ શકે છે.

કિલ્લાનાં ત્રણ માળ છે. સૌથી નીચે દીવાન-ખંડ, ઓફિસ અને વિશાળકાય ભોજનકક્ષ છે.

ત્યાંથી આગળ જતાં એક સુંદર લાંબી ચાલ જેવો વિસ્તાર છે. પણ, તેની છત અને દીવાલો પર મોટા ભાગે દૂધિયા કાચ રખાયેલા છે અને તેમાં સુંદર રંગોની કારીગરી છે. એ ચાલમાં લગભગ દોઢ-સો માણસો સમાય શકે તેટલી જગ્યા છે અને સુંદર શિલ્પો વડે જગ્યાને શણગારવામાં આવેલી છે. દેખીતી રીતે જ તેનો ઉપયોગ લગ્ન-વિધિ માટે આરામથી થઇ શકે તેવી ગોઠવણ છે. અમે ત્યાં હતાં એ જ સાંજે કોઈકનાં લગ્ન હતાં એટલે આખો બપોર તેનાં માટેની તૈયારીઓ થતી જોઈ શકાતી હતી.

પહેલાં માળ પર એક તરફ કાસલનાં માલિક, તેની પત્ની અને બાળકોનાં ઓરડાં હતાં અને બીજી તરફ મહેમાન માટેનાં ખંડ. અમુક નાની જગ્યાઓને ત્યાંનાં હાલનાં કાર્યકરોની ઓફીસ બનાવી દેવામાં આવી હતી.

એ માળથી ત્રણ-ચાર પગથિયાં ચડીને અધવચ્ચેનાં એક લેવલ પર કાસલનાં નોકરોનો કક્ષ હતો. એક જગ્યા એવી હતી જ્યાંથી નાનકડી એક સીડી નીચે તરફ જતી હતી. ત્યાં જવાની મનાઈ હતી એટલે એ સીડી ક્યાં જઈને અટકતી હશે તેનું જબરું કૂતુહલ હતું. અમે નિયમ તોડીને ત્યાં જવાનો વિચાર પણ કર્યો. પણ, પછી માંડી વાળ્યો કારણ કે, ઘણું બધું જોવાનું બાકી હતું અને સમય ઘણો ઓછો હતો. મહેમાનોનાં ઓરડા નજીક એક ખૂબ જૂનું મહાકાય (એક નાની ઓરડી રોકે તેવડું) પાઈપ ઓર્ગન હતું જેનું કી-બોર્ડ રીતસર નીચેનાં માળે હતું. એ ઓર્ગન હજુ પણ કામ કરતું હતું!

સૌથી ઉપરનાં માળે સર હેન્રી પેલ્લટ (જેનો આ મહાલય હતો)ની કેનેડિયન આર્મીમાં સર્વિસ કરતાં સમયની યાદગીરી હતી. તેની સાથે જૂનાં-નવાં ઘણાં બધાં ફોટોઝ તથા વિવિધ પ્રકારની બંદૂકો, કારતૂસ, ગ્રેનેડ વગેરે યુદ્ધની સામગ્રીઓ જોડીને એ માળને કેનેડીયન આર્મીનાં ઐતિહાસિક પ્રદર્શન તરીકે ગોઠવવામાં આવ્યો હતો.

ગ્રાઉન્ડ ફ્લોરની નીચે બેઝમેન્ટ ફ્લોર રિનોવેટ કરીને ત્યાં એક કાફે બનાવવામાં આવ્યો હતો. કાફેની બહારની તરફની લોબીમાં કાસા લોમામાં શૂટ થયેલી પ્રખ્યાત ફિલ્મો તથા ટીવી શોઝનાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. કાફેની જમણી તરફ એ ઈમારતની મેનેજમેન્ટ ઓફીસ હતી અને લોબીની સામેની તરફ એક નાના ઓરડા જેવડી સર હેન્રીની વાઇનની બોટલ્સનો સુંદર સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ હતો.

એ મહેલમાં સૌરભ અને હું  બિલકુલ પાગલ થઇ ગયા હતાં.  ત્યાંની દરેક વસ્તુઓ પ્રાચીન, ખૂબ બારીક અને કળાત્મક હતી. જાણે, કોઈએ સમયને પાછળ ખેંચ્યો અને અમે અચાનક ઓગણીસમી સદીમાં આવી પડ્યાં. જૂનાં સુંદર લાકડાનાં ભારે ફર્નીચર, સુંદર આરસ કોતરીને બનાવેલાં પલંગ, જૂનાં ટાઈપરાઈટર, પાઈપો, શાવર અને બાથરૂમનાં સરળ જૂનાં પાઈપિંગ અને વિશાળકાય નળ, અમુક પ્રખ્યાત બ્રાન્ડની સદીઓ જૂની ચીજો જેમ કે, જોન્સન એન્ડ જોન્સનનો એક ઓગણીસમી સદીનો ડબ્બો, સાચી વાઘની ચામડીનો ગાલીચો, સર હેન્રીનાં અને તેમની પત્નીનાં એ સમયથી સાચવીને રાખેલાં કપડાં અને તેમનો રોજબરોજનાં સામાનનાં અંશો, તેમની પત્નીનાં ખંડની અટારીમાંથી દેખાતો ટોરોન્ટોનો સુંદરથી પણ સુંદર વ્યૂ! આ બધું અદ્ભુત હતું. અમે મહાલય બંધ થવાનો સિક્યોરિટીનો અવાજ ન આવ્યો ત્યાં સુધી ત્યાં બધું જોતાં રહ્યા હતાં અને તો પણ હજુ બહારનો બગીચો તો જોવાનો બાકી જ રહી ગયો હતો. અમે નીકળ્યાં ત્યારે જેમનાં લગ્ન હતાં એ બ્રાઇડ, ગ્રૂમ અને તેમનાં બ્રાઇડ્સમેઇડ્સ/ગ્રૂમ્સમેન આવી ચૂકયા હતાં.

સૌરભને અમારાં અમુક બે-ચાર ઘર સિવાય પરિવારનો બહુ મોહ નથી એટલે ત્યાંથી ઘર તરફ પાછાં ફરતાં હું તેને કહી રહી હતી કે, તું અહીં જ લગ્ન કરજે. પછી તો અમારી વાતોની ગાડી આડા-સીધા પાટે ચાલતી રહી જેમાં અમે તેનાં લગ્નનાં કપડાં, ડેકોર, મારાં લગ્નનાં વિચારો, ગીતો વગેરેનાં ખયાલી પુલાવ પકાવ્યાં. ‘દિલ બહલાનેકે લિયે ખયાલ અચ્છા હૈ ગાલીબ’ જાણે અમારાં એ વખતનાં વાતોનાં વાડા માટે જ લખાઈ હતી.

 

રાત્રે અમે ક્લબિંગ માટે જવાનું નક્કી કર્યું હતું અને સૌરભનો વિચાર ત્યાંથી સીધા જ જવાનો હતો પણ, મેં મેક-અપ વિના ક્લબમાં પગ મૂકવાની ના પાડી દીધી હતી એટલે અમે મારાં માટે ફરી ઘરે ગયાં. જમવામાં એ દિવસે મેં મહિનાઓ પછી પહેલી વાર મેગી મસાલા નૂડલ્સ ખાધાં હતાં. તૈયાર થઈને હજારો ફોટા પાડીને અમે રેહાના અને તેની બહેન રોશન સાથે સિટીમાં જવા રવાના થયાં. સૌરભ સૌથી પહેલાં મને ત્યાંનાં એક પ્રખ્યાત આઈસ-લાઉન્જમાં લઇ ગયો. ત્યાં બરફની વિવિધ મૂર્તિઓ, બેઠકો વગેરે બનાવવામાં આવ્યા હતાં. ત્યાં બારમાં સામાન્ય રીતે શોટ્સ પણ બરફનાં ગ્લાસમાં મળતાં પણ, એ દિવસે બરફનાં શોટ ગ્લાસિસ ખાલી થઇ ગયાં હતાં એટલે અમને એ લ્હાવો ન મળ્યો. પણ અમને જેટલું જોવા મળ્યું એ બધું પણ અદ્ભુત હતું. ત્યાંથી સૌરભને એક ક્લબમાં જવું હતું અને રોશન કોઈ બીજા ક્લબમાં જવાની જિદ્દ પકડી બેઠી હતી એટલે અંતે અમે ત્યાં ગયાં. સૌરભનો મૂડ બગડવાનો શરુ થઇ ચૂક્યો હતો. ક્લબમાં શરૂઆતમાં થોડી વાર અમને ખૂબ મજા આવી. એક સેમી-ક્યૂટ છોકરાએ મારો નંબર માંગ્યો પણ, મેં I’d love to but I don’t live here :) કહીને તેને રદિયો આપ્યો. જો કે, એ જાણ્યા પછી પણ તેણે મારી સાથે (non creepily; very nicely) વીસેક મિનીટ ઘણી રસપ્રદ વાતો કરી. એ બંદો લેખક હતો એટલે મને પણ તેની સાથે વાત કરવાની મજા આવી. પછી જો કે રોશનનાં અનહદ નાટક શરુ થઇ ગયા હતાં જે અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધી ચાલુ રહ્યાં હતાં. એ વિશે મેં સૌરભને બહુ ખાસ કંઈ કહ્યું નહોતું પણ તેણે મારી આંખોમાં બરાબર વાંચી લીધું હતું કે, હું ઇચ્છતી હતી કે, તે આ નાટકીય લોકોથી બને તેટલો દૂર રહે અને સીધા સરળ માણસો સાથે જીવનની મજા લે. બીજા દિવસે સવારે એરપોર્ટ જતાં તેણે મને કહ્યું હતું , “રાત્રે તું કંઈ બલી નહીં એ સારું કર્યું અને હું જે કહેવા માંગતી હતી એ તે સમજી ગયો હતો.”

હેન્ગોવરમાં ફટાફટ ફ્લાઈટમાં બેસીને ઊંઘી જવાનાં અને ઘરે આવીને આરામ કરવાનાં અરમાનો લઈને હું એરપોર્ટ પહોંચી હતી. પણ, મેન પ્રાપોઝિસ ગોડ રિફ્યુઝિઝનાં વ્યવહારે એ દિવસ મારા માટે શરુ થયો હતો. એરપોર્ટનાં ખૂબ જ બકવાસ મેનેજમેન્ટનાં કારણે મારાં સહિત લગભગ બીજા સોએક લોકોએ એ સવારે પોતાની ફ્લાઈટ મિસ કરી દીધી હતી. પછીની ફ્લાઈટની ટિકિટ લેવા માટે પણ એટલી લાંબી કતાર કે, ન પૂછો વાત.

ત્યાં ઓછામાં ઓછી ત્રણ કલાકની ભેજામારી પછી મને સાંજની ફ્લાઈટમાં એ લોકોએ સ્ટેન્ડબાય પર રાખી હતી અને પછીનાં દિવસની સવારની ફ્લાઈટમાં સીટ આપી હતી. પછી તો જ્યાં સુધી સાંજની ફ્લાઈટ આવી ન ગઈ ત્યાં સુધી મારો શ્વાસ અદ્ધર રહ્યો હતો. જો રાત્રે રોકાવાનું હોય તો સૌરભે મને તેનાં ઘર ફરી ચાલ્યા જવાનું કહ્યું હતું. પણ, એમ કરતાં પણ મારો જીવ નહોતો ચાલતો કે, ફરી એ સવાર જેવું જ ન થાય! અંતે સાંજની ફ્લાઈટ આવી અને તેમાં ઘણી બધી સીટ્સ ખાલી હતી કારણ કે, કેટલાંક કનેક્શન-પેસેન્જર્સે તેમનું કનેક્શન મિસ કરી દીધું હતું. સવારની દસ વાગ્યાની હું એરપોર્ટની મગજમારી પછી અંતે સાંજે છ વાગ્યે ઘર તરફ પ્રયાણ કરવા પામી! એ સફર પછી ઘરે આવીને જેટલો હાશકારો થયો તેટલો તો પહેલાં ક્યારેય નથી થયો.

ટોરોન્ટો – 2

કેનેડા, ટોરોન્ટો

સૌરભ સાથે આગલી રાતે વધુ પડતી લાગણીઓમાં તણાઈને થયેલી ચર્ચા-વિચારાણાનો અંત એક નિર્ણય – ઓનલાઇન ડેટિંગને એક ચાન્સ આપવો અને તેનાં અમલમાં આવ્યો હતો. એવું કંઇક હતું જે મારા મનમાં મહિનાઓથી (બા ગુજાર્યાનાં બે-ત્રણ દિવસ પછીથી) ઘૂંટાઈ રહ્યું હતું પણ, હું લગભગ ત્રણ મહિના સુધી એ બાબતે કોઈ નિર્ણય નહોતી શકી.સૌરભે વધુ મંતવ્યો આપ્યા વિના, ફક્ત મને સાંભળીને મારાં પોતાનાં જ વિચારોની ગુથ્થી સુલઝાવવામાં મદદ કરી હતી. જો કે, મેં શું કરવું અને શું નહીં નક્કી કર્યા પછી પણ તેનાં પડઘા પછીનો આખો દિવસ મારાં મનમાં પડતા રહ્યા હતાં. તેનું એક કારણ લાંબી બસ-મુસાફરી પણ હતું. એ દિવસે અમે ટોરોન્ટોથી નાયગ્રા ફોલ્સ ગયા હતાં. ટોરોન્ટોથી નાયગ્રા જતાં લગભગ દોઢ-બે કલાક થતી હોય છે. પણ, એ દિવસે વરસાદનાં કારણે અઢી કલાક થઇ હતી.

રાબેતા મુજબ સવારે અગિયાર વાગ્યા આસપાસ ઊઠીને, બસ અને ટ્રેન બદલીને અમે સિટી સેન્ટર પહોંચ્યા અને રેહાનાની રાહ જોવા લાગ્યા. એ તેનું કામ પતાવીને અમને ટ્રેન સ્ટેશન પર મળવાની હતી. એ લગભગ પંદર મિનિટ પછી આવી પછી અમે ફરીથી ટ્રેન પકડી અને બે સ્ટોપ પછી ઉતરીને નાયગ્રા તરફ જતી બસ પાસે પહોંચ્યાં. ત્યાં પહોંચીને રેહાનાને કૉફી લેવાનું મન થયું અને મોડું થાય તો અમારી બસ છૂટે તેમ હતી એટલે એ દોડીને તેની કૉફી લેવા ગઈ. એ પાંચ મિનિટ જાણે મને થોડો શ્વાસ લેવા મળ્યો અને શું ચાલી રહ્યું છે એ મગજમાં પૂરું ઉતારવા મળ્યું. સૌરભનાં કહ્યા પ્રમાણે એ બંને હવે ફક્ત મિત્રો હતાં પણ રેહાનાની રીત-ભાત આડકતરી રીતે પણ સૌરભને હજુ પણ બોયફ્રેન્ડ તરીકે જ સંબોધતી હતી અને એ મારાં માટે ઓકવર્ડ હતું. એ ઓકવર્ડનેસ તેમનું સમીકરણ શું હતું એ બાબતે નહીં પણ હું એ વિશે તેને કંઈ કહી શકું તેમ નહોતી એ બાબતે હતી.

અમે નાયગ્રા ટાઉનમાં પહોંચ્યા ત્યારે પણ ધોધમાર વરસાદ ચાલુ હતો અને સૌરભને અફસોસ થતો હતો કે, વરસાદ એ જ રીતે ચાલુ રહ્યો તો નાયગ્રા ફોલ્સ જોવાની અમને મજા નહીં આવે અને એ દિવસનો વેધર-ફોરકાસ્ટ તેણે ફરીથી કેમ ન જોયો. અમે સૌથી પહેલું કામ એક સ્ટોરમાંથી છત્રીઓ લેવાનું કર્યું. એક છત્રી તો દસ જ મિનિટમાં કાગડો પણ થઇ ગઈ. પછી અમે અડધા ભીંજાતા, અડધા કોરા ધોધ તરફ ગયાં. એ તરફ જતાં રસ્તામાં એક સ્કાય ટાવર અને તેનું રિવોલ્વિંગ રેસ્ટોરાં આવતાં હતાં.સૌરભનો વિચાર અમે ત્યાં ડીનર કરીએ તેવો હતો એટલે યાદ રાખીને એ પહેલાં બુકિંગ કરાવવા ગયો. સાડા આઠ પહેલાં કોઈ જગ્યા ખાલી નહોતી એટલે અમારે થોડી રાહ જોવી પડે તેમ હતી. પણ, અમને કોઈ વાંધો નહોતો એટલે તેણે બુકિંગ કરાવી લીધું. પછી ધોધ તરફ આગળ વધતાં રસ્તામાં અમને ક્રિસમસનાં ખૂબ સુંદર ડેકોરેશન જોવા મળ્યાં હતાં. એટલી ઠંડીમાં પણ એ સુંદર લાઈટિંગનો ચાર્મ એટલો હતો કે, અમે ત્યાં ફોટોઝ લેવા માટે રોકાયા, અંધારી રાત અને બ્રાઈટ લાઈટ્સની અછત હોવાથી ફોટોઝ સારા નહીં જ આવે એ જાણતાં હોવા છતાં પણ. ધોધની પાળ સુધી પહોંચતાં તો અમે ઠરી રહ્યાં હતાં.સૌરભે મને યુ.એસ.એની બોર્ડર દેખાડી અને યુ.એસ.એ તથા કેનેડાને જોડતો એક બ્રિજ પણ. ઠંડીને કારણે જો કે, અમે દસ મિનિટથી વધુ ત્યાં રોકાઈ નહોતાં શક્યા. ફરી વરસાદનું જોર વધતાં જલ્દી અમે ફોલ્સની બરાબર સામે એક કાફેમાં ગયાં. મને થોડી ભૂખ લાગી હતી એટલે મેં ગરમ ક્રોસોન ઓર્ડર કર્યું. પણ, તેમનું અવન નહોતું ચાલતું એટલે ઠંડાથી જ કામ ચલાવવું પડ્યું.

ત્યાંથી નીકળ્યા પછી પણ અમારી પાસે ઘણો સમય બચ્યો હતો ડિનર માટે જઈએ એ પહેલાં. એટલે અમે ત્યાંનાં કસીનોમાં શોપિંગ આઉટલેટ્સ તરફ ગયાં. કપડાંની એક મોટી શોપમાં ઈસ્ટર-ફ્રાઈડેનું સેલ ચાલતું હતું અને બહારથી કંઇક ગમે તેવું નજરે પડ્યું એટલે અમે અંદર ગયાં અને એ એક જ શોપમાં અમે લગભગ કલાક કાઢી. પછી તો તરત જમવા તરફ પ્રયાણ કર્યું સ્કાય ટાવરમાં. અમને સુંદર વિન્ડો-સીટ મળી જેમાંથી બહારનો નજારો બહુ સારી રીતે જોવા મળી શકત. પણ, એ રેસ્ટોરાં પાસે કાં તો ડીમિસ્ટીફાયર હતાં નહીં અથવા તો તેમણે એ ચાલુ નહોતાં કર્યા અને તેનાં કારણે બારીનાં કાચમાં અંદરથી ભેજ જામેલો હતો. અમે વચ્ચે વચ્ચે અમારાં ટેબલ પરનાં એક્સ્ટ્રા નેપકિન વડે કાચ થોડો લૂછી લેતાં એટલે બહાર જોઈ શકીએ. પણ, જમવાનું આવ્યા પછી તો એમ કરતાં પણ થાકી ગયાં. થોડી વાર પછી ભેજ આપોઆપ થોડો ઓછો થવા લાગ્યો એટલે બહાર થોડું થોડું દેખાવા લાગ્યું. જમવાનું આવ્યા પછી દસેક મિનિટમાં જ અમારો વરસાદી દિવસે નાયગ્રા આવવાનો અફસોસ માટી ગયો. અમે ફરતાં-ફરતાં ફરી ધોધ દેખાય એ તરફ પહોંચ્યા હતાં અને ત્યારે ત્યાં આતિશબાજી શરુ થઇ. અને એ નાયગ્રા અમારાં વ્યુમાં રહે બરાબર તેટલો સમય ચાલી એટલે અમે શરૂઆતથી અંત સુધીની વીસેક મિનિટની બહુ સુંદર આતશબાજી જોઈ શક્યા. એ શેનાં માનમાં થયું એ તો અમને ત્રણેને નહોતી ખબર. પણ, જે હતું એ બહુ જ સુંદર હતું.સૌરભે પોતે પણ ઘણી બધી વાર નાયગ્રાની મુલાકાત લીધા છતાંયે એવો નજારો પહેલાં ક્યારેય નહોતો જોયો. અમારો તો દિવસ બની ગયો!

જમીને પછી અમે ઉપરનાં ઓપન હોલમાં ગયાં. ત્યાં હાઈ-સ્કૂલ ફાઈનલ યર બોલ ચાલી રહ્યો હતો છતાં પણ ત્યાં બાલ્કનીમાં જવાની છૂટ હતી એટલે અમે થોડી વાર બાલ્કનીમાં આંટો માર્યો અને પછી કસીનો તરફ પાછાં ફરીને ઘરે જવા માટે તૈયાર થયાં. ત્યાંથી અમે લગભગ અગિયાર વાગ્યે નીકળી શક્યાં અને દોઢ વાગ્યા આસપાસ ઘરે પહોંચ્યાં. ઘરે પહોંચીને સૌરભ અને મેં થોડી વાર બેઠક જમાવી અને “હવે કાલે તો જલ્દી ઊઠવું જ છે. કાલે છેલ્લો દિવસ છે” નો નિર્ણય કરીને ઊંઘવાની તૈયાર કરવા લાગ્યા. જો કે, બંનેને ખબર જ હતી કે કોઈ અગિયાર પહેલાં ઊઠવાનું નથી.

તા.ક. – એ સાંજે એટલો ભારે વરસાદ અને ભેજ હતો કે, અમારાં નબળાં ફોન કૅમેરા વડે રેસ્ટ્રોંથી નાયગ્રા ફૉલ્સનાં ફોટોઝ જ નહોતાં લઈ શકાયાં એટલે આ પોસ્ટમાં એક પણ ફોટો નથી. :(

ટોરોન્ટો – 1

કેનેડા, ટોરોન્ટો

બસમાં બેસીને અમે નજીકનાં ટ્રેન સ્ટેશન તરફ પ્રયાણ કર્યું. કોઈ જાણીતા સાથે સફર કરવાનો એક ગેરફાયદો એ કે, રસ્તા અને સ્ટેશન એક પણ યાદ ન રહે અને ફાયદો એ કે, તમે ક્યાં ઉતારવાનું છે તેની ચિંતા કર્યા વિના ટ્રેનો અને બસોમાંથી બહારનો નજારો માણી શકો. બસ જ્યાંથી પસાર થતી હતી એ વિસ્તારો એકદમ શાંત અને સબર્બન લાગતાં હતાં. રસ્તામાં એક મોટું સફેદ રંગનું ઘર જેવું બાંધકામ હતું પણ તેનાં પર કોઈ ડેન્ટીસ્ટનું નામ લખેલું હતું. સૌરભ તરત બોલ્યો
“શું દી, ઓલું ઘર જોવે છે ને?”
મેં કહ્યું “હા. મને પે’લા ઘર જેવું લાગ્યું ‘તું. પણ, ઘર નથી ને?”
“ના, એ પે’લા ઘર જ હતું. હમણાં જ વેંચાઈ ગ્યું થોડાક ટાઈમ પે’લા. હવે ત્યાં કોઈ ડેન્ટીસ્ટ આવી ગ્યો છે. રેહાનાનાં મમ્મીનું ડ્રીમ ઘર હતું એવડું એ. એને એવું ઘર બનાવવું ‘તુ ક્યારેક.”
“તારું અને રેહાનાનું હવે શું છે?”
“કીધું તો ખરું કે, બધું પૂરું.”
“બધું પૂરું એટલે સાવ પૂરું કે, કોમ્પ્લીકેટેડ?”
“હા એટલે એવું જ કંઇક. પછી નિરાંતે ક’ઈશ.”
“ઓ.કે.”

એ દિવસની સફર બાબતે મને ફક્ત એટલું યાદ છે કે, અમે એક બસ અને બે ટ્રેન બદલીને શહેરનાં મધ્યમાં સી.એન ટાવર નજીક એક ટ્રેન સ્ટેશન પર ઊતર્યા હતા. એ દિવસ ખૂબ વાદળછાયો હતો. સૌથી પહેલાં તો મારે એક ચોક્કસ બેન્કનાં એ.ટી.એમની જરૂર હતી. એટલે એ શોધતા અમે આઠેક બ્લોક જેટલું ચાલ્યાં પણ એ.ટી.એમ ક્યાંયે નજરે ન પડ્યું એટલે મેં સૌરભને પૂછ્યું, “તું શ્યોર છો એ બેન્ક અહીં જ છે?” ત્યારે એ ભાઈએ જી.પી.એસ.માં જોવાનું નક્કી કર્યું અને જાણ્યું કે, એ.ટી.એમ તો અમે જે તરફથી આવ્યા હતાં એ તરફ છે. પછી તો મારે “હું છું પછી તારે પૈસાની શું જરૂર છે” અને એવું ઘણું બધું સાંભળવાનું આવ્યું. પણ, વર્ષોથી એ રીતે કોઈ પાસે પૈસા માંગવાની આદત નથી રહી એટલે એ પ્રસ્તાવ મને રૂચે તેવો નહોતો.

અમે ફરી પાછાં ચાલવાની શરૂઆત કરી પણ, ઠંડીમાં એટલું ચાલીને સૌરભને ભૂખ લાગી ગઈ હતી એટલે પહેલાં અમે હતાં ત્યાં એક ફૂડ-ટ્રકમાંથી હોટડોગ ખાવાનું નક્કી કર્યું. તેણે મને પૂછ્યું,
“તારે શું ખાવું છે?”
મેં કહ્યું, “કંઈ નહીં.”
“ખરેખર કંઈ નહીં? કંઇક તો ખા!”
“પણ મને સાચે ભૂખ નથી લાગી.”
પણ, બાળકોને પૂછો ત્યારે ભૂખ ન જ લાગી હોય અને કટાણે લાગે તેવું મારું કામકાજ હતું. અમે માંડ પાંચ મિનિટ આગળ ચાલ્યાં પછી ભૂખ લાગી. ત્યાં બીજું પણ એક હોટડોગ સ્ટેન્ડ હતું પણ સૌરભે ત્યાંથી ખાવાની ના પડી અને કહ્યું,
“પેલું હતું એ જ સારું હતું. આ સારું નહીં હોય.”
મેં ધડ કરી, “હોટડોગ સ્ટેન્ડ બધાં સરખાં જ હોય અને બિમાર પડવાની શક્યતા બધે હોય જ. તને કેવી રીતે ખબર કયું સારું ‘ને કયું નહીં”
તો મને કહે, “અરે આપણે નીકળા ત્યારે જ મેં ડેવિડને પૂછ્યું ‘તું. તારું ધ્યાન નહીં હોય. તેણે મને કીધું ‘તું કે, પે’લા સ્ટેન્ડમાંથી નહીં ખાતો, એ એટલું સારું નથી. બીજમાંથી ખાજે. ચલ આપણે બેંક પાસે જાઈએ છીએ ને ત્યાં ઘણું સારું હશે, ત્યાંથી ખાઈ લેજે.”

અમે નવેક બ્લોક ચાલીને અંતે પેલી બેંક સુધી પહોંચ્યા અને ત્યાંથી પૈસા લીધાં પછી મને શાંતિ થઈ. કેનેડાની નોટો ઓસ્ટ્રેલિયા જેવી જ છે એવું મેં તેને જણાવ્યું તો ભાઈ કહે “હાસ્તો. કેનેડાએ ઓસ્ટ્રેલિયા પાસેથી જ આઈડિયા લીધો ‘તો. તને નથી ખબર? પહેલાં તમારે ત્યાં આવી નોટો આવી. પછી કેનેડાએ ચાલુ કરી.” એમ ગપ્પા મારતાં ચાલતાં હતાં તો ભાઈ મને કહે, “એમ નહીં, આમ ચાલીએ.” મારે કૉફી પીવી છે. મેં કહ્યું “ઠીક. મારે પણ કંઇક ગરમ પીવું છે.” એ મને ટિમ હોર્ટન નામની એક જગ્યાએ લઇ ગયો. અમેરિકામાં પીતી હોઉં છું તેવી જ કંઇક અપેક્ષાથી મેં હોટ ચોકલેટ મંગાવી. પણ, આ તો સાલું ઓસ્ટ્રેલિયામાં ‘ડોમ’ લેવલનું નીકળ્યું (મતલબ ઘણું સારું). એ હોટ ચોકલેટ એટલી માપસર ગળી અને કન્ઝીસ્ટન્ટ હતી કે, દિલ ખુશ થઇ ગયું. ઓસ્ટ્રેલિયાથી શિફ્ટ થયા પછી પહેલી વાર મેં એટલું સારું ગરમ પીણું પીધું હતું. ટોરોન્ટોનું ડાઉનટાઉન પણ પર્થની યાદ અપાવતું હતું. બહુ ભીડ નહીં અને શહેરનાં મધ્યમાં પણ સાન ફ્રાન્સિસ્કોનાં પ્રમાણમાં ઘણી શાંતિ લાગે. ત્યાં હું આરામથી મારી હોટ ચોકલેટ પીતી હતી તો ભાઈ કહે “હવે થોડી જલ્દી કરજે હો. કાં તો હવે ચાલતાં ચાલતાં પીએ” મેં કહ્યું “કેમ? તારી કો’ક ફ્રેન્ડની રાહ નથી જોવાની?” “ના, હવે નથી લાગતું એ આવે. મોડું પણ થવા લાગ્યું છે એટલે હવે વધુ રાજ જોઈશું તો સિ.એન. ટાવર પરથી કંઈ જોવાની મજા નહીં આવે અને આપણી પાસે ટાઈમ ઓછો છે. કાલે તો આપણે નાયગ્રા ફોલ્સ જવાનાં.”

ફરી અમે જ્યાંથી ચાલીને આવ્યા હતાં એ તરફ ગયાં અને સિટી એક્સપ્લોરર પાસ લઈને ટાવર તરફ અંદર ચાલવા લાગ્યાં. બેઝ લેવલ પર ટાવરમાં જવાની લિફ્ટનાં પ્રવેશદ્વાર તરફ જતાં વચ્ચે કાચની દીવાલોમાંથી આરપાર દેખાતું હતું. ટાવરની બરાબર બાજુમાં એક સ્ટેડિયમ હતું અને બીજી તરફ ટ્રેનનાં પાટા દેખતાં હતાં. ઉપર જતાં ગયાં તેમ લિફ્ટમાંથી બહારનો શહેરનો નજારો વધુ ને વધુ સ્પષ્ટ અને કોઈ અડચણ વિના દેખાતો હતો.

સૂર્યાસ્ત થવાને થોડી જ સેકન્ડોની વાર હતી ત્યારે અમે એકદમ ઉપર પહોંચ્યા હતાં. આકાશ સાફ હતું. ઉપરથી સૂર્યને બરાબર ઢળતો જોઈ શક્યા પછી થોડી માટે સંધ્યાનાં રંગો પથરાવા લાગ્યાં. ત્યાં કાચની બારીઓ પાસે અમે લગભગ અડધી-પોણી કલાક ઊભા રહ્યાં અને શહેરની રોશની જોતાં રહ્યાં.

હાઈવે પરથી પસાર થતી ગાડીઓ નાની રમકડાં જેવી લાગતી હતી અને દૂરથી આવતી હોય ત્યારે તો જાણે રોશનીનો દડો જ સામે આવતો હોય તેવું લાગે. ટોરોન્ટો બહુ વિચિત્ર પ્રકારનું ખૂબસૂરત હતું. ત્યાંની ખૂબસૂરતી કોઈ હાર્ટ-બ્રેકિંગ મૂવીનાં સેટ જેવી હતી. એ જગ્યાએ ‘ઈટર્નલ સનશાઇન ઓફ અ સ્પોટલેસ માઈન્ડ’ જોતી વખતે થતી તેવી લાગણીઓ અનુભવાતી હતી.

થોડો સમય થયો એટલે પછી બાકીની સાંજ શું કરીશું એ વિચારવા લાગ્યાં. મને અચાનક મૂવીનો વિચાર આવ્યો અને સૌરભ તરત માની ગયો. નવાં મૂવિઝમાં સારું કયું હશે એ વિચારવા લાગ્યાં ત્યાં મને તમાશા યાદ આવ્યું. સૌરભે જોયું તો ડંડા સ્ક્વેર થીયેટરમાં તમાશાની ટિકિટ ઉપ્લબ્ધ હતી એટલે અમે ૯ વાગ્યાની ટિકિટો લીધી. છેલ્લે અમે સાથે ૨૦૦૯માં હું ઓસ્ટ્રેલિયા જવા નીકળી એ પહેલાં હેરી પોટર જોવા ગયાં હતાં એટલે છ વર્ષે ફરી સાથે પિક્ચર જોવા મળશે એ વિશે અમે બહુ ખુશ હતાં. સિ.એન ટાવરનો કાર્યક્રમ સાડા છ આસપાસ પત્યો પછી અમે ડંડા સ્ક્વેર તરફ માર્કેટ બાજુ ચાલવા લાગ્યાં. કપડાં અને એક્સેસરીઝમાં સૌરભનો ટેસ્ટ હજુ પણ એટલો જ મોંઘો અને એલીગન્ટ હતો. અચાનક ચાલતાં ચાલતાં મારું ધ્યાન એક શેરીમાં બરાબર વચ્ચે દેખતાં ચંદ્ર પર ગયું. એ દિવસે ત્યાં ચાંદો વિશાળ થાળ જેવો મોટો અને પરફેક્ટ ગોળ દેખાતો હતો. તેનો ફોટો લેવાની મેં ઘણી કોશિશ કરી પણ કુદરતની દરેક કરામતોની જેમ તેની સુંદરતા પણ ફોટોમાં લઈ શકવી અશક્ય હતી.

અમે થોડી વાર ત્યાંનાં મોલમાં આંટો મારવાનું વિચાર્યું. થેન્ક્સગિવિંગ નિમિત્તે બધે જ સેલ ચાલતાં હતાં એટલે અમને થોડો તેનો લાભ પણ મળ્યો અને મેં ત્યાંથી એક સુંદર નિટેડ ટી-શર્ટ ખરીદ્યું.

પછી ફૂડ-કોર્ટમાં જમીને થિયેટર તરફ રવાના થયાં ત્યારે થોડું મોડું થઇ ગયું હતું અને સૌરભને અચાનક મેન્ગો સ્મૂધી લેવાનું સૂજયું હતું. એટલે, બુદ્ધિ લગાવીને મેં ઉપર જઈને ટિકિટ લેવાનું નક્કી કર્યું અને એ સ્મૂધી લે ત્યાં સુધીમાં મેં અંદર સારી સીટ શોધીને અમારાં માટે જગ્યા રોકી. અમારો ટીમ એફર્ટ રંગ લાવ્યો અને અમને સારી સીટો અને સ્મૂધી બંને મળી રહ્યાં.

કેનેડાનાં થિયેટર્સમાં મૂવી શરુ થાય એ પહેલાં એકાદ મિનિટ માટે એક ઇન્ટરેસ્ટિંગ પોપ-ક્વિઝ ચાલતી હોય છે. સ્ક્રીન પર પ્રશ્નો અને વિકલ્પો મૂકાતા જાય અને લોકો પોતાનાં ફોનમાં થિયેટરની એપ પરથી સાચો જવાબ પસંદ કરી શકે અને છેલ્લે સ્કોરબોર્ડ જોવા મળે. એ જીતવા પર ડિસ્કાઉન્ટેડ મૂવી ટિકિટ વગેરે પણ મળે. મૂવીએ આખો વખત અમને બંનેને બરાબર જકડીને રાખ્યા હતાં. અમે ત્યાંથી બહાર નીકળ્યા પછી પણ થોડાં એ જ ઝોનમાં રહ્યાં હતાં. થિયેટરની બહાર જ્યાંથી પોપ-કોર્ન વગેરે મળે ત્યાંથી સૌરભે સ્મૂધિની બેગ લીધી એટલે મને આશ્ચર્ય થયું કે, એ સ્મૂધી પી નહોતો ગયો? તેણે ત્યાં રાખી હતી? તો ભાઈ કે, “હા તો. ત્યાં અંદર થોડાં લઇ જવા દે? અને એમ કંઈ આટલી સારી સ્મૂધી જવા થોડી દેવાય?” પછી એ તો ફટાફટ પી ગયો પણ મારાંથી અડધી સ્મૂધી પણ ન પીવાઈ. તો એ ફેંકવા પણ ન દે. ધરાર એ અધૂરી સ્મૂધી ઘર સુધી પકડાવી રાખી.

અમે ત્યાંથી નીકળ્યા ત્યારે સવા બાર જેવું થયું હતું. રસ્તામાં મેં કહ્યું ચલ ને દારૂ પીવા જઈએ. તો એ મને તેનાં એક જાણીતાં પબમાં લઇ ગયો. ત્યાં અમે બિયરનો એક જગ મંગાવ્યો અને તેમાં વોડ્કાનાં બે શોટ્સ મિક્સ કરીને ચીયર કર્યું. ઇમોશનલ મૂવીની અસર અને તેમાં દારૂનાં મિશ્રણથી બધી ‘રિયલ ડીલ’ વાતો બહાર આવવા લાગી. અત્યાર સુધી તો અમે ફક્ત હાહા-હીહી જ કર્યું હતું. પણ, હવે ફાઈનલી જીવનમાં શું-શું બરાબર નહોતું તેની વાત શરુ કરી. અમારો ઈમો સેશન દોઢેક કલાક ચાલ્યો. મેં તેની પાસે ફરિયાદ પણ કરી લીધી કે, તેને દોઢ વર્ષમાં એક પણ વખત ફોન કરવાનું ન સૂજયું! મેં તેને એ પણ કહ્યું કે, મને ડર લાગવા માંડ્યો હતો કે, અમારો બોન્ડ ધીરે ધીરે ઢીલો થતો જશે અને દિવસે દિવસે અમે વધુ ને વધુ દૂર જતાં જશું. એ હદ સુધી કે પછી મળીશું ત્યારે પણ ફક્ત ઉપર ઉપરની અને ફોર્મલ વાતો જ થવા લાગશે. તેણે માફી માંગી અને મને જણાવ્યું કે, એ સમયે તેનાં જીવનમાં શું ચાલતું હતું અને કેમ એ કોઈ સાથે બહુ કોન્ટેક્ટ નહોતો રાખી શક્યો. તેણે મને ખાતરી પણ આપી કે, એવું કંઈ જ નહીં થાય. એ ઈમો સેશન ત્યારે અમારા બંને માટે કદાચ ખૂબ જ જરૂરી હતો. અમે બંને અમારી પરિસ્થિતિઓમાં ઘણાં વર્ષોથી એકલાં જ લડતાં રહ્યાં હતાં અને હવે ફાઈનલી અમે એટ લીસ્ટ એક જ ખંડમાં હતાં અને એકબીજાથી પાંચ કલાકની ફ્લાઈટની જ દૂરી પર હતાં એ હકીકત પહેલી વખત અનુભવાઈ રહી હતી.