મિડલ-ઈસ્ટનાં સંબંધો

ઓસ્ટ્રેલિયા, કલ્ચરલ સ્ટીરિયોટાઈપ, પર્થ

મર્ડોક યુનિવર્સિટીમાં -જ્યાં હું ત્રણ વર્ષ ભણી ત્યાં અન્ય દેશોનાં વિદ્યાર્થીઓમાં  મધ્ય-પૂર્વનાં કદાચ સૌથી વધુ હશે. એટલે તે રીતે અને અન્ય ઘણી જગ્યાઓએ મિડલ-ઈસ્ટથી આવેલાં વિવિધ પ્રકારનાં લોકો સાથે સંબંધો બંધાયાં અને તેમનાં વિષે સામાન્ય માન્યતાઓનો ખંડન કરતું કે તેને પોષતું તેમ ધાર્યું-અણધાર્યું ઘણું જાણવા મળ્યું. તેમાં સૌથી પહેલું નામ નિકાનું આવે. નિકા મર્ડોકમાં મારી સહકર્મચારી હતી અને ૨ વર્ષ જેટલો સમય કટકે-કટકે અમે સાથે કામ કર્યું. તે ઈરાનથી આવેલી છે અને તેનો પરિવાર ધર્મે બહાઈ છે. (આપણે ત્યાં દિલ્લીમાં પેલું લોટસ ટેમ્પલ આ બહાઈ ધર્મનું છે.) તેનો સમગ્ર પરિવાર અમુક વર્ષો પહેલાં ઈરાનથી અહીં આવીને વસી ગયો છે. તેમનાં માટે પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ થઇ જ્યારે ઈરાનમાં મુસ્લિમ સિવાયનાં લોકોને બહુ કનડગત થવા લાગી. સાંભળ્યું છે કે, નિકાનાં પરિવારને રેફ્યુજી થઈને ઓસ્ટ્રેલિયાનું શરણ લેવું પડેલું અને બહુ તકલીફો પડેલી ઈરાનથી નીકળતાં. તે કહેતી હતી કે, ઈરાન હતી ત્યાં સુધી જાહેરમાં જતાં તેણે હિજાબ (માથું અને કાન સુધીનું મોં ઢાંકતો એક પ્રકારનો સ્કાર્ફ) પહેરવો પડતો અને એક ઇસ્લામિક દેશને અનુરૂપ કાયદાઓનું પાલન કરવું પડતું. પણ, તેનાં પરિવાર કે બહાઈ સમાજમાં આમ કરવું જરૂરી નથી. એટલે અહીં ઓસ્ટ્રેલિયામાં તેનાં પરિવાર અને સમાજની બધી સ્ત્રીઓ પોતે ઈચ્છે તેવો પહેરવેશ છૂટથી પહેરે છે. નિકાને ધાર્મિક અને પોતાનાં સામાજિક મેળાવડાઓમાં જવાનું બહુ વધુ થતું. એટલી હદે કે, ક્યારેક આ બધાં કારણોસર તેનું ભણવાનું ગોટે ચડી જતું. વળી, એ ફુલ-ટાઈમ નોકરી કરતી એટલે આ બધાં કારણોસર જે ડિગ્રી પૂરી કરતાં સામાન્ય રીતે ૩ વર્ષ થાય, તે કરતાં તેને સાડા ચારથી પાંચ વર્ષ જેવો સમય લાગ્યો. અમે જ્યારે સાથે કામ કરતાં (દોઢ વર્ષ પહેલાં) ત્યારે તેની ઉંમર ૨૬-૨૭ જેટલી હશે. તે કહેતી કે, તેને લોકો લગ્ન બાબતે પૂછવા લાગ્યા હતાં. અહીં જે મિડલ-ઈસ્ટર્ન છોકરાઓ હતાં જેમ કે, તેનો એક્સ બોયફ્રેન્ડ – એ બધાં બહુ વધુ પડતાં પ્રતિબંધક અને રૂઢિચુસ્ત હતાં અને અન્ય દેશ અને સંસ્કૃતિનાં લોકો નિકાને સમજી ન શકતાં. હવે જો કે, તેને એક બહુ સારાં વ્યક્તિ જોડે પ્રેમ-સંબંધ બંધાયો છે અને હમણાં એક મહિના પહેલાં તેની સગાઇ થઇ.

માર્ડોકમાં ભણતાં છેલ્લા સેમેસ્ટરમાં બંદર નામનાં એક મિત્ર સાથે દોસ્તી થઇ. અમે બંને ગ્રૂપ પ્રોજેક્ટમાં સાથે હતાં અને આખાં ગ્રૂપમાં સૌથી નજીક ઘર અમારાં બંનેના જ હતાં એટલે અમે સૌથી વધુ સમય સાથે કામ કર્યું છે. તેની ભાષા એકદમ મીઠી. એ એટલો મળતાવડો હતો અને અમારી વચ્ચે એટલું સારું ટ્યુનિંગ આવી ગયું હતું કે, અમારાં ગ્રૂપનો અન્ય એક મિત્ર એમ કહેતો કે હું બંદર સાથે વાત કરું ત્યારે એવું લાગે કે, જાણે હું મારા નાના તોફાની ભાઈને ખિજાતી હોઉં. અને ખરેખર એવું હતું. તેનું અંગ્રેજી બહુ સારું નહોતું અને ટેક્નિકલી તે ઘણું ન સમજતો. પણ, તેને વ્યવસ્થિત સૂચનાઓ સાથે કોઈ કામ કરવા આપો એટલે એ બહુ સારી રીતે કરી દે. મહેનતુ પણ ખરો. હંમેશા સામેથી કામ માગે. એ પ્રોજેક્ટમાં હું પ્રોજેક્ટ મેનેજર હતી એટલે ઘણી વખત કામની તાણ બહુ વધુ પડતી થતી અને ત્યારે અમે બંને સાથે બેસીને તેનાં ઘેર કામ કરતાં. તે સેક્રેટરી હતો અને તેને ભાગે બહુ કોઈ અઘરાં કામ નહોતાં. તેને અટપટાં કામ કરવા આપો તો પણ એ વસ્તુ મારે ફરીથી કરવી પડે તેવી પરિસ્થિતિ હતી. પણ, તે મને જે મોરલ સપોર્ટ આપતો અને બકબક કરીને ખુશ કરી મૂકતો એ જ મારા માટે તો સૌથી સારી વાત હતી. દરેક વખતે કંઈ મોટું કામ પતે એટલે અમે તેનાં ઘેર બેસીને હુક્કો પીતાં.

ઘણી વખત હું એમનેમ પણ તેને ત્યાં ફક્ત ગપ્પા મારવા જતી. ટીમ સેક્રેટરી તરીકે એ છોકરો આદર્શ હતો! હંમેશા હસતું મોં અને વ્યવહારુ બુદ્ધિએ અમારો બાપ! અમારાં ક્લાયન્ટ એક માર્કેટિંગ કંપનીનાં લોકો હતાં. તેમનાં માટે અમારે એક પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું. એટલે, દર અઠવાડિયે અમારે ક્લાયન્ટ સાથે અને અમારાં સુપરવાઈઝર સાથે ટીમ-મીટિંગ થતી. હવે, સામાન્ય રીતે સેક્રેટરી હોય એ મિટિંગ મિનીટ્સની નોંધ કરે. પણ, આ હોશિયાર પહેલી જ મીટિંગથી પોતાનાં આઈફોનનું રેકોર્ડર ચાલુ કરીને બેસી જતો. ત્રીજા અઠવાડિયા સુધી તો અમને કોઈને ખબર પણ નહોતી કે, તે પહેલાં જ અઠવાડિયાથી બધી મીટિંગ રેકોર્ડ કરતો આવ્યો છે. બસ આંતરસૂઝથી જ આવું ઝીણું-ઝીણું અગત્યનું  કામ એ કરતો. મને હંમેશા ‘દાર્લિંગ’ કહીને જ સમ્બોન્ધન કરે. ૨ મહિના પહેલાં તેની ડિગ્રી પતાવીને એ સાઉદી અરેબિયા પાછો ફર્યો. ત્યાં હાલ તેને કોઈ સરકારી ખાતામાં બહુ સારી નોકરી મળી છે અને પોતાનાં પરિવાર સાથે ખુશીથી રહે છે તેવાં છેલ્લા સમાચાર મળ્યાં.

અહીં જ ભણતાં હસન અને સુલેમાન નામનાં બીજા બે સાઉદીનાં જ છોકરાઓ સાથે ઓળખાણ થયેલી. સુલેમાન મેં અહીં જોયેલાં સાઉદી છોકરાઓમાં કદાચ સૌથી હોશિયાર છે. તેની સાથે અમસ્તી વાતો ઘણી વાર થતી. પણ, યુનીવર્સીટીમાં આમ જ મળી જઈએ અને વાત કરીએ તેટલું જ. તેની સાથે યુનીવર્સીટીની બહાર કોઈ મિત્રતા નહોતી. તેવું જ હસનનું. હસન અહીં ભણવા આવતા મિડલ ઈસ્ટર્ન છોકરાઓની બહુમતિને રિપ્રેઝન્ટ કરે છે. ભણવામાં બહુ ધ્યાન નહીં. સ્વભાવ એકદમ હસમુખો. આમ ને આમ સામે મળે તોયે પાંચેક મિનિટ વાત કરવા ઊભો રહે. અહીં આવવાનો મુખ્ય હેતુ એ કે, પોતે મિત્રો સાથે મન ફાવે તેમ રહી શકે અને જલસા (મુખ્યત્ત્વે દારૂ) કરી શકે અને તેવું બધું જ જે ચુસ્ત ઇસ્લામિક દેશમાં રહીને ન થાય એ કરી શકે. પણ, કોઈને કનડગતરૂપ ન થાય. જીવો અને જીવવા દોવાળી નીતિ. પરીક્ષા અને અસાઇન્મેનટ સબમિશન વખતે બહુ ઘાંઘા થાય અને પછી પોતાનાં નોન મિડલ-ઈસ્ટર્ન મિત્રો પાસેથી મદદ માંગતા જોવા મળે. હસનની વાણીમાં મિડલ-ઈસ્ટર્ન લઢણ એટલી હાવી છે કે, તે મારું નામ લે ત્યારે મને ‘બ્રિમા’ જ સંભળાય. એવો જ બીજો એક મિત્ર એટલે મુતેબ. એ ખરેખર તો મારી હાઉઝમેટ અડેલનો મિત્ર છે એટલે એ રીતે અમારી ઓળખાણ અને પછી દોસ્તી થઇ. એ પણ, ખૂબ હસમુખો. સામાન્ય રીતે અહીં મિડલ-ઈસ્ટર્ન છોકરાઓનાં નજીકનાં મિત્ર-વર્તુળમાં અન્ય મિડલ-ઈસ્ટર્ન છોકરાઓ જ જોવા મળે. બંદર, સુલેમાન અને હસન ત્રણેયનાં કેસમાં આ વાત લાગુ પડે છે. પણ, આ મુતેબવાળું ગ્રૂપ એટલે એટલે એક સિંગાપોરિયન ઇન્ડિયન, બે ફિજીયન અને એક કેન્યન ઇન્ડિયન. એ ગ્રૂપ સાથે મારે પણ સારું બને અને અમે બધાં બે-એક વાર સાથે કલબ્સમાં પણ ગયાં છીએ. મુતેબનું ઇંગ્લિશ પણ થોડું કાચું. પણ, એક વખત પીને વાત કરે ત્યારે એવું કડકડાટ ઇંગ્લિશમાં બોલે કે, ન પૂછો વાત. ડિક્ષનરીમાંથી શોધી શોધીને બોલતો હોય તેવાં શબ્દો વાપરે!

આ તો થઇ યુનિવર્સિટીની વાત. હવે તેની બહારનાં ત્રણ મિત્રો વિષે વાત કરું તો, સૌથી પહેલા આવે મારાં કાસા-બ્લાન્કાનાં દોસ્તો. આ લોકો મોરોક્કન છે. અહીં કાસા-બ્લાન્કા નામનું એક મોરોક્કન રેસ્ટોરાં છે તેનો માલિક અને મેનેજર એ મારાં મિત્રો. હું ઘણી વખત ત્યાં જતી હોઉં છું. પણ, જવાનું મુખ્યત્ત્વે બપોરે થાય. બપોરે ત્યાં બહુ ભીડ ન હોય અને હું મોટે ભાગે એકલી જ ગઈ હોઉં એટલે એ લોકો મારી સાથે ભરપૂર વાત કરી શકે. આમ જ વખત જતાં અમારી દોસ્તી બંધાઈ છે. આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશન તેમનાં રેસ્ટોરાં પર છે અને ત્યાં બેલી-ડાન્સર્સનું એક ગ્રૂપ પણ શો કરવાનું છે. તેમણે મને નિમંત્રણ પણ આપ્યું છે. પણ, જોઈએ. શું કરવું એ કંઈ નક્કી નથી કર્યું. ત્યાર પછી વાત કરું બાલ્સમની. અમે કલીગ છીએ. બાલ્સમનો પરિવાર ઈરાકી છે. પણ, તેઓ ક્રિશ્ચિયન છે. તેની વાત પણ નિકા જેવી જ છે. ઈરાકમાં ઇસ્લામી એકસ્ટ્રીમિઝમ શરુ થયા બાદ તેનાં પરિવારે ત્યાંથી વિસ્થાપિત થવું પડ્યું અને હવે ફરી ક્યારેય ત્યાં પાછાં નહીં ફરી શકે તેનું તેમને ખૂબ દુઃખ છે. ક્રિસ્મસનાં એક અઠવાડિયા પહેલાં તેનાં ફઈને ત્યાં નાની એવી ખાવા-પીવાની ઊજાણીની ગોઠવણ થઇ હતી ત્યારે હું તેનાં પરિવારને મળી. તેનાં ઘરથી વંડી ટપો એટલે તેનાં ફઈનું ઘર આવે. આ ફઈનું નામ હદામી છે. અહીં ઓસ્ટ્રેલિયા સૌથી પહેલાં તે આવ્યાં અને પછી ધીમે ધીમે તેનાં ભાઈ (બાલ્સમનાં પપ્પા) અને બે બહેનોને પણ સેટલ કરવામાં મદદ કરી. હદામી અને તેનાં એક બહેન અપરિણિત છે અને બંને બહેનો સાથે રહે છે. તેઓ પણ સ્વભાવે બહુ આનંદી. હદામી બહુ સુંદર બેલી ડાન્સ કરી જાણે છે. અત્યારે બાલ્સમ એક જ તેનાં પરિવારમાં ફુલ-ટાઈમ કામ કરે છે એટલે તેનાં ઘરનું મોર્ગેજ વગેરે તે જ ભારે છે અને તેનો પરિવાર (માતા, પિતા અને ભાઈ) તેનાં પર આધારિત છે. તેની પણ રહેણીકરણી અને પહેરવેશ એકદમ મુક્ત છે. પ્રેમાળ તો બધાં એટલાં કે, વાત જવા દો. તેમને જોઈએ ત્યારે ખબર પડે કે, આપણે ત્યાંની મહેમાનગતિ પર મિડલ-ઈસ્ટથી આવેલાં શાસકો અને ત્યાંથી આવેલી પ્રજાની ઘણી અસર હોવી જોઈએ. આપણી અને તેમની રૂઢિગત મહેમાનગતિની આદતમાં બહુ સામ્ય જોવા મળે છે.

આ સિવાય મારા સાલ્સા ક્લાસમાંથી હાઝેમ નામે મારો એક મિત્ર થયો છે જેની સાથે ઓળખાણ છે છેલ્લાં બે-ત્રણ મહિનાથી. અમે ક્લાસમાં તો મળીયે જ ખરાં અને મોટે ભાગે સોશિયલ ડાન્સિંગ વગેરે માટે પણ સાથે નક્કી કરીને જઈએ. ક્લાસમાં બે જ છોકરાઓ એવા છે જે દિલ લગાવીને શીખે છે અને જેમની સાથે ડાન્સ કરવાની મજા આવે. હાઝેમ તેમાંનો એક છે. એ કાઈરોથી આવે છે અને તેનો પરિવાર હજુ કાઈરોમાં જ છે. તે માર્શલ-આર્ટ્સમાં નિપુણ છે અને તેનો ટ્રેઈનર છે. મારી હાઉઝમેટ અડેલ પણ સાલ્સા ડાન્સર છે અને અમે ત્રણેય એક જ ક્લાસમાં સાથે હતાં એટલે અમારી દોસ્તી સારી થઇ છે. હાઝેમ સાથે દોસ્તી છેલ્લાં એક મહિનાથી  જ વધુ સારી થઇ છે અને હાલ તો તે ક્રિસમસ બ્રેક નિમિત્તે કાઈરો છે. પણ, એ પાછો ફરે એટલે અમે બહુ ખંતથી પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું છે. અને તેની સાથે પણ મારો અને અડેલનો શીશા (હુક્કા)નો પ્રોગ્રામ ડ્યૂ છે.

ક્રિસમસ અને બોક્સિંગ ડે – ૨૦૧૨

ઓસ્ટ્રેલિયા, પર્થ, રોટ્નેસ આઈલેન્ડ

આ વર્ષે ક્રિસમસ પર – ગઈ કાલે બપોરે મારાં એક ગુજરાતી મિત્રને ત્યાં જમવા જવાનું હતું અને રાત્રે મારી આ પહેલાંની જોબનાં મારાં કલીગ મિત્રો સાથે જમવાનું હતું. એક મિત્રને ત્યાં બધાં એકત્ર થવાનાં હતાં. હવે બપોરનાં જમવા વખતે પહેરવું શું તેની થોડી મૂંઝવણ થઇ પડી. થયું એવું કે એ ગુજરાતી મિત્રનાં પેરેન્ટ્સ અહીં આવ્યાં છે. તેનાં પપ્પા અને મારાં પપ્પા પણ મિત્રો છે અને એ અંકલને હું ઘણાં વર્ષોથી બહુ સારી રીતે ઓળખું છું. આજની તારીખેય જો ઘેર જાઉં તો તેમને અચૂક મળું. હવે થયું એવું કે, અત્યારે અહીં ગરમી બહુ છે. ૨૫મી તારીખે તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચવાનું હતું. મારાં ઉનાળાનાં ઘરની બહાર આવા લંચ/ડિનર વગેરેમાં પહેરાય તેવાં કમ્ફર્ટેબલ કપડાં બધાં કાં તો લો-નેક છે અથવા એકદમ ટૂંકી શોર્ટ્સ છે અને બાકીનાં જીન્સ- એ પહેરું તો આટલી ગરમીમાં મારી જ જાઉં. એટલે મારાં સામાન્ય કપડાં પહેરવાનું મને બહુ અજૂગતું લાગતું હતું. વળી, તેમને પર્થમાં તો હું પહેલી જ વાર મળવાની હતી અને તહેવારનો કે તેવો કંઈ દિવસ હોય અને ઘણાં બધાં લોકો એકત્ર થવાનાં હોય ત્યારે થોડું ડ્રેસ-અપ કરવું મને પસંદ છે. અંતે નક્કી કર્યું મારો એકમાત્ર કોટનનો સલવાર-કમીઝ પહેરવાનું. સલવાર પંજાબી ઢબની ખૂલતી હોય એટલે કમ્ફર્ટેબલ પણ રહે અને કન્ઝર્વેટીવ* પણ લાગે.

ત્યાં બપોરે જમ્યાં અને પછી મારાં મિત્રનાં મિત્રો અને તેનાં મમ્મી સાથે પત્તા રમ્યા. ત્યાંથી સીધી સાંજે હું મારાં કલીગ મિત્ર – કેવિનને ત્યાં ગઈ અને ત્યાં જઈને જોયું તો પાર્કિંગમાં કોઈ વાહનો પડ્યાં નહોતાં. એટલે, તેનાં ઘરની બહારથી જ મેં તેને ફોન કર્યો અને પૂછ્યું કે, તુ ઘેર તો છો ને? તો તેણે હા પાડી અને પછી મેં ફોડ પાડ્યો કે હું તારા ઘરની બહાર છું એટલે દરવાજો ખોલ. એ હસવા લાગ્યો. પછી મેં પૂછ્યું કે, આમ કેમ? ત્યારે તેણે કહ્યું કે, હાલ પૂરતાં આપણે બે જ છીએ. બાકીનાં લોકો ક્યાં છે એ ભગવાન જાણે. અંતે એક કલાક પછી અમારો મિત્ર રેહાન આવ્યો અને ત્યાર પછી થોડી વારે તેનો ભાઈ સની. મારે કંઈ જમવું નહોતું. આખો દિવસ ખા-ખા જ કર્યું હતું. વળી રેહાન તેનાં ઘેરથી લેમ્બ કરી લાવ્યો હતો. એટલે, આમ પણ હું ખાઈ શકું તેવું બહુ હતું નહીં. લેમ્બ કરી તો રેહાન પકાવીને લાવ્યો હતો અને પછી કેવિનનાં ઘેર આવીને પાસ્તા બનાવીને તેમણે પાસ્તા પર લેમ્બ કરી નાખીને તેનું ડિનર કર્યું. આ પાસ્તા અને લેમ્બ કરીનો હિસાબ મને હજુ સમજાયો નથી. :P એની વે, પછી અમે બધાંએ ‘બ્રેવ’ એનિમેશન મૂવી જોયું અને દિવસ થયો ખતમ. ઘરે આવીને મને બહુ વિચિત્ર લાગ્યું. આખું ઘર ખાલી. ત્રણે હાઉઝમેટ તો પોતાનાં દેશ પોતાનાં ઘેર છે અને એક ગઈ કાલે રાત્રે કામ કરતો હતો. એટલે, ઘરમાં કોઈ ન મળે. એ જોઇને મને થોડો ત્રાસ થયો પણ આમ તો ઊંઘવાનો જ સમય થઇ ગયો હતો એટલે ચાલ્યું. વળી, આજે સવારે વહેલું ઊઠવાનું હતું એટલે ઊંઘવાનું પણ રાત્રે વહેલું હતું. આમ, ક્રિસમસ ડે તો બહુ સામાન્ય રહ્યો. બહુ મજા પણ ન આવી ને બહુ કંટાળો પણ નહીં. ચાલ્યું.

આ વખતનો બોક્સિંગ ડે જો કે બહુ યાદગાર રહ્યો. એકાદ મહિના પહેલાં મારાં એક કલીગ મિત્ર – ટિઆગોએ અમને બધાંને કહ્યું હતું કે,એ દર વર્ષે બોક્સિંગ ડે પર એક બોટ પાર્ટીની ગોઠવણ કરે છે. લગભગ ૪૫ લોકો માટે જગ્યા હશે, તેણે અને તેનાં મિત્રએ એક દિવસ માટે એક બોટ ભાડે કરી છે અને અમારે જોડાવું હોય તો અમે જોડાઈ શકીએ છીએ. એટલે અંતે અમારાં વર્કનાં ફ્રેન્ડ્સમાંથી ૩ લોકો તૈયાર થયાં અને હું, હર્ષ, માઈક, મેટ અને માઈકનો કઝિન બેન અમે બધાંએ એ પાર્ટી માટે પૈસા ભર્યા. આજે આખો દિવસ અમે ત્યાં હતાં. સવારે ૯ વાગ્યે ફ્રિમેન્ટલનાં એક દરિયાકિનારેથી બોટ ઉપડી. અમે ૪૫ લોકો હતાં અને અમને દરેકને એક-એક રિસ્ટ-બેન્ડ આપવામાં આવ્યાં. બોટ પર જતાં પહેલાં દારુ પીવાની મનાઈ હતી અને બોટ પર પણ સ્પિરિટ લઇ જવાની મનાઈ હતી. બોટ પર ખાવાની અને પીવાનાં પાણીની વ્યવસ્થા હતી અને એક હાઉઝ-ડી જે. પણ, દારુ દરેકે પોત-પોતાનું લઈ આવવાનું હતું. સ્પિરિટની મનાઈ હતી. પણ, વાઈન, બીયર અને મિક્સ કરેલાં સ્પિરિટનાં તૈયાર કેન/બોટલ (જેમકે, જીન-ટોનિક વોટર, વોડ્કા-રેડબુલ, વોડ્કા-મિડોરી વગેરે) લઇ જવાની છૂટ હતી. એ બધું ઠંડું રાખવા માટે બરફની ૫ કિલોની ૫ મોટી બેગ અને બધું ઠંડું રહે તેવાં કૂલર બોક્સની પણ વ્યવસ્થા હતી.

આ પાર્ટીનાં વ્યવસ્થાપકો બ્રાઝીલિયન હતાં એટલે બોટ પર લેટિનોઝ (લેટિન છોકરાઓ) અને લેટિનાઝ  (લેટિન છોકરીઓ) સૌથી વધુ હતી. છોકરીઓ પણ ઓછી. છોકરાઓ વધુ. યેસ! આઈ કેન્ડી :D ઉપરથી બોટ-પાર્ટી અને સ્વિમિંગનો પ્લાન હતો એટલે છોકરાઓ લગભગ બધાં ટોપ-લેસ જ હતાં. યસ યસ! અમેઝિંગ આઈ કેન્ડીઝ :D. બોટ સમયસર ઊપડી. ફ્રિમેન્ટલથી રોટ્નેસનો રસ્તો ૧ કલાકનો છે. ફ્રિમેન્ટલ બાજુ દરિયો બહુ ઘૂઘવાતો છે. મોજાં પણ સામાન્ય કરતાં ઊંચાં ઊછળે. પણ, મને મજા આવી. આવાં દરિયામાં બોટ પર જવાનો પહેલો અનુભવ હતો એટલે મને બધી વાતમાં મજા આવતી હતી અને અચરજ થતું હતું. બોટમાં નીચે લાંબી બેસવાની જગા હતી અને ઉપર જ્યાં ડ્રાઈવર હોય ત્યાં પણ લગભગ ૧૦ લોકો જઈ શકે તેટલી જગા હતી. હું ઉપર ગઈ ત્યારે પાણીનાં છાંટા બહુ ઊડ્યા અને ત્યારે જ અહેસાસ થયો કે, આ દરિયોનાં મોજાં કેટલી હદે ઊંચાં છે. દરિયાનું પાણી એકદમ ટર્કોઈઝ (લીલો+બ્લૂ) રંગનું હતું. પણ, થોડાં અંતરે એક પેચ એવો આવ્યો જ્યાં પાણી લીલાશ પડતાં રંગનું હતું. મેં એક મિત્રને પૂછ્યું એમ કેમ ત્યારે તેણે કહ્યું કે, એ વિસ્તારમાં સી-વીડ (દરિયાઈ વનસ્પતિ)ને લીધે પાણી તેવું દેખાતું હોવું જોઈએ. વળી પાછું રોટ્નેસ નજીક ફરી પાણી ટર્કોઈઝ રંગનું થઇ ગયું. બોટ રોટ્નેસ પહોંચી ત્યારે અમને બધાંને શાંતિ થઇ. કારણ કે, ત્યાં દરિયો પ્રમાણમાં ઘણો શાંત હતો અને પાણી સ્થિર હતું. વળી, કિનારાથી અમે ખૂબ નજીક બોટ પાર્ક કરેલી હોવાથી ત્યાં પાણી પણ પ્રમાણમાં ઘણું છીછરું હતું.

લોકોએ પીવાનું તો બોટ શરુ થઇ ત્યારથી શરુ કરી જ દીધું હતું. હર્ષલ,માઈક અને બેનએ બોટનાં ઉપરનાં માળેથી કૂદકો માર્યો સૌથી પહેલાં બોટ પાર્ક થઇ એટલે તરત. તેઓ થોડી વાર પાણીમાં રહ્યાં. પછી મેં પાણીમાં જવાનું નક્કી કર્યું. મને તરતાં નથી આવડતું. એટલે હું બોટ પર જે નાનકડી સીડી હોય, જે સામાન્ય રીતે પાણીમાં ડૂબેલી રહેતી હોય તેનાં પર રેલિંગ પકડીને ઊભી રહી. આમ કરવાથી મારું ધડ સુધીનું શરીર પાણીમાં ડૂબે અને પગને સૌથી નીચેનાં પગથિયાનો ટેકો રહે. વળી, રેલિંગ પકડી હોય એટલે પાણીમાં તણાવાનો કોઈ ડર ન રહે. પછી તો મેં આખું શરીર પાણીમાં પણ નાખ્યું રેલિંગ પકડી રાખીને. મોટાં ભાગે વાળ અને શરીર ડૂબે તે રીતે હું ઊભી રહી અને ફક્ત નાક, કાન અને મોઢું પાણીની બહાર રહેતું હતું. થોડાં સમય પછી ટિઆગો એન્ડ કંપનીએ પાણીમાં ૪-૫ ફ્લોટિંગ બોટ નાંખી હવા ભરીને. તેમણે એ બોટને દોરી સાથે બાંધીને દોરીનો બીજો છેડો અમારી બોટ સાથે બાંધી દીધો એટલે ફ્લોટિંગ બોટ બહુ દૂર તણાઇ ન જાય અને જેમને તરતાં નથી આવડતું તે પણ પાણીમાં જઈ શકે. તેનો ફાયદો મેં ઉપાડ્યો. આ બધાંમાં ૩ છોકરીઓ અને એક છોકરા સાથે મારી દોસ્તી થઇ. એ છોકરાનું નામ પણ ટિઆગો હતું. સમય જતાં ખબર પડી કે, એ બોટ પર કુલ છ ટિઆગો છે! એ ૩ છોકરીઓને પણ તરતાં નહોતું આવડતું. પણ, અમે ચારેયે બહુ મજા કરી. થોડો સમય પાણીમાં કાઢ્યાં પછી અમે બોટ પર ગયાં અને ત્યાં મ્યુઝિક પર ડાન્સ કરવા લાગ્યાં. વળી, બોટ હોવાને લીધે ત્યાં ફ્લોર પર બે લાંબા પોલ હતાં. (પોલ ડાન્સિંગનાં પોલ્સ જે સ્ટ્રીપર્સ વાપરતાં હોય તેવાં) હું બિલકુલ દારુ નહોતી પીતી અને તેઓ પણ પ્રમાણમાં સોબર હતી અને અમને ચડી મસ્તી. એક પછી એક બધાં એ પોલ્સ પર પોતાનાં સ્ટ્રીપર મૂવ્સ દેખાડવા લાગ્યાં. ત્યાં પેલો નવો મિત્ર ટિઆગો આવ્યો. તે ડ્રંક હતો. એટલે, તે કેટલો સારો ડાન્સ કરે છે તેમ કહીને તેને પાનો ચડાવીને અમે તેને પોલ ડાન્સ કરાવ્યો અને બહુ હસ્યા. પછી એ ભાઈનું પોલ ડાન્સિંગ લગભગ અમે સાંજે પાછાં આવ્યાં ત્યાં સુધી ચાલ્યું.

બસ ખાધું-પીધું અને આખો દિવસ આમ જ જલસા કરીને થોડી વાર પહેલાં પાછાં ફર્યા. પાછાં ફરતી વખતે તો મોજાં વધુ ગાંડા હતાં. બોટ પર લગભગ બધાં ડ્રંક હતાં અને છેલ્લે અમારાં મિત્ર ટિઆગોએ એક ઘોષણા કરવા માટે કાન ફાડી નાંખે તેવી સીટી વગાડી. બધાંએ ધ્યાન દીધું એટલે સૌથી પહેલાં તે કહે “લિસન એવરીવન. બિયરની બોટલ ઊંચી કરી, “આઈ એમ ઓન અ મધરફકિંગ બોટ *ડ્રંક સ્માઇલ*!” અમેં બધાં હસી હસીને ઊંધા વળી ગયાં. પછી તે ખરેખર જે કહેવા માટે ઊભો થયો હતો તે આફ્ટર-પાર્ટીની વાત કરી. અત્યારે તેનાં ઘેર આફ્ટર-પાર્ટી ચાલતી હશે તેવું માનું છું. અમે તો થાકીને સીધાં ઘેર જ આવ્યાં. મારો આ બોટ પાર્ટીનો પહેલો અને બહુ મજાનો યાદગાર અનુભવ રહ્યો.

457732_305123189606185_1618970738_o 458397_305122422939595_730369432_o

*આ સંદર્ભે કન્ઝર્વેટીવ ડ્રેસિંગનો અર્થ અહીંનાં સામાન્ય ઉપયોગમાં તેવો થાય છે કે, જ્યારે કોઈ સ્ત્રીનાં કપડાં ગોઠણથી ઉપર પણ ન હોય અને છાતીનો ભાગ પણ ઘણોખરો ઢાંકતો હોય. જો ફક્ત ડ્રેસ ટૂંકો હોય અને બાકીનું બધું ઢંકાયેલું હોય અથવા છાતીની કટ થોડી ઊંડે સુધી ખુલ્લી રહેતી હોય પણ પગ ગોઠણ સુધી કે તેથી નીચે સુધી ઢંકાતો હોય તો તે ડ્રેસિંગ સામાન્ય કહેવાય છે.

મેઘધનુષ્ય અને હું

નિબંધ, પર્થ

મેઘધનુષ – રેઈનબો એ સમગ્ર દુનિયામાં ગે-પ્રાઈડનું એલ.જી.બી.ટી કમ્યુનિટીનું ચિહ્ન છે. આ મેઘધનુષનો મતલબ મારાં માટે રોજબરોજનાં જીવનમાં શું છે એ અહીં કહીશ. બીઈંગ ગે એન્ડ વોટ ઈટ મીન્સ ટુ મી. આ પહેલાં લખેલી વાત ગ્લોબલ હતી. પરિસ્થિતિનું બહુ સામાન્ય વૈશ્વિક અને સામાજિક સ્તરે વર્ણન અને એક નાગરિક તરીકે મારાં માટે તેનો મતલબ શું છે તેની વાત. જ્યારે આ પોસ્ટ એ મારાં અંગત અનુભવોની અને અન્ય મિત્રો પાસે સાંભળેલાં તેમનાં અનુભવોની વાત છે. આ વાત એક વ્યક્તિ તરીકે, એક પ્રવાસી તરીકે મેં મારી આસ-પાસનાં ગે,લેસ્બિયન અને બાઇસેક્શુઅલ્સમાં જોયેલાં વ્યક્તિગત આયામો અને અંગત લાગણીઓની છે.

શરૂઆત કરું મલિસ્સાથી. આગળની પોસ્ટમાં કહ્યું હતું તેમ આ વ્યક્તિ શું છે, શું નહીં એ મને હજુયે ખબર નથી પડી. એ હંમેશા ખુલતું શર્ટ અને જીન્સ પહેરતી. એકવડો બાંધો, વાળમાં ડ્રેડલોકસ, થોડો ઘાટો અવાજ અને મોં પર થોડાં એકદમ આછી મૂંછ જેવાં શેવ ન કરેલાં વાળ. તેની એક્સ ગર્લફ્રેન્ડસ વિષે મેં સાંભળ્યું હતું. વ્યક્તિ તરીકે મલિસ્સા બહુ મસ્ત હતી. સોશિયલ એક્ટીવિઝમમાં આગળ પડતી.  ગિલ્ડમાં વિમેન્સ કલેકટીવ અને એવું પણ ઘણું બધું હતું. તેને મળી ત્યારે મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. કંઈ કામ મળતું નહોતું. એ યુનીવર્સીટીમાં જૂદા-જૂદા ઘણાં લોકો સાથે મારી ઓળખાણ કરાવતી અને જો તેમનાં પાસે મારાં લાયક કંઈ કામ હોય તો મને જણાવવા ભલામણ પણ કરતી. અમે એક વખત લગ્નની વાત કરતાં હતાં ત્યારે તેણે કહ્યું હતું એ મને યાદ છે કે, મારાં માતા-પિતા છેલ્લાં ૨૦ વર્ષથી સાથે છે. તેમની સહમતિથી સાથે છે. કોઈ પ્રકારનાં લગ્ન વિના! મલિસ્સા પોતે લેસ્બિયન હતી કે ટ્રાન્સજેન્ડર એ મને આજ સુધી ખબર નથી પડી. આ બધું પૂછવામાં હું બહ છોછ અનુભવું છું અંગત રીતે. વળી, એ વ્યક્તિ તરીકે શું છે તે જાણવું મારાં માટે પૂરતું હતું. એટલે બાકીનું કંઈ જાણવાની મને જરૂર પણ નહોતી લાગી.

વેલેરી બાઇસેક્શુઅલ છે. તે એકદમ ફેમિનીન છે. મલિસ્સાને જોઉં તો આજે મને અંદાજ આવી જાય કે તે કદાચ બુચ લેસ્બિયન (‘બુચ’ એ છોકરીઓ માટે વપરાય છે જેની ઓવરઓલ સ્ટાઈલ છોકરાઓ જેવી હોય. ટીપીકલી ટૂંકા વાળ, શર્ટ અને પેન્ટ અને બોલ-ચાલની સ્ટાઈલ પણ છોકરાઓ જેવી) છે. પણ, વેલેરીને આમ ને આમ રસ્તામાં જોઉં તો ખબર ન પડે. મને સૌથી પહેલી વાર અને પછીની દરેક વાર જ્યાં સુધી હું બહુ લોકોને ઓળખતી નહીં ત્યારે ક્લબિંગ લઇ જવાવાળી તે. તે મને તેની નાની બહેનની જેમ રાખે. કલબ્સમાં મારાં પર કોઈ વિચિત્ર છોકરાઓ હિટ ન કરે, કોઈ તકલીફ ન પડે મને તેનું ધ્યાન હંમેશા તે રાખતી. છેલ્લે એકાદ મહિના પહેલાં ક્લબ ગયા ત્યારે મારી વિંગ-ગર્લ એ હતી. તેનો અવાજ એકદમ તીણો છે. જો એ ઍલેક્સ સાથે ન હોત તો કોઈ છોકરી સાથે હોત. એ છોકરીનો ફોટો તેણે મને દેખાડ્યો છે. જ્યારે, વેલેરીનો બોયફ્રેન્ડ અને મારો ફ્રેન્ડ ઍલેક્સ લેસ્બિયન્સ વિષે રસપ્રદ મત ધરાવે છે. તેણે એક વખત ‘સ્લટ લેસ્બિયન્સ’ તેવો શબ્દપ્રયોગ કર્યો હતો. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, તે એવું કેમ કહે છે. ત્યારે તેણે મને કહ્યું હતું કે, એ એવું એટલા માટે કહે છે કારણ કે, મોટાં ભાગે ‘સ્લટ’ ની ટ્રેડીશનલ વ્યાખ્યામાં એક સ્ત્રી જે એક કરતાં વધુ પુરુષો સામે બહુ ઓછાં સમયાંતરે પગ ફેલાવે તે સ્લટ કહેવાય છે. અને એટલે ઘણી લેસ્બિયન્સ તેવું એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે કરતાં કોઈ ગિલ્ટ નથી અનુભવતી હોતી. તેનાં મત મુજબ લેસ્બિયન્સ સામાન્ય રીતે વારંવાર અને બહુ જલ્દી સાથી બદલતી રહે છે એટલે તેણે સ્લટ લેસ્બિયન એવો પ્રયોગ કર્યો.

ઍલેક્સનો એક મિત્ર ફિલિપ ગે છે. તેને જોતાં ખબર ન પડે. તેની વાત થોડી વિચિત્ર છે. ફિલિપને ચર્ચમાં પ્રીસ્ટ બનવું હતું. પણ, તેણે ચર્ચને કહ્યું કે તે ગે છે ત્યારે તેમણે તેને પ્રીસ્ટ ન બનવા દીધો. પછી તેણે પોતાની સેક્શુઆલીટી પરાણે બદલવાની કોશિશ કરી. પછી ફરી તેને પ્રીસ્ટ નહોતું બનવું. તે નાસ્તિક બન્યો અને ફરીથી પોતે જે હતો તેનો તે થઇ ગયો. ક્વિન્ટન નામનો એક ફ્રેંચ છોકરો છે જેને હું યુનીવર્સીટી કેમ્પસમાં રહેતી ત્યારથી- પહેલાં સેમેસ્ટરથી ઓળખું છું. HOT! એ છોકરો ગાઈ શકે છે અને પિઆનો વગાડે છે. જ્યારે મને ખબર પડી કે એ ગે છે ત્યારે મારું મોં પડી ગયું! જો કે, એ અનપેક્ષિત નહોતું. ક્વિન્ટન ટિપિકલ ગે છે. અમેઝિંગ ડ્રેસિંગ સેન્સ, ટેસ્ટ ફોર મ્યુઝીક, ગાઈ શકે છે, ફેમિનીન મેનરીઝમ્સ! તેને મળો એટલે શરૂઆત ‘હે ડાર્લિંગ!’થી કરે. ડ્રામા-ક્વીન પણ ખરો ;) આ ઘરમાં ગયા વર્ષે આવી ત્યારે ખબર પડી કે, ક્વિન્ટન મારી હાઉઝમેટ અડેલનો પણ મિત્ર છે. અડેલ કહેતી હતી કે, ક્વિન્ટનનો અત્યારનો બોયફ્રેન્ડ is the hottest thing! પછી અમે લોકોએ તેનાં બોયફ્રેન્ડનાં ફોટોગ્રાફ્સ જોયાં. OMG! ટિપિકલ ઇટાલિયન હિરો જેવો બાંધો, દેખાવ અને ફ્રેંચ એક્સેન્ટ. તે બંને દેખાવથી બહુ સુંદર કપલ છે. સાંભળ્યું છે કે, તેમણે ગયાં વર્ષે સગાઇ કરી.

અડેલનો એક મિત્ર છે અર્શદ. એ મલય છે અને ગે છે. તે પણ ટિપિકલ ગે છે. ફેમિનીન મેનરીઝમ વગેરે વગેરે. એ બહુ ક્યુટ છે. તેની સાથે હંમેશા મજા આવે. મારો મુંબઈનો મિત્ર જે ગે છે એ મારાંથી નાનો છે. તેની સાથેનો મારો સંબંધ બહુ અલગ છે. અમે બહુ નજીક છીએ. ગયાં વર્ષે તે ઘણી વખત જ્યારે ને ત્યારે ‘.. કારણ કે, હું ગે છું’ આ ઉદ્ગારને ઘણી વખત દલીલ તરીકે વાપરતો. એક વખત મને બહુ ગુસ્સો આવ્યો હતો ત્યારે મને યાદ છે મેં તેને કહ્યું હતું કે, યાદ રાખ તારી સેક્શુઆલીટી એ તારી પર્સનાલીટીનો એક ભાગ છે. તુ શું છો એક વ્યક્તિ તરીકે તેનો એક ભાગ તારી સેક્શુઆલીટી ‘પણ’ છે. તારી સેક્શુઆલીટી ‘જ’ નથી. Don’t carry the weight of your sexuality everywhere you go. Doesn’t matter. You don’t have to tell the whole world about it and nobody will know until you tell them. It doesn’t matter outside of your bed. Nobody cares! What people care about is what you do. What you do is a bigger part of who you are.  એ છોકરો બહુ તેજ છે. મીડિયા અને માર્કેટિંગ ભણે છે અને મને ખાતરી છે કે, એ કૈંક સારું કરશે તેનાં જીવનમાં. મને છેલ્લાં એક વર્ષમાં મળેલી ‘આઈ લાવ યુ’ નોટ્સ અને નાના હાર્ટ કદાચ સૌથી વધુ તેની તરફથી આવેલાં હશે. :)

પર્થમાં એક એક ગે બાર છે. તેનું નામ ‘ધ કોર્ટ’. પણ, ગે બાર એટલે ફક્ત ગે-લેસ્બિયન-બાઇસેક્શુઅલ જ જઈ શકે તેવું નહીં. બધાં જઈ શકે પણ બહુમતિ ગે,લેસ્બિયન,બાઇસેક્શુઅલની હોય. બહુ મસ્ત જગ્યા છે. તેનાં હાઉઝ ડીજે અને મ્યુઝિક બહુ સરસ હોય છે. હું, અડેલ અને જીઝેલ અમે ત્રણેય હાલતાં ‘ને ચાલતાં ત્યાં જતાં હોઈએ છીએ. અમે મુક્ત રીતે નાચી શકીએ. કોઈ વિચિત્ર છોકરાઓ અમારાં પર હીટ ન કરે. જો કોઈ છોકરો ‘ના’માં ન સમજે તો અમે લેસ્બિયન હોવાનો ડોળ કરી શકીએ અને કોઈ છોકરી ન સમજે તો સ્ટ્રેટ હોવાનો! ;) આવી જગ્યાઓમાં પિંક શર્ટનો સીધો મતલબ તમે ગે છો તેવો થાય! સ્કીન-ટાઈટ જીન્સ પહેર્યું હોય તો પણ લોકો તેવું અનુમાન લગાવે કે, તમે ગે છો. ગે છોકરાઓની અન્ય ગે છોકરાઓને પિછાણી શકવાની સેન્સ બહુ જોરદાર હોય છે. જો તમે સ્ટ્રેટ હો તો સામાન્ય રીતે તે તમારાંમાં રસ લેવાનું તો દૂર પણ તમને બોલાવશે પણ નહીં. ભારતમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં ગે છોકરાઓએ સ્ટ્રેટ છોકરાઓ પર અટેક કર્યા હોવાની વાત સાંભળી છે. અડેલ કહે છે કે, ગે છોકરાઓ તમે સ્ટ્રેટ હો તો તમને હેરાન ન કરે સામાન્ય રીતે. પણ, લેસ્બિયન છોકરીઓ તો તેમને ખબર હોય કે તમે સ્ટ્રેટ છો તોયે એક વખત ટ્રાઈ તો કરી જ લે. મને અંગત રીતે તેવાં કોઈ અનુભવ નથી. ભારતમાં રહેતી એક હોસ્ટેલાઈટને ઓળખું છું જે બાઇસેક્શુઅલ છે. તે કહે છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં ત્યાં ઘણી છોકરીઓ એક-બીજા સાથે શારીરિક સંબંધ ધરાવતી હોય છે. પણ, સાથી તરીકે તેઓ હંમેશા છોકરાઓ તરફ ઢળતી હોય છે. મારો કલીગ મેટ એટલો ઓપનલી ગે હતો કે, એ પોતે ગે લોકો પર જોક્સ કરતો. અને અંતે, આ બધું જોઇને મેં પોતે એક વખત મારી જાતને સવાલ કર્યો હતો કે, હું ખરેખર મારી પોતાની ચોઈસથી સ્ટ્રેટ જ છું ને? જવાબ મળ્યો ‘હા’. :)

IMG_0496

ધ કોર્ટ – પર્થનો એકમાત્ર ઓફિશિયલી ગે બાર/ક્લબ

પર્થ – સિલેક્ટેડ લેન્ડસ્કેપ્સ

ઓસ્ટ્રેલિયા, પર્થ

હું એટલી નસીબદાર છું કે, હું જ્યાં  રહુ  છું ત્યાંથી  સમુદ્રકિનારો  ફક્ત  15 મિનિટનાં અંતરે આવેલો છે. પર્થ ફક્ત સમુદ્રકિનારા  જ નહીં  પણ ખૂબસૂરત  નાદી-તટથી પણ સમૃદ્ધ છે! પ્રકૃતિએ ખુલ્લા હાથે દાન કર્યું છે અને નસીબજોગે દાન ભોગવનારાં બહુ ઓછા છે એટલે અમારાં  જેવાંને  પૂરતુ  મળી રહે છે. :D વળી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જેમ જેમ વધુ આગળ દક્ષિણ  તરફ જતાં  જઈએ  તેમ તેમ આ નજારો વધુ ને વધુ સુંદર થતો જાય છે. બસ, વસંત અને ગ્રીષ્મ હવે બહુ નજીક છે અને હું તેને ભેટવા માટે કાગડોળે રાહ જોઇને બેઠી  છું. ક્યારે ઉનાળો આવે ને ક્યારે વધુ રખડવા-ભટકવા મળે (અલબત્ત કેમેરા સાથે)! પણ, જ્યાં સુધી ઉનાળો આવે અને વધુ ફોટો પાડું, ત્યાં  સુધી આ પર્થ  અને આસપાસનાં  વિસ્તારનાં  ફોટો માણો.

પર્થ  સિટી  – સાઉથ પર્થનાં નાદિકીનારેથી

અનકહી વાતો  – સાઉથ પર્થ  નદીકિનારે  એક ખૂબસૂરત સંધ્યા

Untold Stories

સિલ્હૂટ – પર્થ  સિટી  સેન્ટરમાં લાઈબ્રેરિ, આર્ટ  ગેલેરિ અને મ્યુઝિયમ નજીક

Silhouette

સાંજની કવિતા – નાદિકીનારેથી

An evening poetry

ટીપે ટીપે સમુદ્ર ભરાય!

Droplets

પ્રેમનો કિલ્લો – મેન્જુરા બીચ પર અચાનક ધ્યાન ગયું આ રેત-કિલ્લા  પર. બસ, જોયું કે તરત થઇ આવ્યું કે આ તો બસ પ્રેમનો કિલ્લો જ હોઈ શકે.

ઘૂઘવાટ – કોટેસ્લો બીચ

Roaring

શિયાળાની સાંજ – હિલેરીઝ બોટિંગ હાર્બર પરથી

A winter evening

બન્બરી અને માર્ગરેટ રીવર એરિયા

ઓસ્ટ્રેલિયા, પર્થ

પર્થ સિટી સેન્ટરથી લગભગ અઢી કલાકે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હો તો બન્બરી આવે. બન્બરી  વિચારુ ત્યારે તેને સંગત એક જ શબ્દ મગજમાં આવે છે- જલસા. બન્બરી હું બે વખત ગયેલી છું અને હજુ લાખો વખત જાઉં તો પણ  કંટાળો ન આવે તેવી જગ્યા છે એ. એ એક નાનું ગામ છે. કલાક એકમાં તો તમે કારમાં આખું ગામ ફરી લો એટલું નાનું! સમગ્ર પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની જેમ જ અહીં પણ બહુ એટલે બહુ સરસ બીચ આવેલાં છે. 

ત્યાંથી વધુ નીચે દક્ષિણમાં જાઓ એટલે લગભગ દોઢ કલાકે ‘બસલટન’ નામનું એક ગામ આવે. અહીં એક જેટી આવેલી છે. દક્ષિણ ધ્રુવની એ સૌથી મોટી જેટી છે અને દુનિયાની ચોથી સૌથી મોટી જેટી. Busseltton ગૂગલ કરો એટલે અને ‘ઈમેજીસ’માં જશો એટલે જે ૪ ઘરના ફોટા જોવા મળે છે એ બરાબર આ જેટી પર આવેલાં છે. એ બસલટનનો સિગ્નેચર ફોટો છે. ત્યાંથી બરાબર દોઢ કલાક જેટલું આગળ જાઓ ત્યારે યેલિન્ગપ, અગસ્ટા અને યાન્ચેપ જેવા ‘માર્ગરેટ રીવર’ના વિસ્તાર આવેલાં છે. બન્બરીથી આગળનાં બધાં જ રસ્તા એવા છે કે, તમે ગમે તે સેકન્ડે કારની બહાર જુઓ તો એક પિક્ચર પરફેક્ટ ફ્રેમ જોવા મળે. 

બસલટનથી યેલીન્ગપના રસ્તે તમે ગમે ત્યાં ગાડી રોકો ત્યાંથી ૧૦ મિનીટ દૂર તમને એવું કોઈ દ્રશ્ય જોવા મળે જ્યાં મોટાં લાંબા પથ્થર અને દરિયો હોય. દરેક દિશામાં બસ દીવાલે ટાંગી શકાય તેવાં લેન્ડસ્કેપ! અહીં દરિયા ઉપરાંત માર્ગરેટ રિવર વિસ્તારમાં ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાં અંદર જઈને જોઈ શકાય છે. તેની ટૂર્સ થાય છે. આ ઉપરાંત માર્ગરેટ રીવારની વાઈન્સ પણ બહુ પ્રખ્યાત છે. અહીં આખો આખો દિવસ ફક્ત વાઈન ચાખતાં નીકળી જાય તેવી વાઈન-ટૂર્સ થાય છે. આ ઉપરાંત અહીં એક ચોકલેટ ફેક્ટરી છે. ચોકલેટ્સનું સ્વર્ગ! 

પણ ગમે ત્યાં જાઓ, સાંજે ૫-૬ વાગ્યા પછી બધું બંધ! ફક્ત રેસ્ટોરાં અને પિઝ્ઝા હટ જેવી ખાવાનું મળે તેવી જગ્યાઓ ૯-૧૦ વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અહીં ૨-૩ દિવસ કે વધુ સમય માટે રહેવું અને આજુબાજુની જગ્યાઓ ફરીને નવી જગ્યાઓ શોધવી હોય તો રહેવા માટે હોલીડે-હોમ્સ સૌથી લોકપ્રિય રસ્તો છે. તમે આ ઘર અમુક સમય માટે ભાડા પર લઈને અહીં રહી શકો છો અને તેમાં જોઈએ તેવો અને જોઈએ તેટલો luxurious વિકલ્પ પસંદ કરી શકો છો! બાકી જો ખરેખર એડવેન્ચરમાં રસ હોય તો કેમ્પીંગ! ઘણાં બધાં વિસ્તારોમાં  જંગલમાં  કેમ્પીંગ કરવાની છૂટ મળે છે. તમે ‘કેમ્પ સાઈટ્સ’ ભાડે લઇ શકો અને ત્યાં કેમ્પ નાખીને, પોતાનાં ફળ તોડવા, જમવા માટે શિકાર, પોતાનાં લાકડા કાપવાં જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો. (મેં હજુ કરી નથી પણ કરવાની ઈચ્છા પૂરેપૂરી છે.)

બસ, હજુ સુધી મે આટલું જ  ફર્યું છે. હજુ આગળ વધુ દૂર દક્ષિણમાં આલ્બની અને એસ્પ્રન્સ સુધી જવાની વાત ચાલી રહી છે. કદાચ જુલાઈનાં પહેલાં અથવા બીજા અઠવાડિયામાં જશું તેવું અત્યારે તો લાગે છે. પછી જોઈએ આ સંઘ કાશી પહોંચે છે કે નહીં!