સાન ફ્રાન્સિસ્કો મ્યુરલ્સ

અમેરિકા, ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કોનું મિશન ડીસ્ટ્રીક્ટ કળા માટે પ્રખ્યાત છે. ખાસ ભીંતચિત્રો (મ્યુરલ્સ) માટે. નીચેનો ફોટો આલ્બમ મ્યુરલ્સનો છે. હજુ જેમ વધુ જગ્યાઓ જોઇશ અને ફોટોઝ પાડીશ તેમ આલ્બમમાં ઉમેરાતાં જશે. અને હા, આ આલ્બમનાં ઘણાં બધાં ફોટોઝ મેં નથી પાડેલાં. મિત્ર જય માલવિયાએ પાડેલાં ફોટોઝ પણ આમાં ઉમેરવામાં આવેલાં છે.

IMG_20150503_152659-COLLAGE

 

સરખામણી

અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નિબંધ

હમણાં ગયાં અઠવાડિયે એક વાચક આયેશાએ મને એક સવાલ પૂછ્યો હતો.

“1.Can you please let us know the key differences in the life styles of an OZ/perth and SF.

2.Health Systems

3. Kids education

4. Income levels and savings”

તો આ રહ્યો તેમનાં સવાલોનો જવાબ બીજી કેટલીક અગત્યની વ્યવહારિક માહિતી સાથે.

રેન્ટ અને પ્રોપર્ટીનાં ભાવો

ઓસ્ટ્રેલિયામાં આંતરિક રીતે પણ પર્થ, સિડની અને મેલ્બર્નની જીવનશૈલીમાં ઘણો ફર્ક છે. (Sorry બ્રિસ્બેનની મને ખબર નથી.) પર્થમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિડની અને મેલ્બર્નનાં પ્રમાણમાં ઘણી મોંઘી છે. પણ, સામે પર્થનાં રેન્ટ અને પ્રોપર્ટીનાં ભાવ સિડની કરતાં થોડાં ઓછાં છે અને મેલ્બર્ન કરતાં થોડાં વધુ.

સાન ફ્રાન્સિસ્કો અને બાકીનાં અમેરિકાની વાત કરું તો સાન ફ્રાન્સિસ્કો બે એરિયા અને ન્યૂ યોર્ક રહેવા અને જીવવા માટે અમેરિકાનાં સૌથી મોંઘા શહેરો છે. પર્થમાં સિટી સેન્ટરમાં ૨-બેડરૂમનાં શેર-હાઉઝમાં એક વ્યક્તિ માટે એક રૂમનું ભાડું દર મહિને લગભગ  $૧૯૦૦-$૨૦૦૦માં પડે. સાન ફ્રાન્સિસ્કોમાં શહેરનાં મધ્યમાં એક વ્યક્તિ માટે એક સ્ટૂડિયો અપાર્ટમેન્ટ ૨૦૦૦થી ૨૩૦૦માં પડે. પર્થમાં સિટી સેન્ટરમાં બે બેડરૂમનાં અપાર્ટમેન્ટનું ભાડું લગભગ $૪૦૦૦ થી $૪૫૦૦ જેટલું હોય છે તો અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ બે બેડરૂમનાં અપાર્ટમેન્ટ ઓછામાં ઓછાં $૪૫૦૦માં પડે. પર્થમાં ૩-૪ વ્યક્તિનાં શેર-હાઉઝમાં રહેવા જાઓ તો રેન્ટ લગભગ ૧૦૦૦-૧૨૦૦ જેવાં થઇ જતાં હોય છે. પણ, સાન ફ્રાન્સિસ્કોમાં વ્યવસ્થિત કનેક્ટેડ ડીસ્સ્ટ્રીક્ટમાં શેર-હાઉઝમાં પણ વ્યક્તિદીઠ રેન્ટ તો ૧૫૦૦-૨૦૦૦ જેટલું જ રહે છે.

અહીં એક અગત્યનો ફર્ક એ છે કે, પર્થમાં સિટી સેન્ટર એટલે બેથી ત્રણ કિલોમીટરની પેરિફેરીનો વિસ્તાર. સિટી સેન્ટરથી ફક્ત ૮-૯ કિલોમીટરનાં અંતરે આવેલાં સબર્બમાં તરત જ ભાવ થોડાં પડી જાય. સાન ફ્રાન્સિસ્કોમાં એવી સુવિધા નથી. અહીં આખાં મેટ્રોપોલિટન એરિયામાં રેન્ટ લગભગ સરખાં જેવાં જ રહે છે. શહેરનાં મધ્યથી ખૂબ દૂર આઉટર રિચમંડ વગેરેનાં ભાવ થોડાં ઓછાં છે પણ સામે ત્યાંથી સિટી સેન્ટરમાં આવતાં લગભગ ૪૫ મિનિટ જેટલો સમય લાગે.

પ્રોપર્ટી ખરીદવાની હોય તો પર્થમાં ૫૦૦,૦૦૦ થી ૬૦૦,૦૦૦ વચ્ચે સારા સબર્બમાં સિટી સેન્ટરથી ૮-૯ કિલોમીટર જેવાં અંતરનાં વિસ્તારમાં ૨થી ૩ બેડરૂમનાં ઘર કે અપાર્ટમેન્ટ આરામથી મળી જાય. અહીં એક બેડરૂમનાં અપાર્ટમેન્ટનાં ભાવ પણ ૮૦૦,૦૦૦થી ૯૦૦,૦૦૦ની રેન્જમાં શરુ થાય છે. વ્યવસ્થિત સાઈઝ/સ્ટાઈલનાં ઘર તો ઓછામાં ઓછાં એક મિલિયનથી. જો કે, આ તકલીફ ફક્ત સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્કમાં જ છે. ઓસ્ટીન, ફીનીક્સ જેવાં સેકન્ડ ટીયરનાં શહેરોમાં અને ઈસ્ટ કોસ્ટનાં લગભગ બધાં જ સારા શહેરોમાં સારાં સ્થળે સારા ઘરોનાં રેન્ટ દર મહિને ૭૦૦=૮૦૦થી વધુ નથી. ત્યાં ૨૫૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ની રેન્જમાં સારા ઘર ખરીદી પણ શકાય છે.

કનેક્શન અને પબ્લિક ટ્રાન્સપોર્ટ 

ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં રહો તમને ઘર સાથે ઓછાંમાં ઓછી એક પાર્કિંગ સ્પેસ તો મળે જ. સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્કમાં એ રિવાજ નથી. પાર્કિંગ માટે એક્સ્ટ્રા રેન્ટ ભરવું પડે અને દરેક બિલ્ડિંગમાં પાર્કિંગ માટે જગ્યા હોય એ પણ જરૂરી નથી. સાઉથ-બે (સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે)માં જો કે, લગભગ બધાં ઘરોમાં ડેડીકેટેડ પાર્કિંગ હોય જ છે અને એ જરૂરી પણ છે તેમનાં માટે કારણ કે, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ખાસ સુવિધા નથી. ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક શહેર પબ્લિક ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ છે. સાન ફ્રાન્સિસ્કો મેટ્રોપોલિટન મોટાં ભાગે વેલ-કનેક્ટેડ છે. પણ, સાઉથ બેમાં ક્યાંયે એટલું સારું નેટવર્ક નથી. એટલે, ત્યાં રહેતાં હો તો તમે કાર વિના જીવી ન શકો. સાન ફ્રાન્સિસ્કોમાં કાર લેવા કરતાં જરૂર પડે ત્યારે ‘ઉબર’, ‘લિફ્ટ’ વગેરે ટેક્સી સર્વિસ વાપરવી વધુ સસ્તી છે. સિટી સેન્ટરમાં તો ઘણી વખત ગ્રોસરી લઈને પણ લોકો ટેક્સીમાં પાછાં ફરતાં જોવા મળે.

લાઈફસ્ટાઈલ અને ખર્ચ

અમેરિકામાં ઘણાં લેન્ડ-લોર્ડ્સ આજની તારીખે પણ ‘ચેક’ માંગે છે! ઓસ્ટ્રેલિયામાં એક પણ કામ માટે ચેક વપરાતાં મેં નથી જોયાં. આ એક જ ઉદાહરણ બંનેની બેન્કિંગ સિસ્ટમનાં ફર્કનો ટૂંક સાર છે. ઓસ્ટ્રેલિયામાં બધું જ ઓનલાઈન પેમેન્ટ છે અને અહીં હજુ ચેક પેમેન્ટ ચાલે છે. અહીં હજુ પે-પાસ/પે-વેઇવ સિસ્ટમની પણ શરૂઆત નથી થઇ. ઓનલાઈન બેન્કિંગનાં ઇન્ટરફેસ ખૂબ જૂનવાણી લાગે. ઓસ્ટ્રેલિયા ઘણું ચોખ્ખું છે. અહીં શહેરો પ્રમાણમાં ઘણાં ગંદા છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ – ગ્રોસરી, ફૂડ આઈટમ વગેરે માટે ઓસ્ટ્રેલિયામાં કોલ્સ, વૂલવર્થ અને આઈજીએ જેવાં ચેઈન સ્ટોર્સ સ્ટાન્ડર્ડ ઓપ્શન છે. અહીં ગ્રોસરીમાં હજુ પણ લોકલ સ્ટોર્સનો દબદબો છે. સેઈફવે, ટ્રેડર જોઝ, હોલ ફૂડ્સ વગેરે છે પણ સાથે સાથે લોકલ સ્ટોર પણ ઘણાં છે.

આલ્કોહોલ અને એન્ટરટેઈનમેન્ટ ઓસ્ટ્રેલિયામાં ઘણાં મોંઘાં છે અને અહીં ઘણાં સસ્તાં. ઓસ્ટ્રેલિયામાં તમે જે ભાવ જુઓ એ જ ભાવ આપો. અહીં વસ્તુઓનાં ભાવો ટેક્સ વિના એડવર્ટાઈઝ થતાં હોય છે. રેસ્ટોરાંમાં કોઈ પણ વસ્તુની આખર કિંમત મેન્યુમાં લખેલો ભાવ વત્તા ટેક્સ વત્તા ટિપ એમ મનમાં ગણવી પડે. જો કે, સાન ફ્રાન્સિસ્કોમાં દારૂ સિવાયની બધી વસ્તુઓ લગભગ પર્થ જેટલી જ મોંઘી છે, બાકીનું અમેરિકા ઘણું સસ્તું છે. પર્થમાં નવ વાગ્યા પછી લગભગ કોઈ જ રેસ્ટોરાં ખુલ્લા ન મળે. અહીં દસ સુધી તો ઘણું બધું ખુલ્લું હોય છે અને વિકેન્ડમાં ૧૧:૩૦ – ૧૨ સુધી. પર્થમાં જેમ ક્લબિંગ પછીનું ફૂડ કબાબ છે એમ અહીં બરિટો છે. અહીં જોબ્સનાં ઘણાં બધાં ઓપ્શન છે. ઇન્ડસ્ટ્રિ ઘણી મોટી છે. ઓસ્ટ્રેલિયામાં તમે કોઈ એક સ્પેસિફિક ઇન્ડસ્ટ્રિમાં હો તો પાંચ-છ વર્ષમાં એ ઇન્ડસ્ટ્રિમાં લગભગ બધાં જ તમને અને તમારાં કામને ઓળખતાં હોય. you cannot fuck up. અહીં એવું નથી. સાન ફ્રાન્સિસ્કોમાં તમે ઓછાંમાં ઓછાં ૮૫,૦૦૦થી ૯૦,૦૦૦ પર એનમ ન કમાતાં હો તો વ્યવસ્થિત સેવિંગ ન કરી શકો. એ જ સેલેરીમાં તમે ઈસ્ટ કોસ્ટ પર અધધ સેવિંગ કરી શકો. પણ, સામે સાન ફ્રાન્સિસ્કો બે એરિયાનાં ઓવરઓલ સેલેરી અહીંની લાઈફસ્ટાઈલ પ્રમાણે ઊંચાં છે અને ઈસ્ટ કોસ્ટનાં નીચા. સાન ફ્રાન્સિસ્કોની ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં સેલેરી સાથે મોટાં ભાગની કંપનીઓમાં સ્ટોક ઓપ્શન્સ પણ ઓફર કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં તેવું ક્યાંયે નથી.

હેલ્થકેર

ઓસ્ટ્રેલિયાની પબ્લિક હેલ્થકેર સિસ્ટમની ખરેખર દાદ દેવી પડે. ૨૫થી નીચેની ઉમરનાં અને એકલાં રહેતાં લોકોને ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ હેલ્થ ઇન્શ્યોરન્સની પણ જરૂર નથી. અમેરિકામાં હેલ્થકેર બધી પ્રાઈવેટ જ છે. મોટાં ભાગની કોર્પોરેટ કંપનીઓ તેમનાં એમ્પ્લોઇ અને ફેમિલી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પે કરતી હોય છે. ઘણી કંપનીઓ સોએ સો ટકા કવર કરે છે અને ઘણી મોટાં ભાગે કવર કરે અને બાકીનો ખૂબ નાનો ભાગ એમ્પ્લોઇએ કવર કરવાનો રહે છે. અહીં હોસ્પિટલનો હજુ અનુભવ નથી (ટચ વૂડ) એટલે કાર્યવાહીનાં ફર્કની ખબર નથી. અહીં ફુલ મેડિકલ કવરેજ સાથે પણ નોર્મલ ડોક્ટરની દરેક અપોઈન્ટમેન્ટ માટે લગભગ $૨૦-૨૫ જેવો ખર્ચ આવે છે. જયારે, ઓસ્ટ્રેલિયામાં પબ્લિક હોસ્પિટલ અને જી.પીની મુલાકાત મેડિકેર સાથે બિલકુલ ફ્રી છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક કંપની દર વર્ષે ૧૨ દિવસની સિક લીવ આપતી હોય છે. અહીંની મારી જોબમાં સિક લીવ અનલીમીટેડ છે અને બાકીની બે એરિયાની કંપનીઓની પણ સિક લીવ પોલીસી ઘણી લિબરલ છે. કેલીફોર્નિયા અને ટેકનોલોજી સિવાયની ઇન્ડસ્ટ્રીઝની મને ખબર નથી. ઓસ્ટ્રેલિયામાં ઓછામાં ઓછી બાર મહિનાની અનપેઈડ મેટર્નીટી લીવ આપવાનો કાયદો છે. અને લગભગ બધી જ કંપનીઓ છ મહિનાની ફૂલી પેઈડ મેટર્નીટી લીવ આપતી હોય છે. ઘણી કંપનીઓ છ મહિનાની ફુલ ટાઈમ સેલેરી લીવ કે બાર મહિનાની પાર્ટ ટાઈમ એવાં ઓપ્શન પણ આપતી હોય છે. જ્યારે, અહીંનો કાયદો ફક્ત ત્રણ મહિનાની જ મેટર્નીટી લીવનો છે. તેમાં બાકીનાં વધારા/ફેરફાર દરેક કંપની પર આધારિત છે. પેટર્નીટી લીવ બંને ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં અમુક દિવસોથી માંડીને અમુક અઠવાડિયાઓ સુધીની હોઈ શકે છે અને એ જે-તે કંપનીની એચ.આર. પોલિસી પ્રમાણે બદલાતું રહે છે.

બાળકોનાં ઉછેર બાબતે

સૌથી પહેલાં તો ઓસ્ટ્રેલિયામાં ગન-કંટ્રોલ છે અને અમેરિકામાં નથી. એટલે ઓવરઓલ સેફટી ઓસ્ટ્રેલિયામાં વધુ છે. સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં જો કે, ગન્સનો એટલો બધો ત્રાસ નથી. પણ, છતાંયે એ એક ડર તો હંમેશા રહે જ. છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં અમેરિકામાં થયેલાં સ્કૂલ શૂટિંગને ધ્યાનમાં રાખતાં બાળકો માટે તો ખાસ ડર રહે. ઓસ્ટ્રેલિયાનાં વિઝા પ્રમાણમાં ઘણાં સહેલાં છે એટલે બાળકો નાના હોય ત્યારે જો ફેમિલી-સપોર્ટની જરૂર પડે તો ફેમિલીને સહેલાઈથી બોલાવી શકાય. પણ, અમેરિકાનાં કેસમાં એ શક્ય બને પણ ખરું અને ન પણ બને. સ્કૂલની ફીઝનાં ફર્કની મને ખબર નથી, પણ, ઓસ્ટ્રેલિયામાં પબ્લિક સ્કૂલ્સ ઘણી સસ્તી છે અને ઘણી સારી પબ્લિક સ્કૂલ્સ પ્રાઈવેટ સ્કૂલ્સને ટક્કર આપે તેવી છે. પર્થમાં બાળકો માટે ઘણાં બધાં પબ્લિક પાર્ક અને કુદરતી સ્થળો છે અને પ્રવૃત્તિઓ ઓછી છે. સાન ફ્રાન્સિસ્કોમાં બાળકો માટે પાર્ક પ્રમાણમાં ઓછાં અને પ્રવૃત્તિઓ ઘણી બધી છે અને દરેક ફીલ્ડમાં ટ્રેઈનિંગ માટે સારામાં સારા શિક્ષકો ઉપ્લબ્ધ છે. ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ ટ્રેઇનિંગ જો કે અમેરિકા કરતાં વધુ સારી છે.

યુનિવર્સીટીઝ

ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સીટીનું ભણતર અમેરિકા કરતાં વધુ પોકેટ-ફ્રેન્ડલી છે અને ઓસ્ટ્રેલિયાનાં યુનિવર્સીટીનાં કોર્સિસ વધુ  evolved છે. દાખલા તરીકે, અમેરિકામાં આઈ.ટી.માં બેચલર ડિગ્રી કરવી હોય તો કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફર્મેશન સિસ્ટમ્સ વગેરે અમુક પ્રકારનાં જ મેજર્સ ઉપ્લબ્ધ છે. જયારે ઓસ્ટ્રેલિયામાં આઈ.ટી.માં પ્રોગ્રામિંગ માટે કમ્પ્યુટર સાયન્સ, નેટવર્કિંગ માટે નેટવર્કિંગ, નેટવર્ક સિક્યોરિટી વગેરે ઘણાં વિવિધ મેજર્સ ઉપ્લબ્ધ છે. ઓસ્ટ્રેલિયામાં સ્ટાન્ડર્ડ યુનિવર્સીટીઝમાં લગભગ દરેક કોર્સ પાર્ટ-ટાઈમ કે એક્સ્ટર્નલ રીતે ભણી શકાય છે. અહીંની મોટાં ભાગની યુનિવર્સીટીઝમાં એ વિકલ્પ નથી એટલે જો ફુલ-ટાઈમ જોબ સાથે માસ્ટર્સ કે એવું કંઈ કરવું હોય તો એ અમેરિકામાં શક્ય નથી.

આમાં જો તમને કંઈ બાકી લાગતું હોય કે આ સિવાય વધુ જાણવા ઈચ્છતા હો તો નીચે કમેન્ટ કરીને, ટ્વીટર પર અથવા મને ઇ-મેલ કરીને પૂછી શકો છો અને હું તેનો જવાબ આપવાનાં બને તેટલાં પ્રયત્નો કરીશ. Hope this helps. :)

ચાઈના ટાઉન, ટેલિગ્રાફ હિલ અને યુનિયન સ્ક્વેર

ફોટોઝ, સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કો મારી કલમ કરતાં મારાં કેમેરાને વધુ ગમે તેવું શહેર છે. અહીંની ઢગલાબંધ જગ્યાઓની મુલાકાતોમાં કહેવાનું તો ખાસ બહુ છે નહીં પણ ઘણી બધી જગ્યાઓનાં ગણ્યાં ગણાય નહીં તેટલાં ફોટોઝ જરૂર છે, એટલે આવતી અમુક પોસ્ટ્સ ફોટોઝ જ ફોટોઝ હશે, આલ્બમ માટે નીચે ક્લિક કરો!

image (3)

સાન ફ્રાન્સિસ્કો

અમેરિકા, સાન ફ્રાન્સિસ્કો

કળા અને ટેકનોલોજીનું સારામાં સારું મિશ્રણ. પ્રખ્યાત અને સુંદર ગેરુઓ લાલ ગોલ્ડન ગેઇટ બ્રિજ. બીજો ઓછો પ્રખ્યાત બે બ્રિજ. ઘણી બધી ટેકરીઓ. અઘરાં ઢાળ. મોંઘી પ્રોપર્ટી. યુનિયન સ્ક્વેર. કેબલ કાર્સ. શહેરમાં ક્યાંય પણ જવા માટે ત્રણ પ્રકારનાં ટ્રાન્સપોર્ટનાં ઓપ્શન – બાર્ટ (ઉર્ફે સબવે ઉર્ફે મેટ્રો ટ્રેઈન), મ્યુની – બસ અને મેટ્રો – લાઈટ રેઇલ. ડાઉનટાઉનમાં ઘણાં બધાં ટૂરિસ્ટ. ટેન્ડરલોઈન, ફાઈનાન્શિયલ ડીસ્ટ્રીક્ટ અને પાવલ સ્ટ્રીટની શરૂઆતમાં ઘણાં બધાં બેકાર, બેઘર લોકો અને પેશાબની વાસ. ઘણું બધું રેન્ટ. ઘણું બધું આર્ટ. મિશનનાં મ્યુરલ્સ. ડાઉનટાઉનથી દસ જ મિનિટ દૂર પૂર્વમાં જતાં જાણે આખું નવું જ શહેર. ઘણાં બધાં વૃક્ષો અને સુંદર વ્યૂ. જૂનાં ક્યૂટ વિક્ટોરિયન ઘર. વિશાળકાય સુંદર ગોલ્ડન ગેઇટ પાર્ક. ડી યન્ગ આર્ટ મ્યુઝીયમ અને લીજ્યન ઓફ હોનર આર્ટ મ્યુઝીયમ્સ જ્યાંનું આખું કલેક્શન નિરાંતે જોતાં આઠ કલાકનાં બે દિવસ પણ ઓછાં પડે. ડી યન્ગ મ્યુઝિયમનો બોટીચેલી ટુ બ્રાક  (Botticelli to Braque) નો ક્લાસિક અનુભવ. કેલીફોર્નિયા અકેડેમી ઓફ સાયન્સની પ્રખ્યાત ‘નાઈટલાઈફ’ – nerd heaven. એકસ્પ્લોરેટોરીયમ – આખી જગ્યા જોવા માટે એક રાત ઓછી પડે અને ત્યાં અંદર દાખલ થતાં જ તમારામાંનું બાળક જીવી ઊઠે – કેલ અકેડેમી કરતાં પણ મોટું nerd heaven.

ફ્રેન્ડલી લોકો. મારાં લાંબા, કર્લી વાળ પર સાવ અજાણ્યા લોકો પાસેથી મને આ શહેરમાં જેટલાં કોમ્પ્લીમેન્ટ મળ્યાં છે તેટલાં ક્યાંયે બીજે નથી મળ્યાં. પર્થનાં પ્રમાણમાં નવાં લોકો સાથે ગાઢ દોસ્તી બનાવતાં લાગેલો સમય – લગભગ અડધો (પર્થમાં છ મહિને પણ ખાસ મેળ નહોતો પડ્યો. અહીં ત્રણ મહિનામાં જ રેડી!) અતિશય સરસ વર્કપ્લેસ (ટચવૂડ). ફ્રેન્ડલી કલીગ્સ. એક પણ દિવસ લગભગ એકલું લન્ચ નથી કરવાનું આવ્યું. એકસાઈટિંગ, અઘરાં પ્રોજેક્ટ્સ અને ફ્લેક્સીબલ કલાકો. Working from home on Fridays (or any other two or more weekdays) is the norm, not an exception (I know right! :D). પર્થની સરખામણીમાં વર્કફોર્સની ઉમર પ્રમાણમાં ઘણી ઓછી. ઓફિસનું કલ્ચર એકદમ કેઝ્યુઅલ. પર્થમાં શુક્રવાર કેઝ્યુઅલ કપડાંનો દિવસ હતો. અહીં રોજ કેઝ્યુઅલ કપડાંનો દિવસ હોય છે. બોસ (અને બીજાં ઘણાં બધાં લોકો) કામ પર હંમેશા શોર્ટ્સ અને ટી-શર્ટ જ પહેરીને આવે છે. કંપનીનાં ફાઉન્ડરને પણ મેં ક્યારેય સૂટમાં નથી જોયો. પર્થમાં કામ પર પહેરતી એ લગભગ બધાં જ ફોર્મલ કપડાં જવા દેવામાં આવ્યા છે. રોજની હેર-સ્ટાઈલ બનનાં બદલે કર્લી ખુલ્લા વાળની થઇ ગઈ છે. ભારતથી બહાર આવ્યા પછી છ વર્ષે પહેલી વખત અહીં સાંભળ્યું – કોઈ નવરાએ રસ્તા વચ્ચે તેની વેન ઊભી રાખીને રાડ પાડી ‘hey!” મેં પાછળ ફરીને જોયું તો કહે “Are you available for a little ‘friendship’?” બોલો લ્યો. આ ‘ફ્રાંડશિપ’ વાળાં બધાં આપડે ત્યાં અહીંથી જ શીખીને આવ્યાં હશે વીસ વર્ષ પહેલાં.

કોઈ પણ ફીલ્ડમાં કામ કરતાં હો પણ જો એ તમારો શોખ પણ હોય તો તેમાં થતાં નાના-મોટાં કામ વિશે જાણવા માટે અને ઇન્ડસ્ટ્રિનાં બીજાં લોકોને મળવા માટેનાં ઢગલાબંધ વિકલ્પો દા.ત. meetup.com પર ઓર્ગનાઈઝ થતી ઈવેન્ટ્સ જેમાં કોઈ પણ જોડાઈ શકે છે. વિચિત્રમાં વિચિત્ર રસ માટે પણ meetupનાં વિકલ્પો જેમ કે, ક્લાસિકલ મ્યુઝિક. તમને બાખ, બેથોવન, સ્ત્રાવિન્સકી વગેરેમાં રસ હોય તો ચિંતા નહીં. તમારાં જેવાં બીજાં પણ અમુક યુવાનો/યુવતીઓ છે જેમને પણ તેમાં રસ છે અને તેની ઈવેન્ટ્સમાં તમે જોડાઈ શકો છો. પર્થમાં એ અશક્ય હતું. લગભગ બધાં જ યુવાન લોકો કાં તો મેટલ સાંભળતાં અથવા તો પોપ મ્યુઝિક. ત્યાં હું અગ્લી ડકલિંગ હતી. અહીં બધાં જ પોતપોતાની રીતે અગ્લી ડકલિંગ છે અને દરેકને માટે કોઈ ને કોઈ ગ્રૂપ છે. શહેરનાં શોપિંગ અને જમવાનાં કલાકો મોડાં છે. મારાં ઘરથી બધી જ પ્રકારની દુકાનો એકદમ નજીક છે – બધે જ ચાલીને જઈ શકાય તેટલી નજીક.

શહેરમાં બે જોબ્સવાળા કપલ્સ સિવાય લગભગ કોઈ પાસે કાર નથી. પાર્કિંગ ફીઝ અને ટ્રાફિક બંને પાડી દે તેવાં. શહેરનાં યુવાનો બધાં જ લગભગ ‘ઉબર’ અને ‘લિફ્ટ’ પર જીવે છે અને એ બંનેની સર્વિસ ઘણી સસ્તી પણ છે. શહેરથી દૂર બહાર જવા માટે ‘ઝિપકાર’, ‘ગેટઅરાઉન્ડ’ વેગેરે પરથી આરામથી કાર હાયર થઇ શકે. સાઉથ બે એટલે કે, સાન્ટા ક્લારા, સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે ખૂબ દૂર છે. કારમાં ટ્રાફિક ન હોય તો સવા કલાક જેટલું અંતર થાય અને ટ્રાફિક હોય તો દોઢ કલાક ઓછાંમાં ઓછી. ટ્રેનમાં બે કલાક ઓછામાં ઓછી. પરિવારવાળાં લગભગ બધાં જ ભારતીયો સાઉથ બે અને ફ્રીમોન્ટ તરફ રહે છે. મારાં કથક ક્લાસ હવે શહેરથી એક કલાક દૂર ફ્રીમોન્ટમાં છે એટલે મંગળવારે રાત્રે નવ પહેલાં ઘરની શકલ જોવામાં આવતી નથી. અહીં શિફ્ટ થયાં પછી છેક ચાર મહિને પહેલી વાર ઘરમાં કરિયાણાનો પહેલો રાઉન્ડ આવ્યો. બહાર હેલ્ધી ફૂડનાં ઢગલાબંધ વિકલ્પો મળી રહે છે. ૬૦નાં દશકામાં અહીંની હિપ્પી મૂવમેન્ટનાં પ્રતાપે વેજીટેરીયન/વેગનની બોલબાલા ખૂબ છે એટલે શાકાહારીઓ માટે તો આ ચોક્કસપણે સ્વર્ગ જ છે. દુનિયાનાં લગભગ દરેક પ્રકારનાં જમણ માટે અહીં ઓછામાં ઓછું એક વેગન રેસ્ટોરાં તો મળી જ રહેશે.

ઓકલેન્ડનું મારું વર્ક લોકેશન સુપર્બ. વર્કથી એકદમ નજીક લેઈક મેરિટ અને તેની આસપાસ સુંદર પાર્ક જ્યાં ઘણી વખત શુક્રવારે અમે પિકનિક લન્ચ કરતાં હોઈએ છીએ. ઓકલેન્ડ કદાચ સાન ફ્રાન્સિસ્કો કરતાં પણ વધુ આર્ટિસ્ટિક છે. સાન ફ્રાન્સિસ્કો મોંઘુ થવાનાં કારણે અહીંનાં કલાકારો બધાં જ ઓકલેન્ડ વિસ્થાપિત થવા લાગ્યાં છે. દર મહિનાનાં પહેલાં શુક્રવારે થતો ‘ફર્સ્ટ ફ્રાઈડે’ સ્ટ્રીટ આર્ટ ફેસ્ટિવલ અદ્ભુત છે, આવતી બારમી તારીખે ઓકલેન્ડમાં ક્રૂસીબલ નામની એક આર્ટ ફેક્ટરીમાં લાઈવ ગ્લાસબ્લોઇંગ અને અન્ય આર્ટ ડેમોઝ સાથે પાર્ટી અટેન્ડ કરવામાં આવશે. શહેરનાં યુવાનોનું ડ્રગ્સ પ્રત્યેનું વલણ રસપ્રદ છે. ગાંજો અને ગાંજાની ખાઈ શકાય તેવી ઘણી બધી વેરાઈટી ડલોરસ પાર્કમાં આરામથી મળી રહે. ગાંજાનો રીક્રીયેશનલ ઉપયોગ નિયમ છે, અપવાદ નહીં. એ સિવાયનાં સિન્થેટિક રીક્રિયેશનલ ડ્રગ્સ પણ ઘણાં બધાં યુવાનો કરતાં હોય છે અને એ લોકોનાં જીવન અને રહેણીકરણી બિલકુલ સામાન્ય છે. ડ્રગ્સનું આપણી ફિલ્મોમાં બતાવવામાં આવતું વર્ઝન વધુ પડતું જ નાટકીય છે અને દારૂની જેમ જ જેમણે ડ્રગ્સ ટ્રાય કર્યા હોય કે રીક્રીએશનલી યુઝ કરતાં હોય એ બધાં જ બંધાણી નથી હોતાં. પર્થમાં આ બાબતે લોકો ભારતની જેમ જ ટ્રેડીશનલ છે. જ્યારે. અહીં વધુ લિબરલ છે.

મને ખાતરી છે કે, આ લખ્યું તેનાં ઉપરાંત પર સાન ફ્રાન્સિસ્કોનું ‘સિગ્નેચર’ કહેવાય એવું ઘણું બધું લખવાનું હું ભૂલતી જ હોઈશ. આ શહેર એટલું વિશાળ અને એટલું વૈવિધ્યસભર છે કે, મેં જોયેલી દરેક જૂદી જૂદી જગ્યાઓ અને વિસ્તારો વિશે સ્વતંત્ર બ્લોગ-પોસ્ટ્સ બની શકે. એટલે હવે પછીની ઘણી બધી પોસ્ટ્સ અહીંનાં રસપ્રદ સ્થળો અને તેનાં ફોટોગ્રાફ્સનું મોટું બધું કલેક્શન હશે. બાઈ ધ વે, હવેની નવાં સ્થળોની ટ્રાવેલિંગ ફ્રિકવન્સી એટલી વધી ગઈ છે કે, મારાં માટે અપ-ટુ-ડેટ રહેવાનું અઘરું પડવાનું છે. કાલે સાંજે લોન્ગ વીકેન્ડ માટે ઓસ્ટીન – ટેક્સસ તરફ પ્રયાણ કરવામાં આવી રહ્યું છે. ;)

યોસેમિટી ફોટોઝ!

અમેરિકા, ફોટોઝ, યોસેમિટી નેશનલ પાર્ક

આ શ્રેણીનું અંતિમ પ્રકરણ આવી ચૂક્યું છે. ટેકનિકલી તો સાન ફ્રાન્સિસ્કો આ શ્રેણીનું અંતિમ પ્રકરણ છે, પણ, જેમ પોસ્ટ્સમાં આ શહેરની વાત બચાવીને રાખી છે એમ ફોટોઝમાં પણ બચાવીને રાખું છું. કારણ કે, એક રીતે જુઓ તો સાન ફ્રાન્સિસ્કોમાં હું હજુ પણ ટૂરિસ્ટ જેવું જ અનુભવું છું. અહીં વિતાવેલા એ સાત દિવસો પૂર્ણવિરામ નહીં પણ અલ્પવિરામ હતાં. વળી, ત્યાંથી પાછી ફરીને પણ હું જ્યાં સુધી અહીં શિફ્ટ ન થઇ ગઈ ત્યાં સુધીનાં ૬ મહિના પણ મોટાં ભાગે હું માનસિક રીતે કદાચ અહીં જ હતી. એટલે સાન ફ્રાન્સિસ્કો એક રીતે જુઓ તો ૭ દિવસ નહીં પણ, જાણે ૭ મહિનાની સફર છે. અહીંની બધી જ વાત એક નવી પોસ્ટ/શ્રેણીમાં કરીશ. (મને પણ ખબર નથી એ પોસ્ટ હશે કે શ્રેણી!) હવે આગળ ત્યાંથી આવીને શું થયું અને કઈ રીતે થયું તેની વાત આગળ વધારીશ.

પણ પણ પણ … એ પહેલાં યોસેમિટીની સુંદરતા માણો! એઝ યુઝવલ આલ્બમ માટે નીચે ક્લિક કરો.

wpid-wp-1436766557248.jpg

ગ્રાન્ડ કેન્યન ફોટોઝ!

અમેરિકા, ધ ગ્રાન્ડ કેન્યન, ફોટોઝ

આ બ્લોગની ૧૦૦મી પોસ્ટ જે ‘ગ્રાન્ડ’ બનવા પામી :) આલ્બમ જોવા માટે નીચેનાં ફોટો પર ક્લિક કરો.

wpid-wp-1436467872178.jpg

લોસ એન્જેલસ ફોટોઝ!

અમેરિકા, ફોટોઝ, લોસ એન્જેલસ

હવેથી બધાં ફોટોઝ અપલોડ કરવાનાં શરુ કરું છું. શરૂઆત કરું લોસ એન્જેલસથી! (ફાઈનલી :D ) આલ્બમ જોવા માટે નીચેનાં ફોટો પર ક્લિક કરો અને પાછાં ફરીને કમેન્ટ કરવાનું ભૂલતાં નહીં.
image (1)