સાન ડીએગો અને ફેલો-ટ્રાવેલર્સ

અમેરિકા, સાન ડીએગો

સાન ડીએગો બીચ પર પ્રવૃત્તિઓની કોઈ કમી નહોતી. ત્યાં માર્કેટ્સ, બાળકો માટે રાઈડ્સ, કેન્ડી શોપ્સ વગેરેની ભરમાર હતી. ઓસ્ટ્રેલિયામાં અમે સુંદર બીચ તો ઘણાં જોયાં છે. પણ, બીચ પર આટલી બધી પ્રવૃત્તિઓ સામાન્ય રીતે નથી જોઈ. એટલે સ્વાભાવિક રીતે જ અમારાં મોટાં ભાગનાં ગ્રૂપે દરિયાને અવગણીને બીચ-માર્કેટ્સ તરફ જ પહેલું પ્રયાણ કર્યું. હું શરૂઆતમાં એઇમી સાથે ફરી. પણ, પછી તેને પાણી દરિયા તરફ જવું હતું અને મારે કિનારા આસપાસ ફરવું હતું એટલે અમે છૂટા પડ્યાં. પાંચેક મિનિટમાં એક કાફેમાં હું પાણી લેવા ગઈ ત્યાં મેં રોઝી, જેક (ફર્ગ્યુસન – બીજો જેક. લન્ચવાળો જેક હોબ્સ નહીં) અને ચાનને જોયાં અને ત્યાં તેમની સાથે હું પણ થોડી વાર બેઠી. આગલી રાત્રે લિટલ મેક્સિકો ડિનર વખતે એ મારી બાજુની સીટમાં બેઠો હતો એટલે ત્યારે તેની સાથે ઘણી વાત થઇ હતી અને સારી એવી દોસ્તી પણ. તેનું લન્ચ પત્યાં પછી અમે સાથે ફરવા લાગ્યાં. અડધી કલાક જેવાં સમય પછી અમે ત્યાંનાં સુંદર બીચ-હાઉઝીઝ પાસે ફૂટ-પાથ પર ચાલી રહ્યાં હતાં તેવામાં એક ઓળખીતાં ચહેરા પર મારું ધ્યાન પડ્યું. એ છોકરી એલ.એમાં એક રાત અને બે દિવસ મારાં જ ડોર્મમાં હતી. તે અને તેની મિત્ર મને બરાબર યાદ હતાં પણ તેમનાં નામ મને ભૂલાઈ ગયાં હતાં. ત્યારે તો જો કે, એ એકલી જ હતી અને અમે એકબીજાને જોઈને ખૂબ ખુશ થઇ ગયાં. તેનું નામ હતું એન્જેલીક. એ પણ અમારી સાથે ચાલવા લાગી અને અમે ત્રણ – જેક,એન્જેલીક અને હું બીજી અડધી કલાક જેટલું સાથે ચાલ્યા હોઈશું.

જેક, એન્જેલીક અને અમારી ટૂરની બીજી એક છોકરી કેઇટલિન તેમની ટ્રાવેલ-સ્ટોરી લાજવાબ છે. મારાં માટે એ ત્રણેની જૂદી-જૂદી કહાનીઓનો એક કોમન સાર હતો ‘how to make it happen’. એ ત્રણેની વાત મારાં ટ્રાવેલિંગ પ્રત્યેનાં ખ્યાલો અને અભિગમમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની રહી. એ ત્રણે મારી જેમ સોલો-ટ્રાવેલર હતાં. જેક ફક્ત ઓગણીસ વર્ષનો હતો અને તે છ મહિના માટે યુ.એસ.એ ફરી રહ્યો હતો અને એ પણ અનુભવોની એક મોટી રેઇન્જ સાથે. હાઈ-સ્કૂલ પતાવ્યાં પછી તરત તેને આ ટ્રિપ કરવી હતી. આ કન્સેપ્ટ પ્રથમ વિશ્વનાં ઘણાં યુવાનોમાં ધીમે ધીમે પોપ્યુલર થઇ રહ્યો છે – તેનું નામ ‘ગેપ યર’. હાઈ-સ્કૂલ અને યુનીવર્સીટી વચ્ચે લેવાતું એક ડ્રોપ-યર જેનાં ઘણાં વિવિધ ઉપયોગ હોઈ શકે જેમ કે ટ્રાવેલિંગ અને એક્સપીરીયન્સ, જોબ અને યુનીવર્સીટી ફીઝ માટે પૈસા ભેગાં કરવા, જીવનમાં આગળ શું કરવું છે તેની સ્પષ્ટતા મેળવવા માટે વિવિધ કામ કરવાં અને હુન્નર શીખવા વગેરે. મારાં મતે આ કન્સેપ્ટ આપણા યુવાનોમાં પણ પોપ્યુલર બનવો જોઈએ અને યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં જીવનમાં શું કરવું છે એ વિચારવા માટે અને શું-શું થઇ શકે તેનાં પ્રયોગો કરવા માટે રૂમ મળવો જોઈએ.

એની વે, જેકની વાત પર પાછાં ફરીએ. તેણે હાઈ-સ્કૂલની છેલ્લી બે ઉનાળાની રજાઓમાં તનતોડ કામ કર્યું અને લગભગ પંદર હજાર ડોલર જેટલું સેવિંગ કર્યું. થેન્કફૂલી ઓસ્ટ્રેલિયામાં ઓછાંમાં ઓછો કેટલો પગાર મળવો જોઈએ એ વિશેનાં કાયદા – મિનિમમ વેઇજ એટલાં સારાં છે કે, મેકડોનલ્ડસ કે કોઈ શોપિંગ સેન્ટરમાં કામ કરતાં ટીન-એજર્સ પણ જો પેરેન્ટ્સ સાથે રહેતાં હોય તો એટલું તો સેવિંગ કરી જ શકે જે એ ટ્રાવેલિંગ માટે વાપરી શકે. શરૂઆતનાં ત્રણ મહિના અમેરિકામાં તેણે વાય.એમ.સી.એનાં એક સમર-કેમ્પમાં લાઈફ-ગાર્ડ તરીકે કામ કર્યું જેનાં માટે તેણે ઓસ્ટ્રેલિયાથી જ ઘણી સારી સારી ટ્રેઇનિંગ લીધી હતી. આ માટે તેને પૈસા ન મળે પણ વાય.એમ.સિ.એ તેને રહેવાની જગ્યા અને જમવાનું ત્રણ મહિના માટે ફ્રી આપે અને તેનું કામ પાર્ટ-ટાઈમ જેવું હતું. આમ, કામ કરતાં કરતાં વીક-એન્ડ્સ અને બીજી બને તેટલી રજાઓનો ઉપયોગ કરીને તે નજીકની જગ્યાઓમાં ફર્યો. ત્યાર પછી એ થોડો સમય પોતાની રીતે ફર્યો અને ઈસ્ટ-કોસ્ટમાં લાગુ પડતી કન્ટીકીમાં ફર્યો. ત્યાર પછી આ વેસ્ટ-કોસ્ટની કન્ટીકી અને એ પતે પછી એ પોતાની રીતે સિએટલ, કેનેડા વગેરે ફરવાનો હતો.

કેઇટલિન એક વર્ષ માટે ટ્રાવેલ કરી રહી હતી અને તેનો આ અગિયારમો મહિનો હતો ટ્રાવેલ કરતાં. યુ.એસ.એ અને કેનેડા પહેલાં તે યુરોપમાં હતી. ત્યાં તેણે બને તેટલી જગ્યાઓએ અને બને તેટલી કાફે-જોબ્સ કરી હતી. યુરોપિયન દેશો એકબીજાથી ખૂબ નજીક હોવાનો આ રીતે તેણે ફાયદો ઊઠાવ્યો હતો – જ્યાં જોબ મળે ત્યાં રહેવાનું અને આસપાસની જગ્યાઓમાં ફરવાનું. બને તેટલાં શહેરોમાં એ બની શકે તો મિત્રો/મિત્રોનાં મિત્રો/નજીક-દૂરનાં સગાં સાથે પણ રહી કે, જેથી એ રહેવાનો તેટલો ખર્ચ બચાવી શકે. આ જ રીતે યુરોપનાં એક શહેરમાં એ તેનાં એક મિત્રનાં મિત્રને પણ મળી હતી. એ બંને પ્રેમમાં પડ્યાં અને કેઇટલિન ટ્રાવેલ કરે ત્યાં સુધી એ લોન્ગ-ડીસ્ટન્સ રિલેશનશિપ નિભાવી રહ્યાં હતાં. યુરોપ પછી એ યુ.એસ.એ. અને કેનેડા આવી હતી અને અમારી દસ દિવસની ટ્રિપમાં તેની હાઈ-સ્કૂલની મિત્રો લોરા અને કલેર પણ જોડાયાં હતાં. લોરા માટે ટ્રાવેલિંગ ક્યારેય બહુ મહત્ત્વનું નહોતું. તેને નહોતું લાગતું એ ક્યારેય આટલી દૂર ફરવા જશે. થોડાં જ મહિના પહેલાં તેની આઠ વર્ષની રિલેશનશિપનો અંત આવ્યો હતો. કેઇટલિન ઓલરેડી ટ્રાવેલ કરી રહી હતી અને લોરાને પણ થયું ‘શું કામ નહીં’ અને આમ તેણે કલેર સાથે મળીને કેઇટલિન સાથે જોડાવાનું નક્કી કર્યું. એ ત્રણ આ ટ્રિપ પછી શિકાગો અને ન્યુ-યોર્ક જવાનાં હતાં અને એ સાથે કેઇટલિનનાં એક વર્ષનાં એડવેન્ચરનો અંત આવવાનો હતો.

એન્જેલીક યુરોપિયન હતી. તેણે કયો દેશ કહ્યો હતો એ હવે મને યાદ નથી. કદાચ સ્પેઇન. એ પણ મહિનાઓથી યુ.એસ.એ. ફરી રહી હતી. ઘણી બધી હોસ્ટેલ્સમાં તમે અમુક સમયથી વધુ રહો તો ત્યાં હાઉઝકિપીંગનું કોઈ કામ કરી શકો જે પાર્ટ-ટાઈમ જેવું હોય. જેકનાં કેમ્પની જેમ જ તમને કોઈ પૈસા ન મળે પણ તમારું ત્યાં રહેવાનું ફ્રી. એ જૂદી-જૂદી જગ્યાઓએ આ રીતે કામ કરતાં કરતાં ટ્રાવેલ કરી રહી હતી. એલ.એ.માં એ મને મળી ત્યારે તેની સાથે તેની બ્રઝિલિયન મિત્ર ટાઇસ પણ એ જ રીતે ફરી રહી હતી. એન્જેલીક એલ.એ.થી સાન ડીએગો આવવાની હતી અને ટાઇસ સાન-ફ્રાન્સિસ્કો. એન્જેલીક પછીથી ટાઈસને ત્યાં મળવાની હતી. આ ત્રણે સાથેની વાત-ચીતે મને એક વાત બહુ સ્પષ્ટપણે સમજાવી દીધી. ટ્રાવેલિંગ માટે સૌથી અગત્યની વસ્તુ ઘણાં બધાં પૈસા નથી, ઘણું મોટું જીગર છે. It’s not so much about money as it’s about balls. જો ખરેખર જ કરવા ઈચ્છતા હો તો ટ્રાવેલ થોડાં પૈસા, થોડાં વધુ વ્યવસ્થિત પ્લાનિંગ અને ઘણી બધી હિંમત સાથે થઇ શકે છે. તેનું વળતર છે, જીવનભર યાદ રહે અને જીવનને એક સુંદર આકાર આપી શકે તેવાં અને તેટલાં અનુભવો.

ત્યારે એ રીતે એન્જેલીકને મળીને પણ એલ.એ.માં નાઈજલને મળ્યાં જેવી જ લાગણી થઇ હતી. દુનિયા કેટલી નાની અને કેટલી મોટી છે તેનો અહેસાસ! અને દુનિયામાં સમાંતર ટ્રાવેલર્સ એક કમ્યુનિટી છે. અજાણી જગ્યાઓમાં પણ અજાણપણે જાણીતાં લોકો આ રીતે મળે છે. જે રીતે મને એન્જેલીક મળી હતી એ જ રીતે અમારી ટ્રિપમાં પણ ઘણાં લોકો હતાં. કેલી, એન્ગસ અને કેઇટલિન ન્યુ-યોર્ક કન્ટીકીમાં અમુક અઠવાડિયા પહેલાં સાથે હતાં અને ફરી આ ટ્રિપમાં મળ્યાં. જેક હોબ્સ અને જેક ફર્ગ્યુસન પણ ઈસ્ટ કોસ્ટ પર કન્ટીકી ટૂરમાં સાથે હતાં અને ફરી આ ટ્રિપમાં મળ્યાં. સાન ફ્રાન્સિસ્કોમાં મને ટાઈસ ફરીથી મળી અને એ ઉપરાંત પણ બે અનુભવો એવાં થયાં જેની હું સાન-ફ્રાન્સિસ્કોની પોસ્ટ્સમાં વાત કરીશ.

એન્જેલીક, જેક અને હું ક્યાંય સુધી ચાલતાં રહ્યાં અને સાન-ડીએગો, અમારી પ્રવૃત્તિઓ, કામ વગેરે વિષે ઘણી બધી વાતો કરતાં રહ્યાં. અમે જ્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી એ માર્કેટ સુધી પહોંચતાં એન્જેલીકને કોઈ કામ માટે જવાનું હતું અને અમારે પણ સમયસર બસ સુધી પહોંચવાનું હતું એટલે અમે છૂટા પડ્યાં. માર્કેટનાં એન્ટ્રન્સ પાસે કપડાંની એક દુકાનમાં સેલનું પાટિયું હતું. બસ બરાબર સામે ઊભી હતી અને અમારી પાસે પંદરેક મિનિટનો સમય હતો એટલે મારે અંદર જવું હતું. જેક પણ મારી સાથે ગયો. ત્યાં અંદર તો મને કંઈ ન ગમ્યું પણ બરાબર અમે બહાર નીકળતાં હતાં ત્યારે મારું ધ્યાન એક ડ્રેસ પર ગયું. ટર્કોઇઝ કલરનો બીચ ડ્રેસ હતો અને મોંઘો પણ નહોતો. પાંચ જ મિનિટ બાકી હતી અને લેવો-ન લેવોમાં હું કન્ફયુઝ થતી હતી. જેકે મને કહ્યું “Just get it! you’ll regret it later” મેં ડ્રેસ લઇ લીધો અને અમે બસ તરફ પાછાં ફર્યાં.

ત્યાંથી બસ હોટેલ પાછી ફરી. ત્યાં અમારી પાસે અડધી કલાકનો સમય હતો અને પછી રાયન બધાંને ‘ક્રિસ્ટીઝ’ પબ/રેસ્ટોરાં ડિનર માટે લઈ જવાનો હતો. હોટેલથી ત્યાં ચાલીને જઈ શકાય તેમ હતું. આગળની પોસ્ટમાં કહ્યું તેમ ક્રિસ્ટી એક મોટો નમૂનો હતી. એ કોરિયન હતી અને વર્ષોથી એ સ્પોર્ટ્સ બાર ચલાવતી હતી. એ ત્યાં ઓછામાં ઓછી સાતથી આઠ ઇંચની જાડી પ્લેટફોર્મ હીલનાં, ભડકીલા પિંક કલરનાં, ચમકીલા લેધર પર ઉપર પિંક જરીવાળા, ગોઠણ સુધીનાં બૂટ્સ પહેરીને ફરતી. તેનાં હાથમાં એક બેટ રહેતું. તેનાં પબમાં જે કોઈ આવે તેને પૂછીને એ બેટ વડે એ તેમની પૂંઠ પર સ્પેન્ક કરતી. પહેલાં ધીરેથી મારે. પછી જો પેલાં જોરથી મારવાનું કહે તો જોરથી મારે. અમારાં ગ્રૂપનાં ઘણાં છોકરાઓએ ક્રિસ્ટીનાં સ્પેન્કિંગનો લ્હાવો માણ્યો હતો :D. ડિનર પછી ત્યાં કેરિઓકી નાઈટ હતી. પણ, મારે ત્યાં નહોતું રહેવું અને પીવું નહોતું એટલે જેક સાથે નવો પ્લાન કર્યો. જેક આગળ જણાવ્યાં મુજબ અન્ડર-એઇજ હતો એટલે એ આમ પણ ડ્રિંક કરી શકે તેમ નહોતો. તેની સાથે જૂદા પ્લાન બનાવવા બહુ સરળ રહેતાં. આમ અમે રાયન પાસેથી ટિપ લઈને  ‘ગેસલેમ્પ’ વિસ્તારમાં ‘શીશા લાઉન્જ’માં જવાનું નક્કી કર્યું. બીજાં બે મિત્રો પેટ અને લોકી (લોકલન) પણ સાથે જોડાયા. એ ત્રણમાંથી કોઈએ પહેલાં હુક્કો/શીશા ટ્રાય નહોતો કર્યો એટલે ફ્લેવર મારે પસંદ કરવાની હતી. અમે બે કલાક જેવું ત્યાં રહ્યાં અને ત્યાંનાં મળતાવડા બાઉન્સર સાથે અને એકબીજા સાથે ખૂબ વાતો કરી. એ ત્રણેને શીશાનાં એ પહેલાં અનુભવમાં ખૂબ મજા આવી અને બારેક વાગ્યે અમે હોટેલ પાછાં ફર્યાં.

પછીનાં દિવસે સવારે આઠ વાગ્યે અમે સાન ડીએગોથી નીકળવાનાં હતાં અને ફીનિકસ-એરિઝોના તરફ પ્રયાણ કરવાનાં હતાં…

સાન ડીએગો

અમેરિકા, સાન ડીએગો

અમે લિટલ-મેક્સિકો ડિનર માટે તૈયાર થતાં હતાં ત્યારે રૂમમાં અને લોબીમાં પડોશીઓની અવરજવર ચાલુ હતી. કોઈકે સમાચાર આપ્યાં હતાં કે, પર્થ-બોય્ઝ (a.k.a ટ્રેઇડીઝ a.k.a ટેટૂ બોય્ઝ)નાં રુમમાં ઓલરેડી બિયર-પોન્ગની શરૂઆત થઇ ગઈ હતી અને જર્મન ગર્લ્સ (૩ છોકરીઓ) તેમની સાથે રમી રહી હતી જો કોઈને જવું હોય તો ઓપન ઇન્વાઇટ હતું. મારું અને કેલીનું સરખું રિએકશન હતું “lol ofcourse! No surprises there”. સાત વાગ્યે બધાં બસમાં ગોઠવાઈ ગયાં હતાં અને સદનસીબે બધાં સીટ-ચેઈન્જ અરેન્જમેન્ટથી ટેવાઈ ગયાં હતાં. દરેક રાઈડ વખતે મોટાં ભાગે બધાં જૂદી-જૂદી જગ્યાએ જૂદા-જૂદા લોકો સાથે બેસતાં અને બધાં એકબીજા સાથે જનરલી ફ્રેન્ડલી હતાં.

લિટલ મેક્સિકો જોયું ત્યારે ખબર પડી કે, મેક્સિકન બોર્ડેરથી આટલું નજીક હોવાનો શું મતલબ છે. એ વિસ્તારનાં રૂપ-રંગ અને મેઈનલેન્ડ મેક્સિકોમાં બહુ ફરક નથી. વળી, અમે ગયા ત્યારે હાલોવીન નજીક હતી એટલે ત્યાં ‘ડે ઓફ ધ ડેડ’ માટે ડેકોરેશન કરેલાં હતાં. ‘ડે ઓફ ધ ડેડ’ નામનો કોઈ ફેસ્ટિવલ હોય એ પણ મને ત્યારે પહેલી વાર ખબર પડી. ત્યાં જાત-જાતનાં ખોપડી, સ્કેલેટન, ઝોમ્બી વગેરે તો ડેકોરેટ કરીને રાખેલાં જ હતાં પણ સાથે સાથે એક ડેસ્ક પર મૃત સ્વજનોનાં ફોટોઝ પણ રાખેલાં હતાં. હું અચરજથી આ બધું જોઈ રહી.

થોડી વાર પછી અમે મુખ્ય બજારમાંથી ચાલીને અમારાં નિર્ધારિત રેસ્ટોરાં પહોંચ્યા. અમે બપોરે  જ અમારાં ઓર્ડર જણાવી દીધાં હોવા છતાં અમારું જમવાનું એટલું મોડું આવ્યું હતું કે, અમે પોતે બનાવ્યું હોત તો પણ કદાચ વહેલું બની જાત. ડિનર પતાવ્યાં પછી બસમાં રાયને અમને નાઈટ-આઉટ માટે શું અરેન્જમેન્ટ હતું એ જણાવ્યું. એ અમને સાન ડીએગો ડાઉન-ટાઉનમાં કુલ ત્રણ જગ્યાએ લઇ જવાનો હતો. First of these was ‘The shout house’ – Rock & Roll duelling pianos. Two people would duel on pianos the whole night and take song request for a tip. Second was a sports bar where he had organized extremely cheap drinks for us. no spirits over $4. The third and the final one was this club called Whiskey girl.

‘Duelling pianos’ – મારું મન બદલવા માટે આટલું બસ હતું. મેં હોટેલ જવાને બદલે બધાં સાથે બહાર જવાનું નક્કી કર્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની નોટિસ માટે રાયને બધાંને એક કોડ આપ્યો હતો. એ હાથ ઊંચાં કરીને અમને દસ બતાવે મતલબ દસ મિનિટમાં ત્યાંથી જવાનું છે. માર્કસ અમને ડાઉન-ટાઉન સુધી મુકી ગયો પણ ત્યાંથી પાછું હોટેલ અમારે અમારી રીતે જવાનું હતું.  થોડી વારમાં અમે અમારી પહેલી જગ્યાએ પહોંચી ગયાં! And boi I was so glad I went! ત્યાં અમે એકાદ કલાક જેવો સમય રહ્યાં અને ત્યાંથી કોઈને નીકળવાનું મન હોય તેવું લાગતું નહોતું.

ત્યાંથી દસેક મિનિટ ચાલીને અમે પેલા સ્પોર્ટ્સ બાર પહોંચ્યા. ત્યાં અંદરનાં નાના બારમાં અમારાં ચીપ ડ્રિન્ક્સની વ્યવસ્થા હતી. એ ઉપરાંત ત્યાં અમારાં માટે એક બીજુ સરપ્રાઈઝ હતું પેલું ઇલેક્ટ્રોનિક બુલ! જો કે, મેં અને મોટાં ભાગની છોકરીઓએ ડ્રેસ/સ્કર્ટ પહેર્યા હતાં એટલે અમે એ રાઈડ ન કર્યું. પણ, જે કોઈએ જીન્સ/જમ્પ સૂટ વગેરે પહેર્યા હતાં તેમણે કર્યું અને કેટલાંક છોકરાઓએ પણ. અમે બધાનાં સ્કોર્સ પર ચીયર કરતાં હતાં. વળી, એ જગ્યાએ ઘણું બધું ૮૦ અને ૯૦નાં દશકનું પોપ મ્યુઝિક વાગતું હતું એટલે બધાંને ડાન્સ કરવાની પણ ખૂબ મજા આવી હતી. થોડી વાર પછી એ એરિયામાં અન્ય લોકો પણ આવવા લાગ્યા હતાં અને આખો રૂમ પેક હતો. દોઢેક કલાક પછી અમે ત્યાંથી પણ નીકળ્યા અને પહોંચ્યા વ્હિસ્કી ગર્લ.

અમે અંદર ગયાં ત્યારે એ જગ્યા લગભગ ખાલી હતી. It was dead. બધાં શરૂઆતમાં થોડાં નિરાશ લાગતાં હતાં પણ થોડો સમય ગયો તેમ અમને ભાન આવ્યું કે, એ જગ્યા ભલે ડેડ હોય પણ અમારું ગ્રૂપ એકલું અંદર હોય તો પણ અડધો ફ્લોર ભરાઈ જતો હતો. તેમનું મ્યુઝિક પણ ડાન્સિંગ માટે એકદમ પરફેક્ટ હતું. તેમનાં સાઉન્ડ-ટ્રેકમાં બે પંજાબી-પોપ ગીતો પણ હતાં એક હતું ‘મુન્ડેયાં તો બચકે રહીં અને બીજું યાદ નથી. એ જગ્યાનું બાથરૂમ બહુ વિચિત્ર હતું. ત્યાં સિન્ક અને અરીસા પાસે એક બહેન હેન્ડવોશ, પરફ્યુમ, હેન્ડ-ક્રીમ વગેરે દુનિયાનો પથારો પાથરીને ઊભા રહેતાં અને અમે હાથ ધોવા જઈએ ત્યારે પોતે હેન્ડ વોશ લઈને અમારાં હાથ પર સ્પ્રે કરે વગેરે વગેરે. શરૂઆતમાં તો અમે છોકરીઓ ડઘાઈ ગઈ હતી એ જોઇને. We were like “OMG! What are you doing?!” અને તેમને ના પાડીએ તો પણ કરે. અને તે સ્થિર નજરે તાકીને અમારી સામે જોતાં. All of us had one reaction – “WTF this is soooo random and bizarre.” જો કે, એ નિરુપદ્રવી હતાં એટલે થોડાં સમયમાં અમે ટેવાઈ ગયાં અને ગભરાતાં બંધ થઇ ગયાં.

થોડાં સમય પછી ત્યાં ક્રાઉડ પણ સારું એવું ભેગું થવા લાગ્યું હતું અને ઘણાં બધાં નવાં લોકો જોડાયા હતાં. ત્યાંથી અમે ક્યારે નીકળ્યા એ મને યાદ નથી. કેલી, કેઇટલિન, લોરા, કલેર, એન્ગસ, જેક અને હું સાથે હોટેલ જવાનાં હતાં. વળી, આટલાં બધાં લોકો માટે ટેક્સી ઓર્ગનાઈઝ કરવાની હતી એટલે સ્વાભાવિક રીતે જ થોડી વાર તો લાગવાની જ હતી ત્યાંથી નીકળતાં. કેલી અતિશય ડ્રંક હતી. ટેક્સીની રાહ જોતાં સમયે એ ગમે તે દિશામાં ગમે તેની સાથે ચાલવા લાગતી અને અમારે તેને શોધવી પડતી. તેને પકડીને ઊભું રહેવું પડતું. અમે પંદરેક મિનિટ તો એમ કરવામાં સફળ રહ્યાં. પણ, છેલ્લી ઘડીએ બરાબર ટેક્સીમાં બેસતાં પહેલાં જ એ બહેન ક્યાંક ખોવાઈ ગયાં. કલેર અને જેકે તેને શોધવાની કોશિશ કરી પણ no luck. ત્યાં હજુ પણ અમારાં ગ્રૂપનાં કેટલાંક હતાં એટલે અમે માન્યુ કે, એ જ્યાં પણ હશે ત્યાં સુરક્ષિત રહેશે અને અમે ટેક્સીમાં આગળ વધ્યા. જો કે, જેક અને મારું મન માનતું નહોતું. ખાસ એટલે કે, કેલી મારી રૂમી હતી અને અમે સારાં મિત્રો બની ગયાં હતાં અને તેનો કોઈ ફાયદો ઉઠાવે એ વિચારમાત્રથી હું ડરી જતી હતી. મુખ્યત્ત્વે એટલે કે, તેને બિલકુલ ભાન નહોતું એટલી એ ડ્રંક હતી.

અમે પોત-પોતાનાં રૂમમાં પહોંચ્યાં અને  હું મારો મેક-અપ વગેરે કાઢીને ઊંઘવા માટે તૈયાર થઇ એટલામાં કેલી આવી. મારો પહેલો સવાલ હતો “Are you okay?” તેણે હા પાડી એટલે વધુ કંઈ વાત ચીત કર્યા વિના અમે ઊંઘી ગયાં. એ દિવસે પાંચેક વાગ્યે સવારે મારી ઊંઘ ઉડી હતી અને મેં જેકનો એક મેસેજ જોયો હતો. તેને કેલીની ચિંતા હતી અને એ પાછી આવે ત્યારે મારે તેને જાણ કરવી. મેં તેને જવાબ તો આપ્યો પણ ત્યાં સુધીમાં તો એ ઊંઘી પણ ગયો હોય. બીજા દિવસે જેમને એક્ટીવીટીઝ કરવી હોય તેમણે સાત વાગ્યે બસ માટે તૈયાર રહેવાનું હતું. પણ, અમે બાકીનાં બધાં બે વાગ્યા સુધીમાં બીચ જવા માટે તૈયાર રહીએ તો ચાલે તેમ હતું. બાકીનું કોઈ મારાં કોન્ટેક્ટમાં નહોતું પણ જેક અને હું ચોક્કસપણે કંઈ નહોતાં કરવાનાં એટલે અમે આરામથી ૧૧ આસપાસ ઊઠ્યા.

અમે હોટેલ બ્રેકફસ્ટ તો ચોક્કસપણે મિસ કર્યો હતો પણ બરાબર સામે એક શોપિંગ કોમ્પ્લેક્સ હતું ત્યાં એક ગ્રોસરી સ્ટોરમાં જઈને અમે સેન્ડવિચ લેવાનું નક્કી કર્યું. It was fresh and massive! એ અમારું લન્ચ હતું. ત્યાંનો વ્યવહાર પતાવ્યા સુધીમાં પોણાં બે જેવું થઇ ગયું હતું અને અમે પાછાં ફરીને પાંચેક મિનિટમાં જ બસ માટે તૈયાર હતાં. અમારું પછીનું ડેસ્ટીનેશન હતું સાન ડીએગો બીચ. સાંજે ડિનર માટે રાયને એક સ્પોર્ટ્સ બારમાં વ્યવસ્થા કરી હતી. ૭ ડોલરમાં ઓલ યુ કેન ઈટ લઝાન્યા જેની અમે બધાં ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં હતાં કારણ કે, ત્યાં એક નમૂનાનાં અમને દર્શન થવાનાં હતાં. ક્રિસ્ટી તેનું નામ.

કન્ટીકી!

અમેરિકા, સાન ડીએગો

લોસ એન્જેલસની છેલ્લી રાત્રે ધાર્યાં પ્રમાણે બ્રઝીલિયન છોકરીઓ ક્લબિંગ પતાવીને એકાદ વાગ્યે રૂમમાં આવી અને દરવાજા, બેગની ઝિપ વગેરેનાં અવાજ, બાથરૂમની લાઈટ ચાલુ-બંધ વગેરે ઘણાં ઉપદ્રવ થયા. એક વખત મને STFU! એમ રાડ પાડવાનું પણ મન થઇ ગયું હતું. વીસેક મિનિટ પછી ફરી શાંતિ થઈ અને હું ઊંઘાય તેવું જેવું તેવું ઊંઘી. સવારે સવા છએ નક્કી કર્યા પ્રમાણે ચેક-આઉટ કરીને હું એન્ગસની રાહ પણ જોતી હતી. પણ, બીજી દસ મિનિટ સુધી તેનાં દર્શન ન થયાં એટલે મેં મારી રીતે આગળ વધવાનું નક્કી કર્યું. ત્રણ બેગ લઈને હાઈલેન્ડ સ્ટેશન સુધીનો એ રસ્તો મને અત્યાર સુધીમાં લાંબામાં લાંબો લાગ્યો હતો. ટ્રેઈન ફુલ હતી પણ કોઈ ભલો માણસ મારી બેગ્સ જોઇને ઊભો થઇ ગયો અને મારાં માટે સીટ ખાલી કરી આપી. ગ્રાન્ડ સેન્ટ્રલથી મિયાકો હોટેલ નજીક હતી. પણ, કઈ દિશામાં નજીક એ જોવાનું હું ભૂલી ગઈ હતી. મારી પાસે એ જોવા માટે ફોનમાં  ઇન્ટરનેટ નહોતું અને હું ઓલરેડી ધાર્યા કરતાં મોડી હતી એટલે મેં ટેક્સી રોકવાનું નક્કી કર્યું. ટેક્સી એક પણ હરામ બરાબર ઊભી રહે તો! રસ્તામાં એક છોકરીને પૂછ્યું ટેક્સી વિશે પણ તેણે મને ફોન કરીને બુક કરવાનું કહ્યું. ફોન પણ થાય તેમ નહોતો. મારી પાસે સિમ કાર્ડ નહોતું. બાય ધ વે, મારી આખી ટ્રિપ ફોન-લાઈન વિના જ થઈ. મેસેજિસ કરવા માટે વોટ્સએપ, ગૂગલ હેન્ગઆઉટ્સ વગેરે હતાં અને કદાચ કોઈકને ફોન કરવાની જરૂર પડે તો એ ફોનમાં વોઈપ એપ્લીકેશનની મદદથી ઇન્ટરનેટ પર જ થઇ શકતાં હતાં. જિંદગી તમામપણે ફ્રી વાઈ-ફાઈ પર ચાલી હતી.

ટેક્સી એક પણ ઊભી રહેતી નહોતી અને હું રસ્તામાં લોકોને પૂછીને જે દિશા સાચી કહેવામાં આવી હતી એ તરફ બેબાકળી ચાલવા લાગી હતી. દસ મિનિટનાં હાઈ બ્લડ-પ્રેશર અને મિની હાર્ટ-અટેક પછી એક ટેક્સી ડ્રાઈવર હું ચાલતી હતી એ રસ્તાનાં ખૂણે ટેક્સી-રેન્ક પર ઊભો રહ્યો અને ચાલીને મને ટેક્સી જોઈએ છે કે કેમ એ પૂછવા આવ્યો. મારો મસીહા! ત્યાંથી મિયાકો પહોંચતા મને લગભગ સાતથી આઠ મિનિટ થઇ અને સામે જ કન્ટીકી બસ ઊભી હતી. અંદર જતાં જ લોબીમાં ઢગલાબંધ છોકારા-છોકરીઓ બેઠાં હતાં. સૌથી પહેલાં હું રેજીસ્ટ્રેશન પતાવવા ગઈ અને પછી ગ્રૂપમાં ઓળખાય એ લોકો ગોતવા લાગી. કન્ટીકીની એક ઓનલાઈન મીટ-અપ એપ્લીકેશન છે. જેમાં તમે તમારાં સહ-પ્રવાસીઓને ઓળખી શકો અને તેમની સાથે વાત-ચીત કરી શકો. મીટ-અપ પર જેટલાં સાથે વાત થઇ હતી એ બધાંને હું શોધી શકી હતી. લુઈઝ (યુ.કે.થી), એલીની (બ્રઝીલથી), જોશ (પર્થથી) અને અરુન (અમેરિકન). બાકીનાં લોકોને ત્યારે હું પહેલી વાર મળી રહી હતી. બધાં પોતાનાં નામ કહી રહ્યાં હતાં અને મને એક પણ પાંચ મિનિટ પછી યાદ ન રહેતું. એમની પણ કદાચ એ જ હાલત હતી.

થોડી વારે એન્ગસ આવ્યો. એ ભાઈ પોણાં સાતે તો માંડ ઊઠયા હતાં અને એ પણ તેનાં રૂમ-મેટએ તેને જગાડ્યો એટલે. એ ખૂબ હંગ-ઓવર હતો. આમ તો તેને જોયાં પહેલાં જ મને શું થયું હશે એ સમજાઈ ગયું હતું. થોડી વાર પછી બસમાં બધાં ગોઠવાયાં. હું એલીનીની પાસે બેઠી હતી અને મારી પાછળ જોશ અને બાજુની સીટો પર ઘણાં બધાં ટેટૂવાળા છોકારા બેઠાં હતાં. અનાયાસે અમે બધાં જ પર્થથી હતાં. ફક્ત જોશ નોર્થ ઓફ ધ રિવર. બાકીનાં અમે બધાં સાઉથ. એ પાંચ છોકરાં ટ્રેઇડી હતાં. ઓસ્ટ્રેલિયામાં પ્લમર, ઈલેક્ટ્રીશિયન વગેરે જોબ્સ ‘ટ્રેડ જોબ્સ’ તરીકે ઓળખાય છે અને એ જોબ કરતાં લોકો ‘ટ્રેઈડી’ તરીકે. પછીનાં લગભગ પાંચ દિવસ (મારી અડધી કન્ટીકી  ટ્રિપ) સુધી એ ગ્રૂપને હું ટ્રેઈડીઝ તરીકે જ ઓળખતી હતી. તેમાંથી કોઈનાં નામ મને યાદ નહોતાં. વળી, એ દિવસ છેલ્લો દિવસ હતો જ્યારે એ પાંચે આગળની સીટમાં બેઠાં હોય. પછીનાં તમામ દિવસો તેમનો અડ્ડો સૌથી પાછળની સીટમાં હતો. લગભગ પચાસ લોકોની એ બસમાં હું એક ભારતીય, એક અમેરિકન, એક કોરીયન, એક આઈરીશ, ત્રણ જર્મન, એક ઇંગ્લિશ, એક બ્રઝિલિયન અને બે ન્યુ ઝીલેન્ડર. બસ, બાકીની આખી બસ ઓસ્ટ્રેલિયન! હું ઓસ્ટ્રેલિયામાં જેટલાં કેનબેરાનાં લોકોને નથી મળી એટલાંને હું એ ટૂર બસમાં મળી છું.

બસમાં બધાં ગોઠવાઈ ગયાની પાંચેક મિનિટ પછી ટૂર-મેનેજર રાયન માઈક પર આવ્યો. તેણે બોલવાનું શરુ કર્યું એ કર્યું. કેમેય પૂરું જ ન થાય! અને એ બધાં ડૂઝ અને ડોન્ટસની અમારા પર સતત વર્ષા કરી રહ્યો હતો. મને એક સ્કૂલ-બસમાં બેસાડીને પિકનિક પર લઇ જતાં હોય તેવી ફીલિંગ આવી રહી હતી અને મારાં મનમાં હું તેને ગાળો આપી રહી હતી. કોઈ સવાર સવારમાં એટલું બક-બક કઈ રીતે કરી શકતું હશે! મારાં બસમાં ઊંઘવાનાં અરમાન એની બકવાસમાં તણાઈ રહ્યાં હતાં અને મારી પાસે સમસમીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ‘ટૂર’માં હું શું કામ આવી અને એકલી શું કામ ન ફરી એવા જાત-જાતનાં સવાલો હું મારી જાતને પૂછી રહી હતી. સાન ડીએગો શહેરમાં બસ પહોંચી પછી દોઢેક કલાકની શહેરની અને તેની પ્રખ્યાત જગ્યાઓની પરિક્રમા કરીને બસ બાલ્બોઆ પાર્ક ઊભી રહી – ટોઇલેટ બ્રેક માટે. બાલ્બોઆ પાર્ક મને ઊતરી જવાનું મન થયું હતું અને પાર્કની આર્ટ-ગેલેરી વગેરે સરખી રીતે એક્સ્પ્લોર કરવા ન મળ્યાનો મને હજી પણ રંજ છે. પાર્કમાં બસે ફક્ત એક ઊડતી મુલાકાત લીધી અને પછી બ્રોડવે સ્ટ્રીટ પર વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટર પર બધાંને ઊતરવામાં આવ્યા. ત્યાંથી બસ ત્રણ ગ્રૂપમાં બધાંને ઓપ્શનલ એક્ટીવીટી માટે લઇ/મૂકી જવાની હતી. મને પાંજરામાં પ્રાણીઓને જોવાનો કે, દરિયામાંથી કાઢીને લોકોનાં મનોરંજન માટે લાવવામાં આવેલાં જળચરોને જોવાનો બિલકુલ શોખ નહોતો એટલે હું લગભગ ચારેક કલાક સુધી કરવું હોય એ કરવા માટે મુક્ત હતી. Finally! Nobody was telling me what to do!

એ શોપિંગ સેન્ટરમાં એકાદ કલાક ફરીને હું લન્ચ માટે ગઈ અને પછી ત્યાંની મુખ્ય સ્ટ્રીટ પર ફરવા લાગી. સાન ડીએગોનું આર્કીટેક્ચર અદ્ભુત હતું! ત્યાં લગભગ બધી જ મોટી હોટેલ્સ લિસ્ટેડ હેરીટેજ-સાઈટ છે. લગભગ એકાદ કલાક જેટલું ચાલીને હું પાછી ફરવા લાગી અને મુખ્ય માર્ગ પર પડતી નાની-મોટી શેરીઓ પર થોડે દૂર સુધી અંદર જવા લાગી. એક એન્ટીક શોપમાં જઈને હું એક ગિફ્ટ-સુવેનીયર શોપમાં ગઈ. ત્યાંથી મેં મારાં પેરેન્ટ્સ માટે પોસ્ટ-કાર્ડ ખરીદ્યું જે મેં હજી સુધી પોસ્ટ નથી કર્યું. :D હું ગઈ ત્યારે શોપ શાંત હતી અને ત્યાંનો શોપ-કીપર મળતાવડો હતો એટલે મેં તેને ત્યાંની જોવાલાયક જગ્યાઓ વિશે પૂછ્યું. તેણે વીસેક મિનિટ સુધી મારી સાથે વાત કરી અને પછી ફરી હું બહાર નીકળીને ફરવા લાગી. સાન ડીએગો એલ.એ. કરતાં ઘણું અલગ હતું. એકદમ ચોખ્ખું અને એલ.એ કરતાં ઘણાં ઓછાં લોકો. થોડાં સમયમાં નિર્ધારિત જગ્યાએ બસ આવી પહોંચી હતી અને અમે બધાં ફરી બસમાં ગોઠવાયાં. સાંજે સવા ચાર થયાં હતાં. સી-વર્લ્ડ જોવા ગયેલાં લોકોમાંથી છેલ્લા ગ્રૂપની એક્ટીવીટી પતવાની બાકી હતી એટલે અમને લઈને બસ સી વર્લ્ડ તરફ ગઈ અને અમે ત્યાં ઘાસ પર બેસીને બધાંની રાહ જોવા લાગ્યાં.

હું કેલી, જેક, એઈમી અને કેઇટલિન વગેરે સાથે બેઠી હતી અને તેમની સાથે ફરીથી ઓળખાણ અને વધુ વાત-ચીત કરી રહી હતી. બધાંને પહેલી વાર એક જગ્યાએ મોટાં ગ્રૂપમાં બેસીને વાત કરવાનો મોકો મળ્યો હતો એટલે બધાં એકબીજા વિશે જાણી રહ્યાં હતાં. બસ-ડ્રાઈવર માર્કસે છોકરાંઓને ટાઈમ-પાસ માટે એક બોલ આપ્યો કે, બસ થઇ રહ્યું. ટ્રેઈડીઝ અને બીજાં બે-ત્રણ ફૂટબોલ રમવા લાગ્યાં. એ અડધી કલાકમાં પેલો બોલ લગભગ ત્રણેક વાર રસ્તા વચ્ચે એ રીતે ઊડ્યો હતો કે, અમને એકસીડન્ટ થશે એ વિશે કોઈ શંકા નહોતી રહી અને બોલ ટકશે નહી તેની પૂરેપૂરી ખાતરી થઇ ચૂકી હતી. કેલી મને રસપ્રદ અને સરળ લાગી હતી એટલે એ મારી રૂમ-મેટ હોય તો સારું એવું મનમાં થયું હતું. બધાં આવી ગયા પછી બસમાં રૂમ્સ અને રૂમ-મેટ્સ વિશે જ પહેલું અનાઉન્સમેન્ટ હતું અને મને ખરેખર કેલી મળી હતી રૂમ-મેઇટ તરીકે એટલે હું ખુશ હતી.

અમે છ વાગ્યા આસપાસ ડેઝ-ઇન હોટેલ પહોંચ્યા અને સાત વાગ્યે અમારે લિટલ-મેક્સિકોમાં ડિનર માટે નીકળવાનું હતું. એ રાત્રે સાન ડીએગોની નાઈટ-લાઈફ એન્જોય કરવા માટે પણ અમને મોકો મળવાનો હતો અને ડ્રાઈવર માર્કસ જેમને જવું હોય તેમને સિટી-સેન્ટર સુધી મૂકી જવાનો હતો. રાયન બધાંને એ રાત્રે ત્રણ જૂદી જૂદી જગ્યાનાં એક્સ્પીરિયન્સ માટે લઇ જવાનો હતો. આગલી રાત્રે સરખી ઊંઘ ન થવાને કારણે હું થાકી હતી એટલે મેં બધાં સાથે ક્લબિંગ ન જવાનું વિચાર્યું હતું.