ફીનિક્સ – સ્કોટ્સડેલ

અમેરિકા, ફીનિક્સ

સાન ડીએગોથી અમારે સવારે સાત વાગ્યા આસપાસ ફીનિકસ જવા નીકળવાનું હતું. આગલાં દિવસે જ રાયને અમને કહી રાખ્યું હતું કે, આવતી કાલે તમારો પાસપોર્ટ તમારી સાથે ઉપર રાખજો. ત્યાંથી ફીનિક્સ જતાં શરૂઆતમાં જ અમે યુ.એસ.એ અને મેક્સિકોની બોર્ડર પાસેથી પસાર થતાં હતાં. ત્યાંથી જેમ જેમ એરિઝોના નજીક આવતાં ગયાં તેમ રાયને અમને એક બહુ રસપ્રદ માહિતી આપી. “તમને પેલી વાડ દેખાય છે? બસ એટલાં કદની આ મેક્સિકન બોર્ડર છે. એક સામાન્ય માણસ આરામથી કૂદીને એક તરફથી બીજી તરફ જઈ શકે એટલી નીચી. ત્યાં જો કે, એકદમ હેવી આર્મી પેટ્રોલિંગ હોય છે હંમેશા. તમારે જો બંદૂકધારી સામાન્ય ક્રેઝી અમેરિકનને જોવો હોય તો એ આ વિસ્તારમાં જોવા મળશે તેનાં પૂરેપૂરા ચાન્સ છે. ઘણાં ક્રેઝી અમેરિકન્સ દેશભક્તિને અહીં કંઇક વધુ પડતાં જ ગંભીરતાથી લે છે. એટલે તેમનાં મત મુજબ તેમનાં દેશની ઈલ્લીગલ-ઇમિગ્રન્ટસથી રક્ષા કરવાની તેમની ફરજ છે. એટલે, બંદૂક લઈને પોતે બોર્ડર પાસે ઊભા રહે.” એ જ કારણથી એ વિસ્તારમાં ચેકિંગ પણ ઘણું કડક હતું. એટલે એરિઝોનાની હદની અંદર જતાં પાસપોર્ટ ચેકિંગ પણ થાય તેવું અમને આગલાં દિવસે કહેવામાં આવ્યું હતું. જો કે, અમને અટકાવવામાં નહોતાં આવ્યાં ક્યાંયે અને અમે બહુ સરળતાથી એરિઝોનામાં અંદર આવી ગયાં હતાં.

ફીનિકસ પહોંચતા રસ્તામાં રાયને એક આઈસ-બ્રેકર પ્રવૃત્તિમાં બધાંને પરોવ્યા. સ્પીડ-ડેટિંગ જેવું. બારી પાસે બેઠેલાં દરેક બેઠાં રહે અને આઈલ સીટ પોતાની સીટથી બે સીટ આગળ મૂવ થતી રહે અને જે કોઈ વ્યક્તિ પાસે આવે તેની સાથે તમારે વાત કરવાની. આવું ત્રણેક વખત થયું પછી તેણે એક નવો નિયમ કહ્યો. એ સમયે જે કોઈ તમારી પાસે બેઠું હોય તેની ઓળખાણ તમારે આપવાની અને તમારાં પોતાનાં વિશે ત્રણ વસ્તુઓ કહેવાની તમારું રિલેશનશિપ સ્ટેટસ, તમારી સૌથી પ્રિય જગ્યા/ગામ/દેશ અને તમે જેની સાથે સંકળાયેલા હો તેવી એક શર્મનાક (embarrassing) વાત. આ રમત એટલી લાંબી ચાલી હતી કે, તેમાં વચ્ચે હું થોડી વાર ઊંઘી પણ ગયેલી. જો કે, મજા ખૂબ આવી હતી અને લોકોને એકબીજાને ઓળખવાનો પહેલો મોકો મળ્યો હતો કે, જ્યારે બધાં એકસાથે હોય.

ત્યાર પછી અમને અમારી પહેલી વોલમાર્ટની મુલાકાતનો લ્હાવો પણ મળ્યો અને લોકોએ સૌથી પહેલી દોટ મૂકી ‘ગન્સ’ સેક્શન તરફ. એક સામાન્ય નોન-અમેરિકન વ્યક્તિ માટે જનરલ-સ્ટોરમાં ગન મળવી એ અચરજની વાત જ હોય તેવું માનું છું. જો કે, ગન ઉપાડવા બાબતે રાયને બહુ સારી રીતે બધાંને હિન્ટ આપેલી કે, “સંભવિત મર્ડર-વેપન પર કોઈ પોતાની ફિંગરપ્રિન્ટ શું કામ છોડવા ઈચ્છે એ મને નથી સમજાતું.” છતાં ઉત્સાહીઓ સ્વાભાવિક રીતે જ ગન હાથમાં લઈને ફોટો પડાવતાં હતાં. બીજું અચરજ હતું ઈલેક્ટ્રોનિક કાર્ટમાં બેસીને ત્યાં ફરતાં જાડાં-પાડા અદોદળા લોકો. અમારાં મિત્ર જોશે તો રીતસર આવાં જૂદા-જૂદા નમૂનાનાં ફોટોઝનો એક આલ્બમ બનાવેલો “પીપલ ઓફ વોલમાર્ટ” (ભાગ-૧ અને ૨!) ત્યાં મોટાં ભાગે બધાંએ મુખ્ય કામ હાલોવીન કોશ્ચ્યુમ શોધવાનું કર્યું હતું. એક કલાકનાં બ્રેકમાં બધાંએ ત્યાં ફરીને લન્ચ કર્યું અને ફીનિકસ તરફ આગળ વધ્યા. ત્યાં ઠેર ઠેર મેક્સિકો/એરિઝોનાનાં પેલાં આઇકોનિક લાંબા થોર દેખાવા લાગ્યા હતાં. તેનાં વિશે પણ રાયને ઘણી રસપ્રદ વાત કહી હતી.

રાયનનાં કહેવા પ્રમાણે એ દરેક થોરનું આયુષ્ય સો વર્ષનું હોય છે અને નેટિવ અમેરિકન (રેડ-ઇન્ડિયન) સંસ્કૃતિમાં એ દરેક થોર બરાબર એક વ્યક્તિ માનવામાં આવે છે. એરિઝોનામાં એ થોર કાપવા ગેરકાનૂની છે અને કદાચ ખૂબ મોંઘા પણ. એટલે, લોકો બાંધકામ માટે જમીન લે ત્યારે તેમની જમીનમાં આવા થોર ન હોય તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. ફીનિકસમાં કોઈ બહુ સારી યુનિવર્સિટી છે. એટલે, આખું શહેર લગભગ યુવાનોથી જ ભરેલું છે. ફીનિકસમાં અમે ફક્ત એક જ રાત રોકાવાનાં હતાં અને બહાર ક્લબ/પબમાં જવાનાં હતાં. એટલે રાયને ઘોષણા કરી કે, વેગસ સિવાય જો ક્યાંય મારે સુંદર તૈયાર થઈને નીકળવાનું હોય તો હું અહીં નીકળું. કારણ કે, ક્રાઉડ બધું યુવાન છે અને બાકીનું કામ તમારી ઓસ્ટ્રેલિયન કરી આપશે. અમેરિકન્સ લવ એક્સન્ટસ ;) અમે ચાર વાગ્યે હોટેલ પહોંચ્યા અને સાત વાગ્યે અમારે ડીનર માટે નીકળવાનું હતું. અમે ચાર છોકરીઓ રોઝી, કેલી, એઈમી અને હું અમે સૌથી પહેલાં નજીકનાં શોપિંગ સેન્ટર જવા નીકળ્યા.

દોઢ કલાકનો સમય હતો અમારી પાસે. તેમાંથી ચાલીસેક મિનિટ તો ફક્ત આવવા-જવાની થવાની હતી. અમારે ચારેને જૂદી જૂદી વસ્તુઓની જરૂર હતી એટલે અમે અંદર જઈને અલગ પડી જવાનું નક્કી કર્યું અને સાડા પાંચે જ્યાંથી છૂટાં પડયા હતાં ત્યાં જ ફરી મળવાનું નક્કી કર્યું. મારે એક પેર બ્લેક હીલ્સની અને એક પાસપોર્ટ સમાય તેવડું બ્લેક વોલેટ લેવાનું હતું. સૌથી પહેલાં તો ક્યા સ્ટોર્સમાં જવું તેની ખબર નહોતી અને લગભગ પંદર મિનિટ સુધી હું જેટલું ચાલી તેટલામાં બધી હાઈ-એન્ડ શોપ્સ જ હતી. પછી ત્યાં કામ કરતી એક છોકરીને પૂછ્યું કે, બજેટ શોપ્સ ક્યાં અને કઈ છે એટલે તેણે મને નામ કહ્યાં અને દિશા બતાવી. ગર્લ્સ, ટેક નોટ: યુ.એસ.એ.માં હો અને બજેટ શોપિંગ કરવા ઈચ્છતા હો તો ‘એચ એન્ડ એમ’ અને ‘ફોરેવર ૨૧’ તમારાં તારણહાર છે. :D મને બંને ચીજો બરાબર કટોકટ ટાઈમ પર મળી અને સાડા પાંચે નીચે પહોંચીને અમે સાથે હોટેલ જવા નીકળ્યા.

સાત વાગ્યે તૈયાર થઈને બધાં હોટેલ લોબીમાં ભેગા થયા હતાં અને ત્યાં રાયન એક ગોલ્ફ-બગ્ગી પાસે ઊભો હતો. બધાં આવી ગયાં ત્યારે તેણે અમને કહ્યું કે, આ મેં તમારાં માટે અરેન્જ કર્યું છે અને અહીં હોટેલથી રેસ્ટોરાં/બાર સુધી તમે આ બગીમાં બેસીને જશો. બધાં ખૂબ ખુશ થયાં અને એકબીજા સામે જોઇને હસવા લાગ્યાં. એક પછી એક બગી ભરાતી ગઈ અને નીકળતી ગઈ. બધાં માટે એ નવું હતું એટલે બધાં ખૂબ એન્જોય કરી  રહ્યાં હતાં અને ટ્રાફિક-લાઈટ પર એકબીજાનાં ફોટો લઇ રહ્યાં હતાં. રેસ્ટોરાં, જ્યાં અમને લઇ જવામાં આવ્યા હતાં એ થોડું વધુ પડતું જ મોંઘુ હતું. એટલે અમારી મેઈન મીલ પતાવીને પણ મને અને જેક(ફર્ગ્યુસન)ને ભૂખ લાગી હતી. આમ પણ એ બિચારો ૧૯ વર્ષનો હોવાને કારણે અહીં પણ બારમાં જઈ શકવાનો નહોતો. એટલે, મેં તેની સાથે ડિઝર્ટ માટે ક્યાંઈક જવાનું નક્કી કર્યું. જતાં પહેલાં રાયનને પૂછી લીધું કે, બધાં અહીં પછી ક્યાં જવાનાં છે અને ત્યાં કઈ રીતે પહોંચાય. પછી હું અને જેક નીકળી પડ્યાં અને એક આઈસ-ક્રીમ સ્ટોર ગયાં. જેક સાથે એ દિવસે ઘણી બધી વાત થઇ હતી. એ કોલેજમાં શું કરવા માગે છે વગેરેની. તેને ફોટોગ્રાફર બનવું હતું અને તેનાં વિશેનાં તેનાં પ્લાન્સ તે મને કહી રહ્યો હતો. અમે આર્ટ વિશે પણ એ દિવસે ઘણી વાત કરી હતી. એ પછી અમે બધાં જ્યાં જવાનાં હતાં એ બાર તરફ ગયાં. અમે કોશિશ કરી જો તે અંદર જઈ શકતો હોય તો. પણ, મેળ ન પડ્યો એટલે ત્યાંથી અમે છૂટા પડયા અને એ હોટેલ ગયો.

એ બાર પીસ ઓફ આર્ટ હતો. ત્યાં અંદર ઢગલાબંધ ગેમ્સનાં સેટ-અપ હતાં. એ મોટું વ્હીલ હતું બરાબર બાર પાસે જેનાં પર જૂદા-જૂદા ડ્રિન્ક્સ/શોટ્સનાં નામ લખેલાં હતાં. મિત્રો સાથે તમે એક પછી એક એ વ્હીલ ફેરવી શકો અને જેનાં પર કાંટો અટકે એ ડ્રિંક/શોટ તેમણે લેવાનો. એ ઉપરાંત ત્યાં બિયર-પોન્ગ માટે ટેબલ સેટ કરેલું હતું. પૂલ તો ખરું જ અને બહારનાં ભાગમાં જેન્ગાનું પણ સેટ-અપ હતું. થોડી વાર હું અંદર રહી પણ પછી બહાર બધાં સાથે જેન્ગા રમવા લાગી. એ દિવસે પહેલી વાર ડ્રાઈવર-માર્કસ અમારી સાથે બહાર આવ્યો હતો. તેનું કહેવાનું એમ હતું કે, આ જગ્યા કંઇક અલગ છે એટલે આવી જગ્યાઓમાં આવવા માટે એ હંમેશા તૈયાર હોય. પણ, સામાન્ય બાર/પબમાં તેને બહુ રસ નહોતો. જેન્ગાનો બીજો રાઉન્ડ શરુ થયો ત્યારે મારી હીલ્સ મને હેરાન કરવા લાગી હતી અને એટલે મેં થોડી વાર પાસેનાં ટેબલ પર બેસવાનું નક્કી કર્યું. ત્યાં એક ક્યૂટ છોકરો બેઠો હતો. તેની સાથે થોડી વાત શરુ થઇ. તેનું નામ હતું બ્રેન્ડન. થોડી વારમાં ત્યાં એક છોકરી આવી. એ બ્રેન્ડનની હાઉઝ-મેઇટ હતી, તેનું નામ હતું નિકોલ. એ બંને વાતોડિયા હતાં એટલે અમે ત્રણે ખૂબ હળી-મળી ગયાં. તેઓ પોતાનાં ત્રીજા હાઉઝ-મેઇટ માટે એ દિવસે બહાર આવ્યાં હતાં. એ ત્રીજો હાઉઝ-મેટ એ બારમાં બાઉન્સર હતો અને એન્ટ્રી પર ઊભો હતો. (જેનાં કારણે જેક અંદર ન આવી શક્યો ;) ) તેની નોકરીમાં એ તેનો પહેલો દિવસ હતો.

પછી તો અમારી દોસ્તી થઇ ગઈ. અમારાં પબમાં મ્યુઝિક બહુ જામે તેવું નહોતું એટલે મેં તેમને કહ્યું અને તેમણે મારે ક્યા પ્રકારનું મ્યુઝિક જોઈએ છે એ પૂછ્યું. તેમણે પૂછ્યું જો મારે તેમની સાથે બીજી જગ્યાઓ જોવી હોય તો અને એ બધી અમે જ્યાં હતાં ત્યાંથી ચાલીને જઈ શકાય તેટલી દૂર હતી. મારે જવું તો હતું પણ મારું ડ્રિંક પૂરું કરીને. તેનો પણ ઈલાજ અમે કાઢ્યો. બારમાંથી નીકળતી વખતે ડ્રિંક હાથમાં લઈને ન નીકળી શકાય. પણ, એ જગ્યા બે શેરીનાં કાટખૂણે પડતી હતી અને અમે બહાર ખુલ્લામાં બેઠાં હતાં ત્યારે. એટલે મારું ડ્રિંક અમે જે તરફ બાઉન્સર ન હોય એ તરફની પાળી પર મૂક્યું અને ફટાફટ બહાર નીકળીને બીજી તરફ જઈને ત્યાંથી ઊઠાવી લીધું. It was super funny. I’ve never even done it before (or after).   એ બંને મને જ્યાં લઇ ગયાં એ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા હતી. રોક મ્યુઝિક અને બારની બરાબર વચ્ચે એક vintage pimped-up Harley Davidson મૂકેલી હતી. ઓલ્ડ-રોક મ્યુઝિક હતું એટલે એ પ્રમાણે ક્રાઉડ બહુ યુવાન નહોતું. પણ, ત્યાં બ્રેન્ડન અને નિકોલની કંપની અને સારાં મ્યુઝિકને કારણે મને ખૂબ મજા આવી. નિકોલ પછી મને હોટેલ પણ મૂકી ગઈ હતી.