આ દિવસે પણ મારે વહેલું ઊઠવું હતું પણ અંતે દસ વાગ્યા આસપાસ જ ઊઠી શકાયું. એ સવારે માઈક ઓસ્ટિનથી જવાનો હતો એટલે સવારે તેને રસોડામાં જઈને મળીને હું સાઉથ કોન્ગ્રેસ તરફ જવા નીકળી. આગલાં દિવસે એક લિફ્ટ ડ્રાઈવરે મને ગ્રફીટી પાર્ક નામની એક જગ્યા જોવાનું કહ્યું હતું એટલે વળતાં ત્યાં પણ જવાનો ઈરાદો હતો. મારી હોસ્ટેલથી એક બસ સીધી જ ત્યાં જતી હતી એટલે હું તેમાં ચડી ગઈ. સાઉથ કોન્ગ્રેસ એ બીજું કંઈ નહીં પણ ઓસ્ટિનની પ્રખ્યાત મોટી કોન્ગ્રેસ સ્ટ્રીટનાં દક્ષિણ છેડે આવેલો એક વિસ્તાર છે.
આ જગ્યાની માહિતી મને આગલી રાત્રે ક્રિસ પાસેથી મળી હતી. મેં જયારે તેને કહ્યું કે, લન્ચ વખતે હું કોન્ગ્રેસ સ્ટ્રીટ પર હતી અને એ મને બહુ ખાલી લાગી લાગી હતી ત્યારે તેણે મને સાઉથ કોન્ગ્રેસ વિશે જણાવ્યું હતું અને એ વિસ્તાર ઓછાંમાં ઓછો એક વખત જોવાની ભલામણ કરી હતી. મને કહેવામાં આવ્યું હતું તેમ બસ ત્યાંથી પસાર થઇ ત્યાં જ હું સમજી ગઈ હતી કે, આ જ એ વિસ્તાર હોવો જોઈએ. ત્યાં ઘણી બધી નાની દુકાનો, ખાણી-પીણીનાં સ્થળો અને ઘણાં બધાં લોકો નજરે પડતાં હતાં. હું એક સ્ટોપ પર ઉતરી ગઈ અને એક પછી એક દુકાનો જોવા લાગી. બધી જ દુકાનોમાં સુંદર કળાત્મક ચીજો તો હતી જ. પણ, સાથે સાથે એર-કંડીશનરની રાહત પણ હતી. જે, એ તડકામાં અમૂલ્ય લાગતી હતી. થોડી વારમાં ભૂખ લાગી એટલે મેં જમવાની કોઈ જગ્યા શોધવા માટે યેલ્પ ખોલ્યું. ત્યાં આસપાસ પિત્ઝા, બર્ગર્સ અને સેન્ડવિચિસ સિવાય કંઈ દેખાતું નહોતું અને બાકી ફૂડ ટ્રક હતાં જેનાં માટે બહાર બેસવું પડે. એટલા તડકામાં બહાર બેસવાની મારી કોઈ જ ઈચ્છા નહોતી અને મારે કંઇક ગરમ ખાવું હતું.
એક જગ્યા મળી પણ ગઈ અને ગૂગલ મેપ્સમાં એ ચાર બ્લોક દૂર દેખાતી હતી એટલે હું એ તરફ જવા લાગી. પણ, એ તડકામાં ચાર બ્લોક ચાર કલાક જેવાં લાગ્યાં હતાં. વળી, અંદરની શેરીઓમાં ઘરો સિવાય ખાસ કંઈ રસપ્રદ હતું નહીં એટલે એ અંતર વધુ લાંબું લાગતું હતું. જો કે, એ ઉજ્જડ રસ્તે પણ નસીબજોગે મને એક સુંદર નાનો પુલ અને તેમાંથી પસાર થતો એક વહેળો જોવા મળ્યાં હતાં. એ સ્થળે પહોંચ્યા પછી તો સૌથી મોટી નિરાશા થઇ. એ જગ્યા પણ ખરેખર તો એક ફૂડ-ટ્રક જ હતી. તેની પાસે બીજું એક રેસ્ટોરાં હતું તેનું મેન્યુ જોવા હું થોડી વાર અંદર ગઈ પણ તેમાંયે કંઈ ખાસ જામે એવું નહોતું અને લાંબી રાહ જોવી પડે તેમ હતી એટલે ત્યાંથી ફરી બે બ્લોક જેવું ચાલીને પાછી સાઉથ કોન્ગ્રેસ સ્ટ્રીટ પર આવી. ગરમી બહુ લાગી હતી એટલે સૌથી પહેલાં તો જે સૌથી પહેલો દેખાયો એ સ્ટોરમાં અંદર ચાલી ગઈ અને પછી ઠંડા મગજે શું ખાવું એ વિચારવાનું રાખ્યું. અંતે સાઉથ કોન્ગ્રેસ પર જ ચાલવાનું શરુ રાખવાનું અને જ્યાં કંઈ સારું દેખાય ત્યાં રોકાઈ જવાનું નક્કી કર્યું.
એક સ્થળ સારું લાગ્યું પણ અંદર જવા માટે લાંબી લાઈન હતી એટલે માંડી વાળ્યું. ત્યાં મારું ધ્યાન ‘રોબો સુશી’ નામની એક જગ્યા પર ગયું. તેનાં વિચિત્ર પિંક ફોન્ટને કારણે બહારથી એ જગ્યા બહુ gimmicky લાગતી હતી. ઇન્ટીરીયર ફેન્સી જોવાલાયક હશે, ઓવર-પ્રાઈસ્ડ હશે અને જમવામાં કંઈ ખાસ નહીં હોય તેવું લાગ્યું હતું. પણ, એ સમયે મારી પાસે બીજા સારા ખાસ વિકલ્પો નહોતાં અને ભૂખ ખૂબ લાગી હતી એટલે હું વધુ વિચાર્યા વિના અંદર ચાલી ગઈ. અંદર જઈને જોયું તો ઇન્ટીરીયર ફક્ત સારું જ નહીં, અદ્ભુત હતું! એ નાનકડી જગ્યાને જે રીતે સજાવવામાં આવી હતી એ જોઇને હું ખૂબ ખુશ અને અવાચક થઇ ગઈ હતી. ત્યાંની દરેક દિવાલ પર સુંદર મ્યુરલ્સ હતાં અને બે-ત્રણ બેઠકો હિંચકા જેવી હતી. કલર કોમ્બીનેશન પણ બહુ સુંદર હતું. મને સુશી-બાર પર એક જગ્યા આપવામાં આવી. મેં મેન્યુ ખોલ્યું તો વેજીટેરીયન સિલેકશન પણ સારું હતું અને ભાવ પણ વ્યાજબી. ઓન્ત્રે એકદમ સ્વાદિષ્ટ! અહો આશ્ચર્યમ્! પછી તો આરામથી મેં ત્યાં ત્રણ-કોર્સનું લન્ચ કર્યું. આજ સુધી ટ્રાય કરેલી બધી જ વેજીટેરીયન સુશીમાં એ સુશી સૌથી સ્વાદિષ્ટ છે. સુશીનાં જૂદા-જૂદા પડોનાં સ્વાદોનું પરફેક્ટ બેલેન્સ! ગ્રીન-ટી અને કૉફી ફ્લેવરનાં મોચી (જાપાનીઝ ડીઝર્ટ) પણ સારાં હતાં. Talk about judging a book by its cover! (Which is usually a wise choice when picking up completely unknown books you know nothing about, with some exceptions, I think. :P) એ બધાં પછી પણ મારું લન્ચ ટિપ સાથે પચ્ચીસ ડોલરની અંદર પતી ગયું હતું – એ પણ મોટું આશ્ચર્ય હતું.
ત્યાર પછી હું સાઉથ કોન્ગ્રેસ પર જે દિશામાંથી આવી હતી એ જ દિશામાં પાછી ફરી. કારણ કે, ત્યાં અમુક રસપ્રદ શોપ્સ હતી જે મેં આ લન્ચની માથાકૂટમાં જોઈ નહોતી અને જોવા માટે મગજમાં નોંધી રાખી હતી. એક શોપમાં બહાર ડિસપ્લેમાં સુંદર મોટાં અરીસા અને અમુક વસ્તુઓ જોઈ તો એવું લાગ્યું હતું કે, એ એન્ટીક શોપ હશે અને એવું ધારીને હું અંદર ગઈ. પણ, અંદર જઈને જોયું તો ઓહોહો! એ જગ્યા બિલકુલ અણધારી નીકળી. ત્યાં એન્ટીક વસ્તુઓ તો હતી જ પણ એ નવી અને જૂની વસ્તુઓનો કુંભ-મેળો હતો. ત્યાં દુનિયાનાં જૂદા-જૂદા દેશોની કળાત્મક વસ્તુઓનાં અલગ-અલગ મોટાં જૂથ હતાં. અંદર જતાં જ ડાબા હાથ પર સૌથી પહેલી ભારતીય ઉપખંડની વસ્તુઓ હતી. ત્યાં આપણા કચ્છનું ઘણું બધું જોવા મળ્યું હતું. કચ્છનાં ભરતકામ કરેલાં તોરણો અને ચણીયા અને સિંધ-પાકિસ્તાનમાં ભરેલી સુંદર કુર્તી! આગળ ઈરાન, મોરોક્કો, મોરોક્કન માર્કેટ માટે બનેલી ફ્રેંચ વસ્તુઓ, સાઉથ અમેરિકન, ઈજિપ્શિયન, વિયેતનામીઝ, કમ્બોડિયન વગેરે ઘણાં બધાં દેશની ઘણી બધી વસ્તુઓ હતી. નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી વસ્તુઓ! મહાકાય અરીસા, તલવારો, ઘરેણાં, ઘડાં, કપડાં, હાથેથી બનાવેલાં સાબુ અને તેની સુંદર સાબુદાનીઓ, ઘર-સજાવટની વિચારી ન હોય તેવી વસ્તુઓ અને ‘આદર્શ બાલક’નાં આપડે ત્યાં શાળાઓમાં લગાવવામાં આવતાં પ્રખ્યાત પોસ્ટર્સ પણ!
એ જગ્યામાં મેં ઓછામાં ઓછાં બે કલાક વિતાવ્યા હશે અને અંતે બે વસ્તુઓ લીધી હતી. એક ક્યૂટ ગધેડો કમ્પ્યુટર પર બેઠો હોય તેવું નાનું આર્ટિકલ અને બીજી એક ટચૂકડી બેગમાં સમાયેલી બીજી પોર્ટેબલ બેગ. એ બંને બેગ્સ પર ‘ગર્લ વિથ અ પર્લ ઈયરરિંગ’ નામનું પેલું પ્રખ્યાત પેઈન્ટિંગ હતું જે મને ખૂબ ગમતું હતું. એ બનાવનાર બ્રાન્ડનું નામ પણ યથાર્થ હતું – ‘wearable art’. એ ઉપરાંત બીજી પણ એક સુંદર વસ્તુ હતી જે મને અતિશય ગમી હતી પણ મેં ખરીદી નહોતી. ક્લાસિક પુસ્તકોનાં કોઈ પાનાંની પ્રિન્ટ પર એક નાનું સુંદર પશુ કે પક્ષીનું પેઈન્ટિંગ હતું. એ કન્સેપ્ટ બહુ સરસ હતો. પણ, હું આ ઘરમાં મારાં પોતાનાં પેઈન્ટિંગ પણ નથી લગાવતી ત્યાં હું એ રાખીશ ક્યાં એ વિચારીને એ લેવાનું પડતું મૂક્યું હતું. એ શોપમાં જે બે-અઢી કલાક હું ફરી હતી તેમાં મેં મારી મમ્મીને ઢગલાબંધ મેસેજિસ કર્યા હતાં તેને કહેવા માટે કે, હું તેને કેટલી યાદ કરતી હતી. જો એ ત્યાં હોત તો એ શોપમાં અમે સાંજ સુધી તો રહ્યાં જ હોત અને તોયે અમને સમય ઓછો પડત. એ હસ્તકળાની ચાહક અને પારખુ છે. હાથની કળા મને તેની પાસેથી વારસામાં મળી છે. આપણે ત્યાંની લાખો સ્ત્રીઓની જેમ તેની પાસે દુનિયાની જૂદી-જૂદી કળાઓની કે મોડર્ન આર્ટની ખબર ભલે ન હોય પણ તેની પાસે ઝીણી કારીગરીને જોવાનો અને સમજીને વખાણવાનો પૂરો રસ છે. ક્લાસિક વિક્ટોરિયન, મિડલ ઈસ્ટર્ન કે ભારતીય કળાને જ્યારે પણ જોઉં અને માણતી હોઉં છું ત્યારે મારી સૌથી પહેલી કળાગુરુ – મમ્મીને યાદ કર્યા વિના રહી નથી શકતી. એ નહીં હોય ત્યારે પણ આવા સમયે તેને યાદ કર્યા વિના રહી નહીં શકું.