સાન ફ્રાન્સિસ્કો – એક વર્ષ પછી

નિબંધ

જવાનીનો – અને તેમાંયે ખાસ વીસીનો દશકો બહુ વિચિત્ર છે. એક પળ તો દિવસો પણ લાંબા થતાં લાગે છે અને માંડ માંડ વિતે છે અને બીજી જ પળે એક અઠવાડિયું, એક મહિનો, એક વર્ષ ચાલ્યું જાય છે અને ખબર પણ નથી પડતી. સમય એકસાથે ખૂબ ધીમો અને ખૂબ ઝડપી થતો લાગે છે – અને એવી જ રીતે સાન ફ્રાન્સિસ્કોમાં એક વર્ષ પસાર થઇ ગયું. સાન ફ્રાન્સિસ્કો સાથેનો મારો હનીમૂન પીરિયડ ધીમે ધીમે ઓસરતો ગયો અને ઘણી બધી વાસ્તવિકતાઓ સપાટી પર આવ્યા પછી પણ મને આ શહેર ખૂબ પ્રિય છે, તેનું મને આશ્ચર્ય છે.

જીવન થોડું ધીમું પાડવા લાગ્યું છે. કરિયર અને પાર્ટનર એ બે બાબતો પર બધું જ કેન્દ્રિત થઇ ગયું હોય તેવું લાગે છે અને એ સિવાય થોડી સ્થગિતતા આવવા લાગી છે. આ સ્થગિતતા જો કે, મારી પસંદગીથી આવી છે એટલે એ વિષે મને કોઈ ફરિયાદ નથી. ઘણાં બધાં વર્ષો પછી હું ફાઈનલી ખૂબ કમ્ફર્ટેબલ ફીલ કરી રહી છું જે સારી વાત છે. કદાચ એ કારણે પણ હમણાં વધુ લખવાનું સૂજતું નથી. ક્યારેક વિચારતી હોઉં છું અમુક વિષયો પર લખવાનું પણ પછી કંઇક કામ યાદ આવી જાય છે અને પછી બધું જ ભૂલાઈ જાય છે. હમણાં તો ફક્ત એટલો વિચાર આવે છે કે, ભૂતકાળમાં હું વિચારતી કે, જેમની પાસે દિવસનાં સમયમાં કોઈ અલગ જોબ હોય છે અને પોતાનાં સમયમાં ક્રિએટિવ રહેતાં હોય તેવાં લોકો અમુક સમયે પોતાની ક્રિએટિવીટીથી કેમ દૂર થઇ જતાં હશે અને કરિયર-કરિયરનું એટલું શું હોતું હશે? હવે મને સમજાય છે. :D

ઓ વેલ! જીવનનાં આરોહ-અવરોહમાં આવો પણ એક સમય હોતો હશે. આ પણ પસાર થઇ જશે. બાકી તો આવતાં વીકેન્ડ પર મોન્ટ્રિયલ જઈ રહી છું એટલે એ વિષે ઘણું લખવાનું હશે. મને અફસોસ છે કે, છેલ્લાં અમુક સમયમાં મેં ટ્રાવેલ અને સ્થળો સિવાયનાં કોઈ વિષય પર લખ્યું જ નથી. ફક્ત ‘ડેસ્ટીનેશન્સ’ વિષે લખવું મને બહુ સિંગલ-ડાઇમેન્શનલ લાગે છે. પણ, ઘણાં સમયથી એ સિવાય કંઈ લખ્યું નથી એટલે એ સિવાય કંઈ સૂજતું પણ નથી. જોઈએ આવતાં એકાદ અઠવાડિયામાં કંઇક સૂજ્શે તો લખવામાં આવશે.

4 thoughts on “સાન ફ્રાન્સિસ્કો – એક વર્ષ પછી

  1. “કંઇક સુજવું” – એ કુદરતી પ્રક્રિયા છે, એમાં આપણું કંઇ ન ચાલે! (આવું કોઇએ કહ્યું હોય તેવું જાણમાં નથી, આ તો હું આવી રીતે મારું મન મનાવું છું એટલે આપને જણાવ્યું.)

Comments are closed.