કન્ટીકી!

અમેરિકા, સાન ડીએગો

લોસ એન્જેલસની છેલ્લી રાત્રે ધાર્યાં પ્રમાણે બ્રઝીલિયન છોકરીઓ ક્લબિંગ પતાવીને એકાદ વાગ્યે રૂમમાં આવી અને દરવાજા, બેગની ઝિપ વગેરેનાં અવાજ, બાથરૂમની લાઈટ ચાલુ-બંધ વગેરે ઘણાં ઉપદ્રવ થયા. એક વખત મને STFU! એમ રાડ પાડવાનું પણ મન થઇ ગયું હતું. વીસેક મિનિટ પછી ફરી શાંતિ થઈ અને હું ઊંઘાય તેવું જેવું તેવું ઊંઘી. સવારે સવા છએ નક્કી કર્યા પ્રમાણે ચેક-આઉટ કરીને હું એન્ગસની રાહ પણ જોતી હતી. પણ, બીજી દસ મિનિટ સુધી તેનાં દર્શન ન થયાં એટલે મેં મારી રીતે આગળ વધવાનું નક્કી કર્યું. ત્રણ બેગ લઈને હાઈલેન્ડ સ્ટેશન સુધીનો એ રસ્તો મને અત્યાર સુધીમાં લાંબામાં લાંબો લાગ્યો હતો. ટ્રેઈન ફુલ હતી પણ કોઈ ભલો માણસ મારી બેગ્સ જોઇને ઊભો થઇ ગયો અને મારાં માટે સીટ ખાલી કરી આપી. ગ્રાન્ડ સેન્ટ્રલથી મિયાકો હોટેલ નજીક હતી. પણ, કઈ દિશામાં નજીક એ જોવાનું હું ભૂલી ગઈ હતી. મારી પાસે એ જોવા માટે ફોનમાં  ઇન્ટરનેટ નહોતું અને હું ઓલરેડી ધાર્યા કરતાં મોડી હતી એટલે મેં ટેક્સી રોકવાનું નક્કી કર્યું. ટેક્સી એક પણ હરામ બરાબર ઊભી રહે તો! રસ્તામાં એક છોકરીને પૂછ્યું ટેક્સી વિશે પણ તેણે મને ફોન કરીને બુક કરવાનું કહ્યું. ફોન પણ થાય તેમ નહોતો. મારી પાસે સિમ કાર્ડ નહોતું. બાય ધ વે, મારી આખી ટ્રિપ ફોન-લાઈન વિના જ થઈ. મેસેજિસ કરવા માટે વોટ્સએપ, ગૂગલ હેન્ગઆઉટ્સ વગેરે હતાં અને કદાચ કોઈકને ફોન કરવાની જરૂર પડે તો એ ફોનમાં વોઈપ એપ્લીકેશનની મદદથી ઇન્ટરનેટ પર જ થઇ શકતાં હતાં. જિંદગી તમામપણે ફ્રી વાઈ-ફાઈ પર ચાલી હતી.

ટેક્સી એક પણ ઊભી રહેતી નહોતી અને હું રસ્તામાં લોકોને પૂછીને જે દિશા સાચી કહેવામાં આવી હતી એ તરફ બેબાકળી ચાલવા લાગી હતી. દસ મિનિટનાં હાઈ બ્લડ-પ્રેશર અને મિની હાર્ટ-અટેક પછી એક ટેક્સી ડ્રાઈવર હું ચાલતી હતી એ રસ્તાનાં ખૂણે ટેક્સી-રેન્ક પર ઊભો રહ્યો અને ચાલીને મને ટેક્સી જોઈએ છે કે કેમ એ પૂછવા આવ્યો. મારો મસીહા! ત્યાંથી મિયાકો પહોંચતા મને લગભગ સાતથી આઠ મિનિટ થઇ અને સામે જ કન્ટીકી બસ ઊભી હતી. અંદર જતાં જ લોબીમાં ઢગલાબંધ છોકારા-છોકરીઓ બેઠાં હતાં. સૌથી પહેલાં હું રેજીસ્ટ્રેશન પતાવવા ગઈ અને પછી ગ્રૂપમાં ઓળખાય એ લોકો ગોતવા લાગી. કન્ટીકીની એક ઓનલાઈન મીટ-અપ એપ્લીકેશન છે. જેમાં તમે તમારાં સહ-પ્રવાસીઓને ઓળખી શકો અને તેમની સાથે વાત-ચીત કરી શકો. મીટ-અપ પર જેટલાં સાથે વાત થઇ હતી એ બધાંને હું શોધી શકી હતી. લુઈઝ (યુ.કે.થી), એલીની (બ્રઝીલથી), જોશ (પર્થથી) અને અરુન (અમેરિકન). બાકીનાં લોકોને ત્યારે હું પહેલી વાર મળી રહી હતી. બધાં પોતાનાં નામ કહી રહ્યાં હતાં અને મને એક પણ પાંચ મિનિટ પછી યાદ ન રહેતું. એમની પણ કદાચ એ જ હાલત હતી.

થોડી વારે એન્ગસ આવ્યો. એ ભાઈ પોણાં સાતે તો માંડ ઊઠયા હતાં અને એ પણ તેનાં રૂમ-મેટએ તેને જગાડ્યો એટલે. એ ખૂબ હંગ-ઓવર હતો. આમ તો તેને જોયાં પહેલાં જ મને શું થયું હશે એ સમજાઈ ગયું હતું. થોડી વાર પછી બસમાં બધાં ગોઠવાયાં. હું એલીનીની પાસે બેઠી હતી અને મારી પાછળ જોશ અને બાજુની સીટો પર ઘણાં બધાં ટેટૂવાળા છોકારા બેઠાં હતાં. અનાયાસે અમે બધાં જ પર્થથી હતાં. ફક્ત જોશ નોર્થ ઓફ ધ રિવર. બાકીનાં અમે બધાં સાઉથ. એ પાંચ છોકરાં ટ્રેઇડી હતાં. ઓસ્ટ્રેલિયામાં પ્લમર, ઈલેક્ટ્રીશિયન વગેરે જોબ્સ ‘ટ્રેડ જોબ્સ’ તરીકે ઓળખાય છે અને એ જોબ કરતાં લોકો ‘ટ્રેઈડી’ તરીકે. પછીનાં લગભગ પાંચ દિવસ (મારી અડધી કન્ટીકી  ટ્રિપ) સુધી એ ગ્રૂપને હું ટ્રેઈડીઝ તરીકે જ ઓળખતી હતી. તેમાંથી કોઈનાં નામ મને યાદ નહોતાં. વળી, એ દિવસ છેલ્લો દિવસ હતો જ્યારે એ પાંચે આગળની સીટમાં બેઠાં હોય. પછીનાં તમામ દિવસો તેમનો અડ્ડો સૌથી પાછળની સીટમાં હતો. લગભગ પચાસ લોકોની એ બસમાં હું એક ભારતીય, એક અમેરિકન, એક કોરીયન, એક આઈરીશ, ત્રણ જર્મન, એક ઇંગ્લિશ, એક બ્રઝિલિયન અને બે ન્યુ ઝીલેન્ડર. બસ, બાકીની આખી બસ ઓસ્ટ્રેલિયન! હું ઓસ્ટ્રેલિયામાં જેટલાં કેનબેરાનાં લોકોને નથી મળી એટલાંને હું એ ટૂર બસમાં મળી છું.

બસમાં બધાં ગોઠવાઈ ગયાની પાંચેક મિનિટ પછી ટૂર-મેનેજર રાયન માઈક પર આવ્યો. તેણે બોલવાનું શરુ કર્યું એ કર્યું. કેમેય પૂરું જ ન થાય! અને એ બધાં ડૂઝ અને ડોન્ટસની અમારા પર સતત વર્ષા કરી રહ્યો હતો. મને એક સ્કૂલ-બસમાં બેસાડીને પિકનિક પર લઇ જતાં હોય તેવી ફીલિંગ આવી રહી હતી અને મારાં મનમાં હું તેને ગાળો આપી રહી હતી. કોઈ સવાર સવારમાં એટલું બક-બક કઈ રીતે કરી શકતું હશે! મારાં બસમાં ઊંઘવાનાં અરમાન એની બકવાસમાં તણાઈ રહ્યાં હતાં અને મારી પાસે સમસમીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ‘ટૂર’માં હું શું કામ આવી અને એકલી શું કામ ન ફરી એવા જાત-જાતનાં સવાલો હું મારી જાતને પૂછી રહી હતી. સાન ડીએગો શહેરમાં બસ પહોંચી પછી દોઢેક કલાકની શહેરની અને તેની પ્રખ્યાત જગ્યાઓની પરિક્રમા કરીને બસ બાલ્બોઆ પાર્ક ઊભી રહી – ટોઇલેટ બ્રેક માટે. બાલ્બોઆ પાર્ક મને ઊતરી જવાનું મન થયું હતું અને પાર્કની આર્ટ-ગેલેરી વગેરે સરખી રીતે એક્સ્પ્લોર કરવા ન મળ્યાનો મને હજી પણ રંજ છે. પાર્કમાં બસે ફક્ત એક ઊડતી મુલાકાત લીધી અને પછી બ્રોડવે સ્ટ્રીટ પર વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટર પર બધાંને ઊતરવામાં આવ્યા. ત્યાંથી બસ ત્રણ ગ્રૂપમાં બધાંને ઓપ્શનલ એક્ટીવીટી માટે લઇ/મૂકી જવાની હતી. મને પાંજરામાં પ્રાણીઓને જોવાનો કે, દરિયામાંથી કાઢીને લોકોનાં મનોરંજન માટે લાવવામાં આવેલાં જળચરોને જોવાનો બિલકુલ શોખ નહોતો એટલે હું લગભગ ચારેક કલાક સુધી કરવું હોય એ કરવા માટે મુક્ત હતી. Finally! Nobody was telling me what to do!

એ શોપિંગ સેન્ટરમાં એકાદ કલાક ફરીને હું લન્ચ માટે ગઈ અને પછી ત્યાંની મુખ્ય સ્ટ્રીટ પર ફરવા લાગી. સાન ડીએગોનું આર્કીટેક્ચર અદ્ભુત હતું! ત્યાં લગભગ બધી જ મોટી હોટેલ્સ લિસ્ટેડ હેરીટેજ-સાઈટ છે. લગભગ એકાદ કલાક જેટલું ચાલીને હું પાછી ફરવા લાગી અને મુખ્ય માર્ગ પર પડતી નાની-મોટી શેરીઓ પર થોડે દૂર સુધી અંદર જવા લાગી. એક એન્ટીક શોપમાં જઈને હું એક ગિફ્ટ-સુવેનીયર શોપમાં ગઈ. ત્યાંથી મેં મારાં પેરેન્ટ્સ માટે પોસ્ટ-કાર્ડ ખરીદ્યું જે મેં હજી સુધી પોસ્ટ નથી કર્યું. :D હું ગઈ ત્યારે શોપ શાંત હતી અને ત્યાંનો શોપ-કીપર મળતાવડો હતો એટલે મેં તેને ત્યાંની જોવાલાયક જગ્યાઓ વિશે પૂછ્યું. તેણે વીસેક મિનિટ સુધી મારી સાથે વાત કરી અને પછી ફરી હું બહાર નીકળીને ફરવા લાગી. સાન ડીએગો એલ.એ. કરતાં ઘણું અલગ હતું. એકદમ ચોખ્ખું અને એલ.એ કરતાં ઘણાં ઓછાં લોકો. થોડાં સમયમાં નિર્ધારિત જગ્યાએ બસ આવી પહોંચી હતી અને અમે બધાં ફરી બસમાં ગોઠવાયાં. સાંજે સવા ચાર થયાં હતાં. સી-વર્લ્ડ જોવા ગયેલાં લોકોમાંથી છેલ્લા ગ્રૂપની એક્ટીવીટી પતવાની બાકી હતી એટલે અમને લઈને બસ સી વર્લ્ડ તરફ ગઈ અને અમે ત્યાં ઘાસ પર બેસીને બધાંની રાહ જોવા લાગ્યાં.

હું કેલી, જેક, એઈમી અને કેઇટલિન વગેરે સાથે બેઠી હતી અને તેમની સાથે ફરીથી ઓળખાણ અને વધુ વાત-ચીત કરી રહી હતી. બધાંને પહેલી વાર એક જગ્યાએ મોટાં ગ્રૂપમાં બેસીને વાત કરવાનો મોકો મળ્યો હતો એટલે બધાં એકબીજા વિશે જાણી રહ્યાં હતાં. બસ-ડ્રાઈવર માર્કસે છોકરાંઓને ટાઈમ-પાસ માટે એક બોલ આપ્યો કે, બસ થઇ રહ્યું. ટ્રેઈડીઝ અને બીજાં બે-ત્રણ ફૂટબોલ રમવા લાગ્યાં. એ અડધી કલાકમાં પેલો બોલ લગભગ ત્રણેક વાર રસ્તા વચ્ચે એ રીતે ઊડ્યો હતો કે, અમને એકસીડન્ટ થશે એ વિશે કોઈ શંકા નહોતી રહી અને બોલ ટકશે નહી તેની પૂરેપૂરી ખાતરી થઇ ચૂકી હતી. કેલી મને રસપ્રદ અને સરળ લાગી હતી એટલે એ મારી રૂમ-મેટ હોય તો સારું એવું મનમાં થયું હતું. બધાં આવી ગયા પછી બસમાં રૂમ્સ અને રૂમ-મેટ્સ વિશે જ પહેલું અનાઉન્સમેન્ટ હતું અને મને ખરેખર કેલી મળી હતી રૂમ-મેઇટ તરીકે એટલે હું ખુશ હતી.

અમે છ વાગ્યા આસપાસ ડેઝ-ઇન હોટેલ પહોંચ્યા અને સાત વાગ્યે અમારે લિટલ-મેક્સિકોમાં ડિનર માટે નીકળવાનું હતું. એ રાત્રે સાન ડીએગોની નાઈટ-લાઈફ એન્જોય કરવા માટે પણ અમને મોકો મળવાનો હતો અને ડ્રાઈવર માર્કસ જેમને જવું હોય તેમને સિટી-સેન્ટર સુધી મૂકી જવાનો હતો. રાયન બધાંને એ રાત્રે ત્રણ જૂદી જૂદી જગ્યાનાં એક્સ્પીરિયન્સ માટે લઇ જવાનો હતો. આગલી રાત્રે સરખી ઊંઘ ન થવાને કારણે હું થાકી હતી એટલે મેં બધાં સાથે ક્લબિંગ ન જવાનું વિચાર્યું હતું.

Leave a comment