મેલ્બર્નમાં લેન્ડ થતાં

ઓસ્ટ્રેલિયા, મેલ્બર્ન

મેલ્બર્ન વિશે મેં મિત્રો પાસેથી ઘણું સાંભળ્યું હતું. મને નજીકથી ઓળખનારા દરેકનો એવો મત હતો કે, મને મેલ્બર્ન ખૂબ ગમશે. સિડની વિશેનાં મારાં બધાં બળાપા સાંભળ્યા પછી પણ (વાંચો ૨૦૧૨-ઓક્ટોબર નવેમ્બરની પોસ્ટ્સ) તેઓ આ મતનાં હતાં એ સાંભળીને મને પણ મેલ્બર્ન વિશે સારી એવી ઉત્સુકતા જાગી હતી.  આ વખતે એરલાઈન પણ અલગ હતી. સિડની હું ક્વાન્ટાસમાં ગઈ હતી. પણ, મેલ્બર્નની મુલાકાત વર્જિન-ઓસ્ટ્રેલિયા દ્વારા હતી. હવે ક્વાન્ટાસ એક વ્યવસ્થિત એરલાઈન છે જ્યારે, વર્જિન ઓસ્ટ્રેલિયા બજેટ-એરલાઈનમાં ગણાય છે (બેગેજ અલાવન્સ અને મીલ માટે ચાર્જ આપવાનો રહે) અને સ્વાભાવિક રીતે જ આપણને એવો વિચાર આવે કે, બજેટ એરલાઈન પાસેથી તમે બજેટ જેવી જ અપેક્ષા રાખી શકો. જો ક્વાન્ટાસનો મારો અનુભવ પણ મારો બહુ સારો નહોતો તો વર્જિન પાસેથી તો આશા જ શું રાખવી! પણ, મારી ધારણા સદંતર ખોટી પડી.

અન્ય બજેટ એરલાઈનની અપેક્ષાએ વર્જિનનું એરક્રાફ્ટ ઘણું મોટું હતું એટલે બે સીટ વચ્ચે સારું એવું અંતર હતું અને પૂરતો લેગ-રૂમ હતો. સીટ પણ પૂરતી મોટી હતી. એમિરેટ્સનાં અમદાવાદ-દુબઈ ઇન્ટરનેશનલ કેરિયર કરતાં ઘણી મોટી. મીલ્સ પસંદ ન કરી હોવાં છતાં પણ તેમણે કોમ્પ્લિમેન્ટરી મીલ્સ આપી હતી એક નોન-વેજ અને એક વેજીટેરીયન ઓપ્શન સાથે. અને કોઈ એક કંપનીની બીયર, રેડ વાઈન (શિરાઝ) અથવા વાઈટ વાઈન (સોવેનિયન બ્લાન્ક), સોફ્ટ ડ્રિન્ક્સ અને જ્યુસ આટલું કોમ્પ્લીમેન્ટરી ડ્રિન્ક્સ મેન્યુમાં હતું! વળી, ડ્રિન્ક્સ શરૂઆતમાં અને મીલ્સ સાથે એમ બે વખત ઓફર કરવામાં આવેલાં. એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમ પણ સારી હતી. ત્રણ કલાકની ફ્લાઈટમાં આટલું ઓફર કર્યાં છતાંયે ભાવ અને નામ ‘બજેટ એરલાઈન’નું! દરેક રીતે તેમની સર્વિસ અને ફ્લાઈટ અટેન્ડન્ટ્સનો વ્યવહાર ક્વાન્ટાસ કરતાં ૧૦૦૦ ગણો સારો હતો. આમ, સિડની વખત કરતાં ઉલ્ટું મેલ્બર્ન તો જવાની શરૂઆત જ આનંદદાયક થઇ હતી.

ત્યાં અમે રાત્રે ૧૦ વાગ્યે લેન્ડ થયાં અને તરત જ ટેક્સીમાં અમારી હોટેલ તરફ રવાના થયાં. હોટેલની ઔપચારિકતાઓ પતાવીને અમારાં રૂમમાં સામાન મૂકીને અમે નવરા પડ્યાં ત્યાં તો લગભગ સાડા અગિયાર જેવું થયું હતું. સુઝાનાએ મને પૂછ્યું, હવે શું કરશું? મને થયું એ ફક્ત ઔપચારિકતા ખાતર પૂછે છે અને હું કહીશ કે, હવે સુઈ જઈએ અને એ કહેશે ઓકે અને અમે સુઈ જઈશું. પણ, એ બહેને તો મને સામે પ્રશ્ન કર્યો “રીયલી?” મારી આંખો ચમકી. મેં પૂછ્યું હા કેમ તારા મનમાં શું વિચાર છે? તેણે કહ્યું, “ચાલ બહાર ચક્કર લગાવીએ. આમ પણ આપણે સિટી સેન્ટરમાં છીએ. કંઇક ને કંઇક તો ખુલ્લું જ હશે.” મને એક સેકન્ડ તો માનવામાં ન આવ્યું કે, આ છોકરીએ આ કહ્યું. એ બે-ત્રણ વર્ષથી મારી મિત્ર છે એટલે તેની પાસેથી હું શું અપેક્ષા રાખી શકું અને શું નહીં તેની મને ખબર હતી … કે, પછી મને એવું લાગતું હતું! :) તેણે એ આખી ટ્રિપ મેં તેને જે વ્યક્તિ તરીકે ઓળખી છે તેનાં કરતાં અલગ જ વર્તાવ કર્યો. એટલે જ કદાચ કહે છે કે, કોઈને તમારે સારી રીતે ઓળખવા હોય તો તેમની સાથે ટ્રાવેલ કરો. એની વે, તેનો પ્રસ્તાવ મને પણ રસપ્રદ લાગ્યો. આવું કશું મેં ક્યારેય મેં પહેલાં કર્યું નહોતું. એક અજાણ્યા શહેરમાં રાત્રે ૧૦ વાગ્યે લેન્ડ થઈને ૧૧:૩૦ વાગ્યે થાક્યા હોવા છતાંયે બેગ મૂકીને રૂમ બંધ કરીને બહાર નીકળવું કોઈ પ્લાન વિના, ક્યારે પાછાં ફરીશું કે શું કરીશું તેની જાણ વિના. એ બહુ રસપ્રદ હતું.

અમે થોડો સમય સીધા આગળ ચાલ્યાં. લગભગ બધું જ બંધ હતું અને અમે સિટી સેન્ટરમાં ટિપિકલ મોટાં બિલ્ડિંગ્સ પાસેથી પસાર થતાં હતાં. ત્યાં ઘણી બધી ગલીઓમાં પર્થનાં સિટી સેન્ટર જેવી જ લાગણી આવતી હતી. શેરીઓનાં નામ વાંચતા અમે અંગ્રેજ સેટલરોની ક્રિએટીવીટીની મજાક ઉડાવતાં હતાં. મરી સ્ટ્રીટ, કોલિન્સ સ્ટ્રીટ, કિંગ્સ સ્ટ્રીટ, ક્વીન્સ સ્ટ્રીટ વગેરે. લગભગ બધાં જ નામ પર્થમાં હતાં. સિડનીમાં પણ એવું જ થયું હતું. તેમની મેઈન સ્ટ્રીટ છે ‘સેન્ટ જ્યોર્જ સ્ટ્રીટ’ અને પર્થ સિટીમાં સીબીડી વિસ્તારની સૌથી મોટી સ્ટ્રીટ ‘સેન્ટ જ્યોર્જ્સ ટેરેસ’. :P થોડો સમય આમ ચાલ્યા પછી અમે કોઈ બાર કે પબ ખુલ્લું હોય ત્યાં જવાનું નક્કી કર્યું. તકલીફ ફક્ત એ હતી કે, કોઈ પણ સારાં બારમાં ડ્રેસિંગ સ્ટાન્ડર્ડ સ્માર્ટ કેઝ્યુઅલ હોય. એટલે કે, સ્નીકર્સ, નાઈટ-ડ્રેસ, ટ્રેક-સૂટ, સ્લિપર વગેરે પહેરેલાં ન ચાલે. મેં ત્યારે સ્લીપર પહેર્યા હતાં અને સુઝાનાએ ટ્રેક-સૂટ અને સ્નીકર્સ. એક તો કશું આમ પણ ખુલ્લું નહોતું દેખાતું અને તેમાંયે કોઈ એવો બાર શોધવો જ્યાં ડ્રેસિંગ સ્ટાન્ડર્ડ બહુ ઊંચું ન હોય! હમમ … અઘરું થવાનું હતું.

પહેલાં તો અમે જે તરફ વધુ માણસો દેખાય તે તરફ જવાનું નક્કી કર્યું. તેની પાછળનો તર્ક એવો હતો કે, જ્યાં યુવાનોની ભીડ હોય ત્યાં જરૂર કોઈ બાર, પબ, રેસ્ટોરાં, પૂલ પાર્લર કે તેવું કંઇક ઇન્ટરેસ્ટિંગ હોવાનું. આમ કરતાં અમે એકાદ બે ક્લબ સુધી પહોંચ્યા. પણ, સ્વાભાવિક રીતે જ ક્લબમાં તો આવા કપડાંમાં ન જ જવા દે (ક્લબનાં ડ્રેસિંગ સ્ટાન્ડર્ડ પબ/બારથી ઊંચા જ હોય જનરલી) . બીજા ક્લબ સુધી પહોંચ્યાં ત્યાં સુધીમાં મને એક વિચાર આવ્યો. આ બાઉન્સર અમને અહીં અંદર ન જવા દે પણ, અમને કહી તો શકે ને કે, અમને આવાં કપડાંમાં આવવા દે તેવો બાર અહીં નજીકમાં ક્યાં હશે! મેં પૂછ્યું. તેણે અમને રસ્તો સમજાવ્યો. પણ, એ રસ્તે તેણે કહ્યું હતું તેટલાં અંતરમાં તો અમને કંઈ જ ન મળ્યું. ફરી અમે લોકોની ભીડ તરફ જવા લાગ્યાં. બહુ હાસ્યાસ્પદ હતું એ. થોડું થોડું અંદર સીધાં ચાલતાં. પછી અચાનક કોઈ રેન્ડમ ટ્રાફિક સિગ્નલ પર કાં હું જોરથી બોલું અથવા સુઝાના જોરથી બોલે “લેફ્ટ, રાઈટ ઓર સેન્ટર?” પછી બીજી વ્યક્તિ જે જવાબ દે તે બાજુ જઈએ. કારણ ક્યાં જતાં હતાં એ બેમાંથી કોઈને ખબર તો હતી જ નહીં અને ફોનની બેટરી બંનેની મરી ગયેલી હતી એટલે ગૂગલ મેપ્સ તો ભૂલી જ જાઓ.

આમ કરતાં અમે જી.પિ.ઓ. અને મેઈન શોપિંગ એરિયા સુધી પહોંચ્યા. લગભગ બધી દૂકાનો બંધ હતી અને માયર બંધ થતું હતું. અમને બહુ આશ્ચર્ય થયું હતું. રાત્રે ૧૨ વાગ્યે જો લોકો હજુ બહાર નીકળતાં હોય તો શોપિંગ અવર્સ કેટલાં વાગ્યા સુધી ચાલતા હશે! પછી રહી રહીને અમને લાઈટ થઇ કે, એ દિવસે બોક્સિંગ ડે હતો એટલે કદાચ સામાન્ય કરતાં મોડે સુધી બધું ખુલ્લું હોવું જોઈએ. જો કે, પર્થમાં તો આવા દિવસોમાં પણ તમને ૧૦ પછી તો કંઈ ખુલ્લું ન જ જોવા મળે. અમે આશ્ચર્યથી જોઈ રહ્યાં એકબીજા તરફ અને પછી આગળ વધ્યા. અંતે ત્યાંથી થોડે દૂર અમે એક જગ્યાએ પહોંચ્યા જ્યાં એક ટેરેસ બાર અને લાઉન્જ હતાં. અમને અંદર એન્ટ્રી પણ મળી ગઈ. એ બિલ્ડિંગ પણ જોરદાર હતું. પહેલાં માળ પર રેસ્ટોરાં, પછીનાં માળે કોકટેઈલ બાર, તેનાં ઉપર બોલ-રૂમ અને ચોથા માળે આ ટેરેસ-બાર. નીચેનાં ત્રણે માળ બંધ થઇ ગયાં હતાં અને તેઓ લગભગ એકાદ કલાકમાં ટેરેસ પણ બંધ કરવાનાં હતાં. પણ, અમારાં માટે એટલું પૂરતું હતું. આમ પણ, અમારે એક-બે ડ્રિન્ક્સથી વધુ કંઈ પીવું નહોતું. ત્યાં બહુ ભીડ પણ નહોતી. બે-ત્રણ નાના ગ્રૂપ હતાં અને ધીમે ધીમે તેઓ પણ જઈ રહ્યા હતાં. અંતે ત્યાં અમારી પાસે એક બાર-ટેન્ડર આવ્યો હતો અને સ્વાભાવિક રીતે જ તેની સાથે અમારી થોડી વાત થઇ કે, અમે પર્થથી છીએ વગેરે. એ મૂળ આફ્રિકન હતો અને મેં મારી ભારતીય નેશનાલીટી જણાવી. જ્યારે સુઝાનાએ કહ્યું કે એ સર્બિયન છે ત્યારે પેલાંએ રસ દેખાડ્યો અને કહ્યું કે તેને થોડું રશિયન આવડે છે. રશિયન અને સર્બિયન બહુ નજીકની ભાષાઓ છે. તેણે જ્યારે સુઝાનાને કહ્યું ત્યારે મને લાગ્યું કે, તેને કદાચ એટલું કંઈ આવડતું નથી. એકાદ બે શબ્દો કે વાક્યો આવડતા હશે અને એટલામાં સારી રીતે લાઈન મારાય જાય. :P પણ, ત્યાં પણ હું સાનંદાશ્ચર્ય ખોટી પડી. તેણે બહુ સરળતાથી સુઝાના સાથે લગભગ પાંચેક મિનિટ રશિયનમાં વાત કરી.

બસ, પછી તો અમે ત્યાંથી પાછાં ફર્યાં અને કયા રસ્તે આવ્યા હતાં એ યાદ કરવા લાગ્યા. અમને બંનેને લગભગ રસ્તો યાદ હતો એટલે બહુ ચિંતા કરવાની જરૂર નહોતી અને અમારાં ધાર્યા પ્રમાણે લગભગ એકાદ શેરી ખોટી પકડ્યા છતાંયે અમે કોઈ મુશ્કેલી વિના અમારી હોટેલ સુધી પહોંચી ગયાં. આ ટ્રિપની  રસપ્રદ શરૂઆત થઇ ચુકી હતી અને મને કોઈ અંદાજો નહોતો કે, હવે પછીનાં ૬ દિવસ મારાં માટે શું લાવવાનાં હતાં.

7 thoughts on “મેલ્બર્નમાં લેન્ડ થતાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s